ટાઈટલ : આ તો જાનવર છે, એને શું ખબર હોય કે એના ડંસથી કોઈનું મોત થાશે ? એણે તો ડર લાગ્યો એટલે પોતાના બચાવમાં ડંખ માર્યો.
સબ ટાઈટલ : જાનવર કોઈ દિવસ બદલાની ભાવના નથી રાખતું, બદલાનું ઝેર તો આપણી આંખો અને મનમાં હોય છે!” મધુબહેને મને એ નાનકડા ભુલકાનો ફોટો પણ દેખાડ્યો અને એ વખતે એમની આંખમાંથી એક આંસુ ચૂપકેથી સરીને જમીન પર ટપકી પડ્યું.
==============================================================
આ પૃથ્વી પર પરિસ્થિતિ અને જરૂરિયાતવશ ક્રમશ: જન્મેલા પ્રાણીઓમાંનું સૌથી છેલ્લું પ્રાણી એટલે ‘માનવ’. ભગવાન, ખુદા, ઇસુ જેવા અનેકાધિક નામોથી ઓળખાતું અને, જેને હું કુદરત કહું છું તે અત્યંત કુશાગ્રબુદ્ધિ અને દૂરંદેશી ધરાવતું તત્વ હોવું જોઇએ. કારણ માત્ર એટલું કે તેણે આ પૃથ્વી પરની જીવસૃષ્ટિ માટે જરૂરી જાતિઓનું જરૂરી પ્રમાણમાં સર્જન કર્યા બાદ જ માનવ નામના પ્રાણીને રવાના કર્યું . . . ! પ્રકૃતિ માતાને ખબર હતી કે માનવ પોતાના સ્વાર્થમાં અને હિતમાં ગમે તેનો ભોગ લઇ લેતાં અચકાશે નહીં. અને થયું પણ કંઇક એવું જ . . .
આજે આપણે પર્યાવરણલક્ષી જે કોઇ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ તે સઘળી સ્વનિર્મિત જ છે ! હા, આ કડવું સત્ય આપણે સ્વીકારવું જ રહ્યું. ઓઝોન અને અન્ય વાયુઓના સ્તરોને થઇ રહેલું નુકસાન, ગ્લોબલ વોર્મિંગ જેવી વિકટ સમસ્યાઓની માનવજીવન પર થઇ રહેલી અને થનારી નકારાત્મક અસરો માટે માનવ પ્રાણી પોતે જ જવાબદાર છે. તમે કદી કોઇ સિંહને પોતાનું ઘર કે વ્યવસાય સ્થાપવા માટે વૃક્ષ કાપતો જોયો ? તમે કદી કોઇ મગરને માછલીઓ મારવા માટે સ્ફોટક પદાર્થ અથવા ઝેરી રસાયણો વાપરતો સાંભળ્યો છે ? આ બધા ધંધા માનવ નામના અતિ દુષ્ટ પ્રાણીના જ છે . . . !!! ચાલો આપણે આડવાતે ચડી જઇએ તે પૂર્વે મુખ્ય વાતનું અનુસંધાન ફરી જોડી લઇએ. આજે આપણે એક એવા પ્રાણીની ઓળખાણ કરવાની છે જેને માનવે પોતાની સ્મૃતિમાં છે એટલા સમયથી માત્ર નફરત જ કરી છે અને હળાહળ અન્યાય જ કર્યો છે. કદી ડરના લીધે, તો કદી નર્યા અજ્ઞાનના કારણે. સર્પો અંગેનું અજ્ઞાન જ આ નફરતનું મૂળ કારણ છે. કહેવાય છે કે અજ્ઞાન કરતાં અધકચરું જ્ઞાન ઘાતક હોય છે અને આ અધકચરા જ્ઞાનનો ભોગ જો કોઇ બન્યું હોય તો તે પ્રાણી છે સર્પ. સર્પ પ્રત્યે આપણે હંમેશાં દુર્લક્ષ અને નફરત જ સેવ્યાં છે. આ દુર્લક્ષ અને નફરતનું ખરું કારણ માત્ર અજ્ઞાન અને તેમાંથી નિપજતો ડર જ છે. પરંતુ મેં થોડી એવી પણ વ્યક્તિઓ જોઈ છે જેઓ કુદરતના સહસ્તિત્વના સિદ્ધાંતને સમજતાં નથી પરંતુ જીવી જાણે છે.
ભારતની સંસ્કૃતિ કંઈક એવી છે જે એક તરફ જીવો જીવસ્ય ભોજનમની સમજણ દર્શાવે છે, તો સામે પક્ષે જીવો અને જીવવા દોની ઉદાર ભાવના પણ વ્યક્ત કરે છે. હકીકત એ છે કે પૃથ્વી પરનો દરેક જીવ સહઅસ્તિત્વની કુદરતી સમજણ ધરાવે છે. પરંતુ જ્યાં સ્વતંત્ર મન અને તર્ક પ્રવેશે, ત્યાં સહજ બુદ્ધિ અને પ્રાકૃતિક સમજણોનો લોપ થાય છે. આપણે પૃથ્વી પર એવું તો સામ્રાજ્ય જમાવ્યું છે કે આપણા સાથી સહવાસી જીવોનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ ગયું છે. પરંતુ આપણા ધર્મ, પરંપરાઓ અને ક્રિયાકર્મોએ માનવ મન પર એટલી ગહન છાપ છોડી છે કે આજે ઘણાં વિરલ વ્યક્તિત્વો મળી આવે છે, જેઓ કોઇ જાતને મોટી મોટી ડીંગો માર્યા વિના જ સહઅસ્તિત્વના સિદ્ધાંતનો જીવનમાં અમલ કરતા જોવા મળે છે. પરંતુ, તમારા અંતરની આંખો ખુલ્લી હશે તો જ આવા વિરલા તમને જોવા-અનુભવવા મળશે. સર્પોને અકુદરતી મોતે મરતા બચાવવાની મારી મથામણ દરમિયાન મને આવા ઘણાં વિરલ અને વિરાટ વ્યક્તિઓનો સાક્ષાત્કાર થયો છે. આ લોકો ન તો રેશનલ હોવાનો દાવો કરે છે, કે ન તો જ્ઞાની હોવાનો ઢોંગ, તેઓ તો માત્ર તેમનું હૈયું કહે તેમ જીવી જતાં હોય છે. આવા લોકોને મળવાનું થાય, એ ઘડીઓને અને એ અનુભવને હું સાક્ષાત ભગવાનનો સાક્ષાત્કાર માનું છું.
મારી સર્પ બચાવની આટલા વર્ષોની કામગીરી દરમ્યાન મને સાધુ ઔર શયતાન એમ બન્ને પ્રકારના માણસોનો અનુભવ થયો છે. શરૂઆતના તબક્કે હું ખરાબ અનુભવોથી વ્યથિત અથવા ગુસ્સે થઈ જતો, અને આ વ્યથા અને ગુસ્સો દિવસો સુધી મારા દિલ-દિમાગ પર છવાયેલા રહેતાં. પરંતુ જેમ જેમ આ અનુભવોનો વ્યાપ વધતો ગયો તેમ તેમ અંદર ને અંદર એક વૈચારિક પ્રક્રિયાએ જન્મ લીધો અને ધીમે ધીમે એ વ્યથા અને ગુસ્સો શાંત થતાં ગયાં. તમે જ વિચારો તમે નોકરિયાત છો, નોકરીના સમયમાં તમારા સ્કુટર પર, તમારું પેટ્રોલ બાળીને જતા હો, પોતાનો જીવ જોખમમાં નાખતા હો, તેવા સંજોગોમાં જેના ઘરે સાપ પકડવા ગયા હો એ તમને ઊંચા અવાજે એમ કહે કે “ભાઈ, આ કાંઈ રીત છે ? તમને ફોન કર્યો ને પંદર મિનિટ થઈ ગઈ, અહિયાં કોઈને સાપ કરડી જાત તો જવાબદારી કોની ?” હવે તમે જ કહો કે મગજની કમાન છટકે કે નો છટકે ? શરૂઆતના વર્ષોમાં ઝગડો થઈ જતો . . . કહી પણ દેતો કે “તારા બાપનો નોકર નથી” વગેરે વગેરે . . . પરંતુ જેમ જેમ સમજ વિકસતી ગઈ તેમ તેમ મારા જવાબોમાં પણ પરિવર્તન આવ્યું. આજે કોઈ આવી તોછડાઈ કરે તો હળવેથી અને પ્રેમથી સારી રીતે “મારે પણ નોકરી છે, ગાંઠના ખર્ચે નોકરી છોડીને આવું છું, અને મારી પાસે સ્કુટર છે, હેલિકોપ્ટર નથી તેથી સમય તો લાગેને! એવું કહીને “હું તમારા પિતાશ્રીનો નોકર નથી” એવું શિષ્ટતાપૂર્વક આડકતરી રીતે સમજાવી દઉં છું . . . !
આજે મારા અનુભવોમાંના પટારામાંથી એક સોનેરી અવસર યાદ આવ્યો છે. આશરે ઓક્ટોબર ૨૦૧૨ની વાત છે. ચોમાસુ ઉતરવાની તૈયારીમાં હતું, પરંતુ વાતાવરણમાં ભેજનો ઉકળાટ હજુ પણ હતો. ચારે તરફથી સાપ પકડવા માટે કોલ ઉપર કોલ ચાલુ હતા. ગાંધીનગરના કોબાથી અગળ આવતા બરોડા એક્સ્પ્રેસ-વે તરફના રીંગ રોડના ખૂણે આવેલા એક મંદિર પાસેના મકાનમાં સાપ પકડવાનો કોલ આવ્યો. દૂરનો કોલ હોવાથી હું અને ગૃપનો નવો મેમ્બર હર્ષ પરમાર ગયેલા. ઘરની અંદર એક મોટો કોબ્રા હતો. એ પકડી લીધો. ડબ્બામાં બંધ કર્યા બાદ આ ખેડૂત પરિવારના વડીલ મધુબેને અમને ઢોલીયે બેસાડ્યા, પાણી પીવરાવ્યું અને આગ્રહ કરીને ચા મૂકી. ચા બની ત્યાં સુધી અવનવી વાતો ચાલી. એ વાતોમાં એક એવી વાત મધુબહેન પાસેથી જાણવા મળી જે મને હચમચાવી ગઈ. મધુ બહેને જણાવ્યું કે આ જ નાગ એમના ખેતર અને ઘરની આસપાસ ફર્યા કરતો દેખાય છે કેટલાય વખતથી. અને મેં રેસ્ક્યુ કર્યો તેના બે થી ત્રણ માસ અગાઉ એટલે કે આશરે જુલાઈ-ઓગસ્ટના ગાળામાં આ જ નાગ મધુબેનના ચાર વર્ષના પૌત્રને ડંસી ગયેલો, અને એમના પૌત્રનું સિવિલ હોસ્પિટલમાં સારવાર છતાં મૃત્યુ નીપજ્યુ હતું. ત્યાર બાદ એ નાગ આજે ફરી દેખાયો હતો તેથી તેમણે મને બોલાવેલો.
મેં એમને પૂછ્યું કે જ્યારે તમારા પૌત્રને આ નાગ કરડી ગયો ત્યારે તમે એને કેમ મારી ન નાખ્યો ? એમણે જણાવ્યું કે ત્યારે નાગ ભાગી ગયેલો અને ઉપરાંત પૌત્રનો જીવ પણ બચાવવાનો હતો. મેં આગળ ખણખોદ કરી કે “તો આજે તો આ નાગ હાથમાં જ હતો, આજે કેમ ન મારી નાખ્યો ? એમણે જણાવ્યું કે “મારો દીકરો તો મારવા તૈયાર જ થઈ ગયો હતો, પણ મેં ના પાડી, કે આ તો જાનવર છે, એને શું ખબર હોય કે એના ડંસથી કોઈનું મોત થાશે ? એણે તો ડર લાગ્યો એટલે પોતાના બચાવમાં ડંખ માર્યો, પણ આપણે તો માણહ છીએ, અપણે થોડું એના જેવું થઈ જવાય ? જાનવર કોઈ દિવસ બદલાની ભાવના નથી રાખતું, બદલાનું ઝેર તો આપણી આંખો અને મનમાં હોય છે!” મધુબહેને મને એ નાનકડા ભુલકાનો ફોટો પણ દેખાડ્યો અને એ વખતે એમની આંખમાંથી એક આંસુ ચૂપકેથી સરીને જમીન પર ટપકી પડ્યું. પોતાના કાળજાના કટકા જેવા પૌત્રના મૃત્યુ પછી પણ તેના માટે જવાબદાર જીવને સુરક્ષા બક્ષી શકનાર મધુબેન માટે ગમે તેટલા ઊંચા શબ્દો અને અભિવ્યક્તિઓ વાપરીએ તો પણ ઓછા ન પડે !!
કેટલી સરળ અને સહજ રીતે મધુબહેને આપણા વેદ-પુરાણોમાં કેટકેટલી રીતે કહેવાયેલી આટલી મોટી ફિલસૂફી કહી દીધી, અને એ પણ પોતે બહુ મહાન હોવાના ભાર વગર જ. મારી અનુભવયાત્રા દરમિયાન મને અનેક અનુભવોએ મને માણસની ઓળખ કરતાં, માણસની અંદર છુપાયેલી અચ્છાઈ અને બુરાઈઓના પણ ચહેરા દેખાડ્યા છે. મધુબેન અને તેના જેવા સર્વે જીવંત મનુષ્યોને લાખ લાખ વંદન પણ ઓછા જ પડે.
અસ્તુ.