નાનકડું યોગદાન
આપણી આજુબાજુ ગંદકીના ઢગલા જોઈને આપણને ઘણીવાર એવું થાય કે શું આના માટે આપણે કશું કરી ના શકીએ? વિદેશમાં તો બધું કેટલું ચોખ્ખું હોય છે, આપણે આપણા દેશમાં તો એટલી ચોખ્ખાઈ વિચારી પણ ના શકીએ! કમનસીબે મનમાં વારંવાર ઉદ્દભવતા આવા વિચારોને, ફક્ત મનમાં જ રાખીને રોજિંદા જીવનની ઘટમાળમાં આપણે એનાથી જ ટેવાઈને એને જીવનમાં સ્વીકારી લેતાં હોઈએ છીએ.
તક મળતાં નેતાઓ અને ગવર્મેન્ટને આપણે અનેકવાર ટોણા મારી દેતા હોઈએ છીએ કે એ લોકો ચોખ્ખાઈ માટે કશું કરતા જ નથી! ખરેખર તો, ભારતીય શૌચાલય અને રસ્તાઓ ક્યારેય સ્વચ્છ હોઈ જ ના શકે વગેરે વગેરે....
પણ એક સામાન્ય જવાબદાર નાગરિક તરીકે આપણે શું આપણી ફરજ નિભાવીએ છીએ? ચાલતી ગાડીમાંથી વેફર, ચોકલેટ અને ફ્રૂટ-જ્યુસના પેકેટસને બહાર ફેંકતા આપણે ખુદને, કુટુંબીજનો અને મિત્રોને અટકાવીએ છીએ? થિયેટર માં પોપકોનૅના ટબ અને કોલ્ડડ્રિંકસની બોટલ્સને આડી અવળી મૂકતા અટકીએ છીએ? ભણતર વગરના લોકોને આપણે ચોખ્ખાઈનું મહત્વ શું છે એ સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ ખરા? બીડીના ઠૂંઠા કે પ્લાસ્ટિકની થેલીઓ જાહેર રસ્તા પર ના ફેંકાય એવી જાગૃતતા એમનામાં કેળવાય એના માટે કોઇ પ્રયાસ કરીએ છીએ ?
જોકે, છેલ્લા બે-ત્રણ વરસથી સ્વચ્છતા અંગે પરિસ્થિતિ બદલાઈ રહી છે. કેટલીક જાહેર જગ્યાઓએ અનપેક્ષિત ચોખ્ખાઈ જોવા મળે છે. ભવિષ્યમાં ચોક્કસ પરિસ્થિતિ બદલાશે પણ ખરી પણ એ નવા ભારતના શુભ ફળો ઝડપથી ભોગવવા આપણે જ થોડા વધુ જાગૃત ન બનવું જોઈએ?
આ વરસે જયારે આપણે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છે
ત્યારે એક નવી શરૂઆત કરીએ...
ભૂલથી પણ જાહેરમાં કચરો ન ફેંકીએ...
જાહેરમાં કચરો ફેંકનારને અટકાવીએ...
ભારતની આઝાદીના ઉત્સવમાં,
ઉત્સાહભેર આપણે પણ એક નાનકડું યોગદાન આપીએ....