આજના બર્થડે સર્જક : ભાવિન ગોપાણી
19/4/2020
(સંકલન cp અને સ્કેચ: 'શિલ્પી' બુરેઠા કચ્છ)
સર્જક પરિચય
***
ભાવિન ગોપાણી બાંધણીનાં વેપારીછે અને અમદાવાદના રહેવાસી એવા આ ગઝલકાર નો જન્મ ૧૯ એપ્રિલ ૧૯૭૬ના રોજ અમદાવાદમા થયો હતો. ( પિતા: બિપિનચંદ્ર ગોપાણી, માતા: જ્યોત્સના ગોપાણી). તેમણે શાળાનું શિક્ષણ અમદાવાદ ખાતે પ્રકાશ બાલમંદિર (ધોરણ ૧ થી ૪; ૧૯૮૧થી ૧૯૮૫); દુર્ગા વિદ્યાલય (ધોરણ ૫ થી ૧૦; ૧૯૮૫ થી ૧૬૯૧) અને સરદાર પટેલ હાઇસ્કૂલ (ધોરણ ૧૧ અને ૧૨; ૧૯૯૧ થી ૧૯૯૩)માંથી લીધું. ૧૯૯૬માં તેમણે સહજાનંદ કોલેજ (અમદાવાદ)થી બી.કોમ ની ડિગ્રી મેળવી. ૧૧ ફેબ્રુઆરી ૧૯૯૯ના રોજ તેઓ કૈલાસ ગોપાણી સાથે લગ્નગ્રંથિથી જોડાયા.
તેમણે ગઝલસર્જનનો પ્રારંભ ૨૦૧૧થી કર્યો. ૨૦૧૩માં ‘કવિતા’ દ્રિમાસિકમાં સૌપ્રથમ વાર તેમની ગઝલ પ્રગટ થઇ. ત્યારથી લઇ આજ સુધી તેમની ગઝલો પરબ, કવિલોક, ગઝલવિશ્વ અને ધબક જેવા સામાયિકોમાં નિયમિત પ્રગટ થતી આવી છે. તેમના ‘ઉંબરો’ અને ‘ઓરડો’ નામનાં બે ગઝલસંગ્રહો પ્રકાશિત થયા છે.
Mob : +91 9825698628
E-mail ID: bhavingopani@yahoo.com
આવો એમના થોડાક મત્લાના શેર માણીએ
**
૪૪ મત્લા
1 ) હવે તો તું જ ક્હે કે શું લઉં હું આ નદીમાંથી?
તરસને કોઈપણ કાઢી શક્યું છે માછલીમાંથી?
2 ) એ મળ્યા હતા ગલીમાં ને ખરી કમાલ થઇ ગઈ,
અમે હાલચાલ પૂછ્યા, શરુ બોલચાલ થઇ ગઈ.
3 ) જ્યાં વિચાર્યું કે હવે પગલું ભરો,
છત સુધી ઉંચો થયો છે ઉંબરો.
4 ) રસ્તા તરફ ખુલવાનો હક ના હોય બારીને,
એવા મકાનોમાં જવું સમજી વિચારીને!
5 ) અજાણી છોકરી પૂછી ગઈ સરનામું આવીને,
પછી શું ? છોકરો ભૂલો પડ્યો રસ્તો બતાવીને.
7 ) ગયો સારું જ કરવા ને ફરી ખોટું કરી બેઠો,
સ્વમાની રંકને યાચક ગણી સિક્કો ધરી બેઠો.
8 ) ના કશે પ્હોંચી શકયા હાંફી ગયાને એટલે,
ને અમે હાંફી ગયા બેસી ગયાને એટલે.
9 ) એ જ તારી યાદના રસ્તે ચડીને,
રોજ હું પાછો ફરું છું લડથડીને.
10 ) ઘણી મેં શોધ કરી છે સ્તવનમાં સ્તુતિમાં,
મળ્યો છે આખરે ઈશ્વર સહાનુભુતિમાં
11 ) આ બંધ ઓરડામાં હવા છે, ઉજાસ છે,
ભીંતોમાં કઈ હદે જો પડી ગઈ તિરાડ છે.
12 ) જીવન આપજે તું ઉદાસી વગરનું,
હવે ઘર છે મારું અગાસી વગરનું.
13 ) પડે જો સૂર્યના કિરણ અવાજ સાંભળી શકો.
જો ધ્યાન દઈને સાંભળો સવાર સાંભળી શકો.
14 ) ઈમારત હવે કોઈનું ઘર નથી.
હવે એક પણ ત્યાં કબૂતર નથી
15 ) અમુક આપણામાં જ ખામી રહી છે,
ગુલામી હતી ને ગુલામી રહી છે.
16 ) આંગણુ, પાદર, ગલી ને ગામડું ટૂંકુ પડ્યું
સ્હેજ પાંખો વિસ્તરી ને પાંજરુ ટૂંકું પડ્યું
17 ) હતો ખૂબ વિશ્વાસ જે આંગળી પર,
મળી છાપ એની જ દીવાસળી પર.
18 ) પ્રથમ પ્રેમ તૂટ્યો તો બીજો કરે છે
ખરો છે, મુસીબતનો પીછો કરે છે
19 ) ફૂલને ક્હેજો કે રાખે સાવધાની,
બિનભરોસાપાત્ર છે આ ફૂલદાની
20 ) હાથમાં પાટા અને બંને પગે સળિયા હતા
એ જ માણસના શરીરે કંઈક માદળિયા હતાં
21 ) પ્રથમ તો સાવ ધીમે સ્પર્શની સરહદ વધી ગઈ
પછી એવું થયું કે વાત બહુ આગળ વધી ગઈ
22 ) ગગનને પારથી કોઈ સતત દુનિયા તરફ જોયા કરે
સિનેમાઘરમાં દર્શક જે રીતે પડદા તરફ જોયા કરે
23 ) દુખોનું કરી લઈને અત્તર ફરીથી
અમે ખુશ્બુ વ્હેંચી પરસ્પર ફરીથી
24 ) ઝાડનાં ખોળામાં બેસી છાંયડા
સાંભળે સૂરજ વિષેની વારતા
25 ) બધાને વાતમાં બહુ ગૂઢતા લાગી
મને તો બિનજરૂરી સ્પષ્ટતા લાગી
26 ) થયો વૃક્ષ નીચેથી પથ્થર પલાયન
ને છાપામાં આવ્યું કે ઈશ્વર પલાયન
27 ) હવે હું બધાથી છું ઉંચે, હવામાં,
મને કોઈ નાખી ગયું ત્રાજવામાં
28 ) આખી સફરમાં એ જ વધારે ગમી ગયા
રસ્તામાં જે વળાંક બહુ જોખમી ગયા
29 ) આવ્યો જરા પવન અને પડદો ખુલી ગયો
ખાલી મકાનનો ફરી ચહેરો ખુલી ગયો
30 ) માલસામાન લઈ રખડવાનું
કેટલી વાર ઘર બદલવાનું?
31 ) આવીને વાદળ એક સરખું સૌ તરફ વરસી ગયાં
બસ આટલી ઘટના ઘટીને કંઈક જણ સળગી ગયાં.
32 ) છે સારું કે તારી નિકટતા રહે છે
તને ભૂલવામાં સરળતા રહે છે
33 ) તમે આવો તમારા આવવાની રાહ જોઉં છું
છે ઈચ્છા શ્વાસ લેવાની હવાની રાહ જોઉં છું
34 ) મહેનત કરી આજે ફરી થાકી જવું હતું
જળમાં પડેલું આંસુ મારે શોધવું હતું
35 ) મને એ પત્ર ચમકદાર મોકલાવે છે
ને શબ્દ શબ્દમાં અંધાર મોકલાવે છે
36 ) થશે કઈ રીતે સર આ ઊંચા પહાડો
હું રોપું છું પગલું ને ઊગે છે ખાડો
37 ) એકાંત વ્યર્થ છે જો સ્વયંને જ ના મળાય
શું કામની એ ભીડ જો અથડાઈ ના જવાય?
38 ) તમે બબડી રહ્યા'તા એ સમય સારો હતો,
તમારા મૌનમાં તો ખૂબ દેકારો હતો.
39 ) નીકળી ચર્ચા જો બેકારી ઉપર
તો પડી સૌની નજર મારી ઉપર
40 ) માંગ્યો હતો મેં એક, તેં ઢગલા મુકી દીધા
રસ્તામાં જાતજાતના રસ્તા મુકી દીધા
41 ) આ મન હતું હેરાન ને હેરાન થયું છે
પીડાના ઘરે સાતમું સંતાન થયું છે
42 ) પછી મરજી મુજબ નફરત કરો, વંદન કરો,
તમારા દેવતાનું ખુદ તમે સર્જન કરો
43 ) તમે પૂછ્યો નહી રસ્તો, તમે પૂછો તો હું કહુને
મને કંઠસ્થ છે નકશો, તમે પૂછો તો હું કહુને
44 ) નજીક જઈએ તો શું વાત છે ખબર તો પડે
ઝપાઝપી કે મુલાકાત છે ખબર તો પડે
ભાવિન ગોપાણી
Happy birthday
Bhavin Gopani