4
આજના સમયની સવાર હવે સૂર્યના કિરણોથી નથી પડતી, પણ મોબાઈલની સ્ક્રીન પર ઝબકતા નોટિફિકેશનના અજવાળાથી પડે છે. વર્તમાન ઘટનાઓની વાત કરીએ તો, રોજબરોજ આપણે જોઈએ છીએ કે ડિજિટલ ક્રાંતિ કેવી હરણફાળ ભરી રહી છે. પણ આ બધા કોલાહલ વચ્ચે એક શાંત પણ ગંભીર પ્રશ્ન આપણા સૌના મનમાં ઉઠવો જોઈએ: શું આપણે દુનિયા સાથે જોડાવાની લ્હાયમાં પોતાની જાતથી જ વિખૂટા નથી પડી ગયા ?
વર્તમાન સમયની આ એક વિચિત્ર કરૂણતા છે. આપણી પાસે 5G ની સ્પીડ છે પણ કોઈની વાત શાંતિથી સાંભળવાની 'ધીરજ' નથી. સોશિયલ મીડિયા પર હજારો 'વર્ચ્યુઅલ ફ્રેન્ડ્સ' છે પણ જ્યારે મન ભરાઈ આવે ત્યારે જે ખભા પર માથું મૂકીને રડી શકાય, એવો કોઈ વાસ્તવિક મિત્ર શોધવો મુશ્કેલ બની ગયો છે. આપણે જે યુગમાં જીવી રહ્યા છીએ તેને 'માહિતીનો યુગ' (Information Age) કહેવાય છે પણ શું ખરેખર આપણે 'જ્ઞાની' છીએ ? માહિતીનો અતિરેક આપણને વિચારવા માટેનો જે ખાલી સમય (Space) જોઈએ તે છીનવી રહ્યો છે.
હમણાં જ એક સમાચાર વાંચ્યા હતા કે લોકોમાં 'એકલતા' (Loneliness) એક રોગચાળાની જેમ ફેલાઈ રહી છે. વિચારવા જેવું છે કે, જે સાધનો (ગેજેટ્સ) આપણને એકબીજાની નજીક લાવવા માટે શોધાયા હતા, તે જ સાધનો આજે બે માણસો વચ્ચેની દીવાલ બની ગયા છે. એક જ ઘરમાં રહેતા ચાર સભ્યો ડાઇનિંગ ટેબલ પર સાથે બેઠા હોય છે પણ તેમના મન પોતપોતાના મોબાઈલમાં અલગ અલગ દુનિયામાં વિહરતા હોય છે. આંખનો સંપર્ક (Eye contact) હવે સ્ક્રીન કોન્ટેક્ટમાં બદલાઈ ગયો છે. આંગળીના ટેરવે આખી દુનિયા છે પણ બાજુમાં બેઠેલી વ્યક્તિના હૃદયના ધબકારા આપણે સાંભળી શકતા નથી.
આ પરિસ્થિતિ માત્ર સંબંધો પૂરતી સીમિત નથી, આપણી માનસિક શાંતિ પણ હણાઈ રહી છે. પહેલાના જમાનામાં 'નવરાશ' હતી જેને લોકો માણતા હતા. આજે નવરાશ મળે તો માણસ ગભરાઈ જાય છે, તેને તરત જ હાથમાં મોબાઈલ જોઈએ છે. મૌન હવે અકળાવે છે. સતત કશુંક જોતા રહેવું, સતત સ્ક્રોલ કરતા રહેવું ,જાણે આપણે કશાકથી ભાગી રહ્યા છીએ. આખરે આ દોડ શેની છે ? આપણને ક્યાં પહોંચવું છે ? તેનો જવાબ કદાચ કોઈની પાસે નથી.
વર્તમાન સમયની આ ઘટનાઓ આપણને એક લાલ બત્તી બતાવી રહી છે. ટેકનોલોજી શ્રાપ નથી પણ તેનો વિવેકહીન ઉપયોગ ચોક્કસપણે એક સામાજિક દુર્ઘટના નોતરી રહ્યો છે. આપણે એ સમજવું પડશે કે 'કનેક્ટિવિટી' અને 'કનેક્શન' વચ્ચે મોટો તફાવત છે. વાાઈ-ફાઈના સિગ્નલથી આપણે માહિતીની આપલે કરી શકીએ છીએ પણ લાગણીની આપલે માટે તો સામેવાળી વ્યક્તિનો હાથ પકડવો પડે ઈવન તેની આંખમાં જોવું પડે.
હવે સમય પાક્યો છે કે આપણે થોડા 'પોઝ' (Pause) લઈએ. કુદરતને જોઈએ, બાળકો સાથે બાળક બનીને રમીએ, કોઈ વૃદ્ધની વાત ધીરજથી સાંભળીએ અને મોબાઈલ ડેટા બંધ કરીને થોડીવાર આપણી જાત સાથે 'ઓનલાઈન' થઈએ. કારણ કે અંતે તો જીવનનો સાચો આનંદ સ્ક્રીનના પિક્સલમાં નહીં પણ વાસ્તવિક જીવનના ધબકારમાં જ છે.
આધુનિકતા જરૂરી છે પણ જો તે આપણી સંવેદનાઓના ભોગે આવતી હોય તો એ વિકાસ નહીં પણ વિનાશની શરૂઆત છે. તો ચાલો, આ 'સ્માર્ટ' યુગમાં આપણે થોડા 'સેન્સીબલ' (સમજદાર) બનીએ.