• 25 July 2024

    વાર્તા

    એક પ્રવાહની આવરદા

    5 45

    આજે ત્રિશ વર્ષ પછી, હું અને વનિતા ફરી મળ્યા હતા.... એ જ ગાર્ડનમાં. એજ ઝાડ નીચે જે આજે સુકાઈ ગયું હતું. એજ બાંકડા પર જેના અનુદાયીનું નામ ભૂંસાઈ ગયું હતું.

    આજે એ બાંકડે હું પગ પર પગ ચડાવીને બેઠો હતો ત્યાં દરવાજા તરફથી એક પ્રકાશ આવ્યો...

    ન એ વરસતું વાદળ હતી
    કે ન એ પરોઢની ઝાંકળ હતી
    મુજ તરફ નિસ્વાર્થ ભાવે વહેતી એ સરીતા હતી
    હા એ જ...વનિતા હતી, હા એ જ...વનિતા હતી....

    સાંજના છ વાગવાની તૈયારી હતી કે.... ગાર્ડનની લાઈટો ચાલુ થઈ ગઈ અને બરોબર...એની એન્ટ્રી થઈ. લાઇટના લીધે ન દેખાતા ચેહરા સાથે ચાલી આવતી એક મહિલા...એ જ હોવી જોઈએ

    એના ડગલાં ભરી રહેલા છ નંબરના સેન્ડલ પહેરેલા પગને સ્પર્શવા ગાર્ડનના ખરી ગયેલા પાંદડાંઓ ઉછળી રહ્યા
    હતા. એની સામે વહેતા પવનને ચીરતી આવતી એ મહિલા વનિતા જ હતી.

    જોયું. આપડો ડાઉટ સાચો જ પડ્યો ને...

    વનિતાની ચાલ એ જ હતી જે ત્રિશ વર્ષ પહેલાં હતી.
    પણ એ ચેહરાની ખૂબસૂરતી ત્રિશ ટક ખોવાઈ ચૂકી હતી.

    પણ હા મને એનો ચેહરો આજે પણ એજ દેખાઈ રહ્યો છે જે ત્રિશ વર્ષ પહેલાં મે જોયો હતો. એ ચેહરો મે ત્યારેજ હૃદયમાં ઉતરી લીધો હતો.

    એ મારા નજીક આવીને પૂછવાની જ હતી કે...મે કઈ દીધું
    આવ વનિતા બેસ...

    ને એણે મને પૂછ્યું, ધીરેન....તું મને ઓળખી ગયો?
    મે કીધુ કે, ભૂલ્યો જ નહોતો.

    થોડો સમય એનો અવાજ મારા કાનને અડ્યા વગર જ સાઈડમાંથી પસાર થતો રહ્યો કારણ કે હું એના એ ત્રિશ વર્ષ પછી મને દેખાયેલા ચેહરામાં ખોવાઈ ચૂક્યો હતો.

    અચાનક એક અવાજ ધીમે ધીમે ધીમે મારા કાનને સ્પર્શ્યો

    ધીરેન....ધીરેન.... ક્યાં ખોવાઈ ગયો...

    તારામાં.....આ શબ્દ ઉદરમાંથી ફેફસાને ટકરાઈને જીભ સુધી પહોંચતો જ હતો કે...મે રોકી લીધો.

    ના કઈ નઈ... ત્રિશ વર્ષ પછી મળ્યાને એટલે ત્રિશ વર્ષ પહેલાંની વનિતાને આ વનિતા સાથે સરખાવતો હતો.

    એ છોડ ને તું... શું કરે છે તારા હસ્બન્ડ અને તારા દીકરા...એ તો મોટા થઈ ગયા હશેને....અને તારી એ નોકરી ક્યાં પહોંચી......

    વનિતા થોડી વાર એકદમ જ મૌન રહી. કદાચ એ આંખોથી કઈક કહેવા માંગતી હતી પણ હું એની ભાષા સમજી શકતી નહોતો.

    એની જમણી આંખનું એક અશ્રુ પડે એ પહેલાં મે ત્યાં હાથ રાખી દીધો. મારી હાથની રેખાઓમાં એ અશ્રુ વિસ્તરી ગયું હતું.

    એણે કીધુ....કે ધીરેન કાશ તે મને પ્રપોઝ કરી ત્યારે મે હા પાડી દીધી હોત તો અત્યારે મારી આ હાલત ના હોત.
    મે કીધુ કે શું થયું....ને એણે વિસ્તારમાં વાત કરી કે એના જ્યાં લગ્ન થયા હતા.એ આખું પરિવાર માત્ર વનિતાના પગાર પર જ જીવતું હતું. એ વ્યક્તિ વનીતાને અપશબ્દો કહેતો, મારતો સતત ત્રણ વર્ષ સુધી આ બધું વનિતા સહન કરતી રહી. ચોથા મહિનાએ વનિતા એ એ લોકોની માંગી રકમે છૂટ્ટાછેડા લીધા.

    ત્યારથી આજ સુધી વનિતા પુસ્તકો અને પ્રકૃતિઓ સાથે જીવે છે.

    હવે પ્રશ્ન મને જે મુંઝવતો હતો એજ વનિતાના મોઢા પર આવીને અટક્યો... તમારા પત્ની દિકરા બધા શું કરે...

    જો હું..કહી દઉં કે તારા ગયા પછી મે કોઈની તરફ એજ સુધી જોયું નથી... હું આજે પણ કુંવારો છું.

    તો એને મને છોડ્યાનો અફસોસ વધારે થાય...
    એક તો માંડ એ પેલા છૂટ્ટા છેડાના કિસ્સાઓ ભૂલી હશે...
    અને હું નહોતો ઈચ્છતો કે એ ફરી આ પુસ્તકો અને પ્રકૃતિથી દૂર થાય.

    એટલે મે ફટાફટ બનાવીને કહી દીધું કે કોણ રાધિકા.... એ તો જલસા કરે મારા પેન્શનથી વૈભવની ફી ભરી છું અને વેદિકાના તો લગ્ન પણ થઇ ગયા.

    મારી આ બનાવેલી વાર્તાને એ મારા અંદાજ મુજબ હકીકત સમજવા માંડી હતી. પણ એ આ વાતથી ખૂબ ખુશ હતી કે એના રિજેક્ટ કર્યા પછી મે લગ્ન કરી લીધા. મારી એના જેવી હાલત તો નથી.

    પણ એને કોણ સમજાવે કે આ ત્રણ નામો વિચારતા છૂટતા પરસેવાને મે કેમ રોક્યા છે.

    ચાલો મળીશું... પાછા ક્યારેક આજ બાંકડે એજ ગાર્ડન...

    મે મે કિધું કે ચોક્કસ... પણ મનમાં એમ હતું કે નથી મળવું, એ કદાચ મારા બનાવેલા પાત્રોને મળવાનું કહેશે તો ક્યાંથી લાવીશ અને સત્ય કહીશ તો ફરી હતાશા એની માંડ આવેલી સ્માઇલને વિખેરી નાખશે.

    બાય... કહીને અમે એ બાંકડેથી છૂટ્ટા પડ્યા...
    પણ બાંકડાની નીચે રહેલી થોડી ભીની માટીમાં અમારા પગના નિશાનો એમનેમ...રહ્યા...

    હવે ફરી મળીશું...જો શક્ય હશે તો એજ બાંકડે એજ ગાર્ડનમાં.






    JAYDEEP PARMAR


Your Rating
blank-star-rating
Anjali Joshi - (19 September 2024) 5
✍કલ્પના છે પણ ખુબ સરસ રીતે રજુ કર્યું છે👏👏👏👏👏, વાર્તાના બીજા ભાગ ની આશા રાખું છું હું. ધન્યવાદ આટલી સુંદર👌 રચના માટે

0 0

Jadeja Hinaba - (27 July 2024) 5
ખૂબ જ સરસ રચના 👏✍️👌

1 0