• 16 November 2021

    ચિંતન લેખ

    ઈચ્છા શામાટે થાય છે?

    5 95

    ઈચ્છા શામાટે?

    =========

    We are human being ,so it's natural to have desire, but why ,for what ,where and whom we desire . The very interesting question ,

    Why we desire.


    તમે શું ઈચ્છો છો ? શામાટે , કોના માટે ઈચ્છા કરો છો?

    આ સહજ અને સરળ સીધો સાદો પરંતુ ખૂબ જ ગહન ચિંતન માંગી લે એવો પ્રશ્ન છે.આ પ્રશ્ન સમગ્ર અસ્તિત્વનો છે, બ્રહ્માંડના પ્રત્યેક જીવનો છે.તદ્દન દીવા જેવી સુસ્પષ્ટ વાત છે.


    પરમાત્માની પણ ઈચ્છા તો હોય જ છે એને ઈક્ષણ‌વૃતિ

    કહ્યું છે, એટલે કે સહજ લીલા કરવાનો‌ સ્વભાવ, સૃષ્ટિનું

    સર્જન કરીને લીલા કરવી પરમાત્માની પોતાનામાં રહેલી સહજ ઈક્ષણવૃત્તિ છે. તો પછી જ્ઞાની,અજ્ઞાની બધા જ એમાંથી બાકાત રહી જ કેવી રીતે શકે? એ સાર ગર્ભિત વાત છે.


    શિવ-જીવના જોડકણાંની અનુભૂતિ છે કે ઈચ્છા મુક્ત છે એ શિવ છે, માટે જ એ કલ્યાણ કારી છે,આનંદ સ્વરૂપમાં સહજ સ્વાભાવિક સ્થિત છે , જ્યારે જીવ એ ઈચ્છાના કારણે જ બંધનમાં છે. એટલે જ સંસારની લીલાનો અ્હી પ્રાદુર્ભાવ થાય છે.બહુ સુંદર સમજવા જેવી વાત છે.


    આપણે જાણતા અજાણતા દેહ અધ્યાસના કારણે જ

    ભૂલી ગયા છીએ ,ખરેખર આપણે કોણ છીએ? શામાટે

    આપણો જન્મ માનવ દેહમાં આ પૃથ્વી ઉપર અવતરિત

    થયો છે?


    ધર્મ અધ્યાત્મ એ ગહન વિષય છે એમ સમજી આપણે એને છોડી દીધો છે, પરંતુ ધર્મ કે અધ્યાત્મ આપણને કદી છોડતું નથી ,કારણ કે એ સનાતન સત્ય છે. ચૈતન્ય મય છે જીવનની રસાનુભૂતિ છે. જીવન આનંદમય જીવવાની એ

    જડીબુટ્ટી છે.માટે એ સમજણ પડે તો જ આગળનું કાર્ય સમજાય, નહિતર બધું વ્યર્થ બોજારૂપ બની જાય, જીવન

    અહંકારના ભાર હેઠળ પ્રાકૃતિક ગુણ અને આસક્તિમાં

    સુખ પામવાની ઈચ્છા અને દુઃખ દૂર કરવાની કામના હેઠળ

    પુર્ણ થઈ જાય છે, છતાં સમજણ પડતી નથી.


    ધર્મ એટલે ફરજ, પણ ફરજ એટલે શું? એ જાણવાની જરૂર છે. હું કોણ ? અને ક્યાં જોડાયેલો છું? એ જાણી

    લેવું એ જ મોટી વાત છે એજ સાચો ધર્મ છે, પછીથી બધી સમજણ પડી જાય. પણ આજકાલ તો આપણે બીજાને સમજવામાં જીંદગી પુરી કરી નાખીએ છીએ.

    છતાં કોઈ સમજણ પડતી નથી,છેલ્લે બધાજ પ્રયાસો નિષ્ફળ જાય છે.


    હું એ ચૈતન્ય આત્માનો જીવ ભાવ સાથે જિજિવિષાથી જોડાયેલો અહંકાર છે, એને ત્રિગુણાત્મક પ્રકૃતિ એટલે જગત અને પંચમહાભૂત માંથી તેના વિષય અને તન્માત્રા

    થી ( શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ) કશું મેળવીને મનથી સુખી

    થઈ જવું છે, એ મન , બુધ્ધિ અને ઈન્દ્રિયો દ્વારા એ વસ્તુ વ્યક્તિ અને પરિસ્થિતિમાં અનુકુળતા શોધે છે,ને સફળ થાય તો સુખ થાય અને પ્રતિકૂળતામાં નિષ્ફળ થાય તો‌ દુઃખનો અનુભવ કરે છે. આમ સુખદુઃખમાં જીવન પસાર થઈ જાય છે , પરંતુ સાચો આનંદ ‌મળતો નથી.


    આનંદ શાશ્વત છે ,એ વસ્તુ વ્યક્તિ કે પરિસ્થિતિ ગત નથી ,તમારી જ ચેતનાનો ચૈતન્યમય સ્વભાવ છે.એને જાણીએ એટલે ઈચ્છા તૃષ્ણા અને સંસાર બધું સમજાઈ જશે. ઈચ્છા રૂપી નાગણ ડંસ મારે એ પહેલાં એના દાંત પાડી દેવામાં આવે તો સાચા ધર્મ કે ફરજ ની આપણેને અનુભૂતિ થાય.


    પરંતુ આ કંઈ લાડું ખાવા જેટલું સહજ સ્વાભાવિક કાર્ય નથી. કારણ કે તમે અનંત જન્મના સંસ્કાર બીજ કારણ શરીરમાં લઇને પ્રારબ્ધ અનુસાર આ જન્મનું આયુષ્ય અને સુખદુઃખ સમૃદ્ધિ ભોગવી રહ્યા છો. હવે તમારી ફરજ શું છે? એ જાણવા ધર્મને સમજવા પ્રયાસ કરવો જોઈએ.


    ધર્મ એટલે જીવનને ધારણ કરવાની શક્તિ અને નિષ્કામ ભાવે નિર્લેપભાવે અનાસક્તિમાં જીવન જીવી જવાની યુક્તિ બસ. પુરી ગીતા વાંચવાની પણ જરૂર નથી. આટલું જ કાફી છે. ગીતા શબ્દને પલટાવી એ એટલે તાગી શબ્દ થાય ,ત્યાગ દ્વારા આત્માનો તાગ મેળવવો ગીતાજ્ઞાનનો ઉપદેશ છે.પ્રકૃતિમાં સહજ સ્વાભાવિક ત્યાગ છે, સુર્ય ચંદ્ર ગ્રહ નક્ષત્ર, પંચતત્વોના દેવ , વનસ્પતિ બધા સહજ સ્વાભાવિક ત્યાગમય જીવન જીવે છે માટે આપણી હયાતિ છે, આ મર્મ સમજ્યા એટલે આપણે ધર્મની ખરી વ્યાખ્યા સમજ્યા ગણાય.


    આ દેહની અંદર રહેલી ચેતના ભોગવવાની ભાવનાથી જ જન્મ લે છે,એવા કેટલાય જન્મોમાં કરેલા સંકલ્પ વિકલ્પ અને સકામ કર્મોનાં હિસાબે, એનું એ કર્મોનું પોટલું મોટું અને ભારેખમ થઈ ગયું છે. પરિણામે ચિતમાં રહેલા સંસ્કારના સ્ફુરણ કે સ્પંદનોને કારણે વિચાર ઉત્પન્ન થાય છે અને એ વિચાર કશુંક ભોગવવાની મેળવવાની ભાવના બની ઈચ્છા કે તૃષ્ણાનું સ્વરૂપ ધારણ કરે છે. પછી એ મન બુદ્ધિ અને ઈન્દ્રિયો દ્વારા સુખી, દુઃખી થાય છે.


    આમ ઈચ્છા એજ સકામ ભાવે , ભોક્તાભાવે જીવનું

    પ્રકૃતિમાં કર્મ બને છે . ગીતામાં કર્મની અને કાળની ગતિને ગહન કહી છે. એને સમજવા માટે નિષ્કામ ભાવે નિર્લેપભાવે અનાસક્તિ પૂર્વક કર્મ કરીએ તો ઈચ્છા તૃષ્ણા નાં પાશથી મુક્તિ મેળવી જીવનનો સાચો આનંદ માણીએ

    ગીતા એ જ્ઞાન ભક્તિ અને કર્મ યોગનો સમન્વય શીખવે છે ,ફક્ત નિષ્કામ ભાવે ઈશ્વર પ્રિત્યર્થે કરેલા કર્મો મુક્તિનો

    માર્ગ પ્રશસ્ત કરે છે. એટલે જ ભગવાન કૃષ્ણજીએ ગીતા માં કહ્યું કે, અનાશ્રિત: કર્મ ફલમ્ તું કર્મ ફળનો આશ્રયના લે, ફક્ત કર્મ જ‌ કર ફળ મળશે જ, એ કેવું અને કેટલું મળશે ઈશ્વરની કૃપા દ્રષ્ટિ પર નિર્ભર છે.


    આમ, ઈચ્છા હોવી જોઈએ,થવી જોઈએ સ્વભાવિક છે

    પરંતુ ઈચ્છાના સ્વરૂપને બદલવું આપણા હાથની વાત છે. જે નિષ્કામી છે એટલે કે જેને કોઈ કામના જ નથી ,

    તો પછી શું થાય??... કોઈ વિચાર જ ઉત્પન્ન થાય નહીં

    એટલે મન બુધ્ધિનું કાર્ય બંધ થાય, એટલે ચૈતન્યની સહજ સ્વભાવમાં વિશ્રાંતિ , એટલે જ સહજ સમાધિમાં આનંદ સ્વરૂપ અને સત્યની અનુભૂતિ થાય .છે ને કેટલું સરળ?

    પણ નૈષ્કર્મ સિધ્ધિ આમ જ મળતી નથી. એના માટે સાધના કરવી પડશે.


    મારા વ્હાલા મિત્રો, ઈચ્છા કરો, ના નથી પણ ભાવ પવિત્ર રાખો. જીવનના નિર્વાહ માટે ,દેહ સાથે જોડાયેલા ધર્મો અને કર્મોનાં કારણે ઈચ્છા ઉદ્ભવે એ સાચી વાત છે, એને આત્માની સન્મુખ કરો તો આનંદ સુખ શાંતિ સમૃદ્ધિ અને કલ્યાણ થશે,માટે ઈચ્છા કરો.એમા આપનું જ હિત સમાયેલું છે .આજ કર્મ નું રહસ્ય છે.બધાય જીવોમાં એક ઈશ્વરીય શક્તિ જ વિલસિત છે .એ સમજણ જીવ માત્રને શિવ સ્વરૂપમાં , નિષ્કામ ભાવે સ્થિરતા આપી ને જીવનના સત્યની, આનંદ પુર્ણ અપરોક્ષ અનુભૂતિ કરાવી દેશે.



    ૐ શાંતિ ૐ આનંદ ૐ નમઃ શિવાય 🙏🙏💐💐











    Mohanbhai anand


Your Rating
blank-star-rating
રાજેન્દ્ર સોલંકી - (17 November 2021) 5
ખૂબજ સુંદર લેખ.💐💐

0 2