અમુક લોકોને કોઇ જગ્યા અનૂકૂળ ન આવે. અમુક લોકોને કોઇ પણ જગ્યાએ ફાવે. તેઓ અનુકૂળ થવાની સમજણ વાળા હોય.
કોઇ એમ માનતું હોય કે અમુક પ્રકારની અનુકૂળતા આવે પછી હું પ્રવાસે નીકળીશ અથવા અમુક મહત્વના કાર્યો પતાવી લઉં પછી નિરાંતે બેસીશ તો એવી અનુકૂળતા ક્યારેય આવવાની નથી. આજે જે પરિસ્થિતિ છે તેને જ અનુકૂળ બનાવવાની છે.
અમુક સારા કામ માટે જ્યોતિષીઓ મુહૂર્ત કાઢી આપે છે તે યજમાનને માનસિક રીતે પ્રસંગ માટે તૈયાર કરવા ખાતર છે. જેથી માણસને એમ થઇ જાય કે આ કાર્ય કરવા માટે અનુકૂળ સમય છે. સારા કામમાં સો વિઘ્ન! એમ પ્રસંગમાં પ્રતિકૂળતાઓ ક્યાં નથી આવતી? છતા પ્રસંગ હેમેખેમ પૂરો થઇ જાય છે. તેનું કારણ છે; એ પ્રસંગ કરવા માટે સજ્જ થઇ ગયેલું મન!
કોઇ પણ વ્યક્તિ નવા સાહસ માટે કે નવી પહેલ માટે પ્રવૃત થશે ત્યારે ડગલે ને પગલે પ્રતિકૂળતા આવવાની! એવું પણ બને કે પ્રતિકૂળતા વધતી પણ જાય પણ જે વ્યક્તિ અડગ નિર્ધાર સાથે ડગલા ભરતો રહે છે તેને પ્રતિકૂળતામાંયે રસ્તો મળતો રહે છે અને એક સમય એવો આવે છે કે પરિસ્થિતિ એને અનુકૂળ થઇ જાય છે.
પ્રતિકૂળતા જોઇને માણસ પાછો ફર્યો હોત તો નવા મુકામો, નવા ક્ષેત્રો, નવી ઉપલબ્ધિઓ, નવા સંશોધનો કે નવી ટેકનોલોજીનો વિકાસ જ થયો ન હોત! માનવ જાતનો વિકાસ એ પ્રતિકૂળ પરિસ્થિતિમાં આગળ વધવાની વૃતિનું પરિણામ છે. આથી જ શિક્ષણનું પહેલું કાર્ય બાળકને પ્રતિકૂળ પરિસ્થિતિમાં કેમ આગળ વધવું તે શીખવવાનું છે.
જે લોકો સામાન્ય સ્થિતિમાંથી બહું ઊચ્ચ સ્થિતિએ પહોંચ્યા ને સુખ શાંતિ પામ્યા એ એના પ્રતિકૂળ સ્થિતિમાં આગળ વધવાના સ્વભાવને કારણે! માંડ મેટ્રિક થયેલા ઉદ્યોગપતિને ત્યાં એમ.ઇ. થયેલો એન્જિનિયર નોકરી કરે છે એનું કારણ નસીબની બલિહારી નથી પણ પ્રતિકૂળ પરિસ્થતિમાં સાહસ કરવાની વૃતિમાં રહેલો તફાવત છે.
અમુકની વૃતિ જ ચલાવી લેવાના સ્વભાવ વાળી હોય, દિન કે આળસી હોય તો તેવાને ગમે તેટલા અનુકૂળ સંજોગો આવે તો પણ લાભ લઇ શક્તા નથી. તો કેટલાય આગળ ન વધવાની વૃતિવાળા અનુકૂળતામાંય પ્રતિકૂળતા શોધતા રહે છે, એ માટે ચોઘડિયા એ, એ લોકોનું હાથવગું સાધન છે. એ દરેક ઘટનામાં શુકન કે અપશુકન શોધતા રહે છે. નિષેધાત્મક વિચારને કારણે તેઓને નાની મુશ્કેલીઓ પણ પહાડ જેવી લાગે છે. દરેક સમયે પાછા વળવાનું પોતે તો વિચારે છે પણ બીજાનેય તેમ કરવા પ્રેરે છે.
ઘણીવાર એવું કહેવામાં આવે છે કે પદ, પ્રતિષ્ઠા કે વૈભવને શું કરવા છે? બધું અહીં ને અહીં મૂકીને જવાનું છે. ખરેખર આવી વાતો ભાગેડુ વૃતિવાળાની આત્મવંચના છે. આવી ઉપલબ્ધિઓ માટે અમુક હદથી વધારે આગ્રહ રાખનારા માટે આવી વાતો ઠીક છે પણ પદ, પ્રતિષ્ઠા , અને વૈભવ એને વર્યા કે જે પ્રતિકૂળ પરિસ્થિતિમાં ઝઝૂમ્યા! આ જગત પર એવા લોકોએ શાશન કર્યું કે જેઓ પ્રતિકૂળ પરિસ્થિતિમાં લડ્યા અને વિજયને વર્યા!