શિવની સમાધિ
મારી સરવે સમજ થી પરે, આ ભોળા શંભુ કોની રે સમાધિ ધરે..
સ્તંભ બની બ્રહ્મા વિષ્ણુના, મદને મહેશ હરે
દેવાધિદેવ દેવ મહા દેવ છે મોટા, કોણ છે એની ઉપરે...
દેવી ભવાની જનની જગતની, ગણપતિ ગુણથી ભરે
કાર્તિક કેરી કીર્તિ સવાઈ, નવખંડ નમનું કરે...
સિંહ મયૂર ને મૂષક મજાનો, નંદી કચ્છપ કને
ભૂત પિશાચ છે ભક્તો તમારા, ભભૂત ભંડાર ભરે...
નારદ શારદ ઋષિ ગણ સઘળા, કોટી કોટી દેવો ઉચરે
સ્વપ્ન મહીં પણ શિવજી મળે તો, ધન્ય ધન્ય જીવન કરે...
મૃત્યુંજય પ્રભુ છે જનમેજય, સમર્યે સહાય કરે
"કેદાર" કહે ના ધરી છે સમાધિ, એતો ભક્તના હૃદયમાં ફરે..
ભાવાર્થ:-મેં એક વાત સાંભળેલી કે એક વખત બ્રહ્મા અને વિષ્ણુ ભગવાન સાથે સાથે ભ્રમણ કરતા હતા, અને બન્નેના મનમાં એકજ વિચાર ચાલતો હતો કે અમારા બન્નેમાં મોટું કોણ ? (મોટા બનવાનો મોહ ઈશ્વરને પણ છોડતો નથી, તો આપણે માનવ કઈ વિસાતમાં?) મહાદેવ તો જરા પણ સમય મલ્યો નથી કે બેસી જાય સમાધિમાં એટલે એ વખતે શિવજી સમાધિમાં હતા, પણ જેવો આ બન્ને દેવોને આવો વિચાર આવ્યો કે તુરંત શિવજી એક મહા કદાવર સ્તંભ બનીને એ બન્ને દેવોના માર્ગમાં આવી ગયા, બન્ને દેવો વિચારવા લાગ્યા કે આ સ્તંભ શાનો છે? ત્યારે બન્ને દેવોએ નક્કી કર્યું કે આપણે આ સ્તંભનો તાગ મેળવીએ અને જે પહેલાં તાગ લઈને આવે તે મોટો, આમ વિચારી બન્ને દેવો એક ઊપર અને એક નીચે સ્તંભનો છેડો શોધવા નીકળી પડ્યા, પણ અથાગ મહેનત કરવા છતાં જ્યારે તેઓ સફળ ન થયા ત્યારે ફરી એજ જગ્યા પર આવીને પોત પોતાની નિષ્ફળતા જણાવવા લાગ્યા. ત્યારે ત્યાં શિવજી પ્રગટ થયા અને બન્નેનો "મોટું કોણ" ના મામલાનું સમાધાન કરવા આ સ્તંભ તે પોતે પ્રગટ કરેલ છે એમ જણાવેલ, ત્યારે બન્ને દેવોએ શિવજીને નમન કરીને ત્રણે દેવોમાં શિવજીને "મહાદેવ" તરીકે સ્વીકારી લીધા.
શિવજીનો પરીવાર પણ અલૌકિક છે. શિવજીનાં અર્ધાંગની, સતિ, અને બીજો અવતાર જગત જનની માભવાની, જે માતા પાર્વતીજી નામે વધારે ભક્તોના હ્રદયમાં બિરાજમાન છે, જે અન્નપૂર્ણા પણ છે. મોટા પુત્ર કાર્તિક સ્વામી, જેનું વાહન મયૂર છે, રાક્ષસ રાજ તાળકાસુરનો વધ કરીને દેવતાઓને રાક્ષસોના ત્રાસમાંથી છોડાવનાર, અને દેવતાઓના સૈન્યના સેનાપતિ.
ગણાધિપતિ ગણેશ, ગજાનન, જે ગુણોના સાગર છે, જેમનું રૂપજ એક પ્રતીક છે, ઝીણી નજરે જોનાર, મોટા કાન, જે આજુ બાજુની દરેક વાત સાંભળીને કે લાંબા નાક વળે સૂંઘીને રજે રજની ખબર રાખે અને મોટા ઉદરમાં સમાવીને સમયાનુસાર ઉપયોગ કરે. દેખાવ હાથી જેવો પણ વાહનમાં મુષક, જે સમજાવે છે કે નાનામાં નાના જીવને પણ મહત્વ આપો, રિદ્ધિ અને સિદ્ધિ જેમના પત્ની છે.
શિવના દ્વાર પર નંદી; પોઠિયો નંદિકેશ્વર છે. કાચબો- નંદિની આગળ નત મસ્તક કાચબો આવનાર સર્વે ભક્તોને જાણે કહેતો હોય કે શિવના શરણે આવો ત્યારે સંસારની સર્વે માયાને છોડી ન શકો તો સંકોરીને કવચમાં રાખીદો અને નિર્લેપ ભાવે ભોળાને સમર્પિત થઈ જાવ, એ જરૂર સાંભળશે. અને ભોળાનાં પ્યારાં ભૂતડાઓ.
મને તો લાગે છે કે ભોળાને કેની સમાધિ ધરવાની હોય? એ તો બસ ભક્તોનું ધ્યાન રાખવા માટે ભક્તોનું ધ્યાન રાખાતા હશે, તેથી આંખો બંધ કરીને બિરાજમાન હોય છે.
જય ભોળા નાથ.
રચયિતા:-
કેદારસિંહજી મે. જાડેજા "દીન"
"દીન વાણી" ગ્રૂપ, ગાંધીધામ
૯૪૨૬૧૪૦૩૬૫
kedarsinhjim@gmail.com
kedarsinhjim.blogspot.com.
ફોટો-ગુગલના સહયોગ થી.