• 04 June 2024

    વિદાય ના સંસ્મરણો

    વિદાય ના સંસ્મરણો

    5 36

    વિદાયના સંસ્મરણો *

    -------------------

    આજનાં ચાણક્ય ગણાતાં શિક્ષક જે એક જમાનામાં ફકત ૨૨૨/- રૂપિયાનાં પગારમાં ૬-૬ સંતાનોને ભણાવી ગણાવી પોતાનાં પગ ઉપર ઊભાં કરતાં હતાં. એ પણ ફક્ત શિક્ષણના જોરે. કોઈ જાતનાં સ્વાર્થ વગર... એવાં માતપિતાને ધન્ય છે, હ્રદયથી વંદન છે.

    અમે કુલ છ સંતાનોમાં, પાંચ બહેનો અને એક ભાઈ. એમ મળીને મા-બાપ સાથે કુલ આઠ સભ્યોનો અમારો પરિવાર. માતા ૭ ચોપડી ભણેલાં, પણ બાની બીમારીને કારણે ફાઈનલ પરીક્ષા ન આપી શકવાથી નોકરી ન મેળવી શક્યાં, છતાં એમની કોઠાસૂઝથી આખાં પરિવારને એક સૂત્રમાં બાંધી બાળકોને યોગ્ય શિક્ષણ અને સંસ્કાર આપ્યાં અને મોટાં કર્યા. ઘણીવાર પોતે ભૂખ્યાં રહી અમને જમાડતી એ માતાનું ઋણ અમે ક્યારેય ચુકવી શકીએ એમ નથી. પતિ પરમેશ્વર પર ઘરનો સમગ્ર બોજ ન આવે એ માટે ક્રમશ: લાકડાનો, કાપડનો ડુંગળીનો, શાકભાજીનો વગેરે વેપાર પોતાની આત્મસુઝથી કરીને ગૃહિણી હોવાં છતાં પતિના ખભે ખભો મિલાવીને પોતાનાં સંસાર રથને આગળ ધપાવતા એ સન્નારીને સો સો સલામ છે.

    ઘણાં દુઃખને પચાવતા બાળકો, એમાંય દિકરીઓ પોતાનાં પગ ઉપર ઊભી હોય તો સાસરીમાં દુઃખ પડે તો આત્મસન્માનપૂર્વક જીવી શકે અને રડતી રડતી પિયર વાટે ન આવે એ માટે રાત દિવસ એક કરીને બાળકોને યોગ્ય શિક્ષણ આપી દિકરીઓને ptc. કરાવી નોકરી અપાવી ચેન મેળવ્યું ત્યારે દીકરા ને EC. કરાવી ભણતર પાછળ માંગે એ લાવી આપીને એમને પણ બેંકની નોકરી અપાવી સંતોષ માન્યો. બધી દિકરીઓને યોગ્ય જગ્યાએ પરણાવી હાલ નિવૃત્ત જીવન ગાળતાં પિતા પણ સુખ અને શાંતિનો અનુભવ કરવાં લાગ્યાં. હવે તો દીકરો પણ પરણીને પરિવારવાળો થઈ ગયો છે. આ લીલી વાડી જોઈને માતા પિતાનું હૈયું આનંદવિભોર બની જતું હતું.

    દરેક દિવાળીમાં દિકરીઓ મા બાપને નવા વર્ષે મળવાં આવતાં, આ વખતે મોટાંબેન ચેન્નાઈ ફરવા જવાનાં હોવાથી નહોંતા આવવાના...તો બીજી ચાર બહેનો પડતર દિવસ હોવાથી દિવાળીનાં ત્રીજા દિવસે પોતાના સંતાનોને લઈને નાના નાનીના ઘેર આવી પહોંચ્યા.

    પન્નાબહેનનો રિધમ અને ગોટુ, જૈમિનીનો આયુષ, સીમાનો યુગ અને નંદુ ને કોમલનો કાન્હો, બધાં મસિયાઈ ભાઈઓ વચ્ચે મામાની લાડકી મિસ્તી અને સૌથી નાનો અને બધાનું માનીતું રમકડું એવો ૬ મહિનાનો જિયાન્સ. બધાં ભેગાં થયાં અને પાપાનું ઘર ગાજી ઉઠ્યું. ખાતાં પિતા, સૂતાં, રમતાં, લડતાં, ઝગડતાં ચાર દિવસ કેમના પસાર થઈ ગયાં એ ખબર પણ ન પડી. નાની તો બધાં ભાણીયાઓને ખવડાવી ખવડાવી ને તાજામાજા જ કરવામાં લાગી ગયાં હતાં.

    મેં જોયું કે આ ચાર દિવસ પહેલાં એમનાં મોઢા પર દિવાળીના સતત કામ કરવાનો થાક દેખાતો હતો. હું બાજુની જ સોસાયટીમાં રહેતી હોવાથી રોજ સાંજે સ્કુલથી આવું એટલે મોમની ખબર અંતર પૂછી લેતી. અને ઘરનું કંઈ પણ કામ હોય તો કરીને જ મારા ઘેર જતી, ત્યારે ખૂબ જ થાકી ગયેલી હું એને જોઈ શકતી હતી. અને આજે દિકરીઓ અને ભાણીયાઓને જોઈને એનો થાક ક્યાં ઉડી ગયો એજ મને સમજાતું નહોતું.

    આજ ચાર દિવસ કેમ કરતાં પસાર થઈ ગયાં ખબર જ ન પડી અને વિદાયની વસમી વેળા આવી ગઈ....

    "દિવાળી રજાઓ થઈ પૂરી,

    ને ઘર મહીં સ્ખલિત થઇ શાંતિ પ્રથમની...."

    એ કાવ્યપંક્તિઓ યાદ આવી ગઈ. બધો સામાન પેક કરી ગાડીમાં સરખી રીતે ગોઠવી, એ સુખદ ક્ષણ ને કેમેરામાં કંડારી અશ્રુભીની આંખે મમ્મી - પાપા અને એમની સાથે ફરવા જતી નાની બેન સીમા અને એના બે બાળકોને ભાઈની ગાડીમાં બેસાડી લાંબા પ્રવાસ માટે એમને શુભેચ્છાઓ પાઠવી ઘરમાં પાછાં વળ્યાં, ત્યારે અડધું ઘર ખાલી થઈ ગયું. ભાઈને બેંકની નોકરી અર્થે ઉના બદલી થતાં એમની સાથે મમ્મી પપ્પા પણ ગયાં. એમનું ધ્યાન રાખવા અને રસોઈ બનાવી આપવા. પાપાનું મન તો નહોતું જવાનુ કેમ કે ત્યાંનું પાણી ભારે પડે છે. અહીં જ રહેવા માંગતા હતા અમારી સાથે. પણ આગલા દિવસે જ મોમનું બીપી હાઈ થઈ ગયું તો ચિંતા થઈ કે ભાઈ નોકરી હોય ને મોમ એકલાં હોય ને તબિયત બગડે તો એ એકલાં શું કરે ? બધી બહેનોની વાત માની કમને પણ દિકરા અને પત્ની માટે પાપા એમની સાથે જવા તૈયાર થયાં. બધાંને વળાવી ત્રણ બહેનો પાછી આવી, ત્યાં તો નાનાં જમાઈ નાની બહેનને લેવા આવી ગયા, ચા નાસ્તો કરાવી એમને પણ વિદાય કર્યાં, બીજાં બેન પણ અમદાવાદ રહેતાં હતાં તો એ પણ એમની સાથે જ ગાડીમાં જતાં રહ્યાં, એમના બન્ને બાળકો સાથે. ને હું એકલી આખા ઘરમાં જે એકદમ સુનું સુનું લાગતું હતુ ત્યાં પાછી વળી.

    સફાઈ કરી કપડાં ધોઈ, સૂકવીને થોડી વાર બેઠી, ત્યાં તો ગઇ કાલનાં સંસ્મરણો વળગી પડ્યા, નંદુ અને કાન્હાની મીઠી લડાઈ અને એમાંથી નિપજતું હાસ્ય, દિવાળીનાં બીજાં દિવસે પાંચમાંથી ચાર બહેનો પિયર બે દીવસ રહેવા માટે આવ્યાં આખું ઘર કિલકિલાટ કરતું ગુંજતું હતું. ભાઈ ભાભી મિસ્ટી અને જિયાંસ, કોમલનો કાન્હો અને સીમાનો નંદુ અને યુગ, જૈમિનીનો આયુષ અને મારો રિધમ અને ગોટુ એ બધાંની મજાક મસ્તી, જમવાનું બનાવવાનું, પીરસવાનું, સફાઈ ને એ બધાં કામમાં બે દિવસ ક્યાં હસતાં રમતાં વીતી ગયાં એ ખબર પણ ન પડી. એ બધાં જ પ્રસંગો મારા સ્મરણપટ પર એક ફિલ્મની જેમ પસાર થઈ રહ્યાં હતાં ને એટલામાં બારણું ખૂલ્યું અને સફાઈ વાળાબેનનું આગમન થયું. સફાઈ તો મેં કરી દીધી છે હવે તમે ન આવશો કેમ કે પપ્પા રહેવાનાં હતાં એ પણ જતાં રહ્યાં એમ વીલા મોઢે એમને કહીં દીધું. કપડાં સૂકવી સાંજે પાછા કપડાં લેવા આવીશ, એમ એ નિઃશબ્દ થઈ ગયેલી ભીંતો અને મારા કોમળ હૈયાને સાંત્વના આપી ઘરને તાળું મારી હું ભારે હૈયે મારાં ઘર તરફ જવા નીકળી... ફરી જલ્દી કોઈ તહેવાર આવે કે કોઈ સામાજિક પ્રસંગ આવે ને અમે બધાં ફરીથી આ જ રીતે મળશું અને આનંદ કિલ્લોલ કરી ફરીથી આ ઘર ને ગુંજતું કરીશું એવાં સ્વપ્ન સાથે...

    પન્ના 'ભગિની'

    કપડવંજ



    Panna Parmar