• 17 December 2021

    ચિંતન લેખ

    અક્ષર બ્રહ્મ

    5 162

    અક્ષર બ્રહ્મ છે.

    💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐


    अक्षरं ब्रह्म परमं, स्वभावो अध्यात्म उच्चयते,

    भूतभावो भवद्करो, विसर्ग: कर्म संज्ञित: ।। गीता।।


    શ્રી ભગવાન કહે છે.( ગીતા અધ્યાય ૮. શ્લોક.૩).

    પરમ અક્ષર બ્રહ્મ છે, જીવનું પોતાનું હોવાપણું સ્વભાવ છે એને અધ્યાત્મ કહ્યું છે.પ્રાણીઓનો ઉદ્ભવ કરવા માટે જે ત્યાગ છે, એને કર્મ કહ્યું છે.


    પરમ અક્ષરનું નામ બ્રહ્મ છે, પતંજલિ ઋષિએ પણ તસ્ય વાચક પ્રણવ: કહ્યું છે,


    ૐ ઈતિ એકાક્ષરં બ્રહ્મ, એમ માડૂક્ય ઉપનિષદકારે કહ્યુ છે. ૐ ને પ્રણવ બ્રહ્મ કહ્યું છે.પરંતુ વિશેષણ પરમં જોડાયેલું છે.એ વાત સમજવા જેવી છે.


    પ્રત્યેક શરીરમાં પ્રત્યક્ષ આત્મ- અંતરાત્મા જીવભાવ છે તેનું નામ સ્વભાવ અધ્યાતમ છે, એવું જગતગુરૂ આદિ શંકરાચાર્ય સ્વામીએ કહ્યું છે.એ સ્વભાવ જ આધ્યાત્મ છે.તમારુ હોવાપણું છે.


    વસ્તુતઃ એ બ્રહ્મ છે, તે તત્વ સ્વભાવ છે, એને જ અધ્યાત્મ કહ્યું છે, એમાં ભૂત ભાવ : એટલે ઉત્પત્તિ કરનાર ત્યાગ છે એને વિસર્ગ એટલે વિસર્જન કે ત્યાગ એમ કહ્યું છે.એટલે કે ઈશ્વરની શક્તિનો લીલા પૂર્ણ ત્યાગ એટલે

    પંચમહાભૂત અને ત્રિગુણાત્મક પ્રકૃતિનો આવિર્ભાવ.


    આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણે શબ્દ અનુભૂતિ એટલે

    પરા વાણીનું રહસ્ય ગુપ્ત રીતે ક્હ્યું છે, એ રહસ્ય આમ જ સમજી શકાય નહીં.શબ્દ બ્રહ્મ છે, ઉપાસ્ય છે અને એજ પરમ અક્ષર છે. એની ઉપાસના કરવી પડે,આ વિશેષ ભાવને સમજીએ અને આચરણમાં લાવીને દરેક શબ્દ સાધક ,શબ્દ ભાવકનું કલ્યાણ નિશ્ચિત થઈ જાય.


    ભગવાન શ્રી કૃષ્ણ કહે છે.મૃત્યુ સમયે જે આ શબ્દ બ્રહ્મનું સ્મરણ કરતાં ,મુર્ધામાં ધારણા કરી પ્રાણ ત્યાગી દે , તો તે

    પરમ ગતિ એટલે કે મોક્ષ પ્રાપ્ત કરે છે. એટલે શબ્દ બ્રહ્મ ની મહત્તા શું છે ,એ સમજવું જરૂરી છે.


    ॐ इतिएकाक्षरं ब्रह्म,व्याहरनमाम अनुस्मरन्

    य: प्रयाति त्यजन् देहं, स याति परमां गतिम।।


    ભગવાન શ્રીકૃષ્ણ કહે છે, યજ્ઞમાં હું જપયજ્ઞ છું. એમ કહી

    શબ્દનું માહાત્મ્ય વધારી દીધું છે. કારણકે વેદ સંસ્કૃતિ યજ્ઞ વગર સંભવિત નથી. અને સ્વયં ઈશ્વર કહે છે કે હું જ યજ્ઞ છું અને યજ્ઞોમાં જપયજ્ઞ હું છું.તાત્પર્ય એટલું કે આપણી વાણી વર્તનમાં મન બુધ્ધિ અનુસાર જેટલું સમજાય છે , એટલું જ આપણે ગ્રહણ કરી શકીએ છીએ

    પરંતુ એનો ગૂઢાર્થ કે લક્ષ્યાર્થ સમજવા શબ્દની સાધના ‌કરવી જ પડે ,ત્યારે અક્ષર બ્રહ્મની અનુભૂતિ થાય.


    મંત્ર વિજ્ઞાનની વાત કરીએ તો શબ્દની ઉત્પત્તિનું શાસ્ત્ર જાણવું પડશે.અક્ષરો મૂળ કેટલા છે . અક્ષરો સ્વર અને

    વ્યંજન સ્વરૂપ છે.વેદપાઠી બ્રાહ્મણને ખબર હોય છે કે ક્યો શબ્દ ક્યાં અને કેવી રીતે ઉચ્ચાર કરી શકાય.

    સ્વર વ્યંજનની ગોઠવણી ,માતૃકાઓ અને એના વર્ગ વિશે માહિતી મેળવીને સમજવું જોઈએ.


    સંગીતના જાણકારો તાલ અને લય માટે ઉચ્ચારણના શાસ્ત્રને અનુસરે છે. તેથી જ શબ્દોને રાગમાં બાંધી શકે છે, એ મહત્વપૂર્ણ ભૂમિકા છે ,જે નિભાવવી પડે છે.

    આરોહ અને અવરોહ ની સૂર સપ્તકમાં સમજ હોવી જ જોઈએ.પછી જ રાગ રાગિણીનાં બંધારણ નક્કી થાય,અને ગીત - સંગીતનો નિખાર આવે.


    ભાવ ભક્તિ, યોગ શક્તિ કે જ્ઞાન માર્ગના સાધકોએ પણ

    શબ્દોનું માહાત્મ્ય જાણ્યું છે અને અનુસરણ કરે છે.

    ભક્તિ માર્ગમાં ભગવન્નામ જપ ,નવધા ભક્તિમાં મુખ્ય છે, દરેક મત પંથ સંપ્રદાયના ગુરુ મંત્ર દીક્ષા આપે છે.

    જપ વિધિ અને અનુષ્ઠાનની સમજણ આપે છે.ગાયત્રી મંત્રનું માહાત્મ્ય કોણ નથી જાણતું? પ.પૂ. શ્રીરામ શર્મા આચાર્ય થી કોણ અપરિચિત છે. મંત્ર દ્રષ્ટા ઋષિઓ જ

    મંત્ર કે શબ્દનું રહસ્ય જાણે છે.સ્વામી પ્રભૂપાદે ઇસ્કોનની સ્થાપના કરી અને દેશ વિદેશમાં હરે કૃષ્ણ હરે રામના મંત્રની ધૂન જગાવી.


    યોગ કરનાર સાધુ પુરુષ કે યોગીઓને પણ બે પ્રકારના મંત્ર અપાય છે , એક માળા મંત્ર અને બીજો ધ્યાનનો મંત્ર હોય છે.યોગી પુરૂષો પણ શબ્દ દ્વારા પ્રાણને, અથવા પ્રાણ દ્વારા શબ્દની અનુભૂતિ કરતા હોય છે, પંચતત્વોના વિજય બાદ આકાશ તત્વમાં ધારણા સિદ્ધ થતાં અનહદ નાદ સાંભળી આનંદમય રહે છે. બાહ્ય ઉપચારથી નાદ બ્રહ્મની અનૂભૂતિ નો પ્રયાસ કરનાર વિફળ થાય છે.આ બધું ઊંડું શબ્દ કે પરા પશ્યંતિ વાણીનું રહસ્ય છે.


    જ્ઞાન માર્ગમાં ચાલતા સાધકોને પણ ગુરુ ધ્યાન માટે મંત્ર આપે છે, અહં બ્રહ્માસ્મિ, તત્વમસિ, સોહમ.. વગેરે.

    આમ શબ્દ સત્યની અનુભૂતિ કરાવે છે, તમે કોઈપણ ક્ષેત્રમાં જાવ, શબ્દજ્ઞાન પ્રારંભિક છે ,એમાંથી તમારે પસાર થવું જ પડશે, પછી એ કોઈ પણ ધર્મ જાતિ પંથ મત કે સંપ્રદાય નો કેમ ના હોય. સનાતન ધર્મની એ જ તો ગરિમા છે કે સૌના માટે અભેદ ભાવથી આચરણમાં લાવી શકાય, એવો ઉપદેશ આપી માનવતાનું કલ્યાણ ઈચ્છે છે.

    જ્યા ભેદભાવ ઊભો થાય ત્યાં ધર્મનું ખંડન થાય છે.માણસનો વિશ્વાસ ધર્મ પરથી ઊઠી જાય છે. શબ્દથી તો શાસ્ત્રની રચના થઈ છે,અગર શબ્દ ભેદભાવ કરશે તો ધર્મ ટકી જ ના શકે, એ સનાતન સત્ય છે. શબ્દનો મહિમા અપરંપાર છે.


    શબ્દની સાધના દ્વારા પરમાત્માની અનુભૂતિ પોતાની અંદર પોતેજ કરવાની છે, એને જ સ્વભાવો આધ્યાત્મ

    ઉચ્ચયતે કહ્યું છે, એ જાણવા માટે જે નિષ્કામ ભાવે નિર્લેપભાવે અનાસક્તિમાં સહજ ત્યાગ પૂર્ણ કર્મ થાય છે, એ જાણવુ પડે ,તેને જ વિસર્ગ કહ્યું છે.

    ભગવાનની શક્તિના ત્યાગની પરાકાષ્ઠા એટલે પ્રકૃતિમાં પંચ તત્વો અને ત્રિગુણાત્મક માયા અને કાળ ગણના ઉત્પન્ન થાય છે, એમાં સૃષ્ટિ સર્જી ઈશ્વર લીલા કરી રહ્યા છે. એ જ શબ્દ બ્રહ્મ , અક્ષરની સૃષ્ટિ છે. એવું શાસ્ત્રોમાં કહ્યું છે.


    स्वभावो अध्यात्म उच्चयते। એટલે શું?


    તમારું હોવાપણું , તમારો સ્વભાવ એ ચિન્મય છે , આનંદ સ્વરૂપ છે. તમે એને ભૂલીને ઈન્દ્રિયોના જગતમાં મનની કલ્પનામાં સુખદુઃખ અને બુદ્ધિથી તર્ક દ્વારા મેળવેલા પરોક્ષ જ્ઞાનને સત્ય માની પોતાની જાતને છેતરી રહ્યા છો.

    આ કડવું સત્ય છે જે તમે નકારી શકો નહીં.


    જીવ અને શિવમાં એક જ ભેદ છે ,કર્તા અને ભોક્તાપણા નો, શિવ મુક્ત છે, કારણકે એને કોઈ ઈચ્છા તૃષ્ણા નથી.

    એને પંચમહાભૂતની આ સૃષ્ટિમાં કંઈ પ્રાપ્ત કરવાનું કોઈ

    કારણ જ નથી,જેથી કાર્ય કારણના ન્યાયથી જન્મ મરણ ના ચક્કર કાપવા પડે.તેથી શિવ તત્વ સ્વાભાવિક આનંદ થી પરિપૂર્ણ છે, એટલે સુંદર અને કલ્યાણકારી છે.


    આપણે જીવભાવે જિજિવિષા માં ઈચ્છા તૃષ્ણાની સાંકળથી અહંકાર દ્વારા બંધાયેલા છે. એ બંધન કાલ્પનિક છે, વાસ્તવિક નથી, સમજણનો અભાવ છે,

    સ્વભાવો અધ્યાત્મ ઉચ્ચયતે સાચો જવાબ આપે છે. જેના જીવનમાં આત્મચિંતન , મનન , મનોમંથન છે,જે દેહ અધ્યાસ થી અળગો થઈ પોતાના વાસ્તવિક સ્વરૂપ ની ઝાંખી કરવા ચાહે છે,એના માટે જે તે ધર્મ મત પંથ સંપ્રદાય અનુસાર કંઈક પ્રયત્ન કરી ઈન્દ્રિયોનો સંયમ ,મન નો લય અને બુદ્ધિની મર્યાદાને અપરોક્ષમાં જાણવા માટે

    જિજ્ઞાસુ બની જાય છે, અને પ્રકૃતિના રહસ્યો પામી લે છે.

    અકર્મણ્યતા પ્રાપ્ત થાય છે, અકર્તા અભોકતા થઈ નિજાનંદમાં અધ્યાત્મનું હોવાપણું વાસ્તવિક રીતે અનુભવ કરે છે. આ સાચું જીવન છે. પરમ લક્ષ્ય છે.જે જ્ઞાન પ્રાપ્તિ બાદ શેષ પ્રાપ્ત કરવાનું રહેતું નથી.એને જ સ્વભાવો અધ્યાત્મ ઉચ્ચયતે કહ્યું છે.


    આમ , શબ્દ અને અર્થ, ગૂઢાર્થ કે લક્ષ્યાર્થ સમજવા માટે

    વૈખરી વાણી, મધ્યમા વાણી એટલે મંત્ર,આને પશ્યંતિ એટલે ચૈતન્ય મય પ્રકાશનો પ્રવાહ આ સમજણ છે તોજ પરા વાણી એટલે ચૈતન્યનો સાક્ષાત્કાર થાય ,એ જ અક્ષર બ્રહ્મ અથવા ચૈતન્યમય અનુભૂતિનું ‌શબ્દ રહસ્ય છે.

    ૐ તત્ સત્...


    💐💐💐💐💐💐🙏🙏💐💐💐💐💐💐









    Mohanbhai anand


Your Rating
blank-star-rating
રાજેન્દ્ર સોલંકી - (18 December 2021) 5
વાહ અતિ સુંદર લેખ.💐💐

1 1