• 31 December 2023

    ભજન/ગરબા.

    એક અરજ

    0 15

    એક અરજ
    તા. ૨૮.૪.૮૯
    સાખીઓ-કદીક કરુણા કરી દાતા, તું સમણામાં તો આવીજા,
    સમાવીને પ્રભુ તુજને, કરું બંધ નયન દરવાજા
    વિચારોમાં સદા વિઠ્ઠલ, લોચનિયા લાલને નિરખે,
    ખયાલે ખલકનો ભરતા, ભજન ગાતાં હૈયું હરખે

    નંદ લાલા એક અરજ તું સાંભળ મારી
    નિશદિન તારાં નામ જપું હું સેવા કરૂં તમારી..

    પ્રાત:સમય જ્યાં જાગું નીંદરથી, લે જો શરણ લગાડી
    ગોવિંદ ગોવિંદ ગાન કરૂં હું, પ્રીતમ પાય પખાળી...

    માયામાં મન રહે ભટકતું, રાગ દ્વેષ લત લાગી
    મોહ વશ મારી મતિ મૂંઝાણી, લે જો હવે તો ઉગારી...

    દીન દુ:ખીને આપું દિલાસા, સમજુ પીડ પરાઈ
    જાણે અજાણે કોઈના દિલ ના દુભાવું, રાખો શુભ મતિ મારી...

    સાચું ખોટું તુંજ સુઝાડે, ભય લાગે તોએ ભારી
    સર્વે કર્મો મારાં અર્પણ તુજને, માટે-કરજો વાત વિચારી...

    અંત સમય જ્યારે મારો આવે, મનમાં નાચે મોરારી
    વિઠ્ઠલ વિઠ્ઠલ જપતાં પડજો, કાયા "કેદાર" મારી...

    ભાવાર્થ-હે ઈશ્વર, સવાર સવારમાં મારી આંખ ખૂલે, ત્યાં આપ મારા મનને આપના સ્મરણમાં લીન કરીને આપના ભજનમાં પરોવી દેજો. પ્રભુ આપે એવી મોહ માયા સંસારમાં બનાવી છે કે મારું મન સદા તેમાં ભટકતું રહે છે, પણ મારી મતિને સદ માર્ગે વાળજો. કોઈ દીન દુખિયાની તકલીફ સમજીને તેને કામ આવું, અજાણતાં પણ કોઈના દિલને ઠેંસ ન પહોંચાડું, એવી સદ્બુદ્ધિ આપજો. જો કે પ્રભુ, માનવ જે કંઈ પણ કરે છે, તે તો આપની જ ઇચ્છા થી થાય છે, આપ જ બધું કરાવો છો, આપની ઇચ્છા વિનાતો પાંદડું પણ હલતું નથી, માટે હે ઈશ્વર હવે આપ મારા દ્વારા જે કંઈ કરાવો તેની જવાબદારી પણ આપે જ લેવી પડશે, માટે સમજી વિચારીને મને કર્મો કરાવજો પ્રભુ.
    પણ એક ખાસ વિનંતી, જ્યારે મારો અંત સમય આવે ત્યારે હું અવિરત આપના જાપ કરતો કરતો આ જન્મ પૂરો કરું અને ફરીને માનવ અવતાર મેળવું, ફરીને તારો ભક્ત બનું એ જ અભ્યર્થના.

    રચયિતા:-
    કેદારસિંહજી મે. જાડેજા "દીન"
    "દીન વાણી" ગ્રૂપ, ગાંધીધામ
    ૯૪૨૬૧૪૦૩૬૫
    kedarsinhjim@gmail.com
    kedarsinhjim.blogspot.com.



    કેદારસિંહજી જાડેજા


Your Rating
blank-star-rating
Sorry ! No Reviews found!