• 30 June 2025

    સબ્લાઈમ

    એક એવી કવ્વાલી...

    0 41


    સીરિયાના વતની અને વિવેચક એવા કેસીયસ લોન્જાઈનસે તેના એક ગ્રંથ ' પેરીઈપ્સુસ'માં On the sublime શબ્દ પ્રયોજ્યો છે. આ સબલાઈમ એટલે aesthetic please અથવા ecstasy અથવા અખંડાનંદ. જોકે તેણે તો આ વાત સાહિત્ય પૂરતી જ કરી હતી. પણ આપણે તેનો વ્યાપ વધારીને આ કોલમ અંતર્ગત જગતના શ્રેષ્ઠ ફિલ્મો, નાટકો, પુસ્તકો, વાનગીઓ, વ્યક્તિઓ, પ્રાણીઓ, ઘટના, સ્થળ, ગીતો, શિલ્પો, ચિત્રો, જીવજંતુઓ, યંત્રો વગેરેની ચર્ચા કરીશું.

    આ સબલાઈમ એટલે ટાગોરને જીવનમાં પ્રથમ વાર સૂર્યાસ્ત જોઈને અનુભવાયેલા સંવેદના, જર્મન કવિ ગેટેને 'અભિજ્ઞાન શાકુંતલ' વાંચ્યા પછી થયેલ અનુભવ. જે મને અને તમને તાજમહેલ જોયા બાદ કે પ્રમુખસ્વામી મહારાજ કે મોરારીબાપુને મળ્યા બાદ કે કચ્છની દાબેલી કે મુંબઈના વડાપાઉં ચાખ્યા બાદ કે ટહુકા અને કળા કરતો મોરને જોઈને થાય છે એ જ સંવેદન.

    આજે એક જબરજસ્ત ફિલ્મના એક જબરદસ્ત દ્રશ્યનો આસ્વાદ કરવો છે. આ દ્રશ્ય પૂર્વે ફિલ્મમાં એક કવ્વાલી આવે છે. કવ્વાલીના શબ્દો દ્વારા પાત્રોના વ્યક્તિત્વનો ઉઘાડ નિર્દેશક કે.આસિફે બખૂબી કર્યો છે. મુઘલ શહેઝાદા સલીમનો પ્રેમ પામવા બે નૃત્યાંગનાઓ વચ્ચેનું શાબ્દિક યુદ્ધ ભારતના ઇતિહાસમાં અમર થઈ જાય એવું બન્યું છે. ભારતીય ફિલ્મ ઉદ્યોગના ત્રણ શ્રેષ્ઠ કલાકારો દિલીપકુમાર (સલીમ ),મધુબાલા (અનારકલી ) અને નિગાર સુલતાના (બહાર ) આ કવ્વાલીમાંનજરે ચડે છે.
    સલીમ વચન આપે છે કે જે તેનું દિલ જીતી લેશે તેને તે અદભુત ઉપહાર આપશે.

    એકબાજુ બોલિવૂડની શ્રેષ્ઠ અભિનેત્રી મધુબાલા અને બીજી બાજુ એટલી જ સ્વરૂપવાન નાયિકા નિગાર સુલતાના. આ બંને નાયિકાઓએ કવ્વાલીમાં જે એક્ટિંગ કરી છે એ નવા કલાકારો માટે અદાકારીની પાઠશાળા ગણાય. કવ્વાલીના શબ્દે-શબ્દમાં મધુબાલાની આંખમાં તમને લજ્જા, નાજુકાઈ, નમણાશનો ભાવ દેખાય. તો બીજી તરફ નિગાર સુલતાનાની આંખમાં અક્કડ, અભિમાન, સર્વોપરિતા, આધિપત્ય અને અધિકારનો ભાવ સ્પષ્ટ વર્તાય.

    નૌશાદ કર્ણપ્રિય સંગીત સાથે આહલાદક વાતાવરણમાં શકીલ બદાયુની કલમે લખાયેલા શબ્દો આ રચનાને અમરત્વ બક્ષે છે.

    મીરાની મસ્તી સમા અનારકલીના પ્રેમમાં તેના મુખે " તેરી મહેફિલમે કિસ્મત આજમા કર હમ ભી દેખેંગે, તેરે કદમો મે સર ઝુકા કર હમ ભી દેખેંગે" જેવા શબ્દો જ્યારે બહારના પ્રેમમાં માત્ર આકર્ષણ છે,સત્તાલાલસા ને ઇર્ષ્યાનો ભાવ છે તેથી તેના મુખે "તેરી મહેફિલમે કિસ્મત આજમા કર હમ ભી દેખેંગે , ઘડીભર કો તેરે નજદીક આ કર હમ ભી દેખેંગે" શબ્દો મુકવામાં આવ્યાં છે.

    શબ્દો અને અદાકારીની પરાકાષ્ઠા ત્યાર પછીના અંતરામાં આવે છે કે જ્યાં બહારના મુખે," બહારે આજ પૈગામે મોહબ્બત લે કે આઈ હૈ, બડી મુદતમેં ઉમ્મીદો કી કલીયા મુસ્કુરાઈ હૈ " અહીં નિગાર સુલતાના જે આંખથી એક્ટિંગ કરે છે, તેના માટે કોઈ પણ એવોર્ડ ટૂંકો પડે. પછીની કડીમાં પાછું તેનું વ્યક્તિત્વ છતું થાય છે. " ગમે દિલસે જરા દામન બચાકર હમ ભી દેખેંગે." તેને પ્રેમમાં દુઃખ નથી જોઈતું એ અહીં સ્પષ્ટ છે. જયારે મીરાની મસ્તીમાં મગન અનારકલીના મોઢે," અગર દિલ ગમસે ખાલી હો તો જીને કા મજા ક્યા હૈ, ન હો ખુને જીગર તો અશ્ક પીને કા મજા ક્યા હૈ" આવતી આ કડીમાં મધુબાલા પોતાનો જીવ રેડી દે છે. " મહોબ્બત મેં જરા આંસુ બહાકર હમ ભી દેખેંગે" આ પંક્તિને પણ મધુબાલા જીવી જાય છે.

    પછીની પંક્તિમાં ખરી લડાઈ શરૂ થાય છે. અહીં બે કમાલ થઈ છે. નિગાર અને અનારકલીની લડત તો ગતિ પકડે જ છે પણ સાથોસાથ આગળની વાર્તાનો અંદેશો પણ મુકાયો છે. " મહોબ્બત કરને વાલો કા હે બસ ઈતના હી અફસાના, તડપના ચુપકે-ચુપકે, આહ ભરના, ઘુટકે મર જાના, કિસી દિન યે તમાશા મુસ્કુરાકે હમ ભી દેખેંગે", અને ખરેખર બહાર અનારકલીને પકડાવા માટે કારણભૂત બને જ છે. આ બાજુ અનારકલીકહે છે,"મહોબત હમને માના જિંદગી બરબાદ કરતી હૈ, યે ક્યા કમ હે મર જાને પે દુનિયા યાદ કરતી હૈ, કિસી કે ઈશ્કમે દુનિયા લુટાકર હમ ભી દેખેંગે" અને આ જ પંક્તિ પ્રમાણે અનારકલીને મ્હોંબબતમાં લૂંટાઈ જવાનો જ વારો આવે .

    અંતે નિર્ણાયક તરીકે બેઠેલા દિલીપકુમાર નિગાર સુલતાનાને ગુલાબ આપે અનારકલીને કાંટો આપે છે. નિગાર સુલતાનાની આંખમાં જીતનો મદદ અને અનારકલીની શરમાવાઈને મંદ-મંદ મુસ્કુરાવાની અદા આ બંને નાયિકાઓની અદાકારીની ચરમસીમા છે.
    અંતે જે સબલાઈમ સંવાદ આવે છે તે ગમે તેટલી વાર સાંભળો તેટલીવાર રૂંવાડા ઉભા થઈ જશે. સલીમ અનારકલીને એમ પૂછે છે કે " તુમ્હે તો મેંને કાંટા દિયા હે તુમ ઈતની ખુશ કયો હો?" અને અનારકલી આત્મવિશ્વાસ સાથે જવાબ આપે કે, " જીલ્લે ઈલાહી કાંટો કો મૂરઝાને કા ખૌફ નહી હોતા,"

    આ સંવાદ ઉપર ઊભા થઈને આપણે તાળીઓનો ગડગડાટ કરવા જે મજબૂર થઈ જઈએ એને જ સબલાઈમ કહેવાય.



    ધર્મેન્દ્ર કનાલા


Your Rating
blank-star-rating
Sorry ! No Reviews found!