અભિવ્યક્તિ એ મનુષ્યનું પ્રમુખ લક્ષણ છે પરંતુ સંવાદિતા એ એક આગવી કળા છે. અભિવ્યક્તિ એટલે પોતાના વિચારોને રજૂ કરવા, સંવાદિતા એટલે વિચારોનું આદાન-પ્રદાન અને એકબીજાના વિચારોની સ્વીકૃતિ.
આજના સમયમાં દરેક વ્યક્તિ પોતાની સમસ્યાઓ, દુઃખોને ક્યાંકને ક્યાંક ઠાલવવા માંગે છે; ક્યારેક એમ પણ વિચારવું જોઇએ કે આપણી આસપસના લોકો - પરિવાર, સહકર્મીઓ કે મિત્રો સાથે સંવાદ કેળવીએ. દિવસ દરમ્યાન કેટલાય લોકો સાથે સંપર્કમાં આવીએ છીએ પણ સંવાદ કેટલા સાથે થાય છે ! સંપર્ક સધાય છે તો માત્ર વ્યવહારિક ! સંવાદ માત્ર શબ્દોથી જ નહિ ક્યારેક લાગણીઓ વડે તો ક્યારેક મૌન વડે પણ રચાય છે. સંવાદિતા દરેક સંબંધમાં મધુરતા અને ગતિશીલતા લાવે છે સાથે સાથે એક નવીન દૃષ્ટિકોણ તરફ લઈ જાય છે. આપણા દ્વારા ગોઠવાયેલા વિચારો અને માન્યતાઓના ચોકઠાંથી બહાર વિચારવાની પ્રેરણા મળે છે.