ટાઈટલ : "પોતાની ભૂલો, તેનો સ્વીકાર અને તેના આધારે જીવનમાં આણેલા પરિવર્તનો એજ તો એથિક્સ . . ."
સબ ટાઈટલ : તમે ડબ્બો આવે ત્યાં સુધી તેની સાથે જે રીતે રમત કરતા હતાં, વર્તતા હતાં એ અને સાપ માટે જે ભાષા વાપરતા હતાં એ ભાષા પણ અત્યંત અપમાનજનક હતી. તમને કોઇએ પૂછ્યું કે, તમે સાપ કેમ પકડો છો, તો તમે કહેલું 'આઈ લવ સ્નેક્સ'.
==========================================================
આજે નવા વર્ષના પ્રથમ દિને વિચારવલોણાના માધ્યમથી સૌને નમસ્તે અને નવા વર્ષની વધામણી આપતા ખરેખર ઘણો જ આનંદ થાય છે. ક્યારેક વિચારશૂન્યતાને કારણે શું લખવુ એ ન સમજાતું હોય, અને ક્યારેક ક્યારેક આનંદના અતિરેકના કારણે . . .
આજે એક ખુબ ગંભીર પરંતુ વપરાઈ વપરાઈને દાતણના કૂચા જેવા થઈ ગયેલા વિષય અથવા તો કહોને કે શબ્દ પર વાત કરવાની છે. આ શબ્દ છે એથિક્સ . . . મૂળભૂત રીતે એથિક્સ એટલે નીતિશાસ્ત્ર, કહોને કે નીતિમત્તા. આપણે આ શબ્દ સાંભળીએ એટલે કોઈ વડીલના મુખેથી આપણાં વાણી-વર્તનના કારણે સાંભળેલા લાંબાલચ્ચ ભાષણો યાદ આવી જાય. એ વખતે મનમાં ને મનમાં નીપજેલો ભયાવાહ કંટાળો આજે પણ ડરામણો લાગે ! તો તમને થશે કે શું યાઆઆઅર . . . આ પણ એથિક્સ શીખવાડશે આજે ? અરે ના, મારે કાંઈ તમને એથિક્સ નથી શીખવાડવા પણ મારે મન એથિક્સ શું છે, કેવા હોવા જોઈએ અને તેની જરુર શી છે તે અંગે વાત કરવી છે . . . પણ હા . . . સાપ તો હું આમાં પણ લાવવાનો જ છું હો . . . !
મને યાદ છે કે, સાયકલ ચલાવવાનું શીખ્યા પછી પહેલાં ઘરની આસપાસના સલામત વાતાવરણમાં સાયકલ ચલાવતા આનંદ આવતો, પછીથી મન થોડે દૂર આવેલા રસ્તા સુધી જવા લલચાતું, પછી હળવા અવરજવરવાળા રસ્તાઓ પર સાયકલ લઈને જવાની લાલચ જોર કરતી અને પછી મનને વિશ્વાસ બેસી જાય ત્યારે ભરબજારે પૂરપાટ ઝડપે સાયકલ ચલાવવાના અભરખા થતાં, અને એ સિદ્ધ થયા બાદ થતું ભરબજારે પહેલાં એક હાથે અને પછી છુટ્ટા હાથે સાયકલ ચલાવવું રોમાંચક બની જતું. સર્પ પકડવાની શરુઆતના થોડા ભયાવહ અનુભવો બાદ ધીમે ધીમે મન ટેવાતુ ગયું, આદત પડી ગઈ સર્પોનો સામનો કરવાની અને ફીઅર ફેક્ટર ઓછું થતું ચાલ્યું. આ ડર જેમ જેમ ઓછો થતો જાય તેમ તેમ મન નવા નવા રવાડે ચડાવે. આ હિસાબે અમારું વિચિત્ર મન પણ અમને સર્પો સાથે પ્રયોગો કરવા લલચાવતું. અમે સર્પ બચાવની અમારી પ્રવૃત્તિ દરમિયાન અલગ અલગ સર્પો સાથે અનેક પ્રકારના પ્રયોગો કરેલાં. આ પ્રયોગો કરવા પાછળના બે છૂપા કારણો હતાં. એક તો અમને શીખવનાર અને માર્ગદર્શન આપવાવાળું કોઈ નહોતું અને દરેક સર્પની હલન ચલન, એક્શન-રીએક્શન શીખવાની અમારી મજબૂરી અને બીજુ કારણ જાહેરમાં વટ પાડવા, સીન મારવા, છવાઈ જવા અને હીરોગીરીના અભરખા પણ ખરા ! આ બધામાં એક નાનકડી ઘટના બની જે મારુ આખું માનસ પરિવર્તન કરી ગયેલી.
એક દિવસ ચોમાસાની ઢળતી સાંજે એક સોસાયટીનો સ્નેક કોલ આવ્યો. હું પહોંચ્યો તો જોયું કે, સોસાયટીના ખૂણે એક ઈલેક્ટ્રિસીટીના થાંભલાના નીચેના ખાલી ભાગમાં જ્યાંથી અન્ડરગ્રાઉન્ડ વીજળીના તાર આવતા હોય ત્યાં એક મોટો નાગ છૂપાયેલો. હવે પરિસ્થિતિ એવી હતી કે, નાગ જ્યાં છૂપાયેલો હતો ત્યાં જીવતા વાયરોના ગૂંચળા અને ખૂલ્લા કનેક્શન હતાં. સાપ લોકોના ટોળાના ડરને લીધે અંદર બરોબર કુંડલી મારીને લપાઇ ગયેલો, બધા તારોમાં. મને વિચાર પણ આવ્યો કે, આ સાપ ક્યાંક શોટસર્કિટ ના થઈ જાય, પણ સદ્દનસીબે એવું કશું થયું નહીં. મારી પાસે સાપને પકડવા એક લોખંડનો બનેલો દેશી સ્નેક હૂક હતો, જેનાથી છૂપાયેલા સાપને હું ખેંચીને બહાર કાઢી શકું, પરંતુ રામાયણ એવી હતી કે થાંભલાના જે બોક્સમાં નાગ છૂપાયેલો એ બોક્સમાં અનેક જીવતા વાયર હતાં. નાગને બહાર કાઢવા આ હૂક અંદર નાખું તો શોટ લાગવાનો ભય પણ ખુબ મોટો હતો. બીજો ભય એ હતો કે, નાગ હૂક નાખવાથી સાવ આડેધડ ભાગવા જાય અને તે પોતે શોટસર્કિટ થઈ જાય. મારે બે બાબતોનું ધ્યાન રાખવાનું હતું કે, મને પણ શોટ ન લાગે અને નાગને પણ શોટ ન લાગે એમ તેને સલામતીપૂર્વક બહાર કાઢવાનો હતો.
આવી સ્થિતિમાં ગમે તેમ કરીને નાગને સલામત રીતે બહાર તો કાઢ્યો અને પૂંછડીથી પકડી પણ લીધો, પરંતુ પછી યાદ આવ્યું કે, તેને પૂરવા માટે થેલી કે ડબ્બો તો છે નહીં ! જેમણે મને કોલ કર્યો તેમને વિનંતી કરી કે એક ડબ્બો, બરણી, થેલી કે પછી ઓશીકાનું કવર આપો. ગાંધીનગરમાં આ પણ એક રામાયાણ, લોકો તરત પ્લાસ્ટિકની થેલી લઈને હાજર થઈ જાય, કોઈને કપડાંની થેલી આપવાનું ગમે નહીં. હવે કપડાની થેલી આપવામાં જીવ કપાતો હોય તેઓ પતરાના કે સ્ટીલના ડબ્બા તો શું આપવાના ? પાછુ ઘણી વાર એવુ પણ બને કે લોકો એકબીજાની સામે જોયા કરે કે કોણ લાવે. હુ બે ત્રણ વાર બૂમ પાડુ ત્યારે મને કે ક-મને કોઈ પોતાના ઘરમાંથી તુટેલી ફાટેલી થેલી આપે. એ પાછી રીપ્લેસ કરાવવી પડે. આવા ઠાગાઠૈયા થાય ત્યાં સુધી મને સાપ સાથે રમત કરીને હીરોગીરી કરવાનો અને સીન મારવાનો ભરપૂર સમય મળી રહેતો ! નાગને પકડી લીધા પછી તેને પૂરવાનું સાધન મળી જાય ત્યાં સુધી હું નાગને ડરાવી ફેણ કઢાવું, તેની સાથે જાતભાતની રમત અને મસ્તી કર્યા કરું અને આજુબાજુના લોકો વાહવાહી કરે તેનો પણ એક અજબ નશો રહેતો. આ પ્રસંગે થેલી અથવા ડબ્બો આવે ત્યાં સુધી નાગ સાથેની મારી મસ્તી, ટપલીદાવ અને અપમાનજનક ભાષાનો પણ ઉપયોગ થયો, દસેક મિનિટમાં ડબ્બો આવ્યો, તેમાં નાગને ઉતારી દીધા બાદ આજુબાજુમાં લોકો મને ઘેરી વળ્યા અને અનેક પ્રશ્નોનો મારો ચાલ્યો. આ બધામાં મારું ધ્યાન હતુ કે, એક વડીલ શાંતિથી મારી વાતો સાંભળી રહેલા.
ધીમે ધીમે ભીડ ઓછી થઈ અને બચ્યા એક બે યુવાનો અને પેલા વડીલ. મેં સ્કુટર પર ડબ્બો મુક્યો અને નીકળવાની તૈયારી કરી ત્યારે એ વડીલે મને રોક્યો અને કહ્યું "મારે તમને એક બે પ્રશ્નો પૂછવા છે." મેં કહ્યું પુછો. એમણે મને પુછ્યું "તમારે સંતાન કેટલાં ?" મેં કહ્યું કે એક દિકરી, તો એમણે મને પુછ્યું "કે શું તમે તમારી દિકરીને પ્રેમ કરો છો ?" મને એમના આ પ્રશ્નની નવાઈ તો લાગી, પણ પ્રશ્ન પૂછવાની એમની શાલીનતાએ મને તેમના પર ગુસ્સો કરતા રોકેલો. મેં કહ્યું હા, એકની એક દિકરી છે અને છોકરા તો વ્હાલા જ હોય ને ? એમણે કહ્યું કે "મેં જોયું કે તમે ડબ્બો આવે ત્યાં સુધી તેની સાથે જે રીતે રમત કરતા હતાં, વર્તતા હતાં એ અને સાપ માટે જે ભાષા વાપરતા હતાં એ ભાષા પણ અત્યંત અપમાનજનક હતી. તમને કોઇએ પૂછ્યું કે તમે સાપ કેમ પકડો છો તો તમે કહેલું 'આઈ લવ સ્નકેસ'. તેથી જો તમે સાપને પ્રેમ કરો છો અને તેની સાથે આ રીતે વર્તો, ટપલીદાવ કરતા હો તો શું તમે તમારી દિકરીને પણ આ જ રીતે પ્રેમ કરતા હશો કે નહીં એ જાણવા આ પ્રશ્ન પૂછ્યો . . ."
આ વડીલના એક સીધા સાદા પ્રશ્નએ મને શરમિંદા બનાવી દીધો અને વિચારતો પણ કરી મૂક્યો. એ ઘડીથી મેં એ વડીલને અને મારી જાતને ખાતરી આપી કે હું હવેથી કોઈ પણ સાપ સાથે આ પ્રકારનો વ્યવહાર નહીં કરું. આ પ્રસંગે મને સર્પ સાથેના વર્તન અથવા ગેરવર્તનના માપદંડો અને નીતિમત્તા અંગે વિચારતો કરી દીધેલો. અને એ વિચારણાઓ મારા સર્પ સાથેના વર્તન અંગેના એથિક્સના જન્મનું કારણ બન્યું. પણ હા, ત્યાર બાદ એક પણ વાર નથી મેં કોઈ પણ સર્પ સાથે દુર્વ્યવ્હાર કર્યો, કે નથી બીજા કોઈ સર્પનિષ્ણાતને કરવા દીધો. ત્યાર બાદ મેં ગાંધીનગરમાં આશરે પંદર-સત્તર યુવાનોને સર્પ બચાવ માટે તાલીમ આપી, પરંતુ મારા આ ગૃપનો એક પણ સભ્ય કદી સર્પ સાથે દુર્વ્યવ્હાર કરતો નથી કે નથી ચલાવી લેતો. સપ્ટેમ્બર ૨૦૧૮માં વલ્લભવિદ્યાનગર ખાતે યોજાયેલા એક, એક-દિવસીય સર્પ અંગેના કાર્યક્રમમાં ભારતના સર્પવિશેષજ્ઞોએ આખો દિવસ પોતાના અનુભવો જ્ઞાન વહેંચવાની સાથે સાથે સર્પ સાથેના વ્યવહારના એથિક્સ પણ શીખવાડ્યા, ત્યારે મારે કરવાના ટૂંકા પ્રવચનમાં મેં કહેલું કે "એથિક્સ શું કોઇ શીખવાડી શકે ? જેમણે પણ આ એથિક્સ બનાવ્યા હશે એમણે પણ પોતાના વિચારોમાંથી જ આ એથિક્સ બનાવ્યા હશે ને ? તો શા માટે આપણે કોઈએ બનાવેલા, વિચારેલા અને ઘડી કાઢેલી નીતિમત્તાઓને સીધી અમલમાં મૂકવી જોઈએ ? મારા ઉપર જણાવેલા ઉદાહરણને ટાંકીને કહેલું કે "પોતાની ભૂલો, તેના સ્વીકાર અને તેના આધારે જીવનમાં આણેલા પરીવર્તનો એજ તો એથિક્સ . . ." આ ઘટના બાદ મેં કદી બીજાની માફક સાપને બેકાળજીપૂર્વક, બેજવાબદારીપૂર્વક હેન્ડલ કર્યો નથી, કે નથી કદી તેમને કીસ (ચૂંબન) કરવા પ્રયત્ન કર્યો. આ બધા સ્ટન્ટ કરીએ ત્યારે જોવા વાળા વાહવાહી જરૂર કરશે પરંતુ જ્યારે આવા સ્ટન્ટ દરમિયાન સર્પદંશ થાય ત્યારે કોઈ ખબર પૂછવા પણ આવશે નહીં. આવા તમામ સ્ટન્ટ તમામ એથિક્સની વિરૂધ્ધ છે.
"તમને ગમતું ન હોય તેવું બીજા સાથે ન કરો". કન્ફ્યુસિયસનું આ સીધુસાદુ વાક્ય કન્ફ્યુસિયસને બિલકુલ પણ ન ઓળખતા કોઈ પણ સામાન્ય માણસના મનમાં ધણી વાર આવતું હશે જ. પણ લોકો એને મહત્વ આપતા નથી હોતા. આપણે જો આપણા વિચારોને ચકાસવાનું અને આપણા જ વિચારો પર વિચાર કરવાની આદત કેળવી શકીએ, તો આપણું પોતાનું દિમાગ જ દૂનિયાના તમામ એથિક્સનું જન્મ સ્થાન છે.