જ્યારે પણ આપણે બહાર જઈએ ત્યારે, અચાનક જ જો ક્યાંય ઊંટને જોઈ જઈએ તો ઓટોમેટિકલી આપણે સાત તાળી પાડીએ છીએ. ઊંટ વિશે આપણા ગુજરાતી સાહિત્યનાં ખ્યાતનામ કવિ દલપતરામે બહુ જ સરસ કવિતા લખેલી, જે હજુ આપણને યાદ છે. તેમાં ઊંટના અઢાર વાંકા અંગ વિશે વાત કરેલી છે, કારણ કે એ ઊંટ અન્ય પ્રાણીઓનાં અંગોની ટીકા કરતો હતો. પરંતુ આજે આપણે જે ઊંટની વાત કરવાની છે તે એકદમ શાંત, વિનમ્ર અને અહિંસક છે; અને એની વિશે ખાસ અચરજ પમાડે એવી વાત એ છે કે તે ઊન આપે છે. અત્યાર સુધી આપણે ઊન આપતા ઘેટાં વિશે જ સાંભળ્યું હશે, પરંતુ ઊંટ !!! એ પણ ઊન આપતું !!! - એ નહીં સાંભળ્યું હોય. તો ચાલો જાણીએ - દક્ષિણ અમેરિકાનાં પેરુમાં આવેલા ઊંટ - આલ્પાકા વિશે; સાથે જાણીશું તેની ઉત્પત્તિ, જીવનશૈલી, લક્ષણો - આદતો વિશે, તેના ઊન, તેની જાતિઓ તેમજ અન્ય વિશેષ બાબતો વિશે. અને ખાસ તો એ જાણીશું કે શું ફરક છે આલ્પાકા અને લામામાં ???
પહેલા આપણે આલ્પાકા વિશે સામાન્ય પરિચય લઈશું.
આલ્પાકા ઊંટ છે એટલે બેશક એનામાં ઊંટના લક્ષણો તો હશે જ.
આલ્પાકા ઊંટ એ ઊંટ પરિવાર (camelidae)નું સૌથી નાનું સદસ્ય છે. તે પાલતું ઊંટોની સૌથી નાની પ્રજાતિનાં જૂથમાં આવે છે. તે મૂળ દક્ષિણ અમેરિકા સ્થિત પેરુના નિવાસી છે, ખાસ કરીને ત્યાંના એન્ડીસ (andes) પર્વતો પર તે જોવા મળે છે. ૬૦૦૦ વર્ષ પહેલાં પેરુનાં એન્ડીસ લોકોએ ખોરાક, બળતણ તેમજ વસ્ત્ર માટે કાપડ મેળવવાં માટે આલ્પાકાને પાલતુ પ્રાણી તરીકે પાળવાનું શરુ કર્યું હતું. આલ્પાકાનો મોટાં ખુંધવાળા સસ્તન પ્રાણીઓ (જિરાફ, ઘેટાં) માં સમાવેશ થાય છે. તેનું વૈજ્ઞાનિક નામ Vicugna Pacos - વિકગ્ના પાકોસ છે.
આલ્પાકા પાતળું શરીર ધરાવતું, લાંબી ગરદન અને પગવાળું, નાની (મધ્યમ લાંબી) પૂંછડી ધરાવતું, નાનું માથુ અને મોટા અણીદાર કાન, અણીદાર નખ તેમજ નરમ ગાદીવાળા પગ ધરાવતું પાલતું પ્રાણી છે. તેનું સંપૂર્ણ શરીર ઘેટાંની જેમ ઊનથી ઢંકાયેલું હોય છે. તેનું વજન ૫૫ થી ૬૫ કિલોની વચ્ચેનું હોય છે. તેની ઊંચાઈ ૮૧ થી ૯૯ સેમીની વચ્ચે જોવા મળે છે તેમજ લંબાઈમાં તે ૧૨૦ થી ૨૨૫ સેમીની આસપાસનું હોય છે. તેની દોડવાની રફ્તાર ૪૮ કિ.મી પ્રતિ કલાક હોય છે. તેનો જીવનકાળ આશરે ૫ થી ૨૦ વર્ષ સુધીનો હોય છે. મેલ આલ્પાકાને માચો - macho કહેવામાં આવે છે, જ્યારે ફિમેલ આલ્પાકાને હેમ્બ્રા - hembra કહેવામાં આવે છે, તેમજ બેબી આલ્પાકાને ક્રિઆ - cria કહેવામાં આવે છે. આમ તો મેલ અને ફિમેલ આલ્પાકાનાં દેખાવમાં બહુ વધારે ફરક જોવા નથી મળતો, સરખા જ લાગે છે. પરંતુ મેલ આલ્પાકા ફિમેલ આલ્પાકા કરતાં અમુક અંશે કદમાં મોટા હોય છે. મેલ આલ્પાકાને આગળનાં ઉપલા દાંત નથી હોતા. તેના મોઢામાં નીચેની સાઈડ આગલાં દાંત (incisors) હોય છે, જે વધારે બહારની તરફ ઉપસેલા અણીવાળા તેમજ ધારદાર (canine) હોય છે, જે ૧ ઈંચનાં અથવા તો એની કરતાં પણ મોટા હોય છે. ફિમેલ આલ્પાકાને આવી રીતે નથી હોતું. આલ્પાકાના પગ એટલાં નરમ - ગાદીવાળા હોય છે કે ચરતી વખતે એનાથી જમીનને નુકસાન પણ નથી થતું. આલ્પાકા ૨૨ જેટલાં - સફેદથી લઈને કાળા રંગ સુધીની રેન્જનાં રંગોમાં જોવા મળે છે, આ ઉપરાંત તે બેઈજ - beige, ટેન - tan, લાઈટ બ્રાઉન વગેરે જેવા લાઈટ શેડ્સના રંગોમાં પણ જોવા મળે છે (અત્યારે કપડામાં જે ન્યુટ્રલ રંગના શેડ્સ જોવા મળે છે તેવા).
આલ્પાકા સ્વભાવે એકદમ શાંત, વિનમ્ર, રમુજી અને સમજદાર હોય છે. તે હિંસક પ્રાણીઓની યાદીમાં નથી આવતું; પરંતુ ક્યારેક કોઈકે જો એને છંછેડ્યું હોય તો, તે તેનાં પર થૂંકે છે. આ ઉપરાંત તે ખોરાકની દ્રષ્ટીએ શુદ્ધ શાકાહારી છે, માત્રને માત્ર સુકો - ભીનો અથવા તો પ્રોટીનયુક્ત ઘાસચારો જ ખાય છે. ટુંકમાં તે ઘાસ જ ખાય છે.
આલ્પાકાને, ખાસ કરીને એના નરમ - મુલાયમ, હળવું, ભરાવદાર તેમજ મજબૂત ઊન (રૂ) માટે વિશ્વભરમાં બહુ જ કિંમતી માનવામાં આવે છે. દર બે વર્ષે તેનાં શરીર પરથી તેનું ઊન ઉતારવામાં આવે છે. તેનું ઊન અન્ય ઊન કરતાં હળવું, મુલાયમ, ભરાવદાર તેમજ કોટન કરતાં વધુ મજબૂત હોય છે. તેનું ઊન ભેજરહિત તેમજ ફાયર અને વોટરપ્રૂફ હોય છે. તેનાં ઊનમાંથી સ્વેટર, સ્કાર્ફ, ગરમ ટોપી, હાથ - પગનાં મોજાં, દોરાં વગેરે બનાવવામાં આવે છે.
હવે આપણે તેની ઉત્પત્તિ તેમજ તેનાં રહેઠાણ વિશે જાણીશું.
આલ્પાકા ઊંટ દક્ષિણ અમેરિકાનાં લામા, ગુનાકોસ અને વિકુનાસ તેમજ એશિયા અને આફ્રિકાનાં બેક્ટ્રિયન અને ડ્રોમેડ્રી જેવાં ઊંટોનાં જૂથમાં આવે છે. આ પરિવારનાં પ્રાણીઓની ઉત્પત્તિ લગભગ ૧૦ મિલિયન વર્ષ પહેલાં ઉત્તર અમેરિકાનાં મેદાની વિસ્તારમાં થઈ હતી. ૨.૫ મિલિયન વર્ષ પહેલાં, તે ઊંટો દક્ષિણ અમેરિકામાં ઊંટોનાં સામાન્ય પૂર્વજો તરીકે અહીં આવ્યા હતાં : વિકુનાસ (vicunas) અને ગુનાકોસ (guanacos). આજે પણ એન્ડીસ પર્વતો પર આ બંને પ્રજાતિઓનાં પ્રાણીઓ જોવા મળે છે.
આલ્પાકાનાં પાલતુકરણની શરૂઆત ૬૦૦૦ વર્ષ પહેલાથી થઈ ગઈ હતી. ઈન્કા સભ્યતાનાં સમયગાળામાં આલ્પાકાએ બહુ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ઈન્કા સભ્યતાની ઉત્પત્તિ લેટિન અમેરિકાનાં એન્ડીસ પર્વતથી થઈ હતી. એવું પણ કહેવામાં આવે છે કે - આલ્પાકા ઈન્કા સભ્યતા આવી એ પહેલાનાં અહીં મોજુદ હતાં. આ વિસ્તાર પર જ્યારે સ્પેનિશોનો કબ્જો આવ્યો, ત્યારે આલ્પાકાનો સંપૂર્ણ રીતે નાશ થવાનો ખતરો હતો. પરંતુ સદભાગ્યે એન્ડીસ લોકો પરત્વેની તેની મહત્ત્વની ભૂમિકા તેમજ અન્ય પ્રાણીઓની તુલનાએ તેની સખત સહનશક્તિને લીધે આલ્પાકા ચમત્કારિક રીતે બચી ગયા.
આમ તો દાયકાઓથી આલ્પાકાની ઉત્પત્તિ મામલે મતભેદો ચાલતા આવ્યા છે. એ મતભેદો - આલ્પાકા અને લામાની પ્રજનન ક્ષમતા બાબતનાં હતા. પરંતુ ૨૧મી સદીની શરૂઆતમાં કરવામાં આવેલા જીનેટિક્સ સ્ટડી દ્વારા જાણવા મળ્યું કે - આલ્પાકા વિકુનાનાં પાલતુ વંશજ છે. અને આ પાલતુકરણ ૬૦૦૦ થી ૭૦૦૦ વર્ષ પહેલાં એન્ડીસ પર્વતો પર થયું હતું. એ સમયમાં એન્ડીસ લોકો પોતાનું ગુજરાન ચલાવવા હેતુસર આલ્પાકાને પાળતાં, તેના મારફતે તે લોકોને ખોરાક, કાપડ, બળતણ વગેરે મળી રહેતું. એ લોકો આલ્પાકાનું માંસ પણ ખોરાકમાં લેતાં. એ સમયમાં ખોરાક તરીકે આલ્પાકાનું માંસ લેવું એ રોયલ માનવામાં આવતું. આલ્પાકાનાં નાના કદનાં લીધે પશુપાલકો માટે એક પાલતું સાથી જનાવર તરીકે તેને રાખવાની વ્યવસ્થા પણ સરળ રહેતી. તેને રાખવા મટે બહુ વિશાળ જગ્યાની આવશ્યકતા ન રહેતી.
આલ્પાકાનું રહેઠાણ - ૪૦૦૦ થી ૪૮૦૦ ફૂટની ઊંચાઈએ આવેલા એન્ડીસ પર્વતોનો ભેજવાળો - હરિયાળો મેદાની વિસ્તાર છે. એન્ડીસ પર્વતોનો વિસ્તાર પેરૂથી લઈને પશ્ચિમી બોલિવિયા, દક્ષિણ કોલંબિયાથી ઈકવાડોર, ઉત્તર ચિલી, ઉત્તર આર્જેન્ટિના સુધી ફેલાયેલો છે. પરંતુ આલ્પાકાનું મૂળ વતન પેરૂ જ માનવામાં આવે છે. આખા વિશ્વમાં આલ્પાકાની જેટલી વસ્તી છે તેમાંની ૯૯ % વસ્તી દક્ષિણ અમેરિકામાં જ છે. આ સિવાય આલ્પાકાનું ઓસ્ટ્રેલિયા, યુ. એસ. એ., યુ. કે. જેવા અન્ય દેશોમાં પણ ફાર્મિંગ કરવામાં આવે છે.
હવે આપણે તેની જીવનશૈલી તેમજ આદતો વિશે વાત કરીશું.
આલ્પાકાને ગાય - ભેંસની જેમ તબેલામાં જ રાખવામાં આવે છે. ત્યાં મેલ અને ફિમેલ આલ્પાકાને અલગ રાખવામાં આવે છે. મેલ આલ્પાકા દરરોજ બહાર મેદાનોમાં ચરવા જાય છે, જ્યારે ફિમેલ આલ્પાકા મોટે ભાગે તેના તબેલામાં જ રહે છે, તેના બચ્ચાંની સાથે. એ ક્યારેક જ બહાર ચરવા જાય છે. આલ્પાકા એ ટોળાનું પ્રાણી છે, તે મોટે ભાગે ગ્રુપમાં જ જોવા મળશે. તેનો મૈત્રીપૂર્ણ સ્વભાવ હોવાથી તેને એકલા રહેવાનું ગમતું નથી. તેની સાથે હંમેશા એક યા બે સાથે જનાવરો હોય જ છે. જો સાથે આવવાવાળુ કોઈ ન હોય તો, તે બહાર ચરવા જવાનું ટાળે છે. ટોળામાં પોતાની જાતને તે વધુ સુરક્ષિત અનુભવે છે. જ્યારે પણ કોઈ ખતરો જણાય તો, મેલ આલ્પાકા અન્યોને તેમજ તેનાં માલિકને ચિચિયારી કરતાં તીખાં (staccato alarm) અવાજમાં બધાને એલર્ટ કરે છે અને આ લોકો બચાવ માટે ભાગે છે.
ફિમેલ આલ્પાકા દર વર્ષે એક બચ્ચાંને જન્મ આપે છે. તેનો પ્રેગ્નન્સી ટાઈમ (gestation period) ૧૧.૫ થી ૧૨ મહિના સુધીનો હોય છે, જે મનુષ્યો કરતાં પણ વધુ હોય છે. તે દિવસનાં સમયે બચ્ચાંને જન્મ આપે છે, એ પણ ઉભા ઉભા. બચ્ચાંને જન્મ આપતા લગભગ સાત કલાક જેટલો સમય લાગે છે. જન્મતાં સમયે બેબી આલ્પાકા - ક્રિઆનો જન્મ ૭.૨ થી ૧૦ કિલો આસપાસનું હોય છે. તે શરૂઆતથી કદમાં મોટુ નથી હોતું, પરંતુ તે ધીમે ધીમે વૃદ્ધિ પામે છે અને કદમાં મોટું થતું જાય છે. બેબી આલ્પાકા ૬ થી ૮ મહિના સુધી માતાનું દૂધ પીએ છે, ત્યારબાદ એ આપોઆપ છૂટી જાય છે. અને ત્યારબાદ તેનાં વિકાસ માટે અન્ય દૂધ આપવામાં આવે છે. જન્મનાં અમુક વર્ષો સુધી તેને માતા સાથે જ તબેલામાં રાખવામાં આવે છે, ત્યારબાદ તેને પણ અલગ તબેલામાં રાખવામાં આવે છે. ફિમેલ આલ્પાકાની એક ખાસ વાત એ છે કે - તે તેની મરજી મુજબ પ્રેગ્નન્સી રોકી શકે છે તેમજ ઈચ્છે ત્યારે બચ્ચાંને જન્મ આપી શકે છે.
આલ્પાકા એક ખાસ પ્રકારનો humming (ગણગણતો) અવાજ કાઢે છે. એનો આ humming કરતો અવાજ " અમ્મમમ (mmmmmm) " ટાઈપનો હોય છે. એનો અવાજ થોડોક Buzzer જેવો હોય છે. આ અવાજ એ એકદમ politely રીતે નરમાઈશથી કાઢે છે. તે જ્યારે ખુશ હોય, ઉદાસ હોય, ચિંતીત હોય, કંટાળો આવતો હોય, જિજ્ઞાસુ હોય (ઉત્સાહિત) અથવા તો ડરેલું હોય ત્યારે, પોતાના અલગ અલગ મનોભાવો દ્વારા આવો અવાજ કરે છે. તે પોતાના મનોભાવો : ગરદનને અલગ અલગ રીતે હલાવી, કાન અને પૂંછડી હલાવી, માથું ઝુકાવી તેમજ પગ દ્વારા વ્યક્ત કરે છે. તેનામાં જોવાની અને સંભાળવાની ક્ષમતા ખૂબ જ ઉત્તમ હોય છે.
આલ્પાકા હિંસક પ્રાણીઓની યાદીમાં નથી આવતું. આલ્પાકા બહુ શાંત, સૌમ્ય અને રમુજી પ્રાણી છે. તેને જલદીથી ગુસ્સો આવતો નથી. અગર કોઈ એને ચીડવે - છંછેડે તો, તે તેની પર થૂંકે છે અથવા તો પાટુ મારે છે. માલિકથી જો કોઈ ફરિયાદ હોય અથવા તો માલિકને બોલાવવા હોય તો, તેની કોઈ ખાસ એક્શન દ્વારા બોલાવે છે.
આલ્પાકા શાકાહારી પ્રાણીઓની યાદીમાં આવે છે. તે ભોજન તરીકે ઘાસ ખાય છે. તે ચુસ્ત રીતે ચરવાવાળા પ્રાણી છે. તે એન્ડીસનાં પહાડો તેમજ ખીણો પર ઉગતું ઘાસ જ ખાય છે. હજારો વર્ષોથી તેઓ ત્યાં જ રહે છે અને ત્યાંનું ઘાસ જ ચારે છે. જોકે અહીં ઘાસ બહુ ઓછી માત્રામાં ઉગતું હોવા છતાં પણ, તેઓને અન્ય પ્રાણીઓની તુલનામાં ભોજનની આવશ્યકતા બહુ ઓછી પડે છે. મેલ આલ્પાકા રોજનું ૧.૨૫ કિલો આસપાસનો ઘાસચારો ખાય છે. ઘણીવાર ઘાસ તબેલામાં સ્ટોર કરેલા ઘાસચારાનાં જથ્થામાંથી આપવામાં આવે છે. ઘાસમાં સૂકું - લીલું ઘાસ અથવા તો પ્રોટીનયુક્ત Timothy ઘાસચારો હોય છે.
આલ્પાકામાં અમુક મેનર્સ આપોઆપ જ હોય છે જેમ કે - ટોળામાં હોય તો એક મેલ આલપાકા આખા ટોળાનું નેતૃત્વ કરે છે, ખતરો હોય તો એલર્ટ કરે છે; ફિમેલ આલ્પાકાનાં ગ્રુપની રક્ષા હેતુ આસપાસ ફરે છે તેમજ અંદર બહાર કૂદવું, આરામ કરવો, માલિકનાં આદેશોનું પાલન કરવું વગેરે. ફિમેલ આલ્પાકાઓ દરરોજ એક જ જગ્યાએ એકસાથે લાઈનમાં શૌચ કરે છે, એ લોકોએ જે જગ્યા ફિક્સ કરી હોય ત્યાં જ એ લોકો શૌચ કરે છે. તેઓ બીજી જગ્યાને ગંદી નથી કરતાં. આ બધી બાબતની એને ટ્રેનિંગ આપવાની જરૂર નથી પડતી, તેનામાં આવા મેનાર્સ એની મેળે જ આવી જતાં હોય છે.
હવે આપણે આલ્પાકાનાં ઊન વિશે જાણીશું.
આખાય વિશ્વમાં આલ્પાકાને તેના ઊન માટે મૂલ્યવાન માનવામાં આવે છે. તેનું ઊન હળવું, મુલાયમ, મજબુત અને ચમકદાર હોય છે. દર બે વર્ષે તેનું ઊન ઉતારવામાં આવે છે (મશીનો દ્વારા) , જેમ ઘેટાંનું ઊન ઉતારવામાં આવે તેમ. અન્ય ઊન કરતાં તે ૪ ગણુ મજબુત હોય છે અને કોટન કરતાં ઘણું ગરમ હોય છે. ગરમ હોવા છતાં તે જ્વલંત નથી હોતું તેમજ તે ભીનું પણ નથી થઈ જતું. તે ફાયર પ્રૂફ તેમજ વોટર પ્રૂફ હોય છે. તેનામાં ભેજને જલદીથી શોષી લેવાની ક્ષમતા સારી હોય છે. આલ્પાકાનાં ઊનનાં રેસાની લંબાઈ સામાન્યતઃ ૨૦ થી ૪૦ સેમીની આસપાસ હોય છે. વર્ષે - બે વર્ષે તેનાં ઊનનાં રેસાઓ પણ અમુક સેમી જેટલાં વૃદ્ધિ પામે છે. દર બે વર્ષે એનું ઊન કાઢવામાં આવે છે. મેલ આલ્પાકામાં દર પ્રાણી દીઠ ૩.૬ કિલો ઊન મળે છે અને ફિમેલ આલ્પાકામાંથી દર પ્રાણી દીઠ ૨.૨૫ કિલો ઊન મળે છે, જેમાંથી સરળતાથી વેપાર માટેનું કાપડ બની શકે છે. તેના ઊનમાંથી મેઈન તો ગરમ કપડાં જેવા કે - સ્વેટર, સ્કાર્ફ, શાલ, મફલર, વિન્ટર કેપ, હળવા સૂટ, હાથ અને પગના મોજાં તેમજ દોરા પણ બનાવવામાં આવે છે.
આ ઉપરાંત આલ્પાકાના ઊન સાથે અન્ય કાપડ મટીરીયલ જોઈન્ટ કરીને, ગૂંથીને વસ્ત્રો બનાવવામાં આવે છે. જેનો ઉપયોગ કોટીંગ તેમજ કપડાંના અસ્તર બનાવવા માટે પણ થાય છે, તેમજ તેનો ઉપયોગ સ્લીપિંગ બેગ બનાવવામાં પણ થાય છે. આલ્પાકા જેમ અલગ અલગ રંગોનાં શેડ્સમાં જોવા મળે છે તેમ, તેનું ઊન પણ ઘણા અલગ અલગ રંગની વેરાયટીમાં જોવા મળે છે. તેનું ઊન મોંઘામાં મોંઘુ ૪૦ ડોલરનું વેચાય છે અને સસ્તામાં સસ્તું ૫ ડોલરમાં વેચાય છે.
આલ્પાકા મુખ્યત્વે તેનાં સૌથી રેશમી ઊન (silkiest) ગુણ માટે મૂલ્યવાન છે, તેના ઊનને સૌથી વર્સેટાઈલ ફાઈબર માનવામાં આવે છે. આમ તો આલ્પાકાનું ઊન ઘેટાં જેવું જ હોય છે. તે ગરમ હોવાની સાથે તે લોકોને એલર્જેટીક (itchness) નથી હોતું. એનામાં લૈનોલિન (lanolin) ઓઈલ ઓછું હોવાને લીધે તે એલર્જેટીક નથી હોતું; તેમજ તેનાં ઊન કાઢવાની પ્રોસેસ દરમ્યાન પણ બહુ ઊંચું તાપમાન રાખવાની કે સખત (કઠોર) કેમિકલની જરૂર નથી પડતી. યુ.એન. ની FAO (Food & Agriculture Organization) નાં મતે, આલ્પાકાનું ઊન સારું, રેશમી તેમજ લાલાશ પડતાં ભૂરા રંગથી (reddish brown) માંડીને ગુલાબી ગ્રે (rose gray) જેવાં પ્રાકૃતિક રંગોની રેન્જમાં જોવા મળે છે. આલ્પાકાનું ઊન એટલું બિન જ્વલંતશીલ છે કે તેનું જ્યારે યુ.એસની કન્ઝ્યુમર પ્રોડક્ટ સેફ્ટી કમિશન દ્વારા જ્યારે તેનું કઠોર ટેસ્ટીંગ કરવામાં આવ્યું ત્યારે, તેને ક્લાસ ૧ ફાઈબર તરીકે નોંધવામાં આવ્યું.
હવે આપણે આલ્પાકાની બે જાતિઓ વિશે જાણીશું.
આલ્પાકાની મુખ્ય બે જાતિઓ જોવા મળે છે : (૧) Huacaya - હુઆકાયા અને, (૨) Suri - સુરી.
(૧) Huacaya - હુઆકાયા :-
હુઆકાયા સમુદ્રથી ૪૦૦૦ મીટરની ઊંચાઈએ આવેલા એન્ડીસ પર્વતનાં અલ્ટિપ્લાનો - altiplano પર રહે છે. આલ્પાકાની કુલ વસ્તીમાં ૯૦ % "હુઆકાયા આલ્પાકા" જોવા મળે છે. હુઆકાયાનું ઊન ઘટ્ટ (ભરાવદાર), ટેડીબેરની જેમ વાંકડીયું, ઝીણું અને નરમ હોય છે. આગાઉ કીધું એમ, દર બે વર્ષે આલ્પાકાનું ઊન કાઢવામાં આવે છે. ઊન કાઢવાનો સમય વસંત ઋતુમાં અથવા તો ઉનાળો આવ્યાં પહેલાં કાઢવામાં આવે છે. હુઆકાયા આલ્પાકામાં દરેક પ્રાણી દીઠ ૨.૫ કિલો ઊન નીકળે છે. દર બે વર્ષે આ લોકોનાં ઊનનાં રેસાની લંબાઈ ૩૦ સેમી જેટલી વધે છે.
(૨) Suri - સુરી :-
આલ્પાકાની કુલ વસ્તીમાં ૧૦ % જેટલાં "સુરી આલ્પાકા" જોવા મળે છે. સુરી આલ્પાકાનું ઊન મુલાયમ તેમજ સીધા રેસાવાળું લાંબુ (લહેરાતા વાળની જેમ) હોય છે. તેનું ઊન નીચેની તરફ Dreadlocksની જેમ લટકતું હોય છે. સુરી આલ્પાકામાં દર પ્રાણી દીઠ ૩ કિલો ઊન નીકળે છે. સુરી આલ્પાકાનું ઊન સુંદર અને પ્રમાણમાં આછું હોય છે. જેને લીધે તે ગંભીર મોસમમાં રહી શકે એટલા કુશળ નથી હોતા. સુરી આલ્પાકા અન્ય આલ્પાકાની તુલનાએ બહુ દુર્લભ જોવા મળે છે.
હવે આપણે આલ્પાકાની વિશેષ બાબતો વિશે જાણીશું.
- આલ્પાકા સ્વભાવે બહુ વિનમ્ર, શાંત અને મળતાવડું તેમજ જિજ્ઞાસુ અને સમજું હોય છે.
- આલ્પાકા બહુ જ લિમિટેડ રેન્જમાં જોવા મળે છે. Lamoids - લેમોઈડ્સની ચાર વિશિષ્ટ પ્રજાતિઓમાં આલ્પાકાને સૌથી વિશિષ્ટ માનવામાં આવે છે.
- તે જંગલી - શિકારી જનાવરોની યાદીમાં નથી આવતું. તે વિકુના વંશજનું પાલતું જનાવર છે.
- ઈન્કા સભ્યતા દરમ્યાન, આલ્પાકાનાં ઊનનાં વસ્ત્રો પહેરવા એ રોયલ માનવામાં આવતું. એટલે કે રાજઘરાનાનાં લોકો જ આ ઊનનાં વસ્ત્રો પહેરતાં.
- દુનિયાભરમાં આલ્પાકાને સામાન્ય ખેતરોમાં જ પાળવામાં આવે છે.
- આલ્પાકાની મોટા ભાગની વસ્તી દક્ષિણ અમેરિકામાં જ જોવા મળે છે.
- અત્યારે વિશ્વમાં આલ્પાકાની કુલ વસ્તી ૪ મિલિયન આસપાસની છે. જેમાંથી ૯૬ % તો પેરુ અને બોલિવિયામાં જ છે.
- તે સારા તેમજ સમજુ પાલતું જનાવર હોવાથી, તેને બહુ ટ્રેનિંગ આપવાની જરૂર નથી પડતી.
- આલ્પાકા ફાઈટ કરતી વખતે પક્ષીઓ જેમ લડાઈ કરતી વખતે અવાજ કરતાં હોય છે, તેવો લડાકું અવાજ કરે છે.
- આલ્પાકાનું ઊન mohair - મોહેર પછીનું બીજા નંબરનું મજબુત ઊન છે.
- AOA : આલ્પાકા ઓનર્સ એસોસિએશન દ્વારા આલ્પાકાનાં ૧૬ પ્રાથમિક રંગોને માન્યતા આપવામાં આવી છે. જે આ મુજબ છે : સફેદ, બેઈજ - beige, લાઈટ ફૉન - light fawn, મીડિયમ ફૉન, ડાર્ક ફૉન, લાઈટ બ્રાઉન, મીડિયમ બ્રાઉન, ડાર્ક બ્રાઉન, બે બ્લેક - bey black, ટ્રુ બ્લેક, લાઈટ સિલ્વર ગ્રે, મીડિયમ સિલ્વર ગ્રે, ડાર્ક સિલ્વર ગ્રે, લાઈટ રોઝ ગ્રે, મીડિયમ રોઝ ગ્રે અને ડાર્ક રોઝ ગ્રે.
- અત્યાર સુધીનું મોટામાં મોટી વયનું આલ્પાકા : ૨૭ વર્ષનું જોવા મળેલ છે..
- આલ્પાકા બહુપત્ની હોય છે.
- લામા અને આલ્પાકાથી જે પ્રજાતિ ઉત્પન્ન થાય છે, તે Huarizo - હ્યુરીઝો તરીકે ઓળખાય છે.
- આલ્પાકા ઘાસની સાથે સાથે ક્યારેક પાંદડીઓ, ઝાડની ડાળખીઓ, થડની છાલ વગેરે પણ ખાય છે.
- કેટલાંક એન્ડીસ લોકો ભોજનમાં આલ્પાકાનું માંસ લે છે. પેરુમાં આલ્પાકાનાં માંસનું ભોજન રોયલ માનવામાં આવે છે. પેરુ સિવાયનાં અન્ય દેશોમાં તેનાં માંસ પર પણ પ્રતિબંધ છે.
- આલ્પાકાની પહેલીવાર આયાત વર્ષ - ૧૯૮૪ માં કરવામાં આવી હતી, એમાં પણ ૪ થી ૫ આલ્પાકા જ આયાત કરવામાં આવ્યાં હતાં. આલ્પાકાની આયાતનો આ સિલસિલો વર્ષ - ૧૯૮૪ થી ૧૯૯૫ની વચ્ચેનાં સમયમાં રહ્યો હતો. ત્યાર પછીથી આલ્પાકાની આયાત પર સંપૂર્ણ પણે પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો, જે આજ સુધી યથાવત્ છે.
- આલ્પાકાને આર્થિક રીતે વિભિન્ન ભુભાગો પર ઉછેરવામાં આવે છે. દક્ષિણ અમેરિકા સિવાય ઉત્તર અમેરિકા તેમજ ઓસ્ટ્રેલિયામાં પણ તેનો ઉછેર કરવામાં આવે છે. આલ્પાકાનો પેક એનિમલ તરીકે ઉપયોગ નથી થયો, તો પણ તેના ઊનને લીધે આખા વિશ્વમાં તેને બહુમૂલ્ય ગણવામાં આવે છે.
સ્પેશિયલ ફેક્ટ્સ :-
લોકો આલ્પાકા અને લામાને ઓળખવામાં બહુ જ કંફ્યુઝ થાય છે, કારણ કે બંને દેખાવમાં પણ સરખા લાગે છે. આલ્પાકા અને લામા બંને વચ્ચેનો મુખ્ય ફરક - તેનો આકાર છે. આલ્પાકાને તેના નાના આકારને લીધે લામાથી અલગ તારવી શકાય છે. આલ્પાકા લામા કરતાં કદની દ્રષ્ટીએ પ્રમાણમાં નાના હોય છે. આલ્પાકાનું શરીર ચોરસને બદલે ગોળાકાર - ભરાવદાર હોય છે. તે લામાની જેમ પૂંછડીને સીધી રાખવાને બદલે પોતાના શરીરની તરફ નજીક સંકેલીને રાખે છે. તેની પૂંછડી લટકતી નથી હોતી. લામાનો ઉપયોગ pack animal (ભાર ઊંચકવા માટેના) તરીકે થાય છે, જ્યારે આલ્પાકાનો ઉપયોગ પાલતું જનાવર તરીકે થાય છે.
તો આ વાત હતી, ઊન આપતાં ક્યૂટ ઊંટ આલ્પાકાની. એક એવું ઊંટ જે દુનિયાની અતિ પ્રાચીન ઈન્કા સભ્યતાનો મહત્ત્વનો હિસ્સો હતી, જે આજે પણ એનાં પુરાવા રૂપે પેરુના એન્ડીસ પહાડો પર જોવા મળે છે. આપણે અત્યાર સુધી ઊન આપતાં ઘેટાં વિશે જ વાકેફ હતાં, પરંતુ હવેથી ઊન આપતાં આલ્પાકાથી પણ પરિચિત થશું. ઊંટ પરિવારનું સૌથી આ નાનું અને લાડકું સભ્ય સ્વભાવે ડાહ્યું, સમજુ, મળતાવડુ, ક્યૂટ છે તેમજ લોકોને ઉપયોગી એવું કિંમતી ઊન આપે છે. અને પેરુમાં રહેતા પશુપાલકો અથવા ખેડૂતો માટે રોજીરોટીનો સ્ત્રોત પણ છે.