• 09 January 2024

    ભજન/ગરબા.

    મિથિલા દર્શન

    0 21

    આજે જ્યારે અયોધ્યામાં ભગવાન રામચન્દ્રજીની પ્રાણ પ્રતિષ્ઠાને ગણ્યા ગાઠ્યા દિવસો બાકી છે, અને મિથિલા વાસીઓ દ્વારા કરોડોની ભેટ માતા સીતાજી માટે લાવવામાં આવી છે ત્યારે મારા રામની પ્રથમ મિથિલા યાત્રાનો એક પ્રસંગ મારી રચના દ્વારા.

    મિથિલા દર્શન
    તા.૮.૪.૮૯
    ઢાળ-રાગ સારંગ જેવો.
    ઢાળ ચોપાઈ જેવો- કૌતુક એક અમાપ છવાયા, મિથિલા નગરમેં કૌન યે આયા.
    રાજસી તેજ સુંદર દો ભાઈ, બલ સમેત કોમલતા છાઈ
    એક શશી સમ શીતલ સુખ કાંતી, એક નયન ના અગન સમાતી...........

    આયે મિથિલા નગરકે માંહી, રઘુકુલ ભૂષણ રામ દુલારે, સંગહે લક્ષ્મણ ભાઈ.

    આઇ સખીયાં કરતી બતિયાં, સપનેહુ દેખો મેં નાહીં.
    એસો બર જો મિલે સીયાકો, ચન્દ્ર ચકોરી મિલજાઈ.
    ગૌરબદન એક શ્યામ શરીરા, એક ચંચલ એક ધીર ગંભીરા.
    એક દેખુંતો ભૂલજાઉં દુજા, ચલત નહીં ચતુરાઈ.
    નર નારી સબ નિરખન લાગે, બરબસ શીશ જુકાઇ.
    સૂરજ ચંદા સંગમેં નિકલા, પૂરણ કલા પસરાઈ.
    થાલ ભરી પૂજાકો નિકલી, જનક દુલારી લજાઈ.
    કંકન કિંકિની નૂપુર ધુનિ સુનિ, રાઘવ મન લલચાઈ.
    લતા ઓટ દેખી શ્રી રઘુબિર, નીમી નેત્ર ભર આઇ.
    નેન મિલે જબ મૂંદલી પલકેં, છબિ નિકસી નહીં જાઈ.
    સુર સબ અંબર દેખ સુ અવસર, ફૂલ કુસુમ બરસાઈ.
    દીન "કેદાર"યે દિલસે નિહારે, જનમ મરન મીટ જાઈ.

    ભાવાર્થ-શ્રી રામ અને લક્ષ્મણ જ્યારે મુનિઓના યજ્ઞની રક્ષા ખાતર રાક્ષસોનો નાશ કરીને ગુરુજી વિશ્વામિત્રની સાથે મિથિલા નગરમાં પધાર્યા, એજ વખતે મિથિલા નરેશ જનક રાજાની પુત્રી જાનકીજીના સ્વયંવરની તૈયારી ચાલતી હોવાથી આખા નગરને શણગારવામાં આવેલ હતું. ગુરુજીની આજ્ઞા લઈને બન્ને ભાઈઓ નગર જોવા નીકળ્યા.
    સીતાજીની સખીઓ આ બન્ને ભાઈઓને જોઈને પરસ્પર વાતો કરવા લાગી કે આવા તેજસ્વિ યુવરાજો તો ક્યારેય સ્વપ્નમાં પણ જોયા નથી. અત્યારે સીતાજીના લગ્નની તૈયારી ચાલે છે, જો વિધાતા મદદ કરે અને મિથિલાપતિ સ્વયંવરની વાત છોડીને આ યુવરાજને પસંદ કરીલે, તો તો જાણે ચન્દ્ર અને ચકોરી જેવી જોડી મળી જાય. કારણ કે, બન્ને કુમારો એટલાં કોમળ છે કે તેઓ ધનુષભંગ તો નહીંજ કરી શકે.
    આ ભાઈઓને જોઈને નગરજનો એટલાતો પ્રભાવિત થયા કે એક ગૌર વર્ણ લક્ષ્મણ અને એક શ્યામશરીર વાળા રામ પરથી નજર હટાવી શકતા નથી. એક થોડા ચંચળ લાગે છે, તો બીજા ગંભીર દેખાય છે. કોને જોવા અને કોને ન જોવા એવી વિટંબણામાં પડી ગયા. કોને પહેલાં જોવા અને કોને પછી જોવા તે ચતુરાઈ ચાલતી નથી.
    ૩-નગરના નર-નારી સૌ આ ભાઈઓને જોઈને આપમેળે મસ્તક નમાવવા લાગ્યા, એવું લાગે છે જાણે સૂર્ય અને ચન્દ્ર બન્ને એક સાથે પોતાની પૂર્ણ કળા પ્રસરાવીને નીકળ્યા હોય.
    માતા સુનયનાજીની આજ્ઞાથી સીતાજી ગૌરી પૂજન માટે બાગમાં પુષ્પો લેવા પધારેલા, એ જ વખતે શ્રી રામ અને લક્ષ્મણ પણ ગુરુજી માટે પુષ્પો લેવા પધાર્યા, અનાયાસ શ્રી રામજીના કાને કોઈ કંકણ અને ઝાંઝરનો અવાજ આવતાં એકદમ જાણે અંગે અંગમાં આનંદિત તરંગો દોડવા લાગ્યા, રામજી લક્ષ્મણને કહેવા લાગ્યા કે આ શું છે? મારું મન આ ઝંકારથી કેમ મોહિત થાય છે? આવો મીઠો મધુરો રણકાર કોના નેપુરનો છે?.
    એ સમયે લતાઓની પાછળ સીતાજીની નજરે પુષ્પો ચૂંટતા શ્રી રામજીની છબી દેખાણી, આ અલૌકિક દ્રષ્ય જોઈને સીતાજી ભાવ વિભોર બની ગયા. જેવા શ્રી રામજીના નયનો સાથે સીતાજીની નજર મળી કે તુરંત માતાજીએ આંખો બંધ કરી લીધી, એ દ્ગશ્યને જાણે નયનોમાં સદા સમાવી દેવા હોય, ક્યાંક આંખ ખુલ્લી રહે અને આ અદ્ભુત દ્ગશ્ય આંખમાંથી સરી પડે તો? એ હેતુથી માતાજીએ આંખ બંધ કરી લીધી.
    આવો અલૌકિક અવસર જોઈને દેવોએ આકાશમાંથી ફૂલોની વર્ષા કરી. કોઈ પણ આ અલભ્ય દ્ગશ્યનું ખરા દિલથી દર્શન કરે તો જન્મ મરણના ફેરા જરૂર મટી જાય.

    રચયિતા:-
    કેદારસિંહજી મે. જાડેજા "દીન"
    "દીન વાણી" ગ્રૂપ, ગાંધીધામ
    ૯૪૨૬૧૪૦૩૬૫
    kedarsinhjim@gmail.com
    kedarsinhjim.blogspot.com.
    ફોટો-ગુગલના સહયોગ થી.



    કેદારસિંહજી જાડેજા


Your Rating
blank-star-rating
Sorry ! No Reviews found!