વાઈફો ઓનલાઈન મળતી નથી..!
જાગવા કે જગાડવા એલાર્મ મુકવું, એ માનવીય સુવિધા છે. છતાં અમુક કુંભકર્ણો એલાર્મને પણ ગાંઠે ખરાં ? એલાર્મ વગાડો કે એના કાન આગળ મીલનું ભૂંગળું વગાડો..! કોઈ ફરક નહિ પડે. બિચારા દેવો રહ્યાં જલારામ જેવાં. એમની પાસે એલારામ જેવી સુવિધા તો હોય નહિ. ફરજ અને નિયમના એવાં પાક્કા કે, દેવ ઉઠી અગિયારસ આવે એટલે, એવું નહિ કહે કે, બારસે ઉઠીશ. પથારી માંથી ઊભાં જ થઇ જાય..! ચિંતા હોય ને, મારે લીધે કંઈ કેટલાના ધાર્મિક કાર્યોમાં ડખા થશે. પૈણવાવાળાના માંડવા અટકી પડશે, ને પરણાવવાનો ટાર્ગેટ અધુરો રહેશે તે અલગ..! માણસે તો માત્ર વંશની વૃદ્ધી જ કરવાની હોય, દેવોએ તો આખી દુનિયા ચલાવવાની..! દેવો ના ઉઠે તો, કોડીલી કુંવારી પૈણું-પૈણું કરતી જમાતની હાલત, છતી બહુમતીએ રાષ્ટ્રપતિ શાસનમાં જીવતાં હોય તેવી થઇ જાય..! ઢોલ શરણાઈઓ લઈને દેવો ને ઉઠાડવા પણ જાય, પણ જાય ક્યાં..? ભગવાને ક્યા કંઈ કોઈને પાકું સરનામું આપ્યું જ છે..? ભગત ભજન ને મંજીરા ઠોકવાવાળા સિવાય એ ક્યાં કોઈને મળે જ છે..? એ તો સારું છે કે, વાઇફો ઓનલાઈન મળતી નથી. નહિ તો ડબલા-ડૂબલીની માફક ઘરમાં વાઈફોનો પણ ઢગલો કરી નાંખે.
મારી પાસે ઝાઝા વાવડ તો નથી, પણ દિવાળી વેકેશન પૂરું થતાં, જેમ બધાં જ પોતપોતાના ધંધે લાગી જાય, એમ દેવો પણ જવાબદારી પૂર્વક કામધંધે લાગી જતાં હશે. લગનનો મામલો છે ને યાર..! જેની સામે આખી જિંદગી સ્વાહા કરવાની હોય, ત્યારે જ દેવો સુતેલા રહે, તો પરણેલાંને સંભાળે કોણ? દેવોની સાક્ષી તો જોઈએ જ ને..? ખાનગીમાં બંનેએ ગમે એટલી વખત હાથ જકડી રાખ્યા હોય, પણ જ્યાં સુધી દેવ-ભૂદેવોની હાજરીમાં હાથ નહિ પકડાય, ત્યાં સુધી કાચાં લાઈસન્સ ઉપર જ નભવાનું ને..? પાક્કું લાઈસન્સ થોડું મળે? ન કરે નારાયણ, લગન પછી કંઈ આડું ફાટ્યું તો..? જાનમાં આવેલા જાનૈયા થોડા બચાવવા આવે? ભૂ-દેવો પણ હાથ ઊંચા કરી દે કે, “ વર મરો કે કન્યા મરો, આપણું તરભાણું ભરો...! ‘ એ તો ઉપરથી કહી પણ જાય કે, અમારાં જ હોલવાતા નથી, તો તમારાં સળગેલા ક્યાંથી ઠારવા આવીએ..? દેવો જાગતાં હોય ને પરણે તો, જામીન તો રહે..?
પૈણવાનો કાર્યક્રમ સદીઓથી ચાલે છે. માનવજાત ઉપર દુકાળો પડ્યા હશે. બાકી એકપણ લગન વગરનું વર્ષ ના ગયું હોય?, ગોળના માટલાના મંકોડા, જેમ માટલું નથી છોડતા, એમ હરામ બરાબર જો કોઈ લગન કરવાનું છોડતાં હોય તો..! એકવાર પૈણવાનો થવો જ જોઈએ. ઘરમાં ખખડી ગયેલા બાપા ઉઠ્યાં કે નહિ, એની ચિંતા કરવાને બદલે, દેવો ક્યારે ઉઠશે એની જ ચિંતા કરવાનો..! વિચાર તો કરો, દેવો મહોલ્લામાં રહેતાં હોય તો એની શું વલે થાય? ભગવાનના ડોરબેલનું કચુંબર કરી નાંખે. લગનનું માંડ ગોઠવાયું હોય એટલે, રોજ સવાર થાયને ડોરબેલ વગાડી જુલમ પાડે. દેવ ઉઠી અગિયારસ આવવી જ જોઈએ, બનીઠનીને એવો તૈયાર થઇ જાય કે, જાણે શબરી ઘરે રામ નહિ આવવાના હોય..? ખાતરી થઇ જાય ને કે, હવે આપણો ખેલ ચાલવાનો..! ને તમને ક્યાં ખબર નથી લગનનો મામલો પાછો વિચિત્ર પણ ખરો ને..? લગન તોડવાવાળા તો પાદરે પીંછી નાંખવા બેઠાં જ હોય. એવી પીંછી નાંખે કે, મુરતિયો કે મુરતિયણને ગંધ શુદ્ધાં નહિ આવવા દે કે, કુંડળીમાં કયો શ્વાન આંકડા ફેરવી ગયો..?
દેવ ઉઠ્યાં એટલે, ‘સાવધાન’ ના ગગનનાદ હવે ચાલુ..! ચૂંટણી માટે તો જાહેરાત પણ કરવી પડે. દેવ ઉઠી એકાદશી માટે જાહેરનામું પણ બહાર પાડવું નહિ પડે. વગર જાહેરાતે મામલો ઉંચકાવા માંડે. ઘરની બહાર પગ મૂકો એટલે, આતંકવાદી ઘૂસી ગયાં હોય, એમ ‘સાવધાન-સાવધાન’ ના ગગનનાદ જ સંભળાય. જેમ કે, વાજા વાજિંત્રો સાવધાન..! દેવી દેવતાઓ સાવધાન, ભૂ-દેવો સાવધાન, વર-કન્યા સાવધાન, મંડપ-લાઈટવાળા સાવધાન, ફટાકડા ને ફટાણાવાળા સાવધાન, કેટરર્સવાળા સાવધાન, વેપારીઓ સાવધાન, સાસુ-સસરાઓ સાવધાન, વૃદ્ધાશ્રમો સાવધાન..! નણંદો સાવધાન..ને અક્ષર શૂન્યને સમય વરતે સાવધાન...! [ તાળી શેના પાડો છો, આ તો જસ્ટ એક ‘ઈમેજ’ બતાવી..! ]
‘સાવધાન’ ના આ બોંબ ધડાકા કરીને, કોઈપણ પરણેલાનું હું ‘ બ્લડ પ્રેસર ‘ વધારવા માંગતો નથી. કોઈની દુખતી નસ દબાવવાનો મારો લેશમાત્ર ઈરાદો નથી. આ તો ધરતીકંપના આંચકા અચાનક આવે, એના કરતાં હળવા ધ્રુજારા આપીને ચેતવેલા સારાં. ‘ચેતતો વર સદા સુખી’ બીજું શું? સંતો કહે જ છે ને કે, જીવનમાં થોડાંક ભલાઈના કામ પણ કરવાના, એટલે મેં પણ આ ૧૦૦ ગ્રામ ડહાપણ કર્યું...! બાકી લગન એક એવો જોડો છે કે, જે પહેર્યા પછી જ ડંખે..! એનો પહેરનાર જ જાણે કે, એ ક્યાં-ક્યાં ડંખે છે...! ઉઘાડપગાને જાણવાનું મળે..! ખોટું કહેતો હોય તો પૂછો દાદૂને..!
આજથી બરાબર ૪૭ વર્ષ પહેલાં, મે પણ આવા જોડાનું શોપિંગ કરેલું. મારા હાડકે પણ પીઠી લાગેલી. એ વખતે દેવોને જબરદસ્તીથી ઉઠાડેલા કે, પૈણવા માટે કોઈએ મને જબરદસ્તીથી ઉઠાડેલો એ યાદ નથી. ને યાદ રહે પણ ક્યાંથી ? સંતો કહી ગયાં છે કે, દુખદ પ્રસંગો ભૂલી જવા સારાં..! પરણાવેલો શું કામ, એ યાદ નથી, તો આ બચ્ચા-યાદવને બીજું બધું તો ક્યાંથી યાદ હોય..? પણ, સરસ મઝાના માંડવામાં મારા માથે પણ ‘સાવધાન’ શબ્દોના અભિષેક થયેલાં, એ પાક્કું...! ભૂદેવ તો બિચારા ગળું ફાડી-ફાડીને કહેતાં હતાં કે, ‘ સાવધાન..સાવધાન ’ પણ ઉમંગનો અતિરેક જ એવો સોલ્લીડ કે, શબ્દો સંભળાય ખરાં, પણ સમજવાની દાનત પણ જોઈએ ને..? ‘કન્યા પધરાવો સાવધાન ‘ કહ્યું ત્યારે તો બંદાએ જોયેલું કે, આપણો પીછો પકડીને કોણ આવવાનું છે..? એ જમાનામાં લગન પહેલાં વાઈફનો ફોટો રાખાવની વાત તો દૂરની, મોઢું જોવા માટે પણ મહેનત પડતી.. લગન પછી જ ખબર પડતી કે, લમણે કેવું પાત્ર ઝીંકાયું છે..? ‘સાવધાન’ ની એ ભેદી ગૂંજ, હજી પણ મગજમાં ઘૂમરી મારે છે..! ઝાંખું ઝાંખું એ પણ યાદ આવે છે કે, મંગળફેરા પણ ફરેલો. ને તે પણ એવા ઉન્માદ સાથે કે, જાણે લગાનના માંડવામાંથી જ મારે મંગળના ગ્રહ ઉપર પ્રયાણ કરવાનું ના હોય..?
લગન પછી તો, વાહનને ‘પીયુસી’ સર્ટીફીકેટ મળતાં, જેવી ટાઢક થાય, એવા ગલગલીયાં કન્યાને ઘરે લઈને આવ્યો ત્યારે થયેલાં. તમને થશે જ કે, લગનના મામલા સાથે વાહનના ‘પીયુસી’ ને શું લેવાદેવા..? પણ આ વાહન માટે ‘પીયુસી’ લેવાની ફેશન ત્યારથી જ આવેલી. કારણ કે, આ મંગળફેરા એ પણ લગનનું એક ‘પીયુસી’ જ કહેવાય. [ પી= એટલે પરણીને, યુ= એટલે ઊંધા પડવાનું, ને સી= એટલે સર્ટીફીકેટ..! ] શું કહો છો મામૂ...?
લગન જરૂરી છે. પણ, માત્ર લગનના મામલા માટે દેવોને દુખી કર્યાની વેદના હજી માથે ભમે છે. પણ કહેવું કોને.? અબ પછતાવે હોત કયા, જબ ચીડિયા ચુગ ગઈ ખેત.....! જો હો ગયા, સો હો ગયા. સમાજની વ્યવસ્થાને વળગવું પડે. એમાં આપણે કોઈ ઉજમ બતાવ્યો કે, બંદા ગુન્હેગાર થયાં છે એવું પણ નથી. કરોડો લોકો આ ધરતી ઉપર આવ્યાં, ને કરોડો લોકો મીંઢળ બાંધીને વિદાય થયાં, ને શક્તિ પ્રમાણે કંઈ ને કંઈ આ ધરતી ઉપર મુકતા ગયાં છે. કોઈ દિવસ મતદાર યાદી ટૂંકી થઇ ગઈ હોય એવું બન્યું નથી. પછી કોઈને પૈણવાની ફુરસદ મળી ના હોય, ને મીંઢળ વગર વિદાય થયાં હોય, એ વાત અલગ. કિમ કરોતિ આપણેસ્ય...? [ સંસ્કૃતમાં ભાષણ આપવાનું હોય તો કહેજો. ]
આમાં એવું છે કે, ચોમાસું આવે ત્યારે જ ખબર પડે કે, છત્રીમાં કેટલા વાંધા ને કેટલા સાંધા છે. પૈણવા ગયાં ત્યારે લમણે પિસ્તોલ મૂકીને તો કોઈએ ત્રાડ નહિ જ નાંખી હોય કે, ‘ પૈણના હૈ કી, યે ગોલી ભેજેકે આરપાર નિકાલ દુ...?’ આમાં વોરંટી કે ગેરંટી જેવું તો આવે નહિ. સરવૈયું કાઢીએ ત્યારે ખબર પડે કે, પૈણવા કરતાં, બે વીંઘામાં ઘઉં કરવા સારાં. પણ સુતેલા દેવોને જગાડવા નહિ. છતાં અમુક લોકો બહાદુર પણ છે. પૈણવાની એવી ઉતાવળ કરે કે, દેવોને ઊંઘતા મુકીને પણ લગનવાળું પતાવી નાંખે. એને ખબર જ હોય કે, લગન પછી પણ બધું મારે જ પંજેલવાનું હોય તો, દેવો હોય કે ના હોય, શું ફરફ પડે..? છે. લગન કર્યા પછી દેવો કંઈ સબસીડી કે સ્કોલરશીપ તો આપવા આવવાના નથી. સમય સમય બલવાન હૈ, નહિ લગન બલવાન..! આ બધી સમય-સમયની હેરાફેરી છે દાદૂ..!. પહેલાં માંડ એક-બે વ્યક્તિ પાસે ઘડિયાળ રહેતી, ને બાકીના પાસે સમય હતો. આજે બધા પાસે ઘડિયાળ છે. પણ કોઈની પાસે સમય નથી. મોબાઈલ આવ્યો એટલે ઘડિયાળ ખતમ, કેમેરો ખતમ, ટોર્ચ ખતમ, રેડિયો ખતમ, પત્રવ્યવહાર ખતમ, કેલ્કયુલેટર ખતમ, કેલેન્ડર ખતમ, કોમ્પ્યુટર ખતમ, ને જો એ મોબાઈલ વાઈફના હાથમાં ગયો તો, આપણે પણ ખતમ..! લગનની પ્રથા જ એક એવી છે કે, એમાં હજી ‘સાવધાન’ પ્રથા ટકી છે, એટલે આપણે સાવધાન છે. બાકી છટકું લોકોએ તો એમાં પણ છટકબારી શોધી જ છે ને..?
માણસ હવે પ્લાસ્ટિક બની ગયો દોસ્ત..! માણસનું હૃદય પ્લાસ્ટીકનું, વિચાર પ્લાસ્ટીકના, લાગણી પ્લાસ્ટીકની, સંબંધ પ્લાસ્ટીકના, વ્યવહાર પ્લાસ્ટીકના. અભિ બોલા અભિ ફોકની માફક યુઝ એન્ડ થ્રો જેવાં..! એમાં દેવની હાજરી તો લગનમાં અચૂક જોઈએ.
‘ ફાસ્ટ-ફૂડ ‘ અને ‘ ફાસ્ટ-વર્લ્ડ ‘ ની માફક લગન પણ એક ફાસ્ટ-દૌડ છે. માણસ પાસે આજે સમય નથી. બીજાઓને ‘ હલ્લો-હાઈ ‘ કરવામાં એ એટલો ખર્ચાય જાય છે કે, ખુદની વાઈફ માટે વ્હાલના બે શબ્દો બોલવા પણ એને શબ્દકોશ શોધવો પડે. સારું છે કે, ઓન-લાઈન ‘ પાર્સલ ‘ થી પત્ની મેળવવાની સુવીધા ઉપલબ્ધ થઇ નથી. બાકી જાન લઈને પરણવા જવાનો પણ સમય આજે એની પાસે ક્યાં છે.?
----------------------------------------------------------------------------------------------------------------------------------19 નવેમ્બર 2019