• 02 April 2020

    ટેક્નોલોજીના પ્રવાહો : ૪

    Technologyna pravaho : ૪

    5 99

    2018ના ડિસેમ્બર મહિનામાં દિવિત નામના બાળકને પશ્ચિમ બંગાળના ન્યૂ ટાઉન કૉલકત્તા ડેવલપમેન્ટ ઑથોરીટી દ્વારા બ્લોકચેઇનની મદદથી તૈયાર કરેલું જન્મ નોંધણીનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. આ પ્રકારે તૈયાર થયેલા સર્ટિફિકેટના ડેટામાં અયોગ્ય ફેરફાર નહીં કરી શકાય. ભારતમાં નાગરિકો માટે બ્લોકચેઇનની એપ્લિકેશનનો આ એક નોંધપાત્ર દાખલો કહી શકાય. આંધ્ર પ્રદેશ, તેલાંગણા જેવા રાજ્યો પણ આરોગ્ય, જમીન તથા જન્મ નોંધણી, સરકાર દ્વારા થતી ઑનલાઈન ખરીદી વગેરે માટે બ્લોકચેઇનના ઉપયોગની શરૂઆત કરી ચૂકી છે. સહજ રીતે પ્રશ્ન જરૂર થાય કે બ્લોકચેઇનની આંતરિક રચના કેવી હોય છે ? તેના મુખ્ય ઘટકો કયા કયા હોય છે ?

    બ્લોકચેઇન એ ક્રમબદ્ધ તથા એકબીજા સાથે જોડાયેલા બ્લોકની યાદી છે. દરેક બ્લોકમાં બે ભાગ હોય છે - બ્લોકનું મથાળું અને તથા તેનો મુખ્ય ભાગ જેમાં અનેક ટ્રાન્ઝેકશન્સ લખવામાં આવે છે.

    યુઝર્સ દ્વારા થતી લેવડદેવડને ટ્રાન્ઝેકશન રૂપે બ્લોકમાં નોંધવામાં આવે છે. દરેક બ્લોકમાં રહેલા ડેટા એટલે કે તેમાં રહેલા મથાળા તેમ જ ટ્રાન્ઝેકશનના સમૂહ પર SHA256 ક્રિપ્ટોગ્રાફીક ‘હેશ’ (Hash) આલ્ગોરીધમ જે એક જટિલ ગાણિતીક પ્રક્રિયા છે, તેની મદદથી તે બ્લોકની હેશ ગણવામાં આવે છે. જેમ કબાટ કે ખાનું ખોલવા માટે ચાવીની જરૂર પડે તેમ બ્લોકને વાંચવા માટે હેશની જરૂર પડે. હેશ 32 બાઈટની બનેલી હોય છે. દરેક બ્લોકના મથાળાના ભાગમાં તેની આગળના બ્લોકની હેશ, બ્લોકની પોતાની હેશ, કયા સમયે આ બ્લોક લખવામાં કે સુધારવામાં આવ્યો વગેરે નોંધવામાં આવે છે. આગળના બ્લોકને પેરન્ટ બ્લોક કહેવાય. દરેક બ્લોકને માત્ર અને માત્ર એક જ પેરન્ટ બ્લોક હોય છે. અહીં નવા તૈયાર થયેલા બ્લોકને આગળના બ્લોક સાથે જોડવા માટે ‘આગળના બ્લોકની હેશ’ કડી અથવા લિંક સમાન છે, જેથી નવો તૈયાર થયેલો બ્લોક આગળના બ્લોક સાથે કડીની મદદથી જોડાઈ જાય છે. આમ, કડીની મદદથી જોડાયેલા અનેક બ્લોકની રચના સાંકળ સ્વરૂપે થાય છે.

    પહેલા બ્લોકને જીનેસીસ બ્લોક કહેવામાં આવે છે અને ત્યારે પછીનો દરેક બ્લોક તેની બરાબર આગળ આવેલા બ્લોક સાથે કડી ધરાવે છે. ઉપરની આકૃતિમાં દર્શાવ્યું છે તેમ બ્લોકચેઇનના સૌથી છેલ્લા બ્લોક એટલે કે તાજેતરમાં લખાયેલા બ્લોકથી પાછળની તરફ જઈને સૌથી પહેલા બ્લોક - જીનેસીસ બ્લોક તરફ જઈ શકાય છે. આ રીતે તમામ બ્લોકમાં રહેલી માહિતી વાંચી શકાય છે. બ્લોકચેઇનને સાદી સરળ ફાઇલ અથવા ડેટા બેઝ તરીકે સંગ્રહી શકાય છે.

    અગાઉ લખાયેલા કોઈ પણ બ્લોકના ભાગરૂપ ડેટામાં નાનો અમથો પણ ફેરફાર કરવામાં આવે કે તરત જ તે બ્લોકની હેશ SHA256 ક્રિપ્ટોગ્રાફીક ‘હેશ’ (Hash) આલ્ગોરીધમની મદદથી ફરી ગણવામાં આવે છે. ધારો કે બ્લોક #1ના ડેટામાં નાનો અમથો ફેરફાર કરવામાં આવ્યો. તો તે બ્લોકની હેશ બદલાઈ જશે. આ બદલાઈ ગયેલી હેશ પછીના બ્લોક એટલે કે બ્લોક #2ના મથાળામાં લખવામાં આવેલા ક્ષેત્ર ‘આગળના બ્લોકની હેશ’ તરીકે સુધારવી જ પડશે અને તેના કારણે બ્લોક #2ની પોતાની હેશ બદલાઈ જશે. હવે બ્લોક #3માં આવેલા ‘આગળના બ્લોકની હેશ’ ક્ષેત્રની ગણતરી ફરી કરીને તેને અનિવાર્યપણે સુધારવી જ પડશે. આમ, બ્લોક #1થી શરૂ કરીને અંત સુધીના તમામ આગળના બ્લોકમાં ફેરફાર કરવા પડશે, જેને કારણે વિશાળ માત્રામાં કૉમ્પ્યુટેશનલ ગણતરીની પ્રક્રિયા કરવી પડશે. આ માટે શક્તિશાળી કૉમ્પ્યુટર તેમ જ તેને ચલાવવા માટે વિજળીની પણ જરૂર પડશે. અહીં, એ વાત સ્પષ્ટ થાય છે કે જો બ્લોકચેઇનમાં અનેક બ્લોક હોય અને તેની શરૂઆતના ભાગના કોઈ પણ બ્લોકમાં સુધારો કરવો હોય તો તે કાર્ય ઘણું જ અઘરું બની જાય છે.

    બ્લોકચેઇનના ખ્યાલને ભૂસ્તરશાસ્ત્રની સાથે સરખાવી શકાય. જેમ જમીનની સપાટીના ઉપરના બે-ચાર ઇંચના ભાગમાં કાળક્રમે બદલાતી રહેતી મોસમના આધારે ફેરફાર થતા રહે છે પણ થોડાક ફૂટ નીચે જતાં જમીનનું ભૂસ્તર સદીઓ સુધી બદલાતું નથી અથવા તો અચળ રહેતું હોય છે તે જ રીતે બ્લોકચેઇનમાં પણ તાજેતરમાં લખાયેલા થોડાક બ્લોકમાં ફેરગણતરીના કારણે સુધારાવધારા જોવા મળે. એક તારણ મુજબ બ્લોકચેઇનમાં ઉપરના છ બ્લોકમાં ફેરફાર થતા જોવા મળે પણ સો કે હજાર કે તેથી વધુ નીચેના બ્લોક ભૂસ્તરના નીચેના સ્તરની માફક અચળ રહે છે.

    ઉદાહરણ રૂપે આપણે હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દી અને વિવિધ એજન્સીઓ સાથે તેના થતા વ્યવહારો લઈએ. દર્દીને ડૉકટર, લેબોરેટરી, દવાની દુકાન, હોસ્પિટલ, બ્લડ બૅન્ક, વીમા કંપની વગેરે એકમો સાથે ટ્રાન્ઝેકશન કરવા પડતા હોય છે. દાખલ થયેલા દર્દી પર હોસ્પિટલમાં ઑપરેશન કરવામાં આવે તો તે અંગેના તમામ રેકોર્ડ હોસ્પિટલ પાસે તો હશે જ પણ તેની જાણ વીમા કંપનીને પણ થવી જોઈએ. જો દર્દી બ્લડ બૅન્કમાં પોતાના લોહીની તપાસ કરાવે તો તેને લગતા રિપોર્ટની માહિતી ડૉકટર, હોસ્પિટલ, વીમા કંપની વગેરેને પણ થવી જોઈએ. આમ, દર્દી પર થતી રહેતી વિવિધ તબીબી સારવારોની જાણ સંલગ્ન તમામ એકમોને પારદર્શક રીતે કરાવવી હોય તો દર્દીની સારવાર કરતા ડૉકટરો દ્વારા નોંધવામાં આવેલી મેડિકલ હિસ્ટ્રી, હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલા ઑપરેશનો, દવાની દુકાન દ્વારા પૂરી પાડવામાં આવેલી દવાઓ અથવા દર્દીને થયેલા ખર્ચાઓની વીમાના કરાર હેઠળ કરવાની થતી ચૂકવણીઓ તેમ જ તે અંગેના તમામ રેકોર્ડ બ્લોકચેઇનના ભાગરૂપ લેજરમાં નોંધી શકાય. અહીં દરેક લેજરની નકલ રાખી શકે.

    અહીં મુખ્ય વાત એ છે કે જ્યારે હોસ્પિટલ દ્વારા ઑપરેશન કરવામાં આવે તો હૉસ્પિટલના લેજરમાં તો તેની નોંધ હશે, પણ જ્યાં સુધી ડૉકટર, બ્લડ બૅન્ક, વીમા કંપની, દવાની દુકાન વગેરે સંલગ્ન એકમો ઑપરેશન અંગેના ટ્રાન્ઝેકશનને અધિકૃત રીતે પ્રામાણિત નહીં કરે ત્યાં તમામ એકમો પાસે રહેલા લેજરની નકલમાં તે અંગેની નોંધ નહીં હોય. જો તમામ એકમોના લેજરમાં દર્દીના ઑપરેશન અંગેના રેકોર્ડ લખાવા હોય તો તે માટે તમામ એકમો વચ્ચે સંમતિ હોવી જોઈએ. બ્લોકચેઇનના ભાગરૂપ તમામ એકમોમાં અથવા તો યુઝર્સમાં સંમતિ સાધવા શિષ્ટાચાર (Protocol) હોય છે જેની મદદથી બ્લોકચેઇનમાં થતા ટ્રાન્ઝેકશનને અધિકૃત રીતે પ્રમાણિત કરવામાં આવતા હોય છે. આના કારણે જ પારદર્શક માહિતી જે તે પદ્ધતિ સાથે જોડાયેલા યુઝર્સને મળી શકે છે તેમ જ કોઈ પણ અસ્પષ્ટ કે ખોટી માહિતી માટે સ્થાન રહેતું નથી.

    અગાઉના લેખોમાં જણાવ્યું તેમ, જે કૉમ્પ્યુટર બ્લોકચેઇનના ભાગરૂપ છે, ટ્રાન્ઝેકશન કરે છે અને વહેંચાયેલ લેજરની નકલ રાખે છે તેને નૉડ કહેવામાં આવે છે અને તેના ત્રણ મુખ્ય પ્રકાર છે :

    1. ફુલ નૉડ : જે બ્લોકચેઇનના તમામ નિયમોને ચુસ્ત રીતે અમલમાં મૂકે છે એટલે કે યુઝર્સ દ્વારા થતા ટ્રાન્ઝેકશન પર સ્માર્ટ કૉન્ટ્રાક્ટ અમલમાં મૂકે છે. ફુલ નૉડ પાસે બ્લોકચેઇનનો સંપૂર્ણ ડેટાબેઝ એટલે કે લેજરની નકલ હોય છે. ઉપરના ઉદાહરણમાં જણાવવામાં આવેલા હોસ્પિટલ, બ્લડ બૅન્ક, દવાની દુકાન, વીમા કંપની, ડૉકટર વગેરેને ફુલ નૉડ તરીકે જોઈ શકાય.

    2. લાઈટ નૉડ : તે ફુલ નૉડ પાસેથી ટ્રાન્ઝેકશનની વિગતો મેળવે છે તથા થોડાઘણા અંશે ટ્રાન્ઝેકશનનો સંગ્રહ કરે છે.

    3. માઇનર નૉડ : એ ફુલ નૉડ છે અને ટ્રાન્ઝેકશનથી ભરાતા જતા બ્લોકને બ્લોકચેઇનમાં અધિકૃત રીતે જોડવા માટેની પ્રક્રિયા કરે છે.

    બ્લોકચેઇનને તેના ઉપયોગના આધારે નીચે મુજબના ચાર પ્રકારમાં વહેંચવામાં આવેલ છે :

    1. પબ્લિક બ્લોકચેઇન : દુનિયાની કોઈ પણ વ્યક્તિ બ્લોકચેઇનમાં લખાયેલા ડેટા વાંચી શકે છે, ટ્રાન્ઝેકશન મોકલી શકે છે, તથા સર્વસંમતિ સધાય તો તેવા ટ્રાન્ઝેકશનને માન્યતા મળી શકે છે. બીટકોઇન, ઇથેરીયમ વગેરે પબ્લિક બ્લોકચેઇનનું ઉદાહરણ છે.

    2. પ્રાઇવેટ બ્લોકચેઇન : સામાન્ય રીતે કોઈ એક કંપની કે સમૂહ માટે જ તૈયાર કરવામાં આવેલું બ્લોકચેઇન જેમાં પૂર્વનિર્ધારિત યુઝર્સ જ માહિતી કે ટ્રાન્ઝેકશન મોકલી શકે અથવા તેની વહેંચણી કરી શકે.

    3. પરમીશન્ડ બ્લોકચેઇન : અહીં બ્લોકચેઇનના ભાગરૂપ કેટલાક યુઝર્સ તથા સમૂહને જ ટ્રાન્ઝેકશનને અધિકૃત કરવા માટે પરવાનગી આપવામાં આવેલી હોય છે. અહીં મુખ્ય આશય વધારાની સુરક્ષા પૂરી પાડવાનો છે. રિપલ નામની ક્રિપ્ટોકરન્સી આનું ઉદાહરણ છે.

    4. ક્નસોર્શિયમ બ્લોકચેઇન : આમ તો તે પ્રાઇવેટ બ્લોકચેઇન જ છે પણ અહીં માત્ર એક કંપનીને બદલે એકથી વધુ કંપનીઓ મળીને પોતાના જૂથ માટે તેની રચના કરે છે. અહીં તમામ સભ્યો કે નૉડ પૈકી થોડાક જ નૉડ પાસે ટ્રાન્ઝેકશનને અધિકૃત કરવા માટે પરવાનગી આપવામાં આવેલી હોય છે, જ્યારે જૂથના અન્ય તમામ સભ્યો તેને વાંચી શકે છે.

    તાજેતરમાં ભારત સરકારના ઇલેકટ્રોનીકસ ઍન્ડ આઈટી મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રી સંજય ધોત્રેએ જણાવ્યું છે કે બ્લોકચેઇનના વિવિધ વિનિયોગ તથા તેની ક્ષમતાને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય કક્ષાએ જરૂરી માળખાગત સવલતો પૂરી પાડી શકાય તે માટે એક દસ્તાવેજ થાય છે. C-DAC, IDRBT વગેરે સંસ્થાઓ સાથે મળીને ‘ડ્રિસ્ટ્રીબ્યુટેડ સેન્ટર ઑફ એક્સલન્સ ઇન બ્લોકચેઇન ટેકનોલૉજી’ પ્રૉજેક્ટ પર સંશોધન તેમ જ પ્રયોગાત્મક ધોરણે કામ કરી રહી છે, જેને મંત્રાલય દ્વારા નાણાકીય સહાય પૂરી પાડવામાં આવી છે. આ પ્રૉજેક્ટના ભાગ તરીકે તેલાંગણા રાજ્યના શમશાબાદ જિલ્લામાં બ્લોકચેઇનની મદદથી મિલકત નોંધણીનું પ્રારંભિક ધોરણે કામ થઈ ચૂક્યું છે. આ સેન્ટર દ્વારા વિવિધ ડિજિટલ મિલકતો અથવા દસ્તાવેજો જેવા કે યુનિવર્સિટીઓ દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આપતા સર્ટિફિકેટો, કંપની કે પેઢીઓ દ્વારા તૈયાર કરવામાં આવતા વેચાણ દસ્તાવેજો, વાહનો કે હોટલોની નોંધણી વગેરેની ચકાસણી કરવા માટે બ્લોકચેઇન ફ્રેમવર્ક તૈયાર કરવામાં આવશે. સૉફ્ટવેર કંપનીઓ માટે વિવિધ એપ્લિકેશનોમાં બ્લોકચેઇનનો ઉપયોગ કરવા માટે આવા ફ્રેમવર્ક અગત્યના માર્ગદર્શક બની રહેશે.



    સંજય ચૌધરી


Your Rating
blank-star-rating
નિમિષા દલાલ - (16 April 2020) 5

0 0