• 19 April 2021

    ખોટું ન લાગે તો કહું! – 55

    જેણે સ્વભાવને જીત્યો એણે જગતને જીત્યું. / જગદીપ ઉપાધ્યાય

    5 143

    સમય બદલાયો છે. સમાજ બદલાયો છે, રહેણી–કરણી બદલાઇ છે. જીવન ધોરણ બદલાયું છે. પણ નથી બદલાયો માણસનો સ્વભાવ!

    માણસનો સ્વભાવ બદલાય તેવો કોઇ ઉપાય શોધાયો નથી અને શોધાવાનો પણ નથી એવું ખાત્રી પૂર્વક કહેવા વાળા અમુક પ્રકારના સ્વભાવવાળા લોકો કહે છે કે, ‘પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય!’ મતલબ કે તેઓ એમ કહેવા માગે છે કે પોતાનો સ્વભાવ નહીં બદલાય!

    અમુકનો સ્વભાવ ઊતાવળિયો હોય. બસના ટાઇમ પહેલા બસસ્ટેશને કલાક વહેલા પહોંચી જાય! કેટલાકનો સ્વભાવ સનેપાતિયો હોય. ઊંધું- ચત્તું કાર્યા જ કરે. પોતે તો શાંતિથી ન બેસે પણ બીજાનેય બેસવા ન દે. અમુકનો સ્વભાવ શંકાળું હોય. માત્ર પતિ યા પત્ની પર જ નહીં ગમે તેના પર ગમે તેવી શંકા કરે! અમુકનો સ્વભાવ ચિંતાળવો હોય જાણે કે આખા જગતની ચિંતા પોતે જ કરવાની હોય તેમ મનપર ભાર લઇને ફરતા હોય! અમુકનું નામ શાંતિપ્રસાદ હોય પણ સ્વભાવથી ઉગ્રસેન હોય! વાતવાતમાં નહીં જેવા કારણોસર ગુસ્સે થઇ જાય. બધા એનાથી છેટા રહે, સારા પ્રસંગે તેને દીકરા કે વહુઓ શાંતિ જાળવવા સમજાવતા હોય ને તેઓ શાંતિ જાળવવા પૂરો પ્રયત્ન પણ કરતા હોય પણ તેની શાંતિ અણુંબોમ્બ પર ખીલેલા ગુલાબ જેવી હોય, ક્યારે ફૂટે તે નક્કી નહી! અમુકનો સ્વભાવ લોભી હોય. કરકસર જુદી અને લોભ જુદો! આવા લોકો એવી રીતે લોભ કરતા હોય કે જાણે લોભ એની હોબી હોય! લોભના બારામાં એક રમૂજ એવી છે કે જૂના સમયમાં એક કંજૂસ બહુજ વહેલો બહાર ગામ જવા નીકળ્યો. ત્રણેક કિલોમીટર ચાલ્યા પછી તેને યાદ આવ્યું કે પત્નીને દિવો ઠારવાનું કહેવાનું તો સાવ ભૂલી ગયો. નાહકનું દીવેલ બળી જશે. એટલે તે એટલું ચાલીને પાછો તેની પત્નીને કહેવા આવ્યો. પત્ની તેનાથીય ચડે તેવી હતી. તે બોલી, ‘ અરે ! સ્વામીનાથ! દિવો તો તમે ગયા કે તરત મે ઠારી નાખ્યો હતો પણ તમે આટલું ચાલીને પાછા આવ્યા તો તમારા ચપ્પલ નહીં ઘસાઇ ગયા હોય? પતિ કહે, ‘ ભામિની! તું ચિંતા ન કર! ચપ્પલ તો હું માથે ઊંચકીને આવ્યો છું.’ અમુકનો સ્વભાવ કામી હોય. દેખીતી રીતે તેઓ બિનઉપદ્રવી લાગતા હોય પણ અંદરખાને તેઓ ભારે ઉપદ્રવી હોય! અમુક મનમોજી સ્વભાવના હોય. તેઓ મનસ્વી રીતે વર્તતા હોય! અમુક ઘર ઘૂસલા હોય. સુંદર વરસાદ વરસતો હોય તો બારીઓ તો બંધ કરી દે પણ વેન્ટિલેટરમાંય પૂંઠું ભરાવી દે. અમુક સ્વસ્વભાવે અતડા હોય કોઇ સાથે ભળે જ નહીં. અમુક રમતિયાળ સ્વભાવના હોય. બીજાની મશ્કરી કરે ત્યાં સુધી વાંધો નહીં પણ તેઓ બહુ સિફતથી એવી રમત રમતા હોય કે એકબીજાને સામસામે મૂકીને પોતાનો મતલબ સાધતા હોય! અમુક સ્વભાવના નારદ હોય એવી પીન મારે કે મિત્રો પણ ઝઘડી પડે ને પછી પોતે સાનંદે એ ઝઘડો જુએ. અમુક સ્વભાવના સાવ ભીરું હોય. શરીરે પહેલવાન હોય પણ વૃતિથી સાવ ડરપોક હોય! અમુક લોકો મો સંતામણા હોય. કોઇક આવે તો મો સંતાડતા ફરે! અમુક લોકો સ્વભાવના મોળા હોય. પોતાને જે કહેવું હોય તે કે કહેવા જેવું હોય તે ઝટ દઇને બોલી જ ન શકે! અમુક સ્વભાવના વાતુડિયા હોય. તેને ગમે તેની સાથે વાત કરવા માટે કોઇ વિષયની જરૂર જ ન પડે. વળી અજાણ્યા સાથે એવી રીતે વાત કરતા હોય કે જાણે તે તેના વર્ષોના પરિચિત ન હોય! ઘણા વાતુડિયા તો સહેજ મો આપો ને એ મશીનની જેમ શરુ થઇ જાય! અમુક સ્વભાવે જડ હોય. ન્યૂઝમાં કોરોનાની મહામારીના દૃશ્યો બતાવાતા હોય ને તેઓ આરામથી ચા પીતા પીતા સરકાર કે પ્રશાસનની કામગીરીની ચર્ચા કરતા હોય! અમુક ધાર્મિક સ્વભાવના હોય, નદીએ નહાવા જાય ને ગોળ પથ્થર જોઇ જાય તો શાલીગ્રામ છે તેમ માનીને લેતા આવે ને પૂજા ઘરમાં મૂકી દે. તેનું વાંચનાલય ગરીબ હોય પણ તેનું પૂજા ઘર આબાદ હોય! અમુક નિંદા કરવાના સ્વભાવ વાળા હોય તેને એકબીજાની આઘી પાછી કરવી બહુ ગમતી હોય! અમુક બોલીના કોબાડ હોય. ગમે ત્યાં ગમે તે બોલી દે. મુંબઇમાં નવા આવેલા એક કુટુંબનો વડીલ એક લત્તામાં મકાન જોવા ગયો. તેને મકાન ગમી ગયું. ભાડું વગેરે નક્કી થઇ ગયું! પછી ઔપચારિક વાત નીકળી તો મકાન માલિકે પૂછ્યું કે, ‘તમે ક્યાંથી આવો છો?’ તો પેલો કહે, ‘સુરતથી!’ તો મકાન માલિક કહે, ‘તો માફ કરજો. અમારે મકાન ભાડે નથી આપવું!’ તો પેલો કહે, ‘પણ તમોને વાંધો શું છે?’ મકાનમાલિક કહે કે વાંધો તો બીજો કંઇ નહી પણ સુરતી વાતવાતમાં ગાળ બોલે!’ તો પેલો કહે, ‘ એ હહરીના બીજા અમે નહીં!’ તો અમુક સ્વભાવના ક્રૂર હોય!

    પોતાનો સ્વભાવ નહીં બદલાય એવું માનવા વાળા લોકોએ જરાક પ્રકૃતિ તરફ નજર નાખવી જોઇએ. ઝરણું પ્રસન્ન ભાવે શાંત વહ્યા કરે છે, પંખીઓ વસંતમાં ખીલેલી ડાળ હોય કે પાનખરમાં ઉઝરડાયેલી ડાળ હોય એ જ આનંદે ગીતો ગાતા હોય છે. વૃક્ષ સ્વભાવે પરોપકારી છે. સૂરજ સ્વભાવે ઉત્સાહી અને રોજ નવું તેજ ધારણ કરનારો છે, પોતાનો સ્વભાવ નહીં બદલાય એવું માનવા વાળા લોકોએ એ પણ જોવું જોઇએ કે સમાજમાં પણ એવા લોકો છે કે જે સ્વભાવે આનંદી હોય! સ્વભાવે શાંત કે પ્રસન્ન હોય!, સ્વભાવે પરોપકારી હોય! ભલાઇ કરવી એ એનો સ્વભાવ હોય! અમુક સ્વભાવે અંતર્મુખી હોય. તેઓ આધ્યાત્મિક માર્ગે ઝડપથી ઉર્ધ્વગતિ કરતા હોય! અમુક લાગણીશીલ કે સંવેદનશીલ સ્વભાવના હોય! ન્યૂઝમાં કોરોનાની મહામારીનું એક દૃશ્ય આવે અને તેઓ ખળભળી ઉઠતા હોય!, અમુક પ્રગતિશીલ સ્વભાવના હોય! અમુક માણસો વિષયોથી ઉપર ઊઠવાના સ્વભાવવાળા હોય. અમુક વિજુગિષી વૃતિવાળા હોય. આ બધા લોકોએ પોતાની પ્રકૃતિ ઉપર કાબૂ મેળવવા કોઇક તો સાધના કરી હશે!

    સ્વભાવ બદલાય જો માણસનું જીવન કોઇ ધ્યેય સાથે જોડાય. એક યુવાન સ્ત્રીનો અતિ પ્રેમાળ સૈનિક પતિ યુદ્ધમાં માર્યો ગયો. તે સ્ત્રી સ્તબ્ધ થઇ ગઇ. વડીલોએ કહ્યું કે આ સ્ત્રી રડશે નહીં તો પાગલ થઇ જશે. ઘરની એક સમજણી વૃદ્ધાએ એક ઉપાય વિચાર્યો ને ઘોડિયામાં સૂતેલા બાળકને એના ખોળામાં મૂક્યું. બાળકને જોતા એ સ્ત્રીને એમ થયું કે મારે આને માટે જીવવાનું છે. આને એના પિતા જોવો સૈનિક બનવવાનો છે ને એ સ્ત્રી મોકળા મને રડીને સ્વસ્થ થઇ ગઇ.

    માણસને એમ થાય કે મારા જેવી સમસ્યા બીજાનેય છે. સમસ્યા મારા વિકાસ માટે છે. આમ સમસ્યા સામે જોવાની દૃષ્ટિ બદલાય ને સ્વભાવ બદલાય.

    માણસ ‘પોતાના કારણે બીજાને તકલીફ તો નથી પડતી’ એ વિચાર કરતો થાય તો એનો સ્વભાવ આપોઆપ બદલાય.

    વિવેક, ઉદારતા, ધૈર્ય, સ્નેહ, સુખ, આનંદ વગેરે મારી ભીતર જ છે. એ ક્યાંય શોધવા જવાની જરૂર નથી. માણસને આ સ્વ-ભાવ સમજાય તો સ્વભાવ બદલાય! પ્રકૃતિથી થયેલા સ્વાભાવિક કર્મો ઇશ્વરને અર્પણ થાય તો સ્વ્ભાવ બદલાય!

    ઉપાસના એ બીજું કંઇ નથી પણ પોતાના સ્વભાવ પર અંકુશ મેળવવાની મથામણ છે, જેણે પોતાના સ્વભાવને જીત્યો એણે જગતને જીત્યું.



    જગદીપ ઉપાધ્યાય


Your Rating
blank-star-rating
છાયા ચૌહાણ - (25 April 2021) 5
ખુબ સરસ વાત કહી આપે, સ્વ-ભાવ સમજાય તો સ્વભાવ બદલાય અને જેણે સ્વભાવને જીત્યો એણે જગને જીત્યું. ખુબ સરસ લેખ 💐

0 0