5જ્યારે સ્ત્રી પોતાની જાતને પસંદ કરે છે…
સંબંધોના ઘોંઘાટ, અપેક્ષાઓના ભાર અને અવહેલનાના વંટોળોને પાર કરીને જ્યારે સ્ત્રી પોતાની જાતને સંભાળી લે છે, ત્યારે તેના જીવનમાં માત્ર એક પરિવર્તન નથી આવતું; તેના વિચારોની આખી દુનિયા બદલાઈ જાય છે.
એક સમય હતો જ્યારે તેની ખુશી કોઈના શબ્દો સાથે જોડાયેલી હતી. કોઈ પ્રેમથી બોલે તો દિવસ સારો લાગે, કોઈ અવગણે તો આખી રાત મન ઉદાસ રહે. કોઈ પોતાનું કહે તો હૃદયમાં આશા જાગે અને કોઈ દૂર થઈ જાય તો પોતાની જ કિંમત પર શંકા થવા લાગે.
પરંતુ એક દિવસ તે થાકી જાય છે—બીજાને સમજાવતા નહીં, પોતાને સમજાવતાં.
અને એ જ દિવસથી તેની અંદર એક નવી સ્ત્રી જન્મે છે.
હવે મંજૂરીની જરૂર નથી
હવે તે પોતાની ખુશી માટે કોઈની મંજૂરીની રાહ જોતી નથી. તેને સમજાઈ ગયું છે કે જીવનમાં દરેક વ્યક્તિ તેને સમજે એ શક્ય નથી અને દરેક સંબંધ તેને એ જ પ્રેમ આપે એ પણ જરૂરી નથી.
તે હવે લોકોની પસંદ બનવા માટે પોતાને બદલતી નથી.
તે પોતાની જાતને સ્વીકારીને જીવવાનું શીખી ગઈ છે.
કોઈને તેનું મૌન ગમે કે ન ગમે, કોઈ તેની વાત સમજે કે ન સમજે—હવે તેના અસ્તિત્વની કિંમત કોઈ બીજાના અભિપ્રાયથી નક્કી થતી નથી.
કારણ કે જે સ્ત્રી પોતાની કિંમત ઓળખી લે છે, તેને દુનિયાની તાળીઓની જરૂર રહેતી નથી.
પોતાની સાથેનો સંબંધ
સ્ત્રી આખી જિંદગી અનેક સંબંધો સાચવતી રહે છે—દીકરી, બહેન, પત્ની, માતા, વહુ, મિત્ર… દરેક ભૂમિકામાં તે પોતાની જાતનો કોઈ ને કોઈ ભાગ અર્પણ કરતી જાય છે.
પરંતુ ક્યારેક તે ભૂલી જાય છે કે આ બધી ઓળખોની પાછળ એક “હું” પણ છે.
એ “હું”ને શું ગમે છે?
એ “હું”ના સપના શું છે?
એ “હું”ને કઈ વાતથી ખુશી મળે છે?
આ પ્રશ્નો જ્યારે ફરીથી તેના મનમાં જન્મે છે, ત્યારે જીવનમાં એક નવી સવાર થાય છે.
તે ફરી પુસ્તક હાથમાં લે છે, વર્ષો પહેલાં અધૂરું છોડેલું ગીત ગાય છે, કોઈ કળાને ફરી જીવંત કરે છે, પોતાના સપનાઓની ધૂળ સાફ કરે છે અને ધીમે ધીમે પોતાની સાથે મિત્રતા બાંધે છે.
આ આત્મમોહ નથી.
આ તો આત્મસન્માન છે.
એકાંત હવે સજા નથી
પહેલા એકલી હોય ત્યારે તેને ખાલીપો લાગતો હતો. હવે એ જ એકાંત તેને પોતાની સાથે વાત કરવાનો અવકાશ આપે છે.
તેને સમજાય છે કે એકલા રહેવું અને એકલવાયું હોવું—બંને એક વાત નથી.
ક્યારેક ભીડમાં રહીને પણ મન એકલું હોય છે અને ક્યારેક એકાંતમાં બેઠેલી વ્યક્તિનું મન પોતાના સપનાઓથી ભરેલું હોય છે.
હવે તે કોઈ ખાલી જગ્યા માત્ર કોઈના આવવાથી ભરવા માંગતી નથી.
તે જાણે છે કે સંબંધ સુંદર છે, સાથ સુંદર છે, પ્રેમ સુંદર છે—પણ પોતાને ગુમાવીને મેળવેલો કોઈપણ સંબંધ સુંદર નથી.
પ્રેમ હવે બંધન નહીં, સાથ છે
ભાગ-૩માં આપણે પ્રેમના સાચા સ્વરૂપની વાત કરી હતી. પ્રેમમાં આદર, વિશ્વાસ અને સ્વતંત્રતા જરૂરી છે.
એ સમજ્યા પછી સ્ત્રીની સંબંધો તરફ જોવાની દૃષ્ટિ પણ બદલાય છે.
હવે તે એવો પ્રેમ નથી ઈચ્છતી જેમાં તેને પોતાની ઓળખ ભૂલવી પડે.
તે એવો સાથ ઈચ્છે છે જ્યાં તેના સપનાઓને પણ સ્થાન મળે.
જે હાથ તેને પકડી રાખે, એ હાથ તેની ઉડાન રોકે નહીં;
જે વ્યક્તિ તેને પ્રેમ કરે, એ તેની સ્વતંત્રતાનો પણ આદર કરે.
સાચો સંબંધ એ નથી જ્યાં બે વ્યક્તિ એકબીજામાં ખોવાઈ જાય;
સાચો સંબંધ એ છે જ્યાં બે વ્યક્તિ એકબીજાની સાથે રહીને પણ પોતાની ઓળખ જાળવી શકે.
હવે ફરિયાદો ઓછી છે, સમજણ વધારે છે
સમય સાથે સ્ત્રીને એ પણ સમજાય છે કે દરેક પ્રશ્નનો જવાબ મેળવવો જરૂરી નથી.
કેટલાક લોકો કેમ બદલાયા—એનો જવાબ કદાચ ક્યારેય નહીં મળે.
કોઈએ કેમ અવગણના કરી—એનું કારણ પણ કદાચ ક્યારેય સમજાશે નહીં.
પણ હવે તેને દરેક પ્રશ્નના જવાબની જરૂર નથી.
તે ભૂતકાળને ભૂંસી નાખતી નથી, પરંતુ તેને પોતાના વર્તમાન પર હાવી પણ થવા દેતી નથી.
તે કહે છે—
“જે મળ્યું એણે મને કંઈક શીખવ્યું,
જે છૂટ્યું એણે મને કંઈક સમજાવ્યું,
અને જે બચ્યું છે મારી અંદર,
એ જ તો મારું સાચું અસ્તિત્વ છે.”
પોતાની શરતો પર જીવવાનો અર્થ
પોતાની શરતો પર જીવવાનો અર્થ સ્વાર્થી બની જવું નથી.
પરિવારને પ્રેમ કરવો, સંબંધો સાચવવા, પોતાની જવાબદારીઓ નિભાવવી—આ બધું આજે પણ તેના જીવનનો ભાગ છે.
ફરક માત્ર એટલો છે કે હવે તે બીજાને ખુશ રાખવા માટે પોતાની ખુશીની હત્યા કરતી નથી.
જ્યાં “ના” કહેવું જરૂરી હોય ત્યાં “ના” કહે છે.
જ્યાં પોતાની વાત રાખવી જરૂરી હોય ત્યાં મૌન રહેતી નથી.
અને જ્યાં સંબંધમાં સન્માન ન હોય ત્યાં માત્ર સંબંધનું નામ બચાવવા માટે પોતાનું સ્વમાન વેચતી નથી.
આ જ તો પરિપક્વતા છે.
અને પછી એક દિવસ…
એક દિવસ તે અરીસાની સામે ઊભી થાય છે.
ચહેરા પર કદાચ ઉંમરની કેટલીક રેખાઓ હોય છે, આંખોમાં જીવનના કેટલાંક અનુભવો હોય છે, પરંતુ એ આંખોમાં હવે પહેલાં જેવી મંજૂરીની રાહ નથી.
ત્યાં એક અજોડ શાંતિ હોય છે.
તે પોતાને જોઈને સ્મિત કરે છે અને મનમાં કહે છે—
“હવે કોઈના હોઠો પર મારું નામ હોય કે ન હોય,
મારી ઓળખ મને ખુદથી મળેલી છે.
દુનિયા મને સ્વીકારે કે ન સ્વીકારે,
મેં તો મારી જાતને સ્વીકારી લીધી છે.”
એ ક્ષણે તેને સમજાય છે કે આખી જિંદગી તે જે શોધતી હતી, એ કોઈ બીજાની પાસે નહોતું.
એ તો તેની પોતાની અંદર જ હતું.
નવી ઉડાન
હવે તેની સફર કોઈથી દૂર જવાની નથી;
હવે તેની સફર પોતાની નજીક આવવાની છે.
તે ભૂતકાળના ઘાવોને પોતાની ઓળખ બનાવતી નથી.
તે પોતાની વાર્તામાં પીડિત બનીને અટકી નથી જતી.
હવે તે પોતાની કલમ પોતે પકડે છે.
જે પાનાં પર ક્યારેક આંસુ પડ્યાં હતાં, એ જ પાનાં પર હવે તે પોતાના સપનાઓ લખે છે.
અને કદાચ આ જ સ્ત્રીના જીવનની સૌથી સુંદર ક્ષણ છે—
જ્યારે તે કોઈની દીકરી, કોઈની પત્ની, કોઈની માતા કે કોઈની ઓળખ બનીને નહીં,
માત્ર પોતાની જાત તરીકે પોતાને ઓળખે છે.
હવે હું સમયની સીમાઓને પણ વટાવીને નીકળી છું,
મારી જ મંઝિલના રસ્તાઓ જાતે જ શોધીને નીકળી છું,
કોઈ રોકી શકશે નહીં હવે મારી આ ઉડાનને,
હું રાખમાંથી બેઠી થઈને ખુદ સૂરજ બનીને ખીલી છું. 🌹
સ્ત્રીને હંમેશાં શક્તિનું પ્રતીક કહેવામાં આવ્યું છે. પરંતુ કદાચ તેની સૌથી મોટી શક્તિ એ નથી કે તે બધું સહન કરી શકે છે.
તેની સૌથી મોટી શક્તિ તો એ છે કે—
જ્યારે તેને સમજાય છે કે હવે વધુ સહન કરવાનું નથી, ત્યારે તે પોતાની જાતનો હાથ પકડીને નવી શરૂઆત કરી શકે છે.
અને ત્યાંથી તેની વાર્તા સમાપ્ત થતી નથી…
ત્યાંથી તો તેની સાચી ઓળખની શરૂઆત થાય છે.
— જ્યોત ✍️