• 01 March 2021

    ખોટું ન લાગે તો કહું! – 48

    ખબર કાઢવા જવાનો રિવાજ / જગદીપ ઉપાધ્યાય

    5 139

    માણસો કોઇ માંદુ પડે કે તેની ખબર કાઢવા તરત દોડે. શા માટે! ખબર છે? દર્દી કરતા વધુ તો પોતાના ખુદના આશ્વાસન માટે! એવું વિચારીને કે માત્ર પોતાને જ આવું નથી થતું. આવું બીજાને પણ થાય છે.

    ઘણીવાર એવું બને છે કે કોઇ બિમારીમાં સારવારના ખર્ચ કરતા ખબર કાઢવા આવનાર મહેમાનોને સાચવવાનો ખર્ચ વધી જાય છે અને એક તો ધડ માથે માથું ન હોય અને ઉપરથી આવા લોકોની સગવડ સાચવવાની એ વધારામાં!

    તેથી વિપરીત ઘણા બીમાર લોકો પોતાની ખબર કાઢવા ન આવનાર સ્વજનનો ધોખો કરતા હોય છે. ખબર કાઢવાની બાબતમાં એક પ્રકારની ઢાલનો વ્યવહાર હોય છે એટલે કે એક સ્વજન બીજા સ્વજનની માંદગીમાં ખબર કાઢવા ગયો હોય તો બીજા સ્વજને પહેલા સ્વજનની માંદગીમાં ખબર કાઢવા જવું જ પડે! નહીતર ખોટું લાગી જવાના પ્રસંગો ઊભા થાય! સમાજમાં એક એવી પરિપાટી છે કે કેટલા માણસો ખબર કાઢવા આવ્યા એના પરથી બીમાર માણસની પ્રતિષ્ઠા નક્કી થાય છે.

    મારી એક ગઝલનો શેર છે,

    દર્દ મારું જાણી આ ગયા લોકો કે

    રાત દિવસ એ ફિકર કરશે દવાની!

    ખબર કાઢતી વખતે ઘણા લોકો દર્દમાં રાહત થાય તેવું આશ્વાસન આપવાને બદલે દર્દને વધારી દેતા હોય છે. ઘણા લોકો દાવ લેતા હોય એમ મોટી મોટી બીકો બતાવતા હોય છે! ‘આવું આંતરડામાં સોજો હોવાનું નિદાન અમારા ભાઇ ચીમનને થયું હતું તે બીચારો ચાર મહીના જીવ્યો!’ ‘હવે માનોને તમે પથારીમાંથી ઉઠો તોય તમારે દવા તો જીવો ત્યાં સુધી લેવાની!’ એમાંય ઘણા તો ‘ઠીક છે ભાઇ! કર્મો તો ભોગવવા જ પડે!’ એમ કર્મોનો સંદર્ભ આપીને સામા માણસની છાતી વલોવી નાખતા હોય છે! તો કેટલાક દર્દીના મોઢે સારું સારું બોલતા હોય છે પણ બહાર નીકળતાવેંત પોતાની સાથે આવેલા કુટુંબીને કહેતા હોય છે, ‘હું નથી માનતો આ દર્દી અઠવાડિયાથી વધું સમય કાઢે!’

    ઘણા સમજુ માણસો તો પોતાની ખબર કાઢવા કોઇ ન એટલે આવે એટલે પોતાની બીમારીના સમાચાર આપવાનું ટાળતા હોય છે! નાહકનું કોઇ ઉપાધિ કરે કે ઉપાધિ કરાવે! પણ દવાખાનાનું એવું છે ને કે એના સમાચારને અદૃશ્ય હાથપગ હોય છે. ખાસ કરીને અકસ્માતના સમાચાર વીજળી વેગે પ્રસરી જતા હોય છે. એમાંય પગ ખાલી છોલાયા હોય કે પગે સામાન્ય ઇજા થઇ હોય તોય ‘એમના પગ તો ગયા!’ એવી અફવા જોર પકડતી હોય છે. જેને અકસ્માત થયો છે એ માણસ બે દિવસમાં સારો થઇને બહાર નીકળે એટલે ઘણા સ્વજનો આશ્ચર્ય વ્યક્ત કરતા હોય છે, ‘ લે! તમે ચાલવા લાગ્યા?!’ તો ઘણાને ખબર કાઢવા જઇને બે વેણ મરમના ન બોલી શકાયાનો અફસોસ રહી જતો હોય છે!

    આધુનિક હોસ્પિટલવાળાઓ તો પાસની વ્યવસ્થા રાખે છે! લોકો પોતાના દર્દીઓને તો ખરા પણ સાથે બીજા દર્દીઓનેય ડીસ્ટર્બ કરતા હોય છે. ઘણા હોંશીલાં ખબર કાઢવા આવાનારાઓ પોતાના દર્દીઓની ખબર કાઢવાની સાથે બીજા દર્દીઓનીય ખબર કાઢવા લાગે છે. વિશેષમાં પોતાનું ડહાપણ બતાવીને ખરા ખોટા ઇલાજો સૂચવવા લાગે એ તો જુદું! ખબર કાઢવા આવનારની સાચી સંવેદના બહુ ઓછા કિસ્સામાં જોવા મળે છે. હોસ્પિટલમાંથી નીકળતાવેંત તેઓ કોઇ પાર્લરમાં જઇને આઇસ્ક્રીમ ખાવા લાગે છે!

    ઘણીવાર કેટલાક સ્વજનો દવાખાનાને બદલે ઘેર ખબર કાઢવા આવે છે ને બને છે એવું કે ઔપચારિક્તા કહો કે વ્યસ્તતા! માણસ મૂળ દર્દીને બદલે કુટુંબના બીજા સભ્યના ખબર અંતર પૂછવા લાગે છે. એક રમૂજ બહુ મજાની છે. એક એવો સ્વજન એના સગાને ત્યાં જઇને ઘરના વડીલ એવા સાસુમા પાસે બેસીને તેની ખબર પૂછવા લાગ્યો, ‘અરેરે.. તમારે તો ભારે થઇ કાં! ઘણી દોડાદોડી થઇ ગઇ! સમાચાર મળ્યા કે તમને દવાખાનામાં દાખલ કરવા પડ્યા ને મને તો બહુ ચિંતા થઇ ગઇ! સાસુમા કહે, ‘ ભાઇ! મને નહીં અમારી મોટી વહુને બી.પી. બહુ હાઇ થઇ ગયું હોવાથી તેને દવાખાનામાં દાખલ કરવી પડેલી. એ પણ કલાક માટે!’

    તો કેટલાક સ્વજનો રસ્તામાં, ઓફિસમાં કે કોઇક પ્રસંગમાં મળે ત્યારે ખબર કાઢવા ખાતર કાઢી લેતા હોય છે.

    ઘણા લોકો ખબર કાઢવાની બાબતમાં નિષ્ણાત હોય છે. દર્દીની હાલત જોઇને પોતાને ઘણું દુ:ખ થતું હોવાની પ્રતીતિ તેઓ સારી રીતે કરાવી શકે છે. ઘણા આંસુ સારતા સારતા સુખ–દુ:ખની વાતો બખૂબી કરી જાણે છે.

    તો એવા પણ માણસો જોવા મળે છે કે જે આપણી સંવેદનાને સંકોરે છે. કોઇ પણ બીમારના એ સ્વજન હોય છે. એ બીજાના આંસુઓને ઉછીના લે છે. ‘શરીર છે એટલે સાજુ માંદુ થયા કરે. જીવનથી નારાજ ન થઇએ. કાલે મુશ્કેલીના દિવસો ચાલ્યા જશે! પંખીઓ વસંત હોય કે પાનખર, આનંદે ટહુકાઓ વેરે છે. કાંઠાને મોજાઓ ધસતા આવી આવીને અફળાય તો પણ કાંઠાઓ એને દરિયાનું વહાલ ગણે છે. ઝરણું ખળખળ વહીને પથ્થરમાંથીય સંગીત પેટાવે છે. બસ, હસતા રહો જીવનની બધી આંટીઓ ઉકલી જશે.’ એવી સાંત્વનાભરી વાતોથી સામાની પીડાને હળવી કરી દે છે. પોતાનાથી બનતી મદદ કરે છે. ને દર્દી સાજો થતા કોઇપણ સ્વાર્થ વિના બુકે કે સરસ મજાની ભેટ લેતા આવી પોતાનો હર્ષ પ્રગટ કરે છે. આપણે ઇચ્છીએ કે આવા હેતાળવાં માણસોની સંખ્યા વધતી જાય!



    જગદીપ ઉપાધ્યાય


Your Rating
blank-star-rating
છાયા ચૌહાણ - (01 March 2021) 5
ખુબ સરસ

0 1