• 29 March 2021

    ખોટું ન લાગે તો કહું! – ૫૨

    જે માત્ર અને માત્ર આપે તે દેવ છે! / જગદીપ ઉપાધ્યાય

    5 159

    મને તો આવકની અલ્પતા, ટાંચા સાધનો, નીચું જીવન ધોરણ વગેરે સમસ્યાઓ કરતાય એક સમસ્યા બહુ મોટી લાગી છે અને એ છે આપણા સમજમાં ઘર કરી ગયેલી – મફતનું ખાવાની સમસ્યા! સમસ્યાની સમસ્યા એ છે કે મફતનું લઇ લેવું, મફતનું વાપરવું, મફતનું પચાવી પાડવું એ સમસ્યા કોઇને સમસ્યા જ નથી લાગતી! ખોટું ન લાગે તો કહું કે ધાર્મિક જગ્યાઓએ માણસની આધ્યાત્મિક્તાનો વિકાસ કરવાને બદલે માણસને વ્યસની અને મફતનું ખાતો કરી દીધો છે! જ્યાં સુધી મફતનું મળે ત્યાં સુધી સામાન્ય માણસને હાથ હલાવવા નથી!

    કોઇનું પચાવી પાડવું એ મફતનું ખાવાની વૃતિનો જ એક ભાગ છે. નોકરીમાં કામચોરી કરવી એ પણ મફતનું ખાવાની મનસિકતા છે. કદાચ એટલે જ સરકારી નોકરીનો આગ્રહ લોકોને વધું છે. કામ કરો કે ન કરો પણ વેતન પાક્કું. ચમત્કારો, અંધશ્રદ્ધા વગેરે પણ મફતમાં ઘણું પામી લેવાની ઘેલછા જ છે. હકીકત તો એ છે કે ઇશ્વર પણ સાધના વિના મળતો નથી. જ્યાં સુધી માણસ મહેનત કરીને થાકી જતો નથી ત્યાં સુધી દેવતાઓ પ્રસન્ન થતા નથી!

    જે સામાજમાં પુરુષાર્થનો મહિમા નથી થતો ત્યાં રામ આવીને સમાજોદ્ધારનો ચમત્કાર કરી જશે તે આશા રાખવી એ ચિત્રમાની ગાય પાસે દૂધની આશા રાખવા બરોબર છે.

    તેજસ્વિતા એટલે પ્રતિકાર શક્તિ. જે વ્યક્તિ કે સમાજ મફતનું ખાય છે તેની પ્રતિકાર શક્તિ ખલાસ થઇ જાય છે. મફતનું ખાવાની વૃતિ માણસને દીન, હીન કે લાચાર બનાવે છે. તેની કુલિનતા ઝંખવાય છે. તેના બાળકો કે પેઢી માયકાંગલા થાય છે. ઘરમાં દૂષણો આવે છે. માણસ નીચે ને નીચે જતો જાય છે. બીજા વિશ્વયુદ્ધ વખતે ઇંગ્લેન્ડની સરકારે બાળકો માટે મફતનું દૂધ આપવાનું જાહેર કર્યું. તો ઇંગ્લેન્ડની મહીલાઓએ ‘અમારે અમારા બાળકોને નિસ્તેજ નથી બનાવવા.’ તેમ કહી મફતનું દૂધ લેવાનો ઇન્કાર કર્યો. એ પછી ઇંગ્લેન્ડની સરકારે ટોકન કિંમતે દૂધ આપ્યું. આવો સમાજ બીજા પર શાસન કરે.

    મફતનું લેનાર કરતા મફતનું આપનાર એટલો જ જવાબદાર છે. મફતનું આપીને એ સામા માણસને ઓશિયાળો બનાવે છે. આમ પણ મફતમાં મળેલી વસ્તુની માણસને કિંમત હોતી નથી!

    પ્રકૃતિ બહુ પ્રેમથી માણસને ઘણું બધુ આપે છે પણ માણસે પ્રકૃતિનું મૂલ્ય સમજવું જોઇએ. એની કિંમત ચૂકવવી નથી પડતી એટલે એને વેડફવાનો માણસને અધિકાર નથી! સૂર્યપ્રકાશ, નદીના જળ, વૃક્ષોની લીલાશ, વહેતી હવા – શું શું નથી વેડફ્યું માણસે? પ્રકૃતિદત્ત સાધનો જરૂર ન હોય તો ન વાપરવા જોઇએ અથવા જરૂર પૂરતા વાપરવા જોઇએ. ગાંધીજી સાબરમતિના કાંઠે લોટામાં જળ ભરીને સ્નાન કરતા હતા. એના અંતેવાસીએ કહ્યું કે, ‘ બાપુ! આખી સાબરમતી ભરી છે ને તમે શું કામ લોટામાં જળ ભરીને સ્નાન કરો છો?’ ગાંધી બાપુએ બહુ સરસ જવાબ આપ્યો, ‘આ નદીનું જળ મારા બાપનું નથી! સમાજનું છે. મારે માત્ર જરૂર જેટલો જ તેનો ઉપયોગ કરવો જોઇએ! સરકાર તરફથી મફતનું મળે છે એટલે જરૂર હોય કે ન હોય લઇ લો આ મનોવૃતિ બરાબર નથી. સરકારી સહાયો, વળતરો કે શિષ્યવૃતિ જેવા લાભો આપણે જરૂર નથી તો ન લઇએ પણ જેને જરૂર છે એને મળવા દઇએ!

    એથીયે આગળ માણસે પ્રકૃતિને સમજવી જોઇએ. વૃક્ષને કોઇ પાણી પાય છે તો વૃક્ષ એને ફળ આપે છે. ગાયને કોઇ ચારો આપે છે તો ગાય એને દૂધ આપે છે. અરે… પ્રકૃતિના કેટલાક તત્વો તો બસ આપવાનું જ જાણે છે જેમ કે સૂર્ય, વાયુ વગેરે. શાસ્ત્રોએ એટલે જ આ તત્વોને દેવ કહ્યા છે! આપણે પણ પ્રકૃતિ પાસેથી મફતનું લેવાને બદલે સામે એને આપવું જોઇએ. હવા લઇએ છીએ, લાકડું વાપરીએ છીએ તો સામે એટલા વૃક્ષો વાવીએ. એથી પણ આગળ સૂર્ય આપણને હૂફ અને પ્રકાશ આઅપે છે તો આપણે પણ આર્તને હૂંફ અને પ્રકાશ આપીએ. ગીતાકાર પણ યજ્ઞ કરીને જમવાનું કહે છે. અહીં યજ્ઞ એટેલે સત્કર્મ! પ્રસન્ન રહેવાનો એક માત્ર ઉપાય બીજા પાસેથી લેવાનો નહી પણ બીજાને આપવાનો છે. પ્રકૃતિનું દરેક તત્વ પ્રસન્ન છે કે કારણ કે એ બીજા ને આપે છે. જે બીજાને માત્ર અને માત્ર આપે છે એ દેવ છે!



    જગદીપ ઉપાધ્યાય


Your Rating
blank-star-rating
છાયા ચૌહાણ - (29 March 2021) 5
very well said 👌👌💐

0 1