248શત્રુને પંપાળાય?
આપણાં શત્રુને પંપાળાય? સ્વાભાવિક રીતે જ આ સવાલનો જવાબ 'ના' જ હોય પરંતુ તેમ છતાં પણ આપણામાંથી મોટાભાગના લોકો અજાણતાં જ એને પોષતા હોય છે.
ગૌતમ બુદ્ધે કહ્યું છે કે 'આળસ એ માનવીનો મહાન શત્રુ છે' અને 'આળસુ મન' એ શેતાનનું કારખાનું છે એવું જાણવા છતાં પણ શિયાળાની ઠંડી સવારે ગોદડું છોડવામાં તકલીફ પડતી જ હોય છે ને! . રોજ રાત્રે નક્કી કરીને સૂઈ ગયા પછી કસરત ચાલુ કરવાનું ટળાતું હોય જ છે ને!
આમ જોવા જઈએ તો આળસ બધાં જ વયજૂથમાં વ્યાપ્ત બીમારી છે. જે શરીર અને મન બંનેને બગાડે છે. કોરોના પછી બધાંની જીવનશૈલીમાં આવેલ પરીવર્તનોને અને માનસિક, આર્થિક, સામાજિક અને શારીરિક સંજોગોને લીધે લોકોમાં કંઇક અંશે શિસ્ત ખોરવાઈ રહી છે. કેટલાક બાળકો વિડિયો ઓફ રાખીને સૂતાં સૂતાં સ્કૂલ કરતા થઈ ગયા છે તો કેટલીકવાર રાત્રે મોડું થઈ ગયું હોય તો વાલીઓ બીજે દિવસે સવારે ટીફીન બનાવવું ન પડે અને મૂકવા જવું ન પડે એટલે બાળકને એ દિવસે ઓનલાઈન સ્કૂલ કરવાનું કહેતા જોવા મળે છે. કેટલીક વાર શરદી ઉધરસના બહાના હેઠળ ઓફિસમાં જવાનું ટળાતું હોય છે.
આળસ એક એવો શત્રુ છે કે જે તમારા વર્તમાન સાથે ભવિષ્યને પણ છેતરી જાય છે. એ તમારી સાથે તમારા કુટુંબનો પણ ભોગ લે છે અને કદાચ એટલે જ એને જીવતા માણસની કબર કહી છે.
આ શત્રુને આપણે પંપાળ્યો છે કે નહીં તેનો જવાબ આપણે ખુદે ખૂબ તટસ્થ રહીને આપણા આંતરમન પાસેથી જ લેવો પડે. જો જવાબ 'હા'માં હોય તોએ શત્રુને પંપાળ્યા વગર એને ભગાડવાના પ્રયત્નમાં સત્વરે લાગી જવું જોઈએ.
ટેકનોલોજીના યુગમાં બાળકો કે મોટેરા કોઈને પણ મોબાઇલ કે સ્ક્રીન માં કેટલો ટાઈમ જઈ રહ્યો છે એનો અંદાજ નથી રહેતો. આને લીધે ઘણાં બધાં અગત્યના કામો અધૂરા રહી જાય છે અને ઘણીવાર એ અધૂરા કામનું લીસ્ટ એટલું લાંબું થઈ જતું હોય છે કે એને પતાવવા માટે હાથમાં ઉપાડવાનો જ કંટાળો આવી જતો હોય છે.
આમ જોવા જઈએ તો કશું ન કરવું એ જ આળસ નથી પણ અગત્યના કામકાજ છોડીને ધ્યેય વગરના કામમાં અટવાયેલા રહેવાને પણ એક જાતની આળસ જ કહેવાય.
કડકડતી ઠંડીમાં મોજાં, ગ્લોવ્ઝ અને ટોપી પહેરીને પોતાના પાર્ટનરનો હાથ પકડીને નિયમિત ચાલવા જતાં વડીલો હોય કે 50 કીમી પગપાળા ચાલીને મંદિરે પહોંચવા માટે મહીના પહેલાથી તૈયારી આરંભી દેતી વ્યક્તિઓ હોય અથવા બીમાર અને પથારીવશ હોવા છતાં પણ હકારાત્મક અભિગમ રાખીને નિયમિત પ્રાણાયામ, કસરત અને સમયસર દવા અને સમતોલ ખોરાક લેતા દર્દીઓ હોય એ બધાં જ- પોતે અને પોતાની આજુબાજુની વ્યક્તિઓને પોતાના જીવનમાંથી આળસ ત્યજીને, જીવન જીવવાનું જોમ પૂરું પાડતાં હોય છે.
ધારીએ તો આપણે સૌ પણ મન સ્થિર રાખી, નિયમિત જીવન જીવી, હકારાત્મક અભિગમ, શારીરિક સ્ફૂર્તિ, પ્રમાણસર ઊંઘ, પૂરતું પ્રવાહી, સમતોલ ખોરાક લઈને, કાર્યોને પ્રાથમિકતા આપી અને ટાઇમ મેનેજમેન્ટ જેવા પગલાં ભરી આળસ નામના શત્રુને પોષતો અટકાવી શકીએ, એના પર વિજય મેળવી જ શકીએ.
રોજેરોજ મનને થોડું થોડું ખખડાવવું જોઈએ
આળસરૂપી શત્રુને વધુને વધુ હંફાવવું જોઈએ
એક વિચાર.. એક વિહાર..