61 વિશાળ સૃષ્ટિમાં આપણે મર્યાદિત લોકો સાથે સંપર્કમાં આવીએ છીએ. પછી એ લોહીના સંબંધો હોય કે વ્યવહારથી જોડાતાં સંબંધો હોય. કયા વ્યકિત સાથે કેટલો નિકટનો સંબંધ રચવો એ ભલેને આપણા હાથમાં હોય પણ કયા સમયે કોનું જીવનમાં પ્રવેશવું અને કોની સાથે કેટલા સમય સુધી ટકી રહેવું એ કુદરતના એ અદ્રશ્ય તત્વોનાં હાથમાં છે.
કેટલીક વખત કોઈ વ્યક્તિ અકારણ ગમે છે તો કોઈક અકારણ અણગમતું લાગે છે - એ ભાવ પૂર્વભવનાં ઋણાનુબંધ થકી જ રચાય છે. જો કોઈ વ્યક્તિ ઉપર અકારણ સ્નેહ ઢોળાય તો તેનું તમારા પર પૂર્વભવનું ઋણ બાકી હશે... તેમણે તમારા પર કોઈ ઉપકાર કર્યું હશે જેનો બદલો તમને આ ભવમાં વાળવાનું હશે એટલે એ નિઃસ્વાર્થ સ્નેહ થકી બહાર આવશે. વળી, કોઈ વ્યક્તિ ને તમારા પર જો અકારણ ઈર્ષ્યા કે અણગમાનો ભાવ જાગે તો તમારાથી કંઈક અનુચિત વર્તન થયું હોઈ શકે...
એટલે જ તો હવે નવાં ભાથા ન ભરીએ અને પરોપકારની ભાવના કેળવીએ...આ અનુસંધાને એક સાચી ઘટનાની વાત કરીએ...મારા વર્ગમાં ધોરણ ૫ માં અભ્યાસ કરતો વિધાર્થી કેટલાય દિવસથી તોફાન કરતો હતો, ન તો પોતે વર્ગમાં ધ્યાન આપતો કે ન તો બીજાને ધ્યાન આપવા દેતો, તેનું વર્તન વિચિત્ર હતું. એક દિવસે તો તેણે તોફાન મસ્તીની હદ પાર કરી, તે મારી સામે બોલ્યો, મેં તેને હળવેકથી પાસે બોલાવવાની કોશિશ કરી તો તેણે બેઠાં બેઠાં જ મારી તરફ પુસ્તક ફેંકી. નાછૂટકે મને મારા સ્વભાવની વિરુદ્ધ તેને વઢવાની ફરજ પડી. ત્યાર પછી એ આખો દિવસ ગમગીન જ રહ્યો, મને તેનું વર્તન માત્ર તોફાન કે મસ્તી પૂરતું મર્યાદિત ન લાગ્યું એટલે મેં તેના ઘરની આસપાસ રહેતા છોકરાઓને પૂછ્યું ત્યારે જાણ થઈ કે તેનું જન્મ થયું ત્યારે જ તેની માતાનું અવસાન થયું હતું...આ સાંભળીને મારા શરીરમાં કંપારીનું લખલખું પસાર થઈ ગયું. બીજા દિવસે પણ તે ગમગીન હતો તેણે કોઈ સાથે વાત પણ કરી હતી નહીં એટલે મેં તેને મારી પાસે બોલાવ્યો અને હળવેકથી સમજાવ્યું કે તોફાન મસ્તી ન કરે અને ભણવામાં ધ્યાન આપે એવી સામાન્ય વાતો જ કરાવી, તેનાં અંગત જીવન વિશે એક પણ શબ્દ બોલ્યા વિના તેને પોતાનો પુત્ર માનીને તેના માથા પર હળવેકથી હાથ ફેરવ્યો અને એની આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા. જે બાળકમાં મેં હંમેશા તોફાન મસ્તી કરતી વખતે નફ્ફટાઈ અને બેફિકરાઈ જોઈ હતી એ જ બાળક આજે મારા વહાલની સામે આંસુઓ થકી આભાર માની રહ્યો હોય અને અત્યાર સુધીની વેદના ઠાલવી રહ્યો હોય એવું મને લાગ્યું. બસ પછી તો શું હતું? જ્યાં સુધી એ શાળામાં કાર્ય કર્યું ત્યાં સુધી એ બાળકનો પોતાના દીકરાને જેમ સવિશેષ ધ્યાન રાખ્યું. તે ખુશખુશાલ રહેવા લાગ્યો ,ત્યાર પછી એણે વર્ગમાં ક્યારેય અણછાજતું વર્તન કર્યું નહીં એ નવાઈની વાત હતી... આજે પણ જ્યારે મને મળે, સજલનેત્રે પગે લાગે...કદાચ એ જ પાછલા જન્મનો માતૃત્વનો ઋણાનુબંધ હશે...! તમારા સાથે કોણ કોણ ઋણાનુબંધથી જોડાયેલ છે સરવૈયું કાઢજો...
આપણા જીવનમાં આવતા કોઈપણ વ્યક્તિના વર્તન વ્યવહારો પરથી કોઈ પણ પ્રકારનો પૂર્વગ્રહ બાંધતા પહેલા તેના જીવન અને મનમાં ચાલતા સંઘર્ષો વિશે જાણી લેવું જોઈએ. આપણે જો કોઈને સુખ નથી આપી શકતા તો દુઃખ આપવાનો પણ કોઈ અધિકાર નથી એ યાદ રાખવું જોઈએ.
મમતા મહેશ્વરી 'ધાનિ'