• 27 December 2023

    ભજન/ગરબા.

    ભક્ત બોડાણો

    0 18

    ભક્ત બોડાણો


    તા.૧૩.૪.૯૦
    ઢાળ:- રાગ-"કીડી બાઇની જાન" ને મળતો.
    નામ,વજેસંગ,પત્ની-ગંગાબાઇ, સંવત,૧૨૧૨,ઈસ.૧૧૫૬, ૨૦, વર્ષની ઉમરથી દ્વારિકા જવાનું શરુ કર્યું. ૭૨ વર્ષ સુધી દર કાર્તિકી પૂનમે દ્વારકા ગયા, ૮૦ વરસની ઉમરે આ પ્રસંગ બન્યો. હાથમાં જવારા વાવે. અષાઢી ૧૧, રવાના થાય, (ડાકોર =ડંકપુર)
    સાખી-સંત મહંત કે જ્ઞાની જન, ભક્ત, વિરક્ત, નિષ્કામ
    ભાગ્ય વિણ મળતા નથી, ભલે ભટકો ઠામો ઠામ......

    ભક્ત ઉદ્ધારણ ભૂધરો રે, રાખે ભક્તોની નેમ. પ્રણ બધાએ એના પાળતો,
    રાખે બાળકની જેમ, ભોળા ભક્તોનો ભગવાન છે..

    ડાકોરે વસે એક દૂબળો રે, જેણે રાખેલી ટેક. પૂનમે દ્વારિકા આવતો,
    નહીં કરતો મીનમેખ, દર્શન કરવાની એને નેમ છે..

    ઘણા વખતના વાણા વાયા, નહીં તોડેલી ટેક. પણ-શરીર સૂકાણું સમય જતાં,
    ખૂટ્યાં મનના આવેગ, પહોંચી જરાની હવે પીડ છે..

    આવતી પૂનમે કેમ પહોંચાશે, લાગે છેલ્લી છે ખેપ. સાંભળો અરજ મારી શામળા,
    કરૂં વિનંતી હરિ એક, તારે ભરોંસે મારી નાવ છે...

    કાયા મારી શા કામની રે, જો ના પણને પળાય. દેહ પડે જો તારે દેવળે,
    માન મારું રહી જાય, દોરી તમારે હાથ છે..

    દોડી દામોદર આવ્યાં રે, ઝાલ્યો બોડાણાનો હાથ. રહું સદા તારા સંગમાં,
    કદી છોડું નહીં સાથ, ભક્ત થકી ભગવાન છે..

    ઠાકોર ચાલ્યાં સંગમાં રે, બેસી બોડાણાની સાથ. ગૂગળી ગામમાં ગોતતા,
    ક્યાં છે દ્વારિકાનો નાથ, નક્કી બોડાણાનો હાથ છે...

    વાર ચડી જાણી વિઠ્ઠલે રે, કીધી બોડાણાને વાત. મૂકીદે મુજને વાવમાં,
    પછી આવે છે રાત, તારોને મારો સંગ છે..

    ગોતી ગોતીને ગયા ગૂગળી રે, નહીં મળ્યા મહારાજ. ઠાકોર પહોંચ્યા ડાકોરમાં,
    રહ્યાં બોડાણાને કાજ, છોડ્યા સૌ રાજ ને પાટ છે..

    જાણી સૌ ગૂગળી આવ્યાં રે, આવ્યાં ડાકોર મોજાર. આપો અમારો ભૂધરો,
    કીધાં આવી પોકાર, બોડાણો દ્વારિકાનો ચોર છે..

    નથી હું ચોર કે નથી ધુતારો, પાળ્યો પ્રભુનો આદેશ. કહ્યું કાનુડાનું મેં કર્યું,
    ગુનો મારો નહીં લેશ, ખોટું તમારું આળ છે..

    જાણી બોડાણાને દૂબળો રે, રાખે ગૂગળી વિચાર. હરિ બરાબર હેમ દ્યો,
    તો જ તારો કિરતાર, પ્રભુ ભજવાની જો હામ છે..

    કહે કાનુડો કાનમાં રે, રાખ વાળી સંગાથ. તુલસીનું પાંદ પધરાવજે,
    નહીં નમે તારો નાથ, તારી તે લાજ મારે હાથ છે..

    તુલે તુલાની ભાળ મંડાણી, નથી નમતું આમાં કોય. ગૂગળી પડ્યા હરિ પાયમાં,
    પ્રભુ છોડું નહીં તોય, એક તમારો આધાર છે..

    એક પૂજામાં આવું દ્વારિકા, એક ડાકોર મોઝાર. આપ્યું વચન વનમાળી એ,
    ગુણ ગાતો "કેદાર", ધન્ય બોડાણા તારી ટેક છે..
    વિરક્ત= વિષયવાસના રહિત

    રચયિતા:-
    કેદારસિંહજી મે. જાડેજા "દીન"
    "દીન વાણી" ગ્રૂપ, ગાંધીધામ
    ૯૪૨૬૧૪૦૩૬૫
    kedarsinhjim@gmail.com
    kedarsinhjim.blogspot.com.
    ફોટો-ગુગલના સહયોગ થી.



    કેદારસિંહજી જાડેજા


Your Rating
blank-star-rating
Sorry ! No Reviews found!