હર્ષદ ત્રિવેદી (જન્મ ૧૭ જુલાઈ ૧૯૫૮) એ ગુજરાત, ભારતના ગુજરાતી ભાષાના કવિ, લઘુકથા લેખક, વિવેચક અને સંપાદક છે. તેઓ ૧૯૯૫ થી ૨૦૧૫ દરમિયાન ગુજરાત સાહિત્ય અકાદમીના મુખપત્ર, શબ્દશૃષ્ટિના સંપાદક હતા. ત્રિવેદીએ અનેક ગુજરાતી સાહિત્યિક સંસ્થાઓમાં જુદા જુદા હોદ્દાઓ પર સેવાઓ આપી છે. ત્રિવેદીએ...More
હર્ષદ ત્રિવેદી (જન્મ ૧૭ જુલાઈ ૧૯૫૮) એ ગુજરાત, ભારતના ગુજરાતી ભાષાના કવિ, લઘુકથા લેખક, વિવેચક અને સંપાદક છે. તેઓ ૧૯૯૫ થી ૨૦૧૫ દરમિયાન ગુજરાત સાહિત્ય અકાદમીના મુખપત્ર, શબ્દશૃષ્ટિના સંપાદક હતા. ત્રિવેદીએ અનેક ગુજરાતી સાહિત્યિક સંસ્થાઓમાં જુદા જુદા હોદ્દાઓ પર સેવાઓ આપી છે. ત્રિવેદીએ ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત ગુજરાતી સાહિત્યકોશના સંપાદકીય વિભાગમાં સંશોધન સહાયક તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી, જ્યાં તેમણે ૧૯૮૧ થી ૧૯૮૪ દરમિયાન કાર્ય કર્યું હતું. ૧૯૮૪માં, તેઓ ગુજરાત સાહિત્ય અકાદમીમાં પ્રૂફરીડર તરીકે જોડાયા અને ૧૯૯૪ સુધી ત્યાં કામ કર્યું. ૧૯૯૫માં તેઓ ગુજરાત સાહિત્ય અકાદમીના મુખપત્ર શબ્દસૃષ્ટિના સંપાદક બન્યા, જ્યાં તેમણે એક દાયકા સુધી ફરજ બજાવી હતી. તેમણે ૨૦૧૦ થી ૨૦૧૫ સુધી શબ્દસૃષ્ટિ ખાતે રજિસ્ટ્રાર તરીકે પણ કામ કર્યું હતું. તેમની ૧૯૮૮માં ગુજરાતી સાહિત્ય પરિષદની કેન્દ્રીય સમિતિના સભ્ય અને ૧૯૯૪ માં પરિષદની કાર્યકારી સમિતિના સભ્ય તરીકે પસંદગી થઈ હતી. ૨૦૦૨ થી ૨૦૦૬ સુધી, તેમણે પરિષદના સચિવ તરીકે સેવા આપી હતી. તેઓ ૨૦૦૫માં શરૂ થયેલી વલી ગુજરાતી ગઝલ કેન્દ્રની કાર્યકારી સમિતિના સભ્યોમાંના એક હતા. ૨૦૦૮ થી ૨૦૧૨ સુધી, તેમણે સાહિત્ય અકાદમીમાં ગુજરાતી ભાષા માટેની સલાહકાર સમિતિમાં સેવા આપી. ૨૦૧૩માં, તેઓ નેશનલ બુક ટ્રસ્ટમાં ગુજરાતી ભાષા માટેની સલાહકાર સમિતિમાં ચૂંટાયા હતા.[૪] ત્રિવેદીની ઘણી કૃતિઓ અંગ્રેજી, હિન્દી, મરાઠી અને સિંધી ભાષામાં અનુવાદિત થઈ છે. તેમની કવિતાઓ અને વાર્તાઓ ગઝલવિશ્વ, શબ્દસૃષ્ટિ, તાદર્થ્ય, શબ્દસર, નવનીત સમર્પણ, કુમાર, કવિલોક, એતદ્, સમીપે, અને કવિતા સહિતના અનેક ગુજરાતી સાહિત્યિક સામયિકોમાં પ્રકાશિત થાય છે. તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ એક ખાલી નાવ, ૧૯૮૪માં પ્રકાશિત થયો હતો. રહી છે વાત અધૂરી (૨૦૦૨), તારો અવાજ (૨૦૦૩) અને તરવેણી (૨૦૧૪) તેમના અન્ય પ્રકાશિત કાવ્યસંગ્રહો છે. તેમની કવિતાઓની તકનીકી નિપુણતા તથા ભાષાકીય અને વિષયગત સમૃધ્ધિને વિવેચકોએ વખાણી છે. ત્રિવેદી તેમની કવિતાઓમાં ગ્રામીણ જીવન તેમજ શહેરી જીવન વિશે લખે છે. ટૂંકી વાર્તાઓનું તેમનું પ્રથમ પુસ્તક જાળીયું (૧૯૯૪) હતું. બાળપણની મીઠી યાદો, નપુંસક પતિની પીડા, ઓફિસ જીવનની રોજની કંટાળાજનક દિનચર્યા, સ્ત્રીનું તેના પતિ સિવાય અન્ય કોઈ પ્રત્યેનું આકર્ષણ અને લેસ્બિયન સંબંધ એ જાળીયુંનું વિષય વૈવિધ્ય દર્શાવે છે. પાણી કલર (૧૯૯૦) તેમનો બાળસંગ્રહ છે જ્યારે શબ્દાનુભાવ એ આલોચનાત્મક લેખોનો સંગ્રહ છે. તેમના કાવ્યસંગ્રહ એક ખાલી નાવ ને ૧૯૯૨માં જયંત પાઠક કવિતા પુરસ્કારથી પુરસ્કૃત કરવામાં આવ્યો હતો. ૨૦૧૪માં તેમને કવિશ્વર દલપતરામ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. કુમાર માસિકમાં હપ્તાવાર પ્રગટ થયેલ ગુજરાતી લોકગીતો અને ગુજરાતના સામાજિક જીવનની તેમની વિશેષતા "કંકુચોખા" ને ૨૦૧૫માં કુમાર સુવર્ણ ચંદ્રક સાહિત્યિક પુરસ્કાર મળ્યો હતો.