• 09 April 2020

    ટેક્નોલોજીના પ્રવાહો : ૫

    Technologyna pravaho : ૫

    5 81

    2008માં સાતોશી નાકામોટોના પ્રકાશિત લેખના આધારે ક્રિપ્ટોકરન્સી અથવા ડિજિટલ કરન્સી તરીકે બીટકોઇનનો ઉદય થયો, જેને બ્લોકચેઇનની પહેલી એપ્લિકેશન કહેવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો બ્લોકચેઇનની પહેલી પેઢીના નેટવર્ક તરીકે ક્રિપ્ટોકરન્સીની જ ચર્ચા થવા લાગી. બીટકોઇનની મદદથી એકમેક પર વિશ્વાસ ન ધરાવતા હોય તેવા પીઅર-ટુ-પીઅર નેટવર્કના ભાગરૂપ નૉડ વિકેન્દ્રીત પદ્ધતિના આધારે આર્થિક લેવડદેવડના ટ્રાન્ઝેકશન થવા લાગ્યા અને નાણાંકીય ચલણ તરીકે એક ખાતામાંથી બીજા ખાતામાં બીટકોઇનની હેરફેર શક્ય બની. સૉફ્ટવેર ડેવલપરોએ બીટકોઇન પ્રોટોકૉલમાં જરૂરી સુધારા કરીને બ્લોકચેઇન આધારીત જુદા જુદા ડિજિટલ નાણાંકીય ચલણ તૈયાર કર્યાં. 2013માં વિતાલિક બુટેરિને ઇથેરીયમ નામનું બીજી પેઢીનું બ્લોકચેઇન તૈયાર કર્યું અને તે અંગેની વિગતો વાઇટપેપરમાં વિસ્તારથી જણાવી. તેના મત મુજબ વિવિધ ક્રિપ્ટોકરન્સી માટે અલગ અલગ બ્લોકચેઇન નેટવર્કના સ્થાને જરૂરિયાત મુજબ પ્રૉગ્રામિંગ કરી શકાય તેવું એક બ્લોકચેઇન નેટવર્ક હોવું જોઈએ જેનો ઉપયોગ કરીને કંપનીઓ વિવિધ એપ્લિકેશન તૈયાર કરી શકે.

    બીજી પેઢીની બ્લોકચેઇન નેટવર્ક આધારિત એપ્લિકેશન તૈયાર કરવા માટેનું મુખ્ય ઘટક સ્માર્ટ કૉન્ટ્રાક્ટ છે. 2014માં ઇથેરીયમ ફાઉન્ડેશનની રચના થઈ, જેના માટે લોકો પાસેથી ઑનલાઇન ફંડ મેળવવામાં આવ્યું. ગેવીન વુડે 2014માં ઇથેરીયમ વિશે થયેલા સંશોધનના આધારે ‘યલો પેપર’ પ્રિપ્રિન્ટ સ્વરૂપે રજૂ કર્યું. આ લેખમાં ગેવીને બ્લોકચેઇન પ્રોટોકૉલ વિશે વિસ્તારથી સમજાવ્યું. તેના આધારે ગેવીને ઇથેરીયમની મદદથી બ્લોકચેઇનને અમલમાં મૂક્યું તેમ જ સ્માર્ટ કૉન્ટ્રાક્ટનું પ્રૉગ્રામીંગ કરવા માટે સૉલીડિટિ નામની ભાષા તૈયાર કરી.

    બ્લોકચેઇન એપ્લિકેશન તૈયાર કરતી વખતે નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ.

    1. બ્લોકચેઇન પ્લેટફૉર્મ પર બે પ્રકારનાં ખાતાં હોય છે – યુઝર્સ એકાઉન્ટ તથા કૉન્ટ્રાક્ટ એકાઉન્ટ. બંને ખાતાને તેનું ઇન્ટરનેટ પરનું આગવું સરનામું તેમ જ ખાતાની જમા રકમ હોય છે. સામાન્ય રીતે, આ જમા રકમ ક્રિપ્ટોકરન્સી સ્વરૂપે હોય છે.

    2. બ્લોકચેઇનનું પ્રૉગ્રામીંગ તેમ જ વિવિધ એપ્લિકેશન તૈયાર કરવા માટે સ્માર્ટ કૉન્ટ્રાક્ટનો ઉપયોગ થાય છે. સ્માર્ટ કૉન્ટ્રાક્ટનું પ્રૉગ્રામિંગ કરવા માટે વિવિધ ભાષાઓ ઉપલબ્ધ છે, જેવી કે સૉલીડિટિ, ગોલાન્ગ, જાવાસ્ક્રીપ્ટ, C++, જાવા, પાયથન વગેરે.

    3. બ્લોકચેઇનમાં જ્યારે પણ યુઝર લેવડદેવડ અંગેનું ટ્રાન્ઝેકશન મોકલે છે ત્યારે તેની પર સૌથી પહેલાં સ્માર્ટ કૉન્ટ્રાક્ટ એટલે કે બ્લોકચેઇનનો પ્રૉગામ જરૂરી પ્રક્રિયા અમલમાં મૂકે છે.

    4. ટ્રાન્ઝેકશન પર અમલમાં મૂકાતી પ્રક્રિયામાં અનેક કાર્યવાહી હોય છે. જેમ કે ખરીદવામાં આવેલા મકાન કે જમીનનું માલિકીપણું એક વ્યક્તિ પાસેથી બીજી વ્યક્તિના નામે કરવું. આ જટિલ પ્રક્રિયામાં વેચનાર વ્યક્તિ ખરેખર જે તે મિલકતનો માલિક છે કે નહીં તેની ચકાસણી એ એક કાર્યવાહી કહી શકાય. દરેક કાર્યવાહી માટે સ્માર્ટ કૉન્ટ્રાક્ટમાં મેથડ અથવા ફંકશન લખવામાં આવે છે. દરેક ફંકશન ચોક્કસ યુઝર દ્વારા જ અમલમાં મૂકી શકાય છે. જો યુઝર પાસે ફંકશનને અમલમાં મૂકવા માટે જરૂરી હક્ક ના હોય તો તેને બિનઅધિકૃત યુઝર ગણીને તે અંગેની ભૂલ અંગે નિર્દેશ કરવામાં આવે છે. સ્માર્ટ કૉન્ટ્રાક્ટના પ્રૉગ્રામિંગમાં આ તમામ પ્રકારની કાળજી લેવામાં આવતી હોય છે.

    5. બ્લોકચેઇન એપ્લિકેશન માટે વ્યવસ્થિત યુઝર ઇન્ટરફેસ તૈયાર કરવામાં આવે છે. આજકાલ બૅન્કીંગ અથવા ટિકિટ બુકીંગ માટે જે પ્રકારે વેબ અથવા મોબાઇલ એપમાં યુઝર ઇન્ટરફેસ જોવા મળે છે તેવા જ યુઝર ઇન્ટરફેસ બ્લોકચેઇન એપ્લિકેશન માટે તૈયાર કરવામાં આવતા હોય છે.

    6. સ્માર્ટ કૉન્ટ્રાક્ટને મોકલવામાં આવતા ટ્રાન્ઝેકશન પર માયનર્સ દ્વારા ચકાસણી કરવામાં આવતી હોય છે. બ્લોકચેઇનના ભાગરૂપ વિવિધ નૉડ દ્વારા ટ્રાન્ઝેકશન મોકલવામાં આવતા હોય છે. વિવિધ ટ્રાન્ઝેકશનનો સમૂહ બનાવીને બ્લોકના સ્વરૂપે મૂકવાનું કામ માયનર્સનું છે. વિવિધ રાઉન્ડ દરમ્યાન અલગ અલગ નૉડ દ્વારા ટ્રાન્ઝેકશનના બ્લોક તૈયાર થતા હોય છે અને એક રાઉન્ડ દરમ્યાન તૈયાર થયેલા બધા બ્લોક પૈકી માત્ર એક જ બ્લોકને બ્લોકચેઇનમાં જોડવામાં આવતો હોય છે. કયા બ્લોકને બ્લોકચેઇનમાં જોડવામાં આવશે તે નક્કી કરવાનું કામ માયનર્સનું છે. આ અત્યંત જટિલ કાર્ય છે અને તે અંગે વિસ્તારથી ચર્ચા જરૂરી છે.

    ઇથેરીયમ એ ઓપન સોર્સ પ્લેટફોર્મ છે. તેની મદદથી સ્માર્ટ કૉન્ટ્રાક્ટનો ઉપયોગ કરીને બ્લોકચેઇનનું પ્રૉગ્રામિંગ કરીને વિકેન્દ્રીત એપ્લિકેશન તૈયાર કરીને અમલમાં મૂકી શકાય છે. અગાઉ જણાવ્યું તેમ સ્માર્ટ કૉન્ટ્રાક્ટનું મુખ્ય કાર્ય જે તે એપ્લિકેશનને સંલગ્ન જટિલ ગણતરીઓ કરવાનું હોય છે. ઇથેરીયમનો ઉપયોગ કોઈ પણ વ્યક્તિ અથવા કંપની કરી શકે છે અને તે માટે તેણે ઇથેરીયમ એકાઉન્ટ ખોલવાની જરૂર પડે છે. ઇથેરીયમ પ્લેટફોર્મની માલિકી માત્ર કોઈ એક વ્યક્તિ અથવા કંપનીની નથી. વિશ્વમાં જેટલા પણ ઇથેરીયમ નૉડ છે તે સહુ મળીને તેને ચલાવે છે. ઇથર એ ઇથેરીયમની ક્રિપ્ટોકરન્સી છે. ઇથેરીયમ પ્લેટફોર્મના મુખ્ય ઘટકોમાં સ્માર્ટ કૉન્ટ્રાક્ટને અમલમાં મૂકવા માટેનું પર્યાવરણ - ઇથેરીયમ વર્ચ્યુલ મશીન, તે માટે જરૂરી સંસાધનો તેમ જ પિયર-ટુ-પિયર નેટવર્ક પ્રોટોકૉલનો સમાવેશ થાય છે. બૅન્કિંગ, ફાયનાન્શિયલ સર્વિસીઝથી શરૂ કરીને નાગરિકોની ડિજિટલ ઓળખ માટેની વિવિધ એપ્લિકેશન તૈયાર કરીને અમલમાં મૂકવામાં ઇથેરીયમના વધતા જતા પ્રભાવને કારણે તેને નિર્વિવાદપણે અત્યંત મહત્ત્વનું બ્લોકચેઇન પ્લેટફોર્મ કહી શકાય.

    કોઈ પણ કંપનીને બ્લોકચેઇન આધારિત માહિતી પદ્ધતિ તૈયાર કરવી હોય ત્યારે બ્લોકચેઇન પ્લેટફોર્મની પસંદગી કરતી વખતે અનેક મુદ્દાઓની ચકાસણી ઉપરાંત નીચે જણાવેલા મુદ્દાઓને પણ ધ્યાનમાં લેવા જોઈએ :

    1. નેટવર્કનો પ્રકાર : પબ્લિક, પરમિશન્ડ અથવા પ્રાયવેટ

    2. બ્લોકચેઇનના વિવિધ નૉડ દ્વારા તૈયાર થતા રહેતા બ્લોક પૈકી કયા બ્લોકને બ્લોકચેઇનમાં જોડવામાં આવશે અને તે માટે સર્વસંમતિ સાધવા માટે કયા આલ્ગોરિધમનો ઉપયોગ કરવામાં આવશે ? આ માટે અત્યારે પ્રૂફ ઑફ વર્ક, પ્લગેબલ ફ્રેમવર્ક, બીઝાઇનટાઇન ફૉલ્ટ ટોલરન્સ, પ્રૂફ ઑફ સ્ટેક, પાર્ટીશન્ડ કન્સેનસસ વગેરે આલ્ગોરિધમ ઉપલબ્ધ છે. આ ક્ષેત્રે સક્રિયપણે સંશોધન થઈ રહ્યું છે.

    3. કયું સંચાલન અથવા શાસન તંત્ર તેની સાથે સંકળાયેલું છે : ઇથેરીયમ સાથે સંકળાયેલા ડેવલપરો / લિન્કસ્ ફાઉન્ડેશન / સ્ટેલર ડેવલપર ફાઉન્ડેશન / હેડેરા હેશગ્રાફ કાઉન્સીલ વગેરે

    4. સ્માર્ટ કૉન્ટ્રાક્ટ માટેનું પ્રૉગ્રામિંગ શક્ય છે કે નહીં ?

    5. લેજરનો પ્રકાર : પરમિશનલેસ / પરમિશન્ડ

    6. બ્લોકચેઇન પ્લેટફોર્મને ચલાવવા તેમ જ પ્રૉગ્રામિંગ કરવા માટે કેવા પ્રકારની તકનીકી મદદ તેમ જ તેને માટેના દસ્તાવેજો ઉપલબ્ધ છે કે નહીં ?

    7. જે બ્લોકચેઇન પ્લેટફોર્મનો ઉપયોગ કરવા માંગો છો તે પ્રચલિત છે કે નહીં ? યુઝર્સ દ્વારા તેને કેવું રેટિંગ મળ્યું છે ? GitHub નામના ઓપન સોર્સ ભંડારમાં જે તે બ્લોકચેઇન પ્લેટફોર્મ આધારિત કેટલા પ્રોજેક્ટની નોંધણી તથા વિશેષ માહિતી મૂકવામાં આવેલી છે ?

    8. બ્લોકચેઇન પ્લેટફોર્મનો ઉપયોગ કરવા માંગો છો તેને ચલાવવા માટે તથા તેનું પ્રૉગ્રામિંગ કરવા માટે જરૂરી હાર્ડવેર તેમ જ સૉફ્ટવેરનો ખર્ચ કેટલો થાય છે ?

    9. તકનિકી જ્ઞાન ધરાવતા નિષ્ણાતો તેમ જ સૉફ્ટવેર ડેવલપરો ઉપલબ્ધ છે કે નહીં ? તેમનું મહેનતાણું કેટલું હશે ?

    બ્લોકચેઇન એપ્લિકેશનનો જે વિવિધ ક્ષેત્રોમાં ઉપયોગ વધતો જાય છે તેની આંશિક યાદી નીચે જણાવેલી છે :

    1. ફિનટેક એટલે કે ફાયનાન્શિયલ ટેકનોલૉજી : નવી ટેકનોલૉજીની મદદથી જે કંપનીઓ ફાયનાન્શિયલ સર્વિસીસને વધુ ને વધુ કાર્યક્ષમ બનાવી રહી છે તે ક્ષેત્રને ફિનટેક કહેવામાં આવે છે. આવનારા વર્ષોમાં ફિનટેકને વધુ ને વધુ મજબૂત બનાવવામાં મુખ્ય ટેકનોલૉજી તરીકે બ્લોકચેઇનને જોવામાં આવે છે. બૅન્કીંગ, વીમો, ટ્રાન્ઝેકશન તથા પેમેન્ટ, ટ્રેડીંગ તથા ઇનવેસ્ટમેન્ટ, ક્રાઉડફંડીગ વગેરે ક્ષેત્રોમાં ફિનટેકનો ઉપયોગ વધતો જશે.

    2. ઇન્ટરનૅટ ઑફ થિંગ્ઝ (IoT) : IoTમાં એવી ડિવાઇસનો ઉપયોગ થાય છે જે પોતે ડેટા એકત્ર કરી શકે છે, તેની જરૂરી પ્રક્રિયા કરી શકે છે અને નિયંત્રણ કરી શકે છે. IoTનું ઉદાહરણ લઇએ તો કોઈ પણ ચાર રસ્તા પર વાહનોની ગતિવિધિને કૅમેરા તથા સેન્સર્સની મદદથી નોંધી શકાય છે તથા નિયમોનું ભંગ કરનાર વાહનો અંગે માહિતી આપમેળે ભેગી પણ કરી શકાય છે. બ્લોકચેઇનની મદદથી IoT આધારિત સ્માર્ટ લૉક, સ્માર્ટ પાર્કિંગ, ઘરમાં ઉપયોગમાં લેવાતા સ્માર્ટ એપ્લાયન્સીઝ જેવા કે સ્માર્ટ ટીવી કે વૉશીંગ મશીન, વાહનો વચ્ચેનું કૉમ્યુનિકેશન જેવી એપ્લિકેશન તૈયાર કરી શકાય.

    3. ઔદ્યોગિક ઉત્પાદન : ઑન ડિમાન્ડ મેન્યુફેકચરીંગ, મશીનોની વચ્ચે થતું કૉમ્યુનિકેશન, સપ્યાલ ચેઇન મૅનેજમેન્ટ, ઉત્પાદિત ચીજવસ્તુનું સર્ટીફિકેશન, મશીનોનું મેઇન્ટેનન્સ, વગેરે

    4. રેકોર્ડ તથા રજીસ્ટ્રી : જન્મ, મૃત્યુ કે લગ્ન, જમીન કે મકાન જેવી મિલકત વગેરેની નોંધણી વગેરે

    5. હેલ્થકૅર : દર્દીની સારવાર અંગેની મૅડિકલ હિસ્ટ્રી, દર્દીઓની તબિયત અંગેના ઇલેકટ્રોનીક રેકોર્ડ, મૅડિકલ વીમા અંગેના ક્લેઇમ વગેરે.

    વર્લ્ડ ઇકોનોમિક ફૉરમ મુજબ 2027 સુધીમાં વિશ્વની 10% જેટલી GDP બ્લોકચેઇન આધારિત હશે. IBMના અહેવાલ મુજબ વર્ષ 2017માં બ્લોકચેઇનનું માર્કેટ 708 મિલિયન ડૉલર હતું જે 2024માં વધીને 60.7 બિલિયન ડૉલર થશે.

    E-mail: srchaudhary@gmail.com



    સંજય ચૌધરી


Your Rating
blank-star-rating
જગદીપ ઉપાધ્યાય - (13 April 2020) 5
વિશદ મંથન

0 0

ભગીરથ ચાવડા - (09 April 2020) 5
very informative.

0 0