(24)
આજના નેતાઓ
નેતાઓની વાત આવતાં જ દરેક નાગરિકના મનમાં તેમની કેવી છબી ઉભરતી હશે તેનું વર્ણન કરવાની અહી જરૂર નથી. આપણા દેશના નેતાઓ વિષે આપણે કેમ આવું વિચારીએ છીએ ? નેતાઓ કેમ પ્રજાની નજરમાંથી, પ્રજાના હૃદયમાંથી ઉતરી ગયા છે ? કેમકે નેતાઓએ હાથે કરીને પોતાની છબી ખરડીછે. પોતાનાં કર્મોના લીધેજ તેઓ પ્રજાની નજરમાંથી ઉતરી ગયા છે. ભારતનું રાજકારણ યુદ્ધનું મેદાન બની ગયુછે. શામ, દામ, દંડ, ભેદ દરેકને કોઇપણ રીતે સત્તા હાંસલ કરવીછે અને મેળવેલી સત્તા કોઇપણ ભોગે ટકાવી રાખવીછે.
પાંચમા ધોરણના વિદ્યાર્થીઓને ટીચરે નિબંધ લખવા આપ્યો. વિષય હતો “હું જો નેતા હોઉં તો!” બધાં છોકરાઓએ નેતાઓ માટેના પોતાનાં આદર્શ વિચારોને ધ્યાનમાં રાખીને નિબંધ લખ્યો. ટીચરે બધાં નિબંધ તપસ્યા અને ગુણવત્તાના ધોરણે માર્ક્સ આપ્યાં. એક વિદ્યાર્થીને ટીચરે બીજાં દિવસે તેના પપ્પાને બોલાવી લાવવા જણાવ્યું. બીજા દિવસે પેલો છોકરો તેના પપ્પાને લઈને આવ્યો. ટીચરે તેના પપ્પાને ફરિયાદ કરી અને ગઈકાલે તેણે લખેલો નિબંધ વાંચવા આપ્યો
નિબંધમાં પેલા વિદ્યાર્થીએ લખ્યું હતું. ‘હું જ્યારથી સમજણો થયોછું, ત્યારથી મને બસ નેતા બનવાનાં વિચારો આવ્યા કરેછે. એસ.એસ.સી પાસ થયાં પછી હું નેતા બનવા માટેના મારા તમામ પ્રયત્નો શરુ કરી દઈશ. પહેલાં તો હું અમારા વિસ્તારના યુસુફભાઈની ગેંગમાં જોડાઈને તેમની પાસેથી ગુંડાગીરીના પાઠ શીખીશ. તે પછી મારા મિત્રો અને ગુંડાઓની મદદથી ઇલેકશન જીતીશ. ઈલેકશન જીત્યાં પછી હું નેતા બની જઈશ.’
‘નેતા બન્યા પછી હું મારા ફેમીલી સાથે મારી જીંદગી લહેરથી વીતાવીશ. દેશ-વિદેશની યાત્રા કરીશ, જાત જાતનાં ઉદ્દઘાટનો કરીશ, મોટી મોટી ગાડીઓમાં ફરીશ, ભાષણો ઠોકીશ અને બધાં ઉપર રોફ જમાવીશ. હું જયારે મોઘી ગાડીમાં રોડપર નીકળીશ ત્યારે મારી આગળ પોલીસોની ગાડીઓ સાયરન વગાડતી દોડશે. ટ્રાફિકની લાઈટ લાલ હોય કે લીલી, મારી ગાડી ક્યાંય નહિ રોકાય. મારા કોઈ સગાંઓ કે મિત્રોને ચાલવું નહિ પડે. હું તે બધાને ગાડીઓ અપાવી દઈશ. હું નેતા થઈશ ત્યારે બધીજ સ્કુલોમાં લેશન આપવા પર પ્રતિબંધ લાવી દઈશ. નેતા થયાં પછી જે કોઈ મારી વાતનો વિરોધ કરશે તેને ગોળીએથી ઉડાવી દેવાનો ઓડર આપીશ.’
. વિદ્યાર્થીના પપ્પા નિબંધ વાંચીને હસવા લાગ્યાં. આ જોઇને ટીચર ચિડાઈ ગઈ. તેણે વિદ્યાર્થીના પપ્પાને ઠપકો આપતાં કહ્યું. ‘જુઓ તમારો છોકરો બગડી ગયોછે. તેને તમે આવા સંસ્કાર આપ્યાછે ? તેનું લખાણ, તેના વિચારો જોયા ? આટલી નાની ઉમરમાં તે જો આવું બધું વિચારતો હોય તો મોટો થઈને શું નહિ કરે ! ખરેખર તમારે તેને શિક્ષા કરવી જોઈએ, તેને વઢવું જોઈએ તેના બદલે તમે તો હસોછો. આ બાબત બહુ ગંભીર કહેવાય.’ ટીચરની બધીજ વાત સાંભળી લીધાં પછી વિદ્યાર્થીના પપ્પાએ જે કહ્યું તે વિચારવા જેવું હતું.
વાલીએ ટીચરને કહ્યું: ‘મેડમ આ છોકરાએ જે લખ્યું તે સારું તો નથીજ. હું માંનુછું કે આટલી નાની ઉમરે તે આવું બધું વિચારેછે તે ઘણીજ ગંભીર બાબત છે. આપણે કુમળા બાળકને દોષ દેવા કરતાં આપણી જાતનું આત્મનીરીક્ષણ કરવાની જરૂર નથી ? બાળક જન્મે ત્યારથીજ તે તેની આસપાસના લીકોને જોઇને તેનું અનુકરણ કરવા પ્રયત્ન કરેછે. સૌથી પહેલાં તો તે તેની મા નું અનુકરણ કરેછે. તેની મા ની ભાષા શીખેછે. ઘરના બધાંજ સભ્યોની વાતો સાંભળે છે, તેમના વિચારો, તેમનું વર્તન શીખેછે. થોડું મોટું થતાં અડોસ-પડોસમાં રમવા જાયછે. પડોશીઓ પાસેથી નવી નવી વાતો ગ્રહણ કરેછે. તે પછી સ્કુલમાં જાયછે. બાળકનો સૌથી વધારે સમય સ્કુલમાં વીતેછે. એટલે તે સૌથી વધારે બાબતો સ્કૂલમાંથી શીખેછે. બાળકના જીવનનું મહત્વનું ઘડતર સ્કુલમાં જ થાયછે. સ્કૂલમાંથી જ તેનો પાયો નંખાયછે.’
‘બાળકોને દોષ દેવા કરતાં આપણે તેમને સાચા-ખોટાનું નોલેજ આપવું જોઈએ. તેમને આપણા આદર્શ નેતાઓની વાર્તાઓ કહેવી જોઈએ, તેમના કિસ્સાઓ જણાવવા જોઈએ, સાચા-ખોટાના દાખલા આપવા જોઈએ. હસતાં રમતાં તેમના મનમાં ઘર કરી ગયેલાં ખરાબ વિચારોને બહાર કાઢવા જોઈએ. શિક્ષક્નુ કામ બાળકનું ઘડતર કરવાનું છે, તેના બદલે જો તે બાળકની ફરિયાદ તેના વાલીને કરશે તો તેનો કોઈ અર્થ નથી.’
આજકાલ દરેકજણ પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયત્ન કરેછે. વિદ્યાર્થી ખોટું કરે તો તેનો દોષ પેરેન્ટ્સને દેવામાં આવેછે. ટીવી સીરીયલો કે ટીવીમાં આવતાં આજના નેતાનાં ભાષણો અને તેમના કૌભાંડો જોઈ જોઇને બાળકો બીજું શું શીખવાના હતાં ! કહેવત છે કે ‘જેવો રાજા તેવી પ્રજા.’ પહેલાનાં રાજાઓ તેમની સત્યપ્રિયતા અને ન્યાયપ્રિયતા માટે જાણીતા હતાં. અત્યારે તો રાજા-રજવાડાનું સ્થાન નેતાઓએ લઈ લીધુછે. હિન્દુસ્તાન આઝાદ થયો તે સમયના નેતાઓની સરખામણી આજના નેતાઓ સાથે થઇ શકે તેમ નથી. તે સમયે ગાંધીજી. જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ, લાલબહાદુર શાસ્ત્રી, સુભાષચન્દ્ર બોઝ, લોકમાન્ય તિલક, વગેરે નેતાઓએ દેશને માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું હતું.
આજના કૌભાંડી નેતાઓને જોઇને બાળકો પણ તેમના જેવાં બનવાનાં સપનાં જોવાનાં. જે નેતાઓ કાયદો બનાવતા હોય તે જ લોકો તેનું પાલન ન કરે તો પ્રજાને તેમના પર ક્યાંથી વિશ્વાસ આવવાનો ? પોતાનાં મોજશોખ માટે પ્રજાના પૈસા પાણીની જેમ વેડફી નાખતાં નેતાઓ પ્રજાનું શું ભલું કરવાનાં ! દેશ આઝાદ થયાં પછી પોતાની તમામ સંપત્તિ દેશને સમર્પિત કરનારા જવાહરલાલ નહેરુ અને દેશની પ્રજા ઉઘાડી હોય ત્યાં સુધી એક અબોટિયું પહેરવાનો નિયમ લેનારા ગાંધીજી જેવાં નેતાઓના જીવનચરિત્રો, ફક્ત બાળકોએ જ નહિ મોટાઓએ પણ વાંચવા જોઈએ. આપણે તેમના બધાંજ વિચારો ન અપનાવી શકીએ તો કઈ નહિ, પણ એકાદ સારી વાત કે નિયમ અપનાવીશું તો આપણા લોકો સાથેના સંબધો હર્યાભર્યા થઇ જશે.
&&&