7👧🏻 દૂરદર્શનની એ પ્યારી પ્યારી 'એલિસ' અને તેના જન્મ પાછળની અજાણી સત્ય ઘટના!
જો તમે ૯૦ના દાયકામાં દૂરદર્શન જોયું હશે, તો રવિવારની સવારે આવતી એ એનિમેટેડ સિરીઝ અને તેનું ગીત "હૈ યે પ્યારી પ્યારી એલિસ, પહોંચી વન્ડરલેન્ડ મેં..." તમને આજે પણ યાદ હશે! એલિસ, પેલું ઘડિયાળ વાળું સફેદ સસલું અને અજીબોગરીબ દુનિયા આપણા બાળપણનો રોમાંચ હતી.
પણ શું તમે જાણો છો કે કરોડો બાળકોના દિલ પર રાજ કરનારી આ 'એલિસ' અને તેના વન્ડરલેન્ડના જન્મ પાછળ કોઈ મોટો સાહિત્યિક વિચાર નહોતો, પણ માત્ર ૩ કલાકની એક પિકનિક અને એક બાળકીની જીદ હતી
એક કંટાળેલી બાળકી અને 'વન્ડરલેન્ડ' નો જન્મ!
વિશ્વપ્રસિદ્ધ કાલ્પનિક વાર્તા 'Alice in Wonderland' ના જન્મ પાછળ કોઈ મોટો સાહિત્યિક વિચાર કે વર્ષોનું પ્લાનિંગ નહોતું, પણ માત્ર ૩ કલાકની એક પિકનિક હતી!
તારીખ ૪ જુલાઈ, ૧૮૬૨ ના રોજ ગણિતશાસ્ત્રી ચાર્લ્સ ડોજસન (જેમણે પાછળથી 'લેવિસ કેરોલ' નામ ધારણ કરીને આ પુસ્તક લખ્યું) તેમના એક પ્રોફેસર મિત્ર અને તેમની ત્રણ નાની દીકરીઓ સાથે હોડીમાં પિકનિક પર ગયા હતા. ઓક્સફોર્ડની આઈસીસ નદીના શાંત પાણીમાં હોડી ચાલી રહી હતી.
સફર દરમિયાન ગરમી અને કંટાળાને કારણે દીકરીઓ અકળાવા લાગી. તેમાંથી ૧૦ વર્ષની નાની બાળકી 'એલિસ લિડેલ' ને રીઝવવા અને તેનો કંટાળો દૂર કરવા માટે ચાર્લ્સે સ્થળ પર જ, પોતાની કલ્પનાથી એક અતરંગી વાર્તા ઘડી કાઢી. તેમણે વાર્તાનું મુખ્ય પાત્ર પણ સામે બેઠેલી એ નાની 'એલિસ'ને જ બનાવ્યું, જે એક સસલાની પાછળ દોડતાં-દોડતાં અદભુત દુનિયામાં પહોંચી જાય છે.
નદીની ૩ કલાકની સફર પૂરી થઈ ત્યાં સુધીમાં તો વાર્તા એલિસના દિલમાં વસી ગઈ હતી. તેણે ચાર્લ્સ પાસે જીદ પકડી: "તમારે આ વાર્તા મારા માટે ડાયરીમાં લખવી જ પડશે!" બાળકીની આ જીદને માન આપીને ચાર્લ્સે આખી વાર્તા કાગળ પર ઉતારી અને આગળ જતાં તે 'Alice in Wonderland' ના નામે વિશ્વ સાહિત્યનું અમર સર્જન બની ગઈ.
વિચારો, જો તે દિવસે એલિસ લિડેલ નામની એ બાળકી હોડીમાં કંટાળી ન હોત, અથવા તેણે આ વાર્તા લખાવી લેવાની જીદ ના કરી હોત... તો આજે સાહિત્ય જગત પાસે 'વન્ડરલેન્ડ' અને 'ચેશાયર કેટ' (Cheshire Cat) જેવા અદ્ભુત પાત્રો હોત જ નહીં!
Stay tuned with
Dr Khyati nimish
' નિશબ્દા '