• 12 March 2020

    ઝાકળભીના સંબંધો

    (20) નિવૃત્તિનો ભાર

    0 154

    (20)

    નિવૃત્તિનો ભાર

    દરેક વ્યક્તિને નિવૃત્ત થવું ગમતું હોયછે. નોકરી કરતાં લોકો તો નિવૃત્તિની કાગડોળે રાહ જોતાં હોયછે. તેમનાં માટે નિવૃત્ત થવું તે એક અવસર સમાન હોયછે. ઘણાં લોકોએ નિવૃત્ત થયાં પછી શું કરવું તે માટેના કઈ કેટલાંયે પ્લાન બનાવી રાખ્યાં હોયછે. નિવૃત્ત થયાં પછી દરેક માણસ કઈકને કઈક પ્રવૃત્તિ કરતો હોયછે. કોઈક ધાર્મિક પ્રવૃત્તિ પાછળ પોતાનો સમય પસાર કરેછે તો કોઈક સમાજસેવાના કામ પાછળ બાકીની જીંદગી ખર્ચી નાખેછે.

    સ્ત્રીઓને તો નિવૃત્તિ જેવું કઈ હોતુંજ નથી. કહેવાય છે કે મર્યા પછીજ તેમને નિવૃત્તિ મળેછે. હા ઘણી નોકરી કરતી સ્ત્રીઓ પોતાની નોકરીમાંથી નિવૃત્ત થાયછે ખરી પણ ઘરકામમાંથી કયારેય નિવૃત્ત થઇ શકતી નથી. પુરુષોની સરખામણીએ સ્ત્રીઓ હજું એટલી સ્વતંત્ર થઇ નથી. આપણી સામાજિક પરંપરા જ એવી છે કે જેમાં સ્ત્રીઓને સ્વતંત્ર થવું મુશ્કેલ છે. હા, તેમનાં બાળકો મોટાં થયાં પછી દીકરાની વહુ આવ્યા પછી તેમને રાહત જરૂર મળેછે.

    પ્રવૃત્તિ વિનાની નિવૃત્તિ ઘણીવાર શાપરૂપ સાબિત થાયછે. માણસ રીટાયર્ડ થાય ત્યારે થોડાંક દિવસ તો તેને સારું લાગેછે. જાણેકે સ્વર્ગ મળી ગયું હોય તેટલો તેને આનંદ થાયછે. પરંતુ મહિનો બે મહિના પછી તેને ઘર ખાવા દોડતું હોય તેવું લાગેછે. એટલાં માટેજ નિવૃત્ત થયા પહેલાંજ મનગમતી પ્રવૃત્તિનું આયોજન કરી રાખવું જોઈએ. ફક્ત આરામજ કરવો અને ઘરમાં પડ્યાપાથર્યા રહેવાનો વિચાર છેવટે તમને દુખના માર્ગે લઇ જશે. ઘરમાં પડ્યાપાથર્યા રહેવાથી તમે તમારાં દીકરા-દીકરી, વહુ કે પત્નીને અળખા લાગશો. ઘરમાં રહેવાથી તમારો સ્વભાવ પણ કચકચિયો થઇ જશે. ઘરની નાની નાની બાબતોમાં તમે માથું મારશો, જે વાત ઘરનાં કોઈ વ્યક્તિને ગમશે નહિ.

    યુવાનીમાં બચત કરીને જો આર્થિક પાસુ મજબુત કર્યું હોય તો પુરુષો માટેની પ્રવૃત્તિઓ ઘણી છે. ધાર્મિક પ્રવૃત્તિઓ તો છેજ પરંતુ કોઈકને ઉપયોગી થવાય તેવી સામાજિક પ્રવૃત્તિઓ પણ છે. સામાજિક ટ્રસ્ટોમાં જોડાઈને સામાજિક રીતે પછાત લોકોને મદદ કરી શકાય. સ્ત્રીઓ બાળકોને કે વયસ્ક લોકોને શિક્ષણ આપવું, સરકારી હોસ્પિટલોમાં ગરીબ દર્દીઓની ખબર પૂછવી કે તેમને બીજી રીતે સહાય કરવી, જ્ઞાતિના મંડળોમાં સેવા આપવી, યુવાનોને માહિતી કે તાલીમ આપવી વગેરે વગેરે. આવાં તો અનેક કાર્યો છે કે જે કરવાથી તમને આનંદ આવશે અને કઈક કર્યાનો આત્મસંતોષ પણ થશે. મોટો ફાયદો એ થશે કે કામ કરતાં રહેવાથી તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે.

    જે વ્યક્તિની આર્થિક પરિસ્થિતિ ડામાડોળ હોય તેને તો રીટાયર્ડ થયાં પછી પણ નોકરી ધંધો કરવો પડશે. જેમાં બહું મજુરી કે શારીરિક શ્રમ ન હોય તે પ્રકારનું કામ કરી શકાય. ઘણી બેન્કો, સરકારી ઓફિસો, સામાજિક સંસ્થાઓ, હોસ્પિટલો, અને જ્ઞાતિની હોસ્ટેલોમાં રીટાયર્ડ થયેલાં લોકોને નોકરીએ રાખતાં હોયછે. આવી જગાએ પગારો એટલાં સારા હોતાં નથી પરંતુ ગુજરાન ચાલી જાય તેટલું તો મળી રહેછે. હવે આપણા દેશમાં લોકોનાં સરેરાશ આયુષ્યમાં વધારો થયો હોવાથી રીટાયર્ડ થયાં બાદ પણ ઘણાં લોકો નોકરી કરતાં હોયછે.

    એક ભાઈને હું ઓળખું છું. નવનીતભાઈ બેંકમાં ઓફિસર હતાં. વરસ પહેલાંજ તેઓ નિવૃત્ત થયાં હતાં. નિવૃત્ત થયાં પછી તેઓ ઘરમાંજ આરામ કરવા લાગ્યાં. સવારે આરામથી ઉઠવાનું, ચા-નાસ્તો કરીને તૈયાર થઈને પેપર વાંચવાનું, બપોરે ખાઈને ઉંઘી જવાનું, સાંજે આઘા-પાછા થવાનું, રાત્રે જમીને સીરીયલો જોવાની, અને મોડી રાત્રે સુઈ જવાનું. આ તેમનો નિત્યક્રમ. થોડાંક મહિના તો આવું ચાલ્યું. ધીરે ધીરે તેઓ ઘરનાં કામમાં ચંચુપાત કરવા લાગ્યાં. પત્ની અને વહુને ઘરકામમાં સલાહો આપવા લાગ્યાં. પૌત્રોને પણ અભ્યાસની બાબતમાં ટોકવા લાગ્યાં. જેના કારણે તેઓ ઘરમાં અળખામણા થઇ ગયાં.

    એક દિવસ નવનીતભાઈએ તેમનાં એક નજીકનાં મિત્રને ફરિયાદ કરતાં તેમણે રસ્તો સૂચવ્યો. મિત્રના કહેવાથી તેઓએ એક લેપટોપ વસાવ્યું. ઇન્ટરનેટ વાપરતાં શીખ્યાં. ફેસબુકમાં ખાતું ખોલ્યું. હવે તેઓ ફેસબુક પર બીઝી રહેવાં લાગ્યાં. ફેસબુક પર નવા નવા મિત્રો બનતાં હવે તો તેઓ તેમણે મળવા બહાર પણ જવા લાગ્યાં. ફેસબુક પર ચાલતાં સીનીયર સીટીઝન ગ્રુપના તેઓ સભ્ય બની ગયા. નવનીતભાઈ પ્રવૃત્તિમય થવાથી ઘરનાં લોકો પણ ખુશ થઇ ગયાં, કેમકે હવે નવનીતભાઈને ઘરની બાબતોમાં માથું મારવાની ફુરસદજ ન હતી.

    પુરુષોને તો નોકરી મળી રહેછે. તકલીફ સ્ત્રીઓને પડેછે. સ્ત્રીઓ મોટાભાગે હોમમેકર હોયછે એટલે તેમને આખી જીંદગી એકજ કામ કરવાનું હોયછે, ઘર, છોકરાં અને પુરુષોને સંભાળવાનું. દીકરાની વહુ આવ્યા બાદ તેમની જવાબદારી ઓછી જરૂર થાયછે પણ તેમાંથી મુક્તિ તો ક્યારેય મળતી નથી. આખી જીંદગી એક ધારું ઘરકામ કરવાથી ઘણી સ્ત્રીઓમાં જીદ્દીપણું અને ચીડિયાપણું આવી જતું હોયછે. ખરેખર વયસ્ક સ્ત્રીઓને તેમનાં પતિ અને સંતાનોએ ખુબજ પ્રેમ આપવો જોઈએ. બને તો તેમને ઘરકામના ભારણમાંથી મુક્ત કરવી જોઈએ. સ્ત્રીઓ મોટાભાગે પ્રેમની ભુખી હોયછે. પોતાનાં સંતાનોનો પ્રેમ અને હુંફ તેમની છેલ્લી જીંદગી હરીભરી કરી દે છે.

    જે સ્ત્રીઓ ભણેલીગણેલી હોય અને જેમણે નોકરી કે વ્યવસાય કર્યો હોય તેમણે સામાજિક સંસ્થાઓ સાથે જોડાઈને સમાજસેવા કરવી જોઈએ અથવા તો જો કોઈ શોખ હોય તો તેને પોષવો જોઈએ. ઘણી સ્ત્રીઓને એમ થાય કે હવે ઘરડેઘડપણ આ બધું શોભે ? એવું વિચારવાની જરૂર નથી. ઘરડા થયાં પછી પણ ઘણાં લોકો પોતાનાં મનગમતાં ક્ષેત્રોમાં આગળ આવ્યાછે. તમને જે કામ કરવામાં આનંદ આવતો હોય તે કરવું જોઈએ. આખી જીંદગી બીજાનાં માટે જીવ્યાં પછી થોડાંક વર્ષો પોતાનાં માટે પણ જીવવું જોઈએ. ગાંધીજીએ પણ ભારતને આઝાદ કરાવવાની ચળવળ મોટી ઉમરેજ શરું કરી હતી. સંતાનો સાથેના સંબધો સૌહાર્દપૂર્ણ રહે તે માટે નિવૃત્ત થયા બાદ દરેક વ્યક્તિએ પ્રવૃત્તિમય રહેવું જોઈએ.

    &&&



    Manhar Oza


Your Rating
blank-star-rating
Sorry ! No Reviews found!