(23)
પતિ-પત્ની: કિતને પાસ કિતને દુર
લગ્ન એક એવી સંસ્થા છે કે જ્યા બંન્ને પતિ-પત્ની સતત એક બીજા પાસેથી કૈક ને કૈક શીખતા રહેછે. તેનાથી તેમની આસપાસ સ્નેહ અને વિશ્વાસનું એક અલગ જ બ્રહ્માંડ રચાયછે. સુખી લગ્નજીવન એ દરેક વ્યક્તિ માટે પૃથ્વી પરનું સ્વર્ગ છે. બંનેના વિચારો, સમજણ, પરસ્પર વિશ્વાસ, નૈતિકતા, સમર્પણની ભાવના વગેરેનું રૂપાંતર પ્રેમ અને આનંદમાં થાયછે. જે આપણું લગ્નજીવન સુખી બનાવે છે. આ એક આદર્શ લગ્નના વિચારોછે. શું બધાંનું લગ્નજીવન સુખી હોયછે ? દુનિયાનાં બધાંજ પતિ-પત્નીઓ એકબીજાથી સંતુષ્ટ હોતાં નથી, એટલા માટેજ રોજબરોજ છૂટાછેડાના કિસ્સા વધી રહ્યાંછે.
લગ્ન એ આપણા સમાજની એક વ્યવસ્થા છે. લગ્ન બે રીતે થાયછે. એક લવ મેરેજ અને બીજું એરેન્જ મેરેજ. મેરેજ કરવા માટે યોગ્ય પાત્રની પસંદગી કરવી તે અઘરી બાબત છે અને મેરેજ કર્યાં પછી તેને ટકાવી રાખવાં એ તેનાથી પણ મુશ્કેલ કામ છે. એવું કોઈ ઘર નહિ હોય કે જેમાં પતિ-પત્નીને ઝઘડો ન થયો હોય. સામાન્ય તુતુ-મેમે થી લઈને ગાળાગાળી કે મારપીટ સુધી વાત વણસી હોય તેવાં તો અસંખ્ય કિસ્સા તમે જોયા-સાંભળ્યા હશે. સામાન્ય વ્યક્તિથી લઈને સેલીબ્રીટી સુધીની વ્યક્તિઓના જીવનમાં આવું કૈકને કૈક બનતું હોયછે. કહેવત છે કે ‘બે વાસણ હોય તો ખખડેય ખરાં.’
વાસણો ખખડે ત્યાં સુધી વાંધો નહિ, ગોબા પડી જાય તોયે વાંધો નહિ પણ જુદાં ન પાડવા જોઈએ. ‘પડ્યું પણું નિભાવી લેવાનું’ એ આપણા સમાજનું સૂત્ર છે. બીજાં ડેવલપ કન્ટ્રીની વાત કરીએ તો ત્યાં એ લોકો પડ્યું પાનું નિભાવી લેવામાં જરાયે માનતા નથી. તે લોકો એકદમ ખુલ્લા મનના છે. એમ લાગે કે હવે બે જણાને નહિ બને એટલે તરત છુટા પડી જશે. તેમના કાયદા પણ લિબરલ જેથી બંનેને છુટા પડવું સહેલું બની જાય.
આપણા દેશમાં છૂટાછેડાના કાયદા બહુ કડક છે. તેનું કારણ કદાચ સ્ત્રીઓને પ્રોટેકશન આપવાનું હશે, કેમકે આપણા દેશમાં સ્ત્રીઓના શિક્ષણનું પ્રમાણ ખુબજ ઓછું છે. અભણ કે ઓછું ભણેલી સ્ત્રીઓ મોટાભાગે આર્થિક રીતે પુરુષો પર આધારિત હોયછે. જે સ્ત્રી આર્થિક રીતે સ્વતંત્ર ન હોય તે બીજી રીતે પણ સ્વતંત્ર હોઈ શકે નહિ. સ્ત્રીઓને અન્યાય થાય નહિ તેના માટે છૂટાછેડાના કાયદા પણ સ્ત્રીઓના હિતને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યાછે. જો પતિ-પત્ની બંને જણા સંમત ન હોય તો છૂટાછેડા મેળવવામાં વર્ષો નીકળી જાયછે. જોકે આવા જડ કાયદાને કારણે ઘણાં લોકોનાં જીવન બગડેછે.
લવ મેરેજ હોય કે અરેન્જ મેરેજ, લગ્ન થયાં પછીજ બંનેને એકબીજાંનું સાચું સ્વરૂપ જોવા મળેછે. લગ્ન થયાં પહેલાં સાથે ગમે તેટલો સમય પસાર કર્યો હોય તોપણ બંને એકબીજાને સંપૂર્ણપણે ઓળખી શકતાં નથી. લગ્ન પહેલાં બધું વહાલું વહાલું અને રૂપાળું રૂપાળું લાગતું હોયછે. લગ્ન બાદ આખો સિનારિયો બદલાઈ જાયછે. લગ્ન પહેલાં મળતાવડો, કેરીંગ, સોબર અને શાંત લાગતો પુરુષ લગ્ન પછી કચકચિયો, કંજુસ, વહેમી ને ક્રોધી લાગેછે. તેવીજ રીતે લગ્ન પહેલાં મૃદુ-સૌમ્ય, ઓછાબોલી, સમજું અને પરી જેવી લાગતી પત્ની લગ્ન પછી ઝઘડાખોર, કામચોર, નમાલી, અને નકામી લાગેછે. આવું કેમ થાયછે ? કેમકે લગ્ન પહેલાની આપણી દૃષ્ટિ પોઝીટીવ હોયછે. લગ્ન પહેલાં સામેના પાત્ર વિષે આપણે સારું સારું જ વિચારતાં હોઈએ છીએ. લગ્ન પહેલાં આપણે સામેની વ્યક્તિની નજરમાં માત્ર સારા દેખાવાનો પ્રયત્ન કરીએ છીએ. સાચું કહું, તો આપણે તે સમયે દંભ કરીએ છીએ. સામેનું પાત્ર પણ એજ કરતુ હોયછે. એટલાં માટે તો લગ્ન પછી આપણો દંભી ચહેરો ખુલ્લો પડી જાયછે.
શીલા અને ગૌતમનું સમાજમાં બહુ માન હતું. બંનેની જોડી પણ સરસ લગતી હતી. કોઇપણ સામાજિક પ્રસંગમાં બંને સાથેજ હોય. મિત્ર વર્તુળમાં પણ બંનેની જોડી વખણાય. સગાંઓ તેમને આદર્શ પતિ-પત્ની માને અને તેમનું ઉદાહરણ બીજાને આપે. બંને પૈસે ટકે સુખી હોવાથી અનેક કલબોના મેમ્બર પણ હતાં. એક કલબમાં એક દિવસ આદર્શ કપલની હરીફાઈ હતી. શીલા અને ગૌતમે પણ તેમાં ભાગ લીધો હતો. બધીજ કસોટીઓમાંથી બંને સાંગોપાંગ પાર ઉતરીને પ્રથમ ઇનામ જીત્યાં. લોકોએ તેમને અભિનંદન આપ્યાં, તેમની વાહ વાહ કરી.
શીલા અને ગૌતમ વિષે તમે શું માનોછો ? બહારથી બધીજ રીતે આદર્શ લાગતું આ જોડું ખરેખર તો દુઃખી હતું. બંને પતિ-પત્ની ઘણાં વર્ષોથી એકબીજાં સાથે બોલતાં ન હતાં. તેઓ એકબીજાને પ્રેમ નહિ પણ નફરત કરતાં હતાં. બંને જણને એકબીજાં સાથે બનતું નહિ હોવાં છતાં સમાજમાં આબરૂ સાચવવા માટે છૂટાછેડા લીધાં ન હતાં. સમાજમાં તેઓ ઉઘાડાં ન પડે માટે બંનેએ અંદર અંદર સમજુતી કરી હતી કે બહાર લોકોની સામે આદર્શ પતિ-પત્ની જેવું વર્તન કરવું. આમ તેઓ લોકોની નજરમાંથી ઉતરી ના જાય તે માટે દંભી જીવન જીવતાં હતાં. દુનિયાની નજરમાં સાથે લાગતું આ કપલ દિલથી તો જોજનો દુર હતું.
ઘણાં એવાં પતિ-પત્ની પણ છે કે જેઓ ઉપર જણાવેલા શીલા અને ગૌતમ જેવું દંભી જીવન જીવેછે. ખરેખર તો આવું દંભી જીવન જીવવા કરતાં પ્રેમથી છુટા પડી જવું વધારે સારું. કોઈ સમાજની ઈજ્જ્ત સાચવવા, તો કોઈ પોતાનાં સંતાનો ખાતર, તો કોઈ મા-બાપને માટે, તો કોઈ બીજાં કારણોસર કહેવાતાં પતિ-પત્નીનું જીવન જીવનારાંઓની સંખ્યા ઓછી નથી. મોટાભાગે આવા લોકોને પોતાનો ઈગો નડતો હોયછે. બંને પતિ-પત્ની કે બેમાંથી કોઈ એક જો પોતાનો ઈગો છોડીને માફી માગવા તૈયાર હોય તો આમાંના ઘણાં લોકોનાં પ્રશ્નો ઉકલી જાય. તમને શું લાગેછે?
&&&