વલ્લભ નાંઢા લેખિત ‘ગુલામ’ નવલકથા પશ્ચિમ આફ્રિકાથી બળજબરીથી પકડીને અમેરિકા, ઈંગ્લેંડ લઇ જઇ વેચી દેવાતા ગુલામોની દર્દજનક, કરુણકથા છે. આ કથાનાં પાત્રો લવાન્ડો, અનાબેલ, સોફિયા, બોબ ફિન્ચ, સર હેરિંગ્ટન, મુકુન્ડી વગેરે પાત્રસૃષ્ટિને નિરાળી અને રસપ્રદ બનાવે છે. દરેક પાત્ર નાનાવિધ વ્યક્તિત્વ ધરાવે છે. દરેક પાત્રનો ખૂબ સમજદારીપૂર્વક વિકાસ થતો દર્શાવાયો છે. સામાન્ય રીતે ભૂતકાળમાં ગોરાઓ અશ્વેતો પ્રત્યે ક્રૂર, ઘાતકી, અમાનુષી વ્યવહાર કરતા, તેમ છતાં ગોરાઓમાં કેટલાક સમભાવ ધરાવનારા એવા માણસો પણ હતા જે અશ્વેતો સાથે માનવતા અને સમભાવભર્યો વ્યવહાર કરતા હતા. તેનું જ્વલંત ઉદાહરણ અનાબેલ છે. અનાબેલ એક માની જેમ તેમની કાળજી લે છે, તેમને તાલીમ આપે છે અને તેમના ભવિષ્યનો તેમ જ હિતનો ખ્યાલ રાખે છે. અનાબેલનો સાચુકલો સમભાવ, લાગણી અને માનવતાભર્યો વ્યવહાર ગુલામોને સ્પર્શી જાય છે અને અનાબેલને એક દેવી માને છે. ‘ગુલામ’ અંધકારમાંથી ઉજાસ તરફ, નિરાશામાંથી આશા તરફ અને જંગલિયતમાંથી માનવતા તરફનું પ્રયાણ બની માનવતાનો મહિમા કરે છે. વલ્લભભાઈ નાંઢા આ રીતે રસપ્રદ નવલકથા તેમ જ નવલિકાનું સર્જન કરતા રહે એવી શુભેચ્છા.
-જય કાન્ત