• 26 May 2021

    ભગીરથ પ્રયાસ

    ઇઝરાયલ પેલેસ્ટાઇન વિવાદ

    5 177


    ઇઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે જે તુમુલ યુદ્ધ જામ્યું હતું એનો આખરે અંત આવી ગયો. અગિયાર દિવસ બાખડ્યા બાદ તારીખ 21 મે 2021 ના રોજ અાખરે યુદ્ધવિરામ જાહેર થયો અને વિશ્વ ત્રીજા વિશ્વયુદ્ધમાંથી ઊગરી ગયું. જ્યારે યુદ્ધ ચાલુ હતું ત્યારે દુનિયાના મોટાભાગના દેશો અને સમાન્ય જનતા પણ વ્યક્તિગત રીતે જાણે બે ભાગમાં વેહેંચાઈ ગયેલા. કોઈ ઇઝરાયલના સમર્થનમાં હતું તો કોઈ પેલેસ્ટાઇનના. ભારતમાં પણ આવી જ સ્થિતિ હતી. એક દેશ તરીકે ભારતો સ્ટેન્ડ જાણ્યા વગર જનતા દ્વારા સોશ્યલ મિડિયા પર 'i Support Israel' અને 'i Support Palestine' બન્ને પ્રકારના હેશટેગ ખુબ ચાલ્યા. આ બન્ને વચ્ચે છાશવારે નાનામોટા ઝઘડા થતાં રહે છે. પણ આ વખતે સ્થિતિ કંઈક વધારે જ બેકાબુ બની ગઈ હતી. આખરે કેમ આ બન્ને દેશ અવારનવાર ઝઘડતા રહે છે? ચાલો જાણીએ.


                       આમ તો આ ઝઘડાના અન્ય પણ ઘણા કારણો છે પણ આ સમગ્ર વિવાદના મૂળમાં 35 એકર જમીનનો એક ટુકડો છે. કોઈપણ વિવાદમાં જ્યારે જમીનની સાથે ધર્મ પણ જોડાયેલો હોય ત્યારે એ વિવાદ ભયંકર સ્વરૂપ ધારણ કરી લેતો હોય છે અને  જાણે ધર્મયુદ્ધ આકાર પામવા લાગતું હોય છે. પણ હા, લોકો ભલે એને ધર્મયુદ્ધ માનતા હોય પણ હકીકતમાં તો એ સત્તા, રાજનીતિ અને મહત્ત્વકાંક્ષાની જ લડાઈ હોય છે. અહીં પણ એવું જ બન્યું. 35 એકરનો જમીનનો આ ટુકડો એકસાથે ત્રણ ત્રણ ધર્મોની પવિત્ર જગ્યા છે! યહુદી, મુસ્લિમ અને ખ્રિસ્તી. હાલના વિવાદ સાથે ખ્રિસ્તીઓને તો કંઈ લેવાદેવા છે નહીં. એમનું ચર્ચ ઑફ હોલી અહીં આવેલું છે અને ઈશુએ પહેલો ઉપદેશ આ જ ભૂમિ પર આપ્યો હતો અને એમને શૂળી પર પણ આ જ જગ્યા પર ચડાવ્યા હતા. તો એમના માટે આ જગ્યાનું એક અલગ જ ધાર્મિક મહત્ત્વ રહ્યું છે. હવે વાત કરીએ બાકી રહેલા યહુદી અને ઇસ્લામ ધર્મની. ચાલો શરૂઆતથી જ શરૂ કરીએ. આજથી લગભગ ત્રણ હજાર વર્ષ પહેલાં પેલેસ્ટાઇનમાં યહુદી લોકો વસતા હતા. ત્યારે મુસ્લિમ અને ખ્રિસ્તી ધર્મ હજુ અસ્તિત્વમાં પણ નહોતા આવ્યા. યહુદીઓના રાજા કિંગ સોલોમને (king soloman) લગભગ ઈ.સ. પૂર્વે 957 આસપાસ જેરૂસલેમમાં યહુદીઓનું પવિત્ર મંદિર એવા ટેમ્પલ માઉન્ટની સ્થાપના કરી. ઈ.સ. પૂર્વે 587  આ ટેમ્પલ માઉન્ટને બેબીલોનના આક્રમણકારીઓએ તોડી પાડ્યું. એના એંશી વર્ષ પછી ફરી વખત ટેમ્પલ માઉન્ટનું નિર્માણ થયું તો એને પણ રોમનોએ ધ્વસ્ત કરી નાખ્યું! એમાંથી એક દિવાલ બચી ગઈ જે આજે પણ સાબૂત છે અને યહુદીઓ એને The western wall કહે છે. હવે કેમકે એ જૂના ટેમ્પલનો હિસ્સો છે તો એને પણ પવિત્ર દિવાલ માનવામાં આવે છે. અને આજે પણ એ લોકો ત્યાં પ્રાર્થના કરે છે.


                     હવે જેરૂસલેમની આ જ જગ્યાને ઇસ્લામ ધર્મના લોકો પણ પોતાના ધર્મનું પવિત્ર સ્થળ માને છે. ઇસ્લામમાં મક્કા અને મદિના પછી ત્રીજા નંબરનું પવિત્ર સ્થળ એટલે અહીં જેરૂસલેમના આ જ 35 એકરના જમીનના ટુકડા પર આવેલી અલ અક્શા મસ્જિદ. (al aqsa mosque) અહીં તો ટેમ્પલ માઉન્ટ હતું તો મસ્જિદ ક્યાંથી આવી? પૈગમ્બર મહોમ્દ સાહેબના જન્નતગમનના ચારેક વર્ષ પછી ઈ.સ. પૂર્વે. 636 માં આ જગ્યા પર આ મસ્જિદ બનાવવામાં આવે છે. મુસ્લિમ માન્યતા મુજબ. પૈગમ્બર સાહેબ એક ઉડતા ઘોડા પર બેસીને મક્કાથી અહીં જેરૂસલેમમાં આવે છે. અહીં જ્યાં પહેલો પગ મૂક્યો એ જગ્યા એટલે અલ અક્શા મસ્જિદ અને અહીંથી પછી તેઓ જન્નતમાં ચાલ્યા જાય છે. જ્યાંથી જન્નતમાં ગયા એ જગ્યા એટલે મસ્જિદની પાસે આવેલ Dome of the rock. તો આ રીતે મુસ્લિમ ધર્મના લોકો માટે પણ આ જ જગ્યા એક મહત્ત્વનું પવિત્ર સ્થળ છે. જમીનના આ પવિત્ર ટુકડાને મુસ્લિમ લોકો હર્રમ અલ શરીફ તરીકે ઓળખે છે. હવે ઈ.સ.પૂર્વે 1095 થી 1271 સુધી પોતપોતાની પવિત્ર જગ્યા પર કબજો મેળવવા માટે મુસ્લિમ આને ખ્રિસ્તીઓ વચ્ચે એક ધર્મયુદ્ધ ચાલે છે. લગભગ 200 વર્ષથી ખ્રિસ્તીઓના કબજામાં રહેલી આ જમીન આખરે મુસ્લિમના કબજામાં આવે છે અને ત્યારથી લઈને ઇઝરાયલના જન્મ સુધી એટલે કે ઈ.સ. 1948 સુધી એમના કબજામાં જ રહે છે. આ સમય દરમિયાન અહીં બિનમુસ્લિમ લોકોને આવવાની પણ મનાઈ હોય છે. એક ટુરિસ્ટ તરીકે લોકો જઈ શકતા પણ પ્રાર્થના કે બંદગી માટે ન જઈ શકાય. જ્યારે મુસ્લિમ અને ખ્રિસ્તી વચ્ચે લડાઈ ચાલુ હતી એ સમયે મોટાભાગના યહુદી લોકો અહીંથી ભાગીને આખા યુરોપમાં અલગ અલગ દેશોમાં હિજરત કરી રહ્યા હતા. જમીન અને મિલકતવિહોણા યહુદીઓને એકપણ દેશમાં સમાનતાનો હક ન મળ્યો. એમના પ્રત્યે ઓરમાયું વર્તન થવા લાગ્યું. જર્મનીમાં તો હિટલરે 60 લાખ યહુદીને એક ગેસ ચેમ્બરમાં મરાવી નાખ્યા એ બધા જાણે છે. આ બધું થયા પછી યહુદી લોકોને પણ લાગ્યું કે હવે આપણો પોતાનો એક અલગ દેશ હોવો જોઈએ. મોટાભાગના દેશોમાંથી હડધૂત થયેલા અને કંટાળેલા યહુદીઓ આખરે પોતાની મૂળ જમીન એવી પેલેસ્ટાઈનમાં જઈને પોતાનો દેશ સ્થાપવાની હામ ભરે છે.

                     પ્રથમ વિશ્વયુદ્ધમાં મધ્યપૂર્વના દેશોમાં વિશાળ ઓટોમન સામ્રાજ્યનું રાજ ચાલતું હતું. જે હવે યુદ્ધ જીતતા બ્રિટનના કબજામાં આવ્યું. બ્રિટને યહુદીઓને ધરપત આપેલી કે અમે જીતીશું તો તમને એક અલગ દેશ માટે જગ્યા આપીશું. બ્રિટને આરબોને પણ આવું જ કહેલું! બ્રિટને હાલમાં જ્યાં પેલેસ્ટાઈન અને ઇઝરાયલ આવેલા છે એ આખો વિસ્તાર પોતાના કબજામાં રાખ્યો. આગળ જતાં એમણે મુસ્લિમોને પેલેસ્ટાઇન (જે વેસ્ટબેંક તરીકે ઓળખાય છે.) અને યહુદીઓને ઇઝરાયલનો ભાગ આપી દીધો. આ વર્ષ હતું ઈ.સ. 1948 નું. આ વર્ષે બ્રિટનની મેન્ડેટ સિસ્ટમ પૂરી થવાના એક દિવસ પહેલાં જ ઇઝરાયલે પોતાને એક સ્વતંત્ર દેશ જાહેર કર્યો. આથી આસપાસના અરબ દેશોના પેટમાં તેલ રેડાયું અને શરૂ થઈ યુદ્ધની અગનજ્વાળાઓ, જે આગળ જતાં પણ ક્યારેય શમવાની નહોતી. આસપાસના 6-7 જેટલા અરબ દેશોએ તાજા જન્મેલા ઇઝરાયલ પર આક્રમણ કર્યું. ચારેય તરફથી દુશ્મન દેશોના જાણે ચક્રવ્યુહથી ઘેરાલો દેશ ઇઝરાયલ અભિમન્યુની જેમ એકલા હાથે લડી રહ્યો. ઇઝરાયલે યુદ્ધ પણ જિત્યું અને પેલેસ્ટાઇનનો કેટલોય હિસ્સો પણ કબજે કર્યો. ઈ.સ. 1967 માં ફરી એક વખત ઇતિહાસના પાનાઓમાં સીક્સ ડે વૉર તરીકે પંકાયેલું પ્રખ્યાત યુદ્ધ થયું. અહીં પણ છ દેશો સામે એકલે હાથે ઇઝરાયલની જીત થઈ અને પેલેસ્ટાઈનનો વધારે હિસ્સો પોતાના કબજે કર્યો! આજે પેલેસ્ટાઈન કે જેને વેસ્ટબેંક પણ કહેવાય છે અલગ અલગ કેટલાય ટુકડાઓમાં સમેટાઈ ગયો છે. ઇઝરાય અને પેલેસ્ટાઈન જાણે એકબીજામાં ગુંથાઈ ગયા હોય એમ પેલેસ્ટાઈનના કેટલાય ટુકડાઓ ઇઝરાયલની વચ્ચે આવેલા છે! આ પણ એક આજાયબી છે! આ બન્નેની વચ્ચે પવિત્ર એવું જેરૂસલેમ શહેર આવેલું છે. ઈ.સ. 1967 પહેલા પશ્ચિમ જેરૂસલેમ ઇઝરાયલના અને પૂર્વ જેરૂસલેમ જોર્ડનના કબજામાં હતું. ઈ.સ. 1967 ના યુદ્ધમાં ઇઝરાયલે આખા જેરૂસલેમ પર પણ કબજો જમાવ્યો. બીજી તરફ ઇઝરાયલના પશ્ચિમ છેડાં પર ઇજિપ્ત પાસે આવેલો એક ગાઝાપટ્ટીનો વિસ્તાર પણ પેલેસ્ટાઈનનો ભાગ છે. પણ, અહીં શાસન હમાસ નામનું એક સંગઠન ચલાવે છે. કેટલાક દેશો આને એક આતંકવાદી સંગઠન માને છે તો કેટલાક રાજનૈતિક પાર્ટી. તો કેટલાક દેશોના મતે હમાસ આ બન્ને છે - રાજનૈતિક પાર્ટી કમ આતંકવાદી સંગઠન.


                        પેલેસ્ટાઈનનો ગાઝા સિવાયનો જે વેસ્ટબેંકનો હિસ્સો છે એ એકંદરે શાંત છે. ત્યાંના લોકો પણ ગાઝાની જેમ હથિયાર ઊઠાવવાની જગ્યાએ શાંતિપૂર્વક આંદોદલો કરતા હોય છે. અહીં બહુંબહું તો ક્યારેક લાકડીઓ અને પથ્થરો ઊડે! જોકે એમની પાસે હથિયારો હોતા પણ નથી. હાલમાં જે વિવાદે યુદ્ધનું સ્વરૂપ ધારણ કર્યું એમાં મુદ્દો કંઈક આવો હતો,  જેરૂસલેમના શેખ જર્રા વિસ્તારમાં ઇઝરાયલ દ્વારા પેલેસ્ટાઈનના લોકોને ખદેડવાનો પ્રયાસ કરવામાં આવતો. એમને પ્રતાડીત કરીને ત્યાં યહુદીઓને વસાવવામાં આવી રહ્યા હતા. આના વિરોધમાં પેલેસ્ટાઇનિયન લોકો રેલીઓ કાઢી રહ્યા હતા તો સામે યહુદીઓની પણ રેલીઓ નિકળતી! હવે રેલીઓ નિકળે એટલે ભડકાઉ નારેબાજી પણ થવાની! ગત તારીખ 7 મે 2021 ના રોજ અલ અક્સા મસ્જિદમાં ઇઝરાયલની પોલિસ દ્વારા રબર બુલેટ અને સ્ટન ગ્રેનેડનો મારો ચલાવવામાં આવ્યો. પોલિસનું કહેવું છે કે ત્યાં લોકો રેલી પર ફેંકવા માટે પથ્થરો એકઠા કરીને બેઠેલા હતા. આ દરમિયાન ગાઝાથી હમાસ હરકતમાં આવ્યું. એમણે ધમકી આપી છે જો મસ્જિદ પાસેથી પોલિસને નહીં હટાવવામાં આવે તો અમે રોકેટથી હુમલો કરીશું. પોલિસ ન હટતા આખરે હમાસે ઇઝરાયલ પર રોકેટબોમ્બનો મારો ચાલુ કરી દીધો. તો સામે ઇઝરાયલ પણ કંઈ ચૂપ બેસવાનું નહોતું. એણે પણ સામે રોકેટ હમલા શરૂ કર્યા. અહીં ઇઝરાયલને પોતાની આઇરન ડોમ સિસ્ટમ કામ લાગી. ગાઝામાંથી આવતા રોકેટ આકાશમાં જ ખતમ થઈ જતાં. ગાઝા તરફથી જ્યારે એક સાથે સેકડોની સંખ્યામાં રોકેટ આવવા લાગ્યા ત્યારે ક્યારે આ ડોમ પણ નિષ્ફળ થઈ જતાં અને રોકેટ ઇઝરાયલની જમીન સુધી પહોંચી જતાં. સામે ગાઝા પાસે તો એવી કોઈ ડિફેન્સ સિસ્ટમ હતી નહીં તો ત્યાં થોડી વધારે તબાહી મચી!


                   હમાસ કે ઇઝરાયલની સરકાર બેમાંથી એકેય પાછીપાની કરવાના મૂડમાં બિલકુલ નહોતા. ઇઝરાયલે તો ચોખ્ખું કહી દીધું, "It's not over yet!" હમાસ તરફથી ઇઝરાયલ પર 4000 જેટલા રોકેટ છોડવામાં આવ્યા અને 12 લોકોના મૃત્યું થયા. જેમાં બે બાળકો અને એક ભારતીય મહિલા પણ સામેલ છે. પેલી તરફ ગાઝામાં મૃત્યુનો આંકડો બસોને પાર જઈ ચૂક્યો હતો. જેમા આમ કેટલીક નિર્દોષ આમ જનતા પણ સામેલ છે. ઘણી વખત ગાઝાના પોતાના જ ભંગાર જેવા રોકેટ પોતાના જ વિસ્તારમાં ફૂટી જતાં અને સામાન્ય પ્રજાની બલી ચડી જતી! નિર્દોષ લોકોના જીવ જતાં ધીમેધીમે ઇન્ટરનેશન પ્રેશર વધવા લાગ્યું. ગયા બુધવારે અમેરિકાથી બાઇડનભાઈનો યુદ્ધવિરામ માટે ચોથી વખત ફોન આવ્યો પણ ઇઝરાયલ ટસનું મસ ન થયું. જોકે આ ફોન ખાલી જગત દેખાવ માટે પણ હોઈ શકે છે! (ભગવાન જાણે!) કારણ કે અમેરિકા પાસે વિટો પાવર નામનું હુકમના એક્કાનું એક પાનું હોવા છતાં છેલ્લે સુધી એણે એ પાનું નહોતું ખેલ્યું. ખેર, આખરે તારીખ 21 મે 2021 ની મોડી રાતના 2 વાગ્યે બન્ને પક્ષોએ અનકંડિશનલ સિઝફાયર માન્ય રાખ્યું અને વિશ્વ પરથી ત્રીજા વિશ્વયુદ્ધની ઘાત ટળી ગઈ. આ યુદ્ધવિરામ કરાવવામાં ઇજિપ્તનો ફાળો મોખરે હોવાનું માનાઈ રહ્યું છે. બંધ બારણે જે પણ સમજાવટ થઈ હોય એ પણ મૂળ મૂદ્દો તો ઊભોને ઊભો જ રહ્યો છે. એટલે આ યુદ્ધવિરામ ક્યાં સુધી ટકે કંઈ નક્કી નહીં! યુદ્ધવિરામ જાહેર થતાં જ ગાઝાના લોકો જીતનો જશ્ન મનાવવા લાગ્યા! બન્ને પક્ષ પોતપોતાની જીત થઈ હોવાનું માની રહ્યાં છે! પણ, કુલ અઢી સો જેટલા લોકો મૃત્યુ પામ્યા એનું શું? ખરેખર જીત તો મૃત્યુની થઈ અને નિર્દોષ જિંદગીઓની હાર!


                        હાલ પૂરતી મુસીબત ટળી ગઈ. પણ યુદ્ધવિરામની થોડી કલાકો પછી જ ફરી વખત અલ અક્શા મસ્જિદમાં છબકલું થયું! શુક્રવારની બંદગી સમયે ભેગા થયેલા લોકો અને ઇઝરાયલની પોલિસ વચ્ચે ફરી એક વખત વાતાવરણ તંગ થયું. આ જોતાં લાગે છે આ યુદ્ધવિરામ લાંબું નહીં ટકે. જોકે પાછળથી  સ્થિતિ કાબુમાં આવી ગઈ. ખેર, આ પ્રકારના વર્ષોથી ચાલ્યા આવતા વિવાદોમાં સાચાખોટાનો તાળો મેળવવો લગભગ અશક્ય હોય છે. ઇઝરાયલ કહેશે અમે તો હમાસના રોકેટ હુમલાના જવાબમાં હુમલો કર્યો! સામે ગાઝા કહેશે, એમણે પોલિસ ન હટાવી એટલે અમે રોકેટ છોડ્યા, સામે વળી ઇઝરાયલ કહેશે, અમે ગોળીબાર કર્યો કેમ કે એ લોકો પથ્થરબાજી કરી રહ્યા હતા. રેલીઓ માટે વળી પાછો એ જમીનનો મૂદ્દો ઉખડે! વાત ફરીફરીને પાછી ઇતિહાસના કાદવ ઉછળવા પર આવી જાય! પણ આ બધામાં વગર વાંકે મરી રહેલી નિર્દોષ સામાન્ય પ્રજાનું શું? આ એ આમ જનતા છે જેમને બે ટંકનું ભોજન અને પરિવાર સાથે શાંતિપૂર્વકની બે ચાર ક્ષણો સિવાય કંઈ નથી જોઈતું! પણ હમાસ અને ઇઝરાયલની ચક્કીમાં બન્ને દેશની નિર્દોષ પ્રજા પીસાતી રહે છે. આઈ સ્ટેન્ડ વિથ ફલાણા અને ઢિંકળા લખવા વાળા લોકો પણ આમ જનતા જ છે. તો પણ એ લોકો મરી રહેલી આમ જનતા, સ્ત્રીઓ અને બાળકોને કેમ નજરઅંદાજ કરતાં હશે? કેમ એ લોકો i stand with peace અને i stand with seasefire ના હેશટેગ નહીં ચલાવતા હોય?




    -ભગીરથ ચાવડા.

    bhagirath1bd1@gmail.com




    ભગીરથ ચાવડા


Your Rating
blank-star-rating
નિકિતા પંચાલ - (17 July 2021) 5
ખૂબ સરસ માહિતી આપી

1 2

Aksha Jadeja - (12 June 2021) 5

1 2

Hetal Sadadiya - (27 May 2021) 5
જોરદાર..! ખરેખર મૂળમાંથી માહિતિ આપી. ઈઝરાયેલ પેલેસ્ટાઇનનો વિવાદ આમ તો જાણે દરેક દેશનો વિવાદ છે. સરળ ભાષામાં આટલી ઊંડી માહિતિ આપવા બદલ ખૂબ આભાર 🙏🏻🙏🏻🙏🏻

1 1

Geeta Chavda - (27 May 2021) 5
વાહ ભગીરથભાઈ દર વખતની જેમ આ આર્ટિકલ વાંચી ને પણ કંઈક વિશેષ જાણકારી ને ઇઝરાયેલ પેલેસ્ટાઈન વચ્ચેના સાચા વિવાદ વિષે જાણવાનું મળ્યું . જે વિષય પર તમે લખો છો એના છેક મૂળિયાં ને એના વિષેની સંપૂર્ણ માહિતી જાણવા મળેછે .વળી એને સહજને સરળ ભાષામાં લખોછો.એટલે વાંચવાની ખુબ મઝા આવેછે રસ પડેછે. આવા સરસ લેખ માટે ખુબ ખુબ અભિનંદન ને આભાર🙏🙏🙏🙏 i also stand with peace

1 1

રાજેન્દ્ર સોલંકી - (26 May 2021) 5
ખૂબ સરસ જાણકારી ભર્યો લેખ.💐💐

1 1

જ્યોતિન્દ્ર મહેતા - (26 May 2021) 5
બહુ જ સરસ અને માહિતીસભર લેખ. ધાર્મિક કટ્ટરવાદનો હું હંમેશા વિરોધી રહ્યો છું. ધર્મ અને દેશ એ સૌથી વધુ બલિ લીધા છે. આપણે સહુલિયત માટે બનાવેલી વાડ હવે આપણને ગળી રહી છે. જો કે આ બંનેથી ખતરનાક હોય તો તે છે સાકર. સૌથી વધારે ભોગ ડાયાબિટીસ લે છે.

1 1

Seema Bagada - (26 May 2021) 5
ખૂબ સરસ

1 1

View More