કણિકા - ૨ બાલ્કની
બાલ્કની એ આપણા ઘરની એક એવી જગ્યા છે જ્યાં બેસીને આપણે કુદરતના સાનિધ્યને માણી શકીએ છીએ. સવારનો સૂર્યોદય, આકાશમાં ઉડતા પંખીઓ, પવનથી લહેરાતા ઝાડપાન વગેરે જેવાં બધાં જ રમણીય દ્રશ્યોને આપણે આપણી બાલ્કનીમાંથી નિહાળી શકીએ છીએ.
વળી સાંજ પડતાં જ ઢળતા સૂરજને લીધે ખીલી ઉઠતી સંધ્યા, એ સંધ્યાના ઢળતાં જ પડતી રાત્રિ, એ રાત્રિમાં નભમાં ચમકી ઉઠતા તારલાઓ અને એ જ આભમાં ચમકી રહેલાં ચંદ્રમાની શીતળતાને પણ આપણે બાલ્કનીમાં બેઠા બેઠા જ માણી શકીએ છીએ. બાલ્કની એ એક એવી જગ્યા છે જે આપણને કુદરતની પરમ સમીપે લઈ જાય છે.
- પૃથ્વી ગોહેલ
તા. ૦૭/૦૪/૨૦૨૪, રવિવાર.