ટાઈટલ : "ત્રણેય ટીનેજ મધીયા બાજે ધીમી પણ મક્કમ ગતિએ હવામાં ઉડાન ભર્યાની ક્ષણો આજે પણ અમારી ડિજીટલ સ્મૃતિમાં રીયલ ટાઇમ પ્લે થાય છે"
સબ ટાઈટલ : ગઈ કાલે જ આપણે અનેક પક્ષીઓની અપંગતા અને મૃત્યુનું કારણ બનતા બનતા ઝાપટેલા તલના, મમરાના લાડુ, તલ અને શિંગની ચીકી હજુ આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમમાંથી નીકળ્યા જ ક્યાં છે ?
==========================================================
ઉત્તરાયણ ગઈ, કેટલાંય પક્ષીઓ કપાયાં હશે, કેટલાંય આજીવન પાંખ, પગ આંખ અને કેટલાયે પોતાના જીવન પણ ગુમાવ્યા હશે. "કાયપો છે" ની ચિચિયારીઓમાં કેટલાંય પક્ષીઓના આર્તનાદ ડુબી ગયા હશે. કેટલાંય બચ્ચાં પોતાના માળામાં પોતાના મા-બાપ ખોરાક લઈને આવે એની રાહ જોઈજોઈને ભૂખે અથવા બીજા શિકારીઓના શિકાર બની ગયાં હશે. એને ક્યાં ખબર હશે કે તેના માટે જીવડાં શોધવા ગયેલી મા કોઈ માનવના આનંદ માટેના ખેલનો ભોગ બનીને કપાયેલી પાંખે ક્યાંક તરફડતી હશે અથવા ગળામાં દોરી વિંટળાઇને મૃત્યુ પામી હશે. કોઈ સ્કૂટરચાલકનું ગળું કપાયાના સમાચારથી જેટલી પીડા આપણને થાય છે તેની એક ટકો પીડા પણ જો પંખીઓ માટે થશે તો ઘણો ફરક પડે . . . કાશ . . . પરંતુ મને જ નહીં, આપણને સૌને ખબર છે એવું થવાનું નથી. આપણે આપણા આનંદ સાથે એટલા વણાઈ ગયા છીએ કે જીવનનનો મૂળભૂત સિદ્ધાંત ભુલી ગયા છીએ કે, કોઈ પણ આનંદ જ્યારે બીજાની પીડાનું કારણ બનતું હોય તો પણ આપણે એ આનંદને છોડી ન શકીએ તો એ વિકૃતિ છે, સહજ નથી. ખેર . . . ગઈ કાલે જ આપણે અનેક પક્ષીઓની અપંગતા અને મૃત્યુનું કારણ બનતા બનતા ઝાપટેલા તલના, મમરાના લાડુ, તલ અને શિંગની ચીકી હજુ આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમમાંથી નીકળ્યા જ ક્યાં છે ?
વલોણું લખવાનું શરુ કરતી વખતે કદાચ મને પણ ખ્યાલ નહોતો, એવી નાની નાની બાબતો ધીમે ધીમે ત્રીસ વર્ષ જોની સ્મૃતિ-મંજૂષામાંથી ઊભરી ઊભરીને સપાટી પર આવી રહી છે. ઘણી સુખદ, ઘણી હળવી અને મજાકીયા. કેટલીક બાબતો જીવનના ગંભીર પાઠ ભણાવી ગયેલી, તો કેટલીક હળવાશભરી પળો આપી ગયેલી,. ઓવરઓલ, આ જીવનની સર્પ સાથેની યાત્રાએ મને ઘણું આપ્યું છે, નામ, પ્રેમ, આદર . . . બીજું જોઈએ શું ? હું મારા સ્નેક લવર્સ ક્લબના યુવાન સ્વવયંસેવકોને કાયમ એક જ વાત કહું છું "નામ કરવા અને લોકોને પ્રભાવિત કરવા માટે કામ ન કરો, પરંતુ દિલ દઈને કામ કરશો તો નામના અને પ્રસિદ્ધિ તમારી પાછળ આવશે. અને તમે કોઈના ઘરેથી સાત ફૂટનો સાપ પકડો તો પણ ભલે, અને સાડી ત્રણ ઈંચનો સાપ પકડો તો પણ ભલે, તમારી ઈચ્છા હશે કે નહી હોય, પણ લોકો પ્રભાવિત થવાના જ છે ?" આ બાબતના અનેક ઉદાહરણો છે મારી જિંદગીમાં. અનેકવાર બહારગામથી કોઈનો ફોન આવે સચિવાલયના કામ માટે તો કહું તમે આવી જાઓને, કોઈને કોઈ મળી રહેશે. અને થાય પણ એવું સચિવાલયના જે વિભાગનું કામ હોય, ત્યાં જઈને એકાદી લોબીમાં આંટો મારીએ ત્યાં કોઈ ઓળખીતું અથવા ન ઓળખતો હોવ એવી વ્યક્તિ બૂમ પાડે "આવોને ધર્મેન્દ્રભાઇ . . . બોલો શું કામ હતું ?" અને કામ પતી જાય પછી સંકોચ સાથે પૂછું "ભાઇ, સોરી પણ તમને મેં ઓળખ્યા નહી . . ." ત્યારે એ કહે કે તમે પાંચ વર્ષ પહેલાં રાત્રે દોઢ વાગે માર ઘરેથી સાપ પકડી ગયેલા . . .!" આવા અનેક ઉદાહરણો છે કે, જેનાથી મને અનુભવાયુ કે કરેલું કોઈ કર્મ કદી વ્યર્થ જતું નથી. મને નહીં તો કોઈને તો ઉપયોગી બનતું જ હોય છે.
એક સમય હતો, જ્યારે પ્રકૃતિને થતા થોડા અમસ્તા નુકસાનથી મન-હ્રદય વ્યથિત થઈ જતાં અને છેલ્લાં ઘણાં વર્ષો પછી પરિપકવતા કહો તો પણ ભલે, અને જડતા કહો તો પણ ભલે, હવે મન કોઈ પણ ઘટનાને એકથી વધુ દૃષ્ટિકોણથી મૂલવતાં શીખી ગયું છે. છેલ્લા થોડા દિવસોથી બે ઘટના વારંવાર યાદ આવે છે. એક તો અમારા ટીનેજ સમયની છે. અમે ત્યારે પક્ષી-ઘેલા હતા. અને રાત દિવસ પક્ષી અને તેને સંલગ્ન પ્રવૃત્તિઓ સિવાય કંઈ સૂઝતું નહીં. એક દિવસ અમરેલીની અમારી શાળાના પ્રાંગણમાં આવેલા એક મોટા વૃક્ષની છેક ટોચની ડાળે આવેલી ડાળો પર મધીયા બાજે માળો બનાવેલો. માદાએ ઈંડા મૂક્યાં ત્યારથી નરની અવર-જવર વધારે થઈ ગયેલી. અમે બાજુના વૃક્ષ પરથી તે મધીયા બાજના માળા પર "બાજ-નજર" રાખતા. ઈંડામાંથી નીકળેલા બચ્ચાં દેખાવા લાગ્યાં. આ બચ્ચાંના મા-બાપ વહેલાથી જ બચ્ચાં માટે શિકાર કરવા નીકળી પડે. આ બચ્ચાં આકાશમાં ડોળા ફાડીને પોતાનાં મા બાપના ઈંતેજારમાં ચિચિયારીઓ કરતા રહેતાં. એક પણ બાજના પંજામાં શિકાર દેખાઈ જાય તો આ બચ્ચાં આનંદના માર્યા આકાશ સામે ચાંચ ફાડીને ખાવાનું આપો એવા પ્રકારની રીડીયારમણ કરી મૂકે! મધીયો માળાની બાજુમાં બેસીને શિકારના શરીરમાંથી ટૂકડાઓ તોડી તોડીને ભૂખ્યા ડાંસ બચ્ચાંઓનાં મોમાં આપતો જાય. બચ્ચાં ઝટપટ સ્વાહા કરીને પાછા ચાંચ ફાડીને દેકારો મચાવે. આમ થોડા દિવસોમાં તો બચ્ચાં સારા એવા મોટા થવા લાગ્યાં. અચાનક એક દિવસ બાજુના વૃક્ષ પરની અમારી પોસ્ટ પરથી અમે જોયું કે બે અઢી કલાક થયા છતાં આ બચ્ચાંના માતા-પિતામાંથી એક પણ દેખાયું નહીં. બચ્ચાં ભૂખનું આક્રંદ કરતાં કરતાં સૂઈ ગયા. અમને ચિંતા થઈ, એટલે બપોર પછી સ્પેશ્યલ વોચ ગોઠવી, તો આ વોચમાં એ જ સ્થિતિ. આમ બીજા દિવસે પણ એ જ સ્થિતિ, અમારી ચિંતા હવે ઘેરી બનવા લાગી. શંકા-કુશંકાઓથી મન-હૈયાં ભરાઈ ગયાં. શું થયું હશે ? કેમ આ મધીયા નહી આવતા હોય . . આ બચ્ચાંનું શું થશે ? અમને આ બચ્ચાંનો ભુખ અને ડરનો આર્તનાદ સાંભળીને એવું અનુભવાતું કે જાણે અમારા દિલ પર કરવત ફરી રહી છે !
બચ્ચાંને રેઢા મેલીને અલોપ થઈ ગયેલી મધીયા બાજની જોડી આવે કે ન આવે, પણ આ બચ્ચાંને મરવા ન દેવાં શું કરવું એ નક્કી કરવા અમે તાકીદે વોર કાઉન્સિલની બેઠક બોલાવી. આ બચ્ચાંને માંસાહાર કરાવવા શું થઈ શકે એ વિચાર્યું, શાળાના આંગણમાં આવેલાં વૃક્ષો પર અનેક કાચીંડા રહે, અમે આ કાચીંડા પકડવા કરેલા તમામ પ્રયત્નો નિષ્ફળ ગયેલા. એ વખતે અમને સાંપડેલા નિરાશા અને ફ્રસ્ટ્રેશનની સામે હાથમાંથી સરકી જતી માછલીઓના કારણે નળ રાજાને થયેલા નિરાશા અને ફ્રસ્ટ્રેશનની પણ કાંઈ વિસાત નથી ! અમારા એક મુસ્લિમ મિત્રએ સૂચવ્યું કે મટન માર્કેટમાંથી મટનનો કીમો લાવીએ, એ સહેલું પડશે આ કાકીડા કરતાં! અમે બધાએ પોતપોતાના ‘સાંકડા’ ખિસ્સાઓમાંથી ખીસાખર્ચની આછી-પાતળી રકમ કાઢી તેમાંથી લાવ્યા મટન-કીમો અને કચવાતે મને ભૂખ્યા ડાંસ મધીયા બાળના પેટ ભર્યાં. એમના સંતોષ અને આનંદની કિલકારીઓ સામે “મટન” અડવાનું પાપ અમને સાવ ગૌણ લાગેલું . . . ઘરે જઈને નહાતી વખતે ‘ઓમ નમ: શિવાય, ઓમ નમ: શિવાય” બોલતાં બોલતાં અમે આમારા અંતરાત્માને ચકચકિત કરવા પ્રયાસ પણ કરેલો, પરંતુ સાથે સાથે આ બચ્ચાંના આનંદ અને જીવન માટે કદી ન ધોઈ શકાય તેવાં પાપ ભલે કરવાં પડે તો પણ કરીશું એવા નિર્ણયો પણ લેવાયાં !
ખીસા ખર્ચી ખૂટી, હવે શું કરવું ? અમારી ચરકટ ચોકડીનો એક મિત્ર જી.ઈ.બી. કોલોનીમાં રહે. તેણે સૂઝાડ્યું કે ઈલેક્ટ્રિકના થાંભલાની ડી.પી.માં ફ્યુઝમાં તાંબુ હોય. એક શેરીના પાંચ થાંભલાના ફ્યુઝ કાઢી લઈએ તો આ બચ્ચાં માટે એક દિવસનો કીમો આવી જાય એટલા પૈસા કંસારા બજારનો કોઈ પણ કંસારો આપે ! આહા . . . આશાનું એક કિરણ કેટલો આનંદ આપે તે તમે શું જાણો યાર ? અમે ટુકડીઓ બનાવી નક્કી કર્યું કે રોજ અલગ અલગ વિસ્તારોની શેરીઓમાં ધાડ પાડવી જેથી પકડાઈ જવાનો ડર ના રહે. આમ અનેક દિવસો સુધી અમરેલી શહેરના અલગ અલગ વિસ્તારોની શેરીઓ અચાનક અકારણ જ અંધકારભરી થવા લાગેલી, પરંતુ એકાદ રાત ભોગવેલા અંધકારના કારણે મધીયા બાજના ત્રણ બચ્ચાના જીવનમાં જે ઉજાસ ફેલાયેલો અમે સાક્ષાત અનુભવેલો. એક સવારે અમારા હાથમાંથી મટન ખીમાથી ભરાયેલા પેટે આ બચ્ચાઓએ હળવેથી પોતાની પાંખો ફેલાવેલી, પહેલાં હળવે હળવે ફફડાવેલી, અને એક પછી એક ત્રણે ટીનેજ મધીયા બાજે ધીમી પણ મક્કમ ગતિએ હવામાં ઉડાન ભર્યાની ક્ષણો આજે પણ અમારી ડિજીટલ સ્મૃતિમાં રીયલ ટાઇમ પ્લે થાય છે, ત્યારે એવું લાગે છે કે અમારા પેન્ટ-શર્ટ અચાનક જ ચડ્ડી-ખમીસમાં પરિવર્તિત થઈ જાય છે, સુઘડ ઓળેલા વાળ અચાનક જીથરામાં ફેરવાઈ જાય છે અને ગણતરી ભરી નજરો માંડતી આજની આંખોમાં નિર્દોષ આનંદ અને હરખ પ્રસરી જાય છે.