આધુનિક સમયમાં માનવી પ્રગતિના પંથે વળ્યો છે. ભીતર રહેલી ક્ષમતાઓને-કળાઓને પોતાની સૂઝ અને સમજ દ્વારા નવીનતાને પ્રેરે છે. તેમાંય અંતરે વસી ગયેલી વાતને શબ્દરૂપી શણગાર આપવું હોય તો સાહિત્ય સર્જનથી ઉત્તમ શું હોઈ શકે ? સાહિત્ય ક્ષેત્રે અનેક સર્જકોએ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખ્યું છે. અવનવા સ્વરૂપો લખીને સમાજને એક સંદેશો આપ્યો છે; પરંતુ ક્યારેક કેટલાક એવા સંજોગો પેદા થાય છે કે, " સાહિત્યમાં ઉઠાંતરીની સમસ્યા થતી નજરે પડે છે. " આવી પ્રક્રિયા શા માટે થાય છે ? એ પ્રશ્ન સતત મૂંઝવે છે.
ઉઠાંતરી એટલે એક વ્યક્તિના નામની જે-તે કૃતિ બીજું વ્યક્તિ પોતાના નામે ચડાવે. આજે કાનૂની કાર્યવાહી સાથે સાહિત્યની ચોરી બાબતે કેસ કરી શકે છે; પરંતુ તેનામાં બંનેનો મેળ બેસતો નથી. જે વ્યક્તિ પોતાના વિચારોને શબ્દરૂપ આપે છે અને બીજું એની કોપી કરવા મથે છે. એમાંથી એક વ્યક્તિ ક્ષમતાના આધારે તદ્દન નવું સાહિત્ય રચી શકે છે. પણ પેલી વ્યક્તિ પોતાના વિચારોથી એક શબ્દ પણ લખવા વિચારતો નથી. કા પછી માનવી આળસુ બની ગયો છે; પરંતુ એમાં કેટલી સફળતા મળે ? તેની આ આળસમાં તે ક્યાંક છૂટો પડી જાય છે. એટલે કે તેની પ્રગતિ અટકી જાય છે.
સાહિત્યમાં ઉઠાંતરીની સમસ્યાને દૂર કરવા માટે વ્યક્તિએ જાતે રચના સર્જીને-પોતાની ભૂલો દૂર કરીને શ્રેષ્ઠ સર્જક બની શકે તો ઉઠાંતરી કરવાની જરૂર જ નથી રહેતી. તેના માટે મન મક્કમ કરવું પડે છે. સ્વ પ્રયત્ને મથામણ કરીને શબ્દોનું સાયુજ્ય બાંધી રાખવું જોઈએ. ઉઠાંતરી કરતાં પહેલાં મનમાં એક વખત તો વિચારવું કે, " જો હું સાહિત્યની ચોરી કરું અને પોતાના નામે ચડાવું તો મારું નામ તો થશે; પરંતુ અંતરે ખટકો રહી જશે કે હું જાતે લખી ન શક્યો. " ત્યારે તરત કુવિચારો સત્ય માર્ગે વળી જશે અથવા જાતે લખવાની જિજ્ઞાસા ઉઠશે.
આમ, સાહિત્યમાં ઉઠાંતરી ન કરીને સ્વ પ્રયત્ને શબ્દોનું અનાવરણ કરીએ તો એક દિવસ એવો આવશે કે આપણું સર્જન ઊંચું રહેશે.
- જુલી સોલંકી ' સચેત '