• 15 February 2020

    વિચાર વલોણું

    પ્રથમવાર સર્પ સાથેનો આમનો સામનો

    0 187

    ટાઈટલ : નાગે ફૂંફાડો મારીને જાણે મને કરડવાનો હોય તેવો હુમલો જ કર્યો અને ડરના માર્યા તેની પૂંછડી પરની મારી પકડ છૂટી ગઈ!

    સબ ટાઈટલ : અનેક ભૂલોમાંથી ઘડાતાં ઘડાતાં સિદ્ધ થયેલી આ કળા અંગે આજે લોકો ભલે આફરીન હોય, વખાણ કરતાં હોય, પરંતુ આ સર્પ સાથેની યાત્રામાં સર્પોને કાચું-પાકું ઓળખતાં શીખ્યા બાદ પ્રથમવાર સર્પ સાથેનો આમનો સામનો થવાની ઘટના કદી નહી ભૂલી શકાય.

    ==============================================================

    આ કોલમ શરૂ થઈ ત્યારથી ધારેલું કે સર્પો સાથે મારી યાત્રા જ્યારથી શરૂ થઈ ત્યારથી લઈને એક બાદ એક ક્રમાનુસાર ઘટનાક્રમને આવરી લઈશ. પરંતુ લખવા બેસું ત્યારે અન્ય કોઈ ઘટના મન હૃદય પર ટકોરા મારી બેસે અને વાત ચાલે અલગ જ વિષયની. પરંતુ સમગ્ર વાતના કેન્દ્રમાં સર્પ અને તેને લગતી અવનવી વાતો હોય ત્યાં સુધી આવકાર સારો જ મળ્યો છે. આજે મન થાય છે કે સર્પો પ્રત્યે આકર્ષણ અને અનુકંપા વધી તે સાથે સાથે પ્રકૃતિ સાથે નાતો જોડવા અને તેને મજબૂત બનાવતા અન્ય પરિબળો પણ એટલાં જ આકર્ષતા રહેતાં. મનમાં ઘણી ઉથલપાથલ અને અવઢવ રહેતાં.

    જે સમયે મોટી પાનેલીની “આલેચ નેચર ક્લબ” દ્વારા પ્રકૃતિ પ્રેમના પાયા નંખાયેલા અને હિંગોળગઢ ખાતેના કેમ્પસમાં એ પ્રેમ સુદૃઢ બન્યો ત્યારે પહેલી પ્રાથમિકતા વૃક્ષારોપણ અને પક્ષી નીરિક્ષણ હતાં. દર રવિવારે પાનેલીથી નજીક આવેલા આલેચના ડુંગરા ખૂંદવા, પર્વતો ચડતાં ચડતાં આસપાસની વનરાઇ, તેમાં ચહેકતાં પક્ષીઓ અને તેમને ઓળખવાની મથામણ ચાલતી રહેતી. બપોરે ડુંગરાઓની વચ્ચે આવેલા એક ઘુનાની બાજુમાં પોતપોતાના ટીફીનોમાંથી મિજબાનીઓ થતી. થોડા આરામ બાદ ઘુનાના માથોડા ઊંડા પાણીમાં સૌ ધુબાકા મારતા. ઢળતી બપોરે સૌ પરત ફરતા, અને આ સમગ્ર પ્રવાસ દરમિયાન અમારું સૌનું ધ્યાન આસપાસ ચહેકતાં પક્ષીઓને ઓળખવામાં વ્યસ્ત રહેતું. એ વખતે હોડ લાગતી કે કોણ સૌથી વધુ પક્ષીઓ ઓળખી બતાવે, પોતે જોયેલા અને ઓળખેલા પક્ષીઓની યાદીઓ બનતી. અને સાંજે જ્યારે પાનેલીના પાદરે પરત પહોંચીએ ત્યારે કોણે વધુ જોયા અને કોણે ઓછા જોયા તેના લેખાંજોખાં થતાં અને રમખાણો પણ થતાં!

    એ સમયે મને યાદ છે કે અમને એવું લાગતું કે વૃક્ષો જ આ પૃથ્વીનું સૌથી મહત્ત્વનું અંગ છે. વધુમાં વધુ વૃક્ષો ઉછેરવાં એ અમારું ધ્યેય બની ગયેલું. પાનેલી ગામ પૂરું થાય અને ગામના તળાવ તરફ જતાં તળાવ સુધી એક કેનાલ આવતી અને અમે આશરે એક સો જેટલી ટોળી દર રવિવારે ત્યાં વૃક્ષો વાવતાં, તેમને કાંટાળી વાડ બનાવી સુરક્ષિત બનાવતાં. પણ આજે વૃક્ષારોપણ, ફોટા પડાવા અને તેને સોશ્યલ મીડિયા પર અપલોડ કર્યા પછી ભાગ્યે જ એ વૃક્ષોનું શું થયું એ ખ્યાલ કોઈને ક્યાં હોય છે ? પરંતુ અમે વૃક્ષો વાવ્યા પછી એક નક્કર આયોજન પણ કરેલું. અમે આશરે દસ દસ છોકરાઓની દસેક ટુકડીઓ બનાવેલી. આ ટૂકડીઓ દર બે દિવસે વાવેલા વૃક્ષોને કેનાલમાંથી પાણી લાવી પીવડાવે અને જરૂર જણાય તો કાંટાની વાડ સરખી કરે. આમ આશરે એકાદ વર્ષમાં જ અમારી આ ટોળકીએ પચાસ કરતાં વધુ વડલા, પીપળા અને પીપરો ન માત્ર વાવેલી પણ ઉછેરી પણ હતી. આ કમિટમેન્ટ એ સમયે અમારી નેચર ક્લબના હરેક સભ્યમાં હતું. પક્ષી નીરિક્ષણની બબતે પણ અમે થોડા બાળકો ખૂબ પ્રતિબદ્ધ હતાં. નેચરક્લબની લાઈબ્રેરીમાં ડૉ. સલીમ અલી સાહેબનું બુક ઓફ ઈન્ડિયન બર્ડ્સ અમારે માટે ગીતા જેવું હતું. સલીમઅલી એટલે જાણે અમારે માટે ભગવાન, તેઓએ ૮૦ના દાયકામાં સમગ્ર ભારતમાં બસ દ્વારા આખા ભારતની ટૂર કરેલી અને અમારા જેવા એમના કેટલાંય ચાહકોમાં પક્ષીઓ પ્રત્યેની પ્રતિબદ્ધતાને ટેકો મળેલો એમને મળીને.

    પક્ષી નીરિક્ષણમાં અમે ઘણા આગળ નીકળી ગયેલા. મને યાદ છે કે આજે પક્ષી નીરિક્ષણ બાબતે ગુજરાતભરમાં અગ્રણી ગણાતા સુરેન્દ્રનગરના ગુલામ મહમ્મદ વોરા ઉર્ફ ચીકુ વોરાને આલેચના ડુંગરાઓમાં તેમના જીવનનું પ્રથમ પક્ષી નીરિક્ષણ કરાવ્યાનું મને યાદ છે. ત્યારબાદ અમે બન્નેએ સાથે ઘણા વર્ષો પક્ષી નીરિક્ષણ કરેલું. પરંતુ જીવનના એક તબક્કે પ્રકૃતિ અને જીવન બાબતે પણ અમારા રસ્તા અલગ પડ્યાં. મેં અભ્યાસ અને કેરીયરને લક્ષ્ય બનાવ્યું જ્યારે ચીકુ વોરાએ પક્ષીઓ અને પ્રકૃતિને પોતાની કેરીયર બનાવી. પરંતુ બેય મિત્રોની એક વાત સ્પષ્ટ છે તે વિચારોની એમનો પ્રથમ પ્રેમ પક્ષીઓ હતો અને આજીવન રહ્યો. જ્યારે મારો પ્રથમ પ્રેમ સર્પ બની રહ્યાં અને તેને સંબંધિત પ્રવૃત્તિઓ અમે આજે પણ કરી રહ્યા છીએ.

    મેં કોલેજકાળમાં અને ત્યાર બાદ ગાંધીનગર આવીને સર્પ બચાવની પ્રવૃત્તિને વેગ મળ્યો અને સાતત્ય પણ આવ્યું. અનેક અનુભવો, અનેક ભુલોમાંથી ઘડાતા ઘડાતા સિદ્ધ થયેલી આ કળા અંગે આજે લોકો ભલે આફરીન હોય, વખાણ કરતાં હોય, પરંતુ આ સર્પ સાથેની યાત્રામાં સર્પોને કાચું-પાકું ઓળખતાં શીખ્યા બાદ પ્રથમવાર સર્પ સાથેનો આમનો સામનો થવાની ઘટના કદી નહીં ભૂલી શકાય. એનું કારણ એ છે કે આજે જેમ હું સર્પ પકડતાં/બચાવતાં શીખવા માંગતા યુવક-યુવતિઓને સાથે રાખી માર્ગદર્શન આપું છું, જ્યારે મને સલાહ-શીખામણ આપનાર કોઈ કરતાં કોઈ જ નહોતું. મારી યાત્રા એકલની હતી. જાતે ભૂલો કરી કરીને શીખવાનું હતું. ચોરી કરીને વાંચેલા પુસ્તકનું જ્ઞાન, સાપોના બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોગ્રાફ્સના આધારે તેમની ઓળખ કરવી કેટલી અઘરી છે એ મારું મન જ જાણે છે. પરંતુ નીરિક્ષણ શક્તિના આધારે કાળા-ધોળા ફોટામાંના સર્પોના રંગ અંગે બહુ અંદાજ નહોતો, પરંતુ તેમના શરીરના આકારની ખૂબીઓ મનમાં બરોબર ઠસી ગયેલી. અને મનમાં શ્રદ્ધા હતી કે મને સાપની જાતિઓને ઓળખવામાં બહુ સમસ્યા નહીં જ થાય.

    સન ૧૯૮૬માં ધોરણ બારમાં અમરેલી જિલ્લાના વડિયા દેવળી જેવા નાનકડા ગામ બહાર આવેલા રેલવે સ્ટેશને પિતાજી સાથે રહેતો હતો. રોજ ત્રણ કિ.મી. સાયકલિંગ કરીને ગામની હાઇસ્કૂલમાં ભણવા જતો. એક રજાના દિવસે ઉનાળાની શરૂઆતમાં બપોરે બારીએ બેસીને અમારા ક્વાર્ટરની લગોલગ આવેલા ખેતરમાં પંખીડા જોઈ રહ્યો હતો. અચાનક ખેતરના અમારી બારીની નજીકના શેઢે આવેલી થોરીયાની વાડમાંથી એક કાળો ભમ્મર સર્પ નિકળીને ધીમી ગતિએ સુક્કા ખેતરની જમીનમાં પડી ગયેલા તરડાઓમાં મોં નાખીને પોતાનો શિકાર શોધી રહ્યો હતો. મને લગભગ ખાતરી હતી જ કે આ નાગ એટલે કે કોબ્રા છે. રંગ, હલનચલન વિગેરે એ તરફ જ ઈશારા કરતા હતા કે આ ઝેરી નાગ છે. આ બધી ખબર હોવા છતાં ઘરમાંથી એક લાકડી લઈને ચડ્ડી બંડીમાં જ દોટ મૂકી! સુક્કી કડક જમીન પર મારા દોડવાના પગલાંના ધબકરાથી નાગ સાવચેત થઈ ગયો, અને ખેતરની જમીનમાં પડેલી એક તિરાડમાં છુપાવા માટે ઘુસ્યો પરંતુ તિરાડમાં પૂરતી જગ્યા ન હોવાના લીધે તેના શરીરનો પાછળનો ભાગ બહાર રહી ગયેલો.

    મને ખબર જ નહોતી કે સાપને કેવી રીતે પકડવો, એટલે જાતે જ પ્રયોગ કરવાનો હતો. મને સાપની પ્રતિક્રિયા શું હશે તેનો બિલકુલ અંદાજ જ નહોતો એટલે તેની પૂંછડી પાસે લાકડી રાખી અને નાગને તિરાડમાંથી બહાર ખેંચી લીધો. જેવો નાગ આખો બહાર આવ્યો કે તરત જ એણે એક ધીમો ફૂંફાડો માર્યો જે સાંભળીને મારા હાથમાંથી તે છટકી ગયો. નાગ મુક્ત થયો કે ભાગીને તરત જ નજીકની એક બીજી તિરાડમાં પેસી ગયો. હવે થોડી હિંમત વધી હોવાથી ફરીથી પૂંછડી પકડીને એને ખેંચ્યો બહાર! આ વખતે એણે થોડો વધુ ડરામણો ફૂંફાડો મારીને મને ડરાવ્યો. ફરી નાગ છૂટ્યો અને ફરી નજીકની એક તિરાડમાં પેસી ગયો. આ વખતે તો નક્કી જ કર્યું કે હવે પકડું તો છોડવો નથી, ભલે ગમે તે થઈ જાય. ત્રીજી વખતે એને બહાર કાઢ્યો અને એણે જોરદાર ફૂંફાડો માર્યો, પરંતુ નક્કી કર્યા મૂજબ મેં તો પૂંછડી ન જ છોડી. એ વધુ ગુસ્સે ભરાયો અને ઉપરા ઉપરી ફૂંફાડા મારીને હુમલા કરવા લાગ્યો. જેમ જેમ તેના ફૂંફાડાના અવાજ અને તિવ્રતા વધતી ગઈ તેમ તેમ મારી અંદરનો ડર હાવી થવા લાગ્યો. અને નાગે ફૂંફાડો મારીને જાણે મને કરડવાનો હોય તેવો હૂમલો જ કર્યો અને ડરના માર્યા તેની પૂંછડી પરની મારી પકડ છૂટી ગઈ!

    મનમાં જ્યારે ડર સમ્રાજ્ય જમાવી દે ત્યારે બુદ્ધિના દ્વાર બંધ થઈ જાય છે. એ નાગ છૂટ્યો અને મારી તરફ આગળ વધ્યો, અને મારી સમગ્ર બહાદુરી અને હિંમત પડીકુ વાળીને ફેંકી દીધી, અને લાકડીને પડતી મૂકીને નજીકની થોરીયાની વાડ તરફ ગડગડતી દોટ મૂકી! એ નાગ થોડે સુધી મારી પાછળ દોડ્યો અને નજીકમાં જ ખેતરની બહાર નીકળવાની ગળકબારી હોવા છતાં ભયંકર ડરના કારણે થોરની વાડની આરપાર નીકળીને માંડ મુખ્ય રસ્તા સુધી પહોંચ્યો. નજીક આવેલા સરકારી ક્વાર્ટર પર પહોંચીને ત્રણ-ચાર લોટા પાણી પી ગયો, પછી ખ્યાલ આવ્યો કે હું ડરના લીધે ધ્રુજતો હતો. આખા શરીરે થોરના અનેક કાંટા વાગેલા અને અનેક ઉઝરડા પણ પડેલા. પરંતુ શરીરના આ ઉઝરડા કરતાં મારા અહમના સૂક્ષ્મ શરીર પર જે ઉઝરડા પડેલા તેની પીડાએ મને આ અનુભવના ડરને પણ અતિક્રમીને આ પ્રવૃત્તિ ચાલુ રાખવા પ્રેરેલો. આ ઘટનાથી સર્પોની અનેક જાતોમાંના નાગની હલન-ચલન અને તેની પ્રતિક્રિયા કેવી હોય તેની પ્રથમ સમજણ આપેલી. અને આ ડરામણા અનુભવમાંથી હું એ શીખ્યો કે તમામ સર્પોને માથું દબાવીને પકડવામાં જ સલામતી છે. પરંતુ આ ભૂલભરેલા અર્થઘટનના કારણે જ મેં વર્ષોપરાંત તમામ પ્રકારના સર્પોને માથું દબાવીને પકડ્યા અને પ્રકૃતિને પરત સોંપેલા, અને એ જ ભૂલભરેલી પદ્ધતિના લીધે મને પ્રથમ હળવો સર્પ દંશ થયેલો. એ વાત પણ ફરી ક્યારેક કરીશું.

    અસ્તુ.



    Dharmendra Trivedi


Your Rating
blank-star-rating
Sorry ! No Reviews found!