• 04 January 2024

    ભજન/ગરબા.

    સદ ગુરુ

    5 115

    સદ ગુરુ

    સાખીઓ-પાત્ર વિનાનું પીરસો, ભલે છપ્પન ભોગ ધરાય
    છલકે પણ છાજે નહીં, ભુખ ભાવઠ ના જાય..
    ઊલટો અમૃત કુંભ પણ, પાત્ર વિણ ના પમાય
    સિંહણ કેરું દુધ તો, કંચન ઠામ ઠેરાય..
    સાજ તુરંગને શોભતો, લગડું ગર્દભ સોય
    કુંજર બેઠો કર ધરે, માંગણ ટેવ ન ખોય

    અવગુણ સઘળાં અળગાં કરીને, સત્યનો માર્ગ બતાવે
    મનવા-સદગુરુ એજ કહાવે, ભાઇ.....

    નેકી ટેકી થી રહે સંસારે, સમતા સ્નેહ ધરાવે
    સંત સમું સૌ વર્તન રાખે, ઊર અભિમાન ન આવે...સદ ગુરુ..

    અજ્ઞાનીને જ્ઞાનની વાતો, સહજ કરી સમજાવે,
    રોમે રોમ જે ભક્તિ ભરીદે, મનનો મેલ મિટાવે...

    મૂંઢ મતીને માર્ગ બતાવી, ભક્તિ રસ પિવડાવે
    સમજણ આપે સ્નેહ સહિત ને, પ્રેમથી પથ જે બતાવે...

    નાટક ચેટક નખરા કરે નહીં, ધન લાલચ ના ધરાવે
    ભેદી કોઈ ભ્રમજાળ બનાવી, ભક્ત ભોળા ના ફસાવે...

    "કેદાર"મળે જો કૃપા રઘુવીર ની, ગુરુ ગોવિંદ બતાવે
    જનમો જનમ ના ફેરા મિટાવી, શિવ માં જીવ ને મિલાવે...

    રચયિતા:-
    કેદારસિંહજી મે. જાડેજા "દીન"
    "દીન વાણી" ગ્રૂપ, ગાંધીધામ
    ૯૪૨૬૧૪૦૩૬૫
    kedarsinhjim@gmail.com
    kedarsinhjim.blogspot.com.



    કેદારસિંહજી જાડેજા