• 27 January 2022

    સ્ત્રી સશક્તિકરણ ( પિતાનો રોલ )

    stri sashaktikaran ( pitano role )

    5 81

    સ્ત્રી સશક્તિકરણ (પિતાનો રોલ)



    ' દીકરીની સલામ દેશને નામ ' અંતર્ગત દર વર્ષે પ્રજાસત્તાક દિન નિમિત્તે પ્રાથમિક શાળાઓમાં ગામની ઉચ્ચ શિક્ષણ મેળવેલ અથવા ઉચ્ચ શિક્ષણમાં અભ્યાસ કરતી દીકરીઓના હાથે ધ્વજ વંદન કરવામાં આવે છે. અને આ પ્રથા દીકરીઓમાં શિક્ષણનું પ્રમાણ વધે અને સ્ત્રી સશક્તિકરણ થાય તે હેતુથી આપણા દેશના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરેલ છે.


    બનાસકાંઠા જિલ્લાની ડીસા તાલુકાની ખરડોસણ પ્રાથમિક શાળામાં ૭૩ મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ગામની દીકરી રાજલક્ષ્મી અરવિંદભાઈ દેસાઈને ધ્વજ ફરકાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. અને રાજલક્ષ્મીએ પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ધ્વજ ફરકાવ્યો. રાજલક્ષ્મી હાલ m.s.c. કરી રહી છે. શાળા પરિવાર વતી શાળાના આચાર્ય શેખ સાહેબે સ્મૃતિ ચિહ્ન આપી રાજલક્ષ્મીનું સન્માન કર્યું.


    આ પ્રસંગે પોતાના વક્તવ્યમાં રાજલક્ષ્મીએ પોતાની આપવીતી કહી. રાજલક્ષ્મીના પરિવારમાં ચાર બહેનો અને એક નાનો ભાઈ છે. આ તમામ ભાઈ-બહેનોમાં રાજલક્ષ્મી સૌથી મોટી દીકરી છે.


    સ્વાભાવિક છે કે જે ઘરમાં દીકરી મોટી હોય તે ઘરમાં મા-બાપ એવું વિચારતા હોય છે કે દીકરી તો પારકી થાપણ છે. તેને છેવટે ઘરનું રસોડું જ સંભાળવાનું છે. માટે દીકરીને વધુ ભણાવતા નથી. માંડ માંડ પ્રાથમિક શિક્ષણ પૂરું કરાવતા હોય છે. અને પછી ઘરના રસોડાની જવાબદારી સોંપી દે છે. નાના ભાઈ બહેનને સંભાળવાની જવાબદારી આપી દે છે. ઘરમાં બાની પણ મદદ કરવાની હોય છે. ઘર સંભાળવાનું કાર્ય સોંપી દેવામાં આવે છે. જેથી આ બધા કામોમાં દીકરીનું ભણતર અધૂરું રહી જતું હોય છે. અને ઘરની જવાબદારીના લીધે એ દીકરીને તેનો અભ્યાસ અધૂરો છોડી દેવો પડે છે. તથા ભણતરનું બલિદાન દેવું પડે છે.


    પણ રાજલક્ષ્મીના ઘરની વાત અનોખી છે. રાજલક્ષ્મીના પિતા અરવિંદભાઈ પોતે ગ્રેજ્યુએટ છે. અને સ્ત્રી સશક્તિકરણની મહત્તા સારી રીતે જાણે છે. અને તેનું જ્ઞાન પણ ધરાવે છે. તેમને ખ્યાલ છે કે ભણેલી નારી તેના સંસારને અને તેની ભાવિ પેઢીનું ભવિષ્ય ઉજ્જવળ કરી શકે તે માટે તે પોતે શિક્ષિત હોવી જરૂરી છે. આવા ઉચ્ચ અને મહાન વિચાર ધરાવતા અરવિંદભાઈ દેસાઈએ તેમની મોટી દીકરી રાજલક્ષ્મીને આગળ અભ્યાસ કરવાની મોકળાશ કરી આપી. શિક્ષણ પ્રાપ્ત કરવાનું પીઠબળ પૂરું પાડ્યું. તેના ઉચ્ચ શિક્ષણની જવાબદારી પણ પોતાના શિરે લઈ લીધી. જેથી તેમની દીકરી અભ્યાસ કરી શકે. અને રાજલક્ષ્મીની મહેનત અને અભ્યાસ પ્રત્યેની લગનને તેના પિતા અરવિંદભાઈએ વાચા પૂરી પાડી. જેના કારણે રાજલક્ષ્મી આજે ધોરણ ૧૨ સાયન્સ પાસ કરી m.s.c.માં અભ્યાસ કરી રહી છે.


    આમ સાચા અર્થમાં અરવિંદભાઇએ પોતાની દીકરીના અભ્યાસ માટે એક જવાબદાર પિતા તરીકે સારો એવો સહકાર પૂરો પાડ્યો. અને સ્ત્રી સશક્તિકરણના સાચા સારથી બન્યા.


    રાજલક્ષ્મી અભ્યાસમાં પણ હોંશિયાર છે. તે અભ્યાસની સાથે સાથે ઘરનું કામકાજ પણ કરે છે. તેનાથી નાના ભાઇ-બહેનને પણ તે અભ્યાસમાં મદદ કરે છે. અને આટલા બધી વ્યસ્તતા વચ્ચે પણ પોતાની પોતાનો અભ્યાસ કરી રહી છે.


    ખરેખર ખૂબ ખૂબ અભિનંદન છે રાજલક્ષ્મીને. રાજલક્ષ્મી પ્રગતિના શિખરો સર કરે અને તેનું ભવિષ્ય ઉજળું બને તેવી ખૂબ ખૂબ શુભકામનાઓ.


    અને વંદન છે અરવિંદભાઈને કે જેઓ સ્ત્રી સશક્તિકરણના સાચા સારથી અને જવાબદાર પિતા બની રાજલક્ષ્મીના ભણતર અને જીવનઘડતરમાં અમૂલ્ય યોગદાન આપી રહ્યા છે.



    હનિફ એ. મેમણ (રાજ) ડીસા.



    Hanif Meman


Your Rating
blank-star-rating
પૂર્વી ચોકસી - (11 February 2022) 5

0 0