• 22 March 2021

    ખોટું ન લાગે તો કહું! – 51

    ખરો પ્રવાસ મારા ભીતરનો છે! / જગદીપ ઉપાધ્યાય

    5 126

    પ્રવાસની માનસિક્તા કંઇક એવી છે કે રજાઓ પડે કે તહેવારો હોય એટલે પ્રવાસમાં જવું જ. એ સમયે પ્રવાસના કે યાત્રાના સ્થળે ભીડ હોવાની એ ખબર હોય તો પણ તો પણ લોકો પ્રવાસમાં જાય જ. લોકો હવે આ ભીડથી ટેવાઇ ગયા છે. લોકો પ્રવાસનો નહીં પણ એ વખતે પડતી અગવડોમાં માર્ગ કાઢવાનો આનંદ લે છે.

    ઉનાળામાંય રાજસ્થાન જેવા ગરમપ્રદેશમાં પ્રવાસે ઉપડે! જે તે પ્રદેશના વાતાવરણનો કોઇ વિચાર નહીં! થોડા દિવસોમાં જાજા સ્થળ જોવાનો આગ્રહ રાખે. પછી એવું બને કે બધું એક સરખુ લાગવા માંડે! વળી આ કે તે જગ્યાઓ જોવામાં મૂળ વસ્તુ જોવાની રહી જાય! ઉજાગરા, થાક કે ખોરાકમાં તકલીફ વગેરે વેઠવાના. કેટલાંક તો રસ્તામાં માંદા પડી જાય! પાછા ફરતા વતનના ઝાડવા દેખાય ને હાશ થાય! ઘણાનો તો સ્વભાવ ઝઘડાળું થઇ જાય!

    અમુક પ્રવાસના સ્થળોએ પાર્યાવરણ બહુ સુંદર હોય છે પણ પ્રવાસીઓ એ સ્થળની લીલાશ જીવનમાં ઉતારવાને બદલે એ સ્થળે એટલો બધો કચરો પાથરે છે કે એ સ્થળનું પર્યાવરણ નંદવાઇ જાય છે.

    ધાર્મિક યાત્રાઓ મોટેભાગે ગેરસમજ ભરેલી છે. ગંગામાં ડૂબકી મારવાથી પાપ ધોવાઇ જાય છે. એટલે માણસો હરદ્વાર જાય. ડૂબકી મારી આવ્યા પછી હતા એના એ, વળી પાછા અમુક સમયને અંતરે ડૂબકી મારવા ઉપડે! મૃતકના અસ્થિ ગંગામાં પધરાવવાથી એમને ગતિ મળી જાય છે. વારસદારને તેની પેઢી ઉજળી થાય તેવુ સત્કર્મ કરવાની ઝંઝટ નહીં! ચારધામની જાત્રા કરવાથી ચોર્યાસી ફેરામાંથી મુક્તિ મળી જાય છે. જીવનભર ગોરખધંધા કરો ને પછી ચારધામની જાતરા કરી લો! યજ્ઞ, તપ કે સદાચારની માથાકૂટ નહીં!

    આજે પ્રખ્યાત યાત્રાધામોપર મહાત્માઓ પણ જગાઓ ઊભી કરતા રહેલા છે. ત્યાં જતા માણસોનો પાર નથી. સાધુ એ છે કે જે આજીવન પ્રવાસી છે. સ્થળ પર આસક્તિ જાગે તે પહેલા એ સ્થળને બદલી નાખે છે. એ જ્યાં પણ જાય છે ત્યાં જીવનની ઉન્નતિના વિચારો આપે છે. પોતાની પરમની શોધના અનુભવો લખે છે અને એનો પ્રસાર કરે છે!

    લગભગ યાત્રાધામોમાં પંડાઓ કે મહારાજો ક્રિયાકાંડને બહાને ઉઘાડી લૂંટ ચલાવતા હોય! ભીખારીઓના ટોળા ધર્મિક બ્લેકમેઇલ કરતા હોય! કોહવાઇ ગયેલા ફૂલો, નાળીયેરના છાલા, નીકમાંથી વહેતું ગંધાતું પાણી વગેરે જેવી ગંદકીથી થી પરિસર ઊભરાતું હોય!, યાત્રાસ્થળ સાથે ધાર્મિક અંધશ્રદ્ધા પ્રેરતી કોઇ કથા જોડાયેલી હોય!, પાપ-પુણ્યના છાના ભય યાત્રિકોના ભીતરને પીડતા હોય, ખિસ્સકાતરું કે સામાન ચોરીની ચિંતા સતાવતી હોય! બલિહારી છે કે તો પણ આવા યાત્રાધામોની યાત્રા માણસોને સ્વર્ગે લઇ જતી હોય! હવે મને સમજાય છે કે વડવાઓએ એટલે યાત્રાઓ ગોઠવી હશે કે માણસને સમજાય જાય કે ઘર જેવી શાંતિ બીજે ક્યાંય નથી!

    પગપાળા પ્રવાસ, સાયકલ પ્રવાસ, વનભોજન, પ્રાકૃતિક શિબિર, નિસર્ગ પ્રેમ વધે તેવા સેવાકીય કાર્યો સાથે અનુબંધ વગેરે ભીતરને નિર્ભેળ આનંદ અપતા પ્રવાસ છે. આજે માણસો પગપાળા યાત્રા કરે છે પણ માનતાઓ માની ઇશ્વર સામે ત્રાગુ કરવા માટે!

    ખરા પ્રવાસ માટે શાંત અને રમણીય એવા એક જ સ્થળે ફરવા જવું. ત્યાં બને એટલા વધુ દિવસ રોકાવું. ત્યાંના વાઇબ્રેશન આત્મસાત કરવા. કુદરતનો અનંદ માણવો. તે સ્થળનું સાંસ્કૃતિક, ઐતહાસિક અને આધ્યાત્મિક મહત્વ સમજવું! બને તેટલો ઓછો સામાન લઇ જવો ને બિલકુલ હળવા થઇ જવું!

    ખરું પૂછો તો જીવન એ જ યાત્રા છે! જે શોધાવનું છે તે તો ભીતર જ છે! બહાર જેટલો દુનિયાનો વિસ્તાર છે એટલો જ અસીમ અંદરની દુનિયાનો વિસ્તાર છે. તેનો પ્રવાસ કરનારો અગમનો પ્રવાસી છે. ભીતરની ટોચે ગિરદી નથી! બસ આનંદ અને માત્ર આનંદ છે. એ યાત્રામાં ‘જે ઇશ્વર કણ કણમાં છે એ મારી ભીતરમાં પણ છે’ એ અનુભૂતિ થઇ જાય તો જન્મજન્માંતરની યાત્રા પૂરી થઇ જાય!



    જગદીપ ઉપાધ્યાય


Your Rating
blank-star-rating
heena dave - (24 March 2021) 5
ખૂબ સરસ

0 1

છાયા ચૌહાણ - (23 March 2021) 5
સત્ય વર્ણન,લાસ્ટ પેરા ખુબ જ સરસ 💐👌

0 1

રાજુસર ગરસોંદિયા - (22 March 2021) 5
aekdam sachi vat jo bhitar no pravas safal thay to bedo par

0 1