• 12 March 2020

    ઝાકળભીના સંબંધો

    (18) જીંદગીનો છેલ્લો પડાવ: ઘડપણ

    0 148

    (18)

    જીંદગીનો છેલ્લો પડાવ: ઘડપણ

    માણસે તેનાં જીવનને ચાર તબક્કામાં વહેંચ્યુ છે. ચાર તબક્કામાં પહેલો તબક્કો બાળપણનો, બીજો યુવાનીનો, ત્રીજો પ્રૌઢાવસ્થાનો અને છેલ્લો વૃધ્ધાવસ્થાનો. બાળપણ હસવા રમવામાં કયાં પસાર થઇ જાયછે તેની સમજણ પડતી નથી. યુવાનીમાં માણસે અનેક સપનાઓ સેવ્યાં હોયછે, જે સપનાઓ પૂરાં કરવામાં અને ગૃહસ્થી વસાવવામાં તેની યુવાની ચાલી જાયછે. પ્રૌઢાવસ્થા બાળકોને ભણાવવા-ગણાવવા અને તેમનાં લગ્ન કરીને ઠેકાણે પાડવામાં વીતી જાયછે. ત્રણેય પડાવ તો ઝડપથી પસાર થઇ જાયછે પરંતુ વૃધ્ધાવસ્થા પસાર કરવી ભારે પડી જાયછે.

    આપણે આપણી આસપાસ કે સગાં-સંબધીઓના ફેમિલીમાં નજર કરીશું તો મરવાના વાંકે જીવતાં આવાં કેટલાંયે વૃધ્ધો જોવા મળશે. મિલકતની જેમ જયારે સંતાનો માં-બાપને પણ વહેંચીલે ત્યારે મા-બાપ અવાવર સમાન બની જાયછે. મિલકત જડ હોવાં છતાં તેની સારસંભાળ લેવામાં આવેછે જયારે મા-બાપ જીવંત હોવાં છતાં તેની ઉપેક્ષા કરવામાં આવેછે. આ ઉપેક્ષિત વૃધ્ધો આમથી તેમ સંતાનોના હડસેલા ખાતાં મોતની પ્રતિક્ષા કરતાં રહેછે. માણસ પાસે જયારે પ્રવૃત્તિ કે ધ્યેય ન હોય ત્યારે સમય પસાર કરવો તેનાં માટે મુશ્કેલ બની જાયછે.

    કેટકેટલાં અરમાનો અને આશાઓ સાથે સંતાનોને ઉછેરીને મોટા કર્યા પછી, તે જ સંતાનો મા-બાપથી મુખ ફેરવી લે ત્યારે મા-બાપને મનમાં થાય, કે આના કરતાં તો વાંઝિયા રહ્યાં હોત તો સારું હતું. જેમના સંતાનો સમજું છે, લાગણીશીલ છે તેના માટે ઘડપણ હસતાંહસતાં પસાર થઇ જાયછે. સમાજમાં બધાંજ સંતાનો ખરાબ કે સ્વાર્થી નથી હોતાં. જે સંતાનો સારા છે, જે લોકો પોતાનાં મા-બાપની લાગણીઓ સમજે છે, જેઓ તેમની સારસંભાળ રાખેછે તેને સો સો સલામ. હમણાંજ છાપામાં એક કિસ્સો વાંચ્યો હતો.

    મોહનલાલને બે દીકરા અને એક દીકરી હતી. ત્રણેયનાં લગ્ન થઇ ગયાં હતાં. દીકરાઓ તેમનાં ફેમીલી સાથે અલગ અલગ રહેતાં હતાં. દીકરી પણ સાસરે સુખી હતી. મોહનલાલને પંચોતેર વર્ષ થયાં હતાં. તેમનાં પત્ની ગુજરી ગયાં પછી તેઓ એકલા પડી ગયાં હતાં. હવે તેમની તબિયત પણ નરમગરમ રહેતી હતી. બંને દીકરાઓને તેમણે સરખે ભાગે મિલકત વહેંચી આપી હતી. દીકરાઓ પણ આર્થિકરીતે સુખી હતાં. દીકરાઓને પણ સંતાનો હતાં. ટુંકમાં તેમનાં દીકરાઓનું જીવન બધીજ રીતે સુખી હતું.

    મોહનલાલની પત્ની જ્યાં સુધી જીવતાં હતાં ત્યાં સુધી બંને જણ અલગ રહેતાં હતાં. આર્થિક પ્રોબ્લેમ નહિ હોવાથી નોકર પાસે કામ કરાવીને પોતાનું ગાડું ગબડાવ્યે જતાં હતાં. કોઈવાર બેમાંથી એક જણની તબિયત નરમ થાય ત્યારે બંને દીકરાઓ ખબર કાઢી જતાં. વહુઓ પણ કોઈવાર જમવાનું આપી જતી. તે સમયે વહુ દીકરાઓ તેમને સારાં સંબધો હતાં. તેમને વહુ-દીકરાઓ સાથે કોઈપણ વાર બોલાચાલી કે ઝઘડો થયો ન હતો.

    મોહનલાલની પત્ની જીવતાં હતાં ત્યાં સુધી બધુજ બરાબર ચાલતું હતું. જેવું તેમની પત્નીનું નિધન થયું કે તુર્તજ મોહનલાલની દશા ખરાબ થવા લાગી. મોહનલાલ હવે એકલા હોવાથી તેઓએ તેમનાં દીકરાના ઘરે રહેવાનું નક્કી કર્યું. જેવાં તે મોટા દીકરાને ત્યાં રહેવાં આવ્યાં તેવાજ તેમને મોટી વહુનાં લક્ષણો દેખાવા લાગ્યાં. મોટા દીકરાએ નાનાને બોલાવીને બાપુજીને રાખવા બાબતે સમજુતી કરી લીધી. બંનેએ એક એક મહિનો બાપુજીને રાખવાનું ઠરાવ્યું. આ સાંભળીને મોહનલાલનું હૈયું હચમચી ઉઠ્યું, પરંતુ તેઓ તેમનાં દીકરાઓના આ નિર્ણય આગળ લાચાર હતાં.

    બંને દીકરાઓએ કરેલી સમજુતી મુજબ મોહનલાલે પણ પોતાની જાત સાથે સમજુતી કરી લીધી. દીકરાઓ કે દીકરાની વહુઓ હવે તેમને પહેલાની જેમ રાખતાં ન હતાં. સમાજની બીકે તેઓ તેમને રાખવા ખાતર રાખતાં હતાં. આ બાબતે મોહનલાલ કરી પણ શું શકે ? તેમની દીકરી તેમનાં માટે જીવ બાળતી હતી. વારે તહેવારે તે પિતાજીને થોડાંક દિવસ તેને ત્યાં રહેવાં લઇ જતી.

    એક દિવસ તો દીકરાઓની નાલાયકીની હદ થઇ ગઈ. મહિનો પુરો થતો હોવાથી મોટો દીકરો તેના પિતાજીને નાનાં ભાઈને ત્યાં મુકવા આવ્યો. જોયું તો ઘર બંધ હતું. મોટો દીકરો બાપને પોતાની સાથે પાછા લઇ જવાને બદલે ઘરની બહાર બેસાડીને ચાલી ગયો, કેમકે મહિનો પુરો થતો હતો. આ મહિનામાં એકત્રીસ દિવસ હતાં એટલે તે એકત્રીસમા દિવસે મુકવા આવ્યો હતો. તે તેના બાપને એક દિવસ પણ વધારે રાખવા માગતો ન હતો. એતો સારું થયું કે પડોશીએ મોહનલાલની દીકરીને ફોન કરીને જાણ કરી. છેવટે તેમની દીકરી મોહનલાલને તેના ઘેર લઇ ગઈ.

    ઘડપણમાં આ તે કેવી વિડંબના ! ત્રણ ત્રણ સંતાનો હોવાં છતાં બાપને પરાયા થઈને જીવવું પડે તેનાથી મોટું દુઃખ કયું હોઈ શકે ? બાળક જન્મે ત્યારે મા-બાપ તેને કેટલાં લાડકોડ કેટલાં જતનથી ઉછેરતાં હોયછે ! મોટા થતાં એજ સંતાનો મા-બાપની ઉપેક્ષા કરે, તેમની લાગણીઓને ઠેસ પહોંચડે, પ્રેમના બદલે નફરતભર્યો વ્યવહાર કરે ત્યારે મા-બાપને જીંદગી દોજખ લાગે તે સમજી શકાય તેમ છે. મા-બાપ અને સંતાનોના સંબધો છેક સુધી લાગણી અને હુંફાળા રહે તે જરૂરી છે. અને આમેય મા-બાપને જોઈએ પણ શું ? પેટ ભરવા રોટલો, સુવા ઓટલો અને સંતાનોનો પ્રેમ. આટલી વસ્તુ પણ ન આપી શકનારાં સંતાનોએ વિચારવું જોઈએ. કેમકે તેઓ પણ ઘરડા થવાનાછે. “પીંપળ પણ ખરંતા હસતી કુંપલિયા, મુજ વીતી તુજ વીતશે ધીરી બાપુડિયા!

    &&&



    Manhar Oza


Your Rating
blank-star-rating
Sorry ! No Reviews found!