તેમનો જન્મ ૩ ડિસેમ્બર ૧૮૨૯ના રોજ સુરત ખાતે વડનગરા નાગર બ્રાહ્મણ કુટુંબમાં રૂપરામ નીલકંઠ અને ગિરજાગૌરીને ત્યાં થયો હતો. તેઓ દોઢ વર્ષના હતા ત્યારે તેમની માતાનું નિધન થયું હતું. જ્યારે તેઓ ચાર વર્ષના હતા ત્યારે તેમનું સગપણ ત્રણ વર્ષની કન્યા પાર્વતીકુંવર સાથે થયું. તેમણે પ્રાથમિક...More
તેમનો જન્મ ૩ ડિસેમ્બર ૧૮૨૯ના રોજ સુરત ખાતે વડનગરા નાગર બ્રાહ્મણ કુટુંબમાં રૂપરામ નીલકંઠ અને ગિરજાગૌરીને ત્યાં થયો હતો. તેઓ દોઢ વર્ષના હતા ત્યારે તેમની માતાનું નિધન થયું હતું. જ્યારે તેઓ ચાર વર્ષના હતા ત્યારે તેમનું સગપણ ત્રણ વર્ષની કન્યા પાર્વતીકુંવર સાથે થયું. તેમણે પ્રાથમિક શિક્ષણ સ્થાનિક 'ગામઠી શાળા' માં ગોપીપુરા, સુરતમાં પૂર્ણ કર્યું જે પ્રાણશંકર મહેતાની શાળા તરીકે ઓળખાતી હતી. પાછળથી તેઓ સરકારી અંગ્રેજી માધ્યમની શાળામાં દાખલ થયા. તેમના શાળા જીવન દરમિયાન તેઓ તેમના શિક્ષકો અને સુધારકો દુર્ગારામ મહેતા અને દાડોબા પાંડુરંગ, જેઓ પ્રાર્થના સમાજના સ્થાપક આત્મારામ પાંડુરંગના ભાઇ હતા, વગેરેથી પ્રભાવિત થયા હતા. તેમણે તેમના દ્વારા ચલાવવામાં આવતી માનવ ધર્મ સભાની સાપ્તાહિક બેઠકોમાં પણ હાજરી આપી હતી.
પાછળથી તેઓ તેમની માતૃસંસ્થા સાથે ૧૮૫૧માં મદદનીશ શિક્ષક તરીકે જોડાયા. ૧૮૫૨માં તેઓ ઍલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યુટ, બોમ્બેના માધ્યમિક શિક્ષણ વિભાગમાં જોડાયા અને ૧૮૫૪માં મદદનીશ શિક્ષક તરીકેનો હોદ્દો મેળવ્યા. તેઓ સુધારાવાદી સંસ્થાઓ; જ્ઞાન પ્રસારક સભા અને બુદ્ધિવર્ધક સભા, મુંબઈ સાથે સંકળાયેલા હતા. ૧૮૫૭માં તેમની નિમણૂક કાર્યકારી આચાર્ય તરીકે અમદાવાદ હાઇસ્કૂલ ખાતે થઇ અને પછીથી તેઓ નાયબ શિક્ષણ નિરીક્ષક તરીકે નિમણૂક પામ્યા. ૧૮૫૯માં તેમની નિમણૂક 'હોપ વાચનમાળા' સમિતિમાં શાળા પાઠ્યપુસ્તક સમિતિના સભ્ય તરીકે કરવામાં આવી હતી. તેમને ૨૭ માર્ચ ૧૮૬૦ના રોજ કોલેજના શિક્ષણનો અભ્યાસ કરવા માટે ઇંગ્લેન્ડ મોકલવામાં હતા. ૧૩ એપ્રિલ ૧૮૬૦ના રોજ ઇંગ્લેન્ડથી પરત આવ્યા પછી તેમણે તેમની નિવૃત્તિ સુધી પી. આર. ટ્રેનીંગ કોલેજ, અમદાવાદના પિન્સિપાલ તરીકે સેવા આપી હતી. દરિયો ઓળંગવા માટે નાગર બ્રાહ્મણો દ્વારા તેમને બાર વર્ષ સુધી નાત બહાર મુકવામાં આવ્યા હતા. તેમને તેમના પિતાની અંતિમવિધિ પણ કરવા ન દેવાઇ હતી અને તેઓ સમાધાન કરીને અનેક વિધિઓ કરીને ફરીથી સમાજમાં જોડાયા હતા.
૧૮૫૦માં તેમણે પરહેજદાર સામયિકનું સંપાદન કર્યું હતું અને શૈક્ષણિક માસિક ગુજરાત શાળા પત્ર (૧૮૬૨-૭૮, ૧૮૮૭-૯૧)નું પણ સંપાદન કાર્ય કર્યું હતું. ૧૮૫૭માં દસ મહિના માટે તેમણે સુધારાવાદી સાપ્તાહિક સત્યપ્રકાશનું સંપાદન કાર્ય સંભાળ્યું હતું. ૧૮૫૫માં તેમને રાવ સાહેબ અને કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ધ ઇન્ડિયન એમ્પાયર (CIE) ખિતાબ બ્રિટિશ સરકાર દ્વારા એનાયત કરવામાં આવ્યો હતો. તેઓ અમદાવાદ પ્રાર્થના સમાજ અને ગુજરાત વર્નાક્યુલર સોસાયટી તેમજ અન્ય ઘણી સુધારાવાદી સંસ્થાઓ જે વિધવા પુન:લગ્ન, બાળલગ્ન પ્રતિબંધ વગેરેમાં કામ કરતી હતી તેમની સાથે સંકળાયેલા હતા. તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અને ચેરમેન પણ રહ્યા હતા.
રાયપુર, અમદાવાદ ખાતેનો "મહીપતરામ રૂપરામ આશ્રમ", સ્થાપના: ૧૮૯૨
તેઓ ૩૦ મે ૧૮૯૧ના રોજ અમદાવાદમાં અવસાન પામ્યા. તેમના પત્ની પાર્વતીકુંવરે તેમને સામાજીક અને સુધારણા પ્રવૃત્તિઓમાં સાથ આપ્યો હતો. તેમના પુત્ર રમણભાઈ નીલકંઠ પણ લેખક હતા અને અમદાવાદના મેયર પદે રહ્યા હતા. ૧૭ ડિસેમ્બર ૧૮૯૨ના મહીપતરામ રૂપરામ આશ્રમ નામના અનાથાશ્રમની સ્થાપના રાયપુર, અમદાવાદમાં તેમની યાદમાં કરવામાં આવી હતી, જે હવે ભારતના સૌથી જૂનાં અને સૌથી મોટાં અનાથાશ્રમોમાંનો એક છે. બ્રિટિશ પ્રવાસ લેખક પિકો ઐયર તેમના પ્રપૌત્ર છે.