આજના ભાગતા યુગમાં તણાવ કોને નથી..? તણાવની વ્યાખ્યા ક્યાંય રજૂ કરવા જેવી નથી દરેક વ્યક્તિ તણાવ વિશે સારી રીતે જાણે જ છે. તણાવ એટલે દરેકના મત મુજબ અલગ પ્રકારની સમજ. તણાવ વિશે દરેકની માન્યતા પણ અલગ રહેવાની. ભાઈ, તણાવની વ્યાખ્યા પણ રૂપિયા પ્રમાણે બદલાય છે.
તણાવ શું છે એ જાણવા કરતા તણાવ કેમ થાય છે એ જાણવું વધુ જરૂરી છે. દરેક સમસ્યાઓનું નિદાન છે પણ માનસિક સમસ્યાઓના નિદાન માટે શું કરવું એ કોઈ જાણતું નથી. તણાવ એ માનસિક સમસ્યા છે પણ આ માનસિક સમસ્યા એટલે ગાંડપણ કે પાગલપન નહીં. તણાવ એ કોઈ માનસિક બિમારી નથી પણ આંતરિક વિચારોનું યુદ્ધ છે. દરેકના મનમાં અલગ પ્રકારનું વિચાર યુદ્ધ ચાલતું જ હોય છે. હા, તે વિચાર યુદ્ધ દરેક વ્યક્તિની ક્ષમતા ઉપર જાય છે.
સ્કૂલમાં ભણતા નાના બાળકોને પણ તણાવ હોય છે. એ બાળકોની ક્ષમતા મુજબ તેમને તણાવ થાય છે. જેમકે, સ્કૂલમાં લેવાતી પરીક્ષા, પરીક્ષાનું પરિણામ, વર્ગમાં આગળ રહેવાની હરોળ, ભણતર ઉપર વધુ પ્રેશર જેવા અન્ય પરિબળોને આધારે તેઓ તણાવ અનુભવે છે. તે તણાવના કારણે તેમનો સ્વભાવ વધુ ચીડિયો બનતો જાય છે. તેમની બોલવા કરવાની રીત બદલાતી જાય છે. ખોટું બોલતા થાય છે તેમજ માતા પિતાથી વાતો છુપાવતા જાય છે તેમજ અળગા થતાં જાય છે. આ તણાવ નથી તો શું છે..!
આજના યુવાનોને તણાવ એક રીતે નહીં પણ અનેક રીતે થાય છે. જેમકે, કોઈ યુવાન નોકરી કરતો હશે તો તે નોકરી પ્રત્યે તેનો અલગ તણાવ હશે. જે તણાવ માત્ર નોકરીના સ્થાન સુધી જોવા મળશે. તેના ઉપરી અધિકારીનું રોજનું સાંભળવું, જ્યારે રજા જોઈએ ત્યારે રજા ન મળવી, ઓકિસ રાજનીતિના શિકાર બનવું વગેરે અનેક પરિબળો છે જે તણાવમાં લાવવા માટે પ્રેરે છે.
હવે વાત કરીએ તો પ્રેમવાદ ની, ભાઈ આજે બધાને એકાએક પ્રેમ ઉપડ્યો છે. એ પ્રેમ ટકાઉ નહીં પણ કામચલાઉ. જુઓ પ્રેમ ચાલ્યો તો નવ દિવસ નહીંતર બે કલાક પણ ટકતો નથી. તણાવનું મોટું કારણ પ્રેમ જ છે. પ્રેમ ના ચક્કરમાં માનસિક રીતે યુવાન ઘાયલ થાય છે ને અંતે મળે શું...!
પ્રેમના કારણે મસ્તિષ્કમાં અલગ પ્રકારની બેચેની રહે છે. એ બેચેની ક્યારેક હસાવે છે તો ક્યારેક દુઃખી કરી નાખે છે. કોઈ વ્યક્તિમાં વધુ પડતો રસ લેવો તે પણ તણાવ જ છે.
ગૃહસ્થ લોકોનો તણાવ જવાબદારી વાળો છે. તેમના તણાવમાં પણ જવાબદારીના અંશ જોવા મળે છે. જેમકે, વહેલી સવારે ઊઠીને આખાય ઘર અને પતિ માટે રસોઈ કરવી (તે પોતે કરતી હોય તો તેના માટે પણ) , બાળકોને તૈયાર કરવા ને સ્કૂલે લેવા મૂકવા જવું, તેમને ભણાવવા, સામાજિક પ્રસંગોમાં રહેવું. પુરુષોનો તણાવ ગજબ હોય છે ભાઈ જેમકે, લોનના હપ્તા, ભાડા, ઘરના બિલ, બાળકોની ફી, સામાજિક વ્યવહાર વગેરે..! 'એક સાંધો ને તેર તૂટે એનું નામ તણાવ.'
વૃદ્ધ વર્ગનો તણાવ પીડાદાયક હોય છે. જેમકે તેમના તણાવમાં મુખ્યત્વે દવા, દર્દ ને હૂંફ હોય છે. શરીર બીમારીઓથી પકડાઈ ગયેલું હોય તે તેની દાવાઓ તેમજ તે બીમારી ને કારણે થતું દર્દ. એ દર્દના બદલામાં મળતું હૂંફ...! તે ચક્કરમાં તેઓ તણાવ માં રહે છે.
તણાવથી દૂર રહેવું હોય તો મગજ શાંત કરવું. યોગ આસન કરવા, પ્રાણાયામ કરવા, કસરત કરવી, ચાલવું, વધુ પાણી પીવું, યોગ્ય ઊંઘ લેવી, સારો ખોરાક લેવો અને કુદરતમાં આસ્થા રાખવી. જુઓ દરેક પરિબળને હકારાત્મક રીતે લેવામાં આવે તો તણાવ જેવી બીમારી દૂર ભાગે છે. તણાવને દૂર કરવા માટે મોટાભાગે બિનજરૂરી ચર્ચામાં ઉતરવું નહીં અને વધુ કોઈનું સાંભળવું નહીં. તણાવ રાતોરાત થતો નથી આસપાસ બનતી ઘટનાઓ તણાવને જન્મ આપે છે. મનોબળ પાક્કું હશે તો તણાવ જેવી બીમારી પણ દૂર થઈ શકે છે.
અંતે, શરીરની બહાર થતી ગાંઠને દૂર કરી શકાય છે પણ મનની અંદર હરતી ફરતી તણાવ રૂપી ગાંઠને દૂર કરી શકાતી નથી. મનના વિકારો એકીસાથે ઉદભવે એટલે તણાવ નો જન્મ થાય. એજ તણાવ આતંક મચાવી નાખે ત્યારે જોખમ ઊભું થાય.
માટે ખુશ રહો, મજા કરો, જલસા કરો ને પ્રભુનું નામ લો. જે થવું હોય તે થાય પણ તણાવ ના થાય..!
આભાર
તીર્થ શાહ.