વિશ્વવિખ્યાત સંશોધન અને સલાહકારી કંપની ગાર્ટનરના અહેવાલ મુજબ 2019ની દસ મહત્ત્વની ટેકનોલૉજી જેના ઉપયોગની અસર 2023 સુધીમાં જણાવવાની શરૂ થશે તેમાં બ્લોકચેઇનનો સમાવેશ હતો. ગાર્ટનર કંપનીએ 2020 માટે દસ મહત્ત્વની ટેકનોલૉજીમાં બ્લોકચેઇનને દર્શાવી છે. બ્લોકચેઇનનાં વિવિધ પાસાં જાણ્યા બાદ તેના ફાયદા તથા તેની સામે રહેલા પડકારો વિશે ટૂંકમાં પણ ચર્ચા કરવી જરૂરી છે.બ્લોકચેઇનના મુખ્ય ફાયદાનીચે મુજબ છે :
વિકેન્દ્રીત તથા વિશ્વાસ વગરનું નેટવર્ક :બ્લોકચેઇન એ આર્થિક લેવડદેવડના ટ્રાન્ઝેકશનનો સંગ્રહ કરતું જાહેર લેજર છે જેનું સંચાલન વિકેન્દ્રીત નૉડ દ્વારા કરવામાં આવે છે. આ તમામ નૉડ વિકેન્દ્રીત પીઅર-ટુ-પીઅર નેટવર્કની રચના કરે છે. અહીં તમામ નૉડ એકમેક પર વિશ્વાસ ધરાવતા નથી હોતા તેમ જ તેમને એકમેક સાથે લેવડદેવડ માટે માત્ર કોઈ એક જ નિયમનકારી મધ્યસ્થ સંસ્થાની જરૂર નથી. અહીં આર્થિક લેવડદેવડના તમામ ટ્રાન્ઝેકશનની ચકાસણી આવા નૉડ દ્વારા કરવામાં આવે છે અને તમામ નૉડની સંમતિના આધારે જ રેકોર્ડને પ્રમાણિત કરીને લેજરમાં ઉમેરવામાં આવે છે.
સ્થિતિસ્થાપકતા:બ્લોકચેઇન નેટવર્કની રચના વિકેન્દ્રીત પીઅર-ટુ-પીઅર નેટવર્કના ભાગરૂપ અનેક નૉડ દ્વારા થયેલી હોય છે, જેથી એક અથવા અનેક નૉડ ખોરવાઈ જાય કે કામ કરતા બંધ થઈ જાય તોય બ્લોકચેઇન નેટવર્ક બંધ નથી પડી જતું. આમ, તે સ્થિતિસ્થાપક છે. બ્લોકચેઇનનું જાહેર લેજર એ કાયમી તેમ જ અચળ છે અને તમામ નૉડની સંમતિ પછી જ પ્રમાણિત કરીને લેજરમાં ઉમેરવામાં આવેલા રેકોર્ડમાં સુધારા કરી શકાતા નથી કે તેને ભૂંસી શકાતા નથી.
આપમેળે વિસ્તરી શકે તેવું:વિકેન્દ્રીત પીઅર-ટુ-પીઅર નેટવર્કના અનેક નૉડ પાસે રહેલા કૉમ્પ્યુટેશનલ સાધનો બ્લોકચેઇનને ઉપલબ્ધ હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો બ્લોકચેઇન એ આ તમામ નૉડ પાસે રહેલા કૉમ્પ્યુટેશનલ સાધનોનો સરવાળો છે. માયનીંગ, રેકોર્ડના સંગ્રહ, સંદેશા મોકલવા જેવી પ્રક્રિયા માટે કૉમ્પ્યુટેશનલ સાધનોનીજરૂર પડે છે. તહેવારો કે વેચાણની આકર્ષક જાહેરાતો જેવા વિશિષ્ટ સંજોગો દરમ્યાન લેવડદેવડના ટ્રાન્ઝેકશન એકદમ જ વધી જતા હોય છે ત્યારે તેને અનુરૂપ નેટવર્કને ચલાવવા માટે કૉમ્પ્યુટેશનલ સાધનોની તાતી જરૂર પડતી હોય છે, જે આ નૉડ દ્વારા પૂરી પાડવામાં આવે છે. આમ, બ્લોકચેઇન નેટવર્ક આપમેળે વિસ્તરી શકે છે.
સુરક્ષિત તેમ જ હિસાબ-તપાસણીપાત્ર:ક્રિપ્ટોગ્રાફી એ ગણિત આધારિત ડેટાને સુરક્ષિત રાખવાનું વિજ્ઞાન છે. બ્લોકચેઇનમાં તમામ ટ્રાન્ઝેકશનનો સંગ્રહ ક્રિપ્ટોગ્રાફીના સિદ્ધાંતોને આધારે કરવામાં આવે છે, તેથી અહીં તમામ ટ્રાન્ઝેકશન સુરક્ષિત છે અને તેની સાથે ચેડાં કરી શકાતાં નથી. નેટવર્કના ભાગરૂપ તમામ નૉડની સંમતિપછી જ જાહેર લેજરમાંટ્રાન્ઝેકશનનો સંગ્રહ કરવામાં આવે છે અને તેથી જ તમામટ્રાન્ઝેકશન તપાસને પાત્ર છે. માટે જ બ્લોકચેઇન પારદર્શી ગણાય છે તેમ જ તેના કોઈ પણ ટ્રાન્ઝેકશન વિવાદીત હોતા નથી.
સ્વાયત્ત:વિવિધ એપ્લિકેશનમાં ફેકટરીઓનાં મશીનો, ટ્રાફિક સિગ્નલ માટેના કૅમેરા, માલસામાનની હેરફેર કરતાં વાહનો વગેરે જેવા યંત્રો કે સાધનોને ઇલેકટ્રોનીક તથા કૉમ્યુનિકેશન એકમો દ્વારા સાંકળી શકાય છે જેથી તેઓ એકમેક સાથે ટ્રાન્ઝેકશન કરી શકે. ઇન્ટરનેટ-ઑફ-થીંગ્ઝ (IoT)ના સિદ્ધાંતોના આધારે આ પ્રકારની રચના શક્ય છે. બ્લોકચેઇન નેટવર્કમાં આવાં સાધનોને IoTની મદદથી સાંકળી લઈ આ તમામ સાધનો એકમેક સાથે કામ કરી શકે તેવી બ્લોકચેઇન એપ્લિકેશન તૈયાર કરી શકાય છે. અહીં ખરો લાભ એ છે કે તમામ યંત્રો કે સાધનો કોઈ પણ વચગાળાની મધ્યસ્થી વિના જ સ્વાયત્ત રીતે એકબીજા સાથે ટ્રાન્ઝેકશન કરી શકશે.
બ્લોકચેઇન એ નવી ટેકનોલૉજી છે. તેનું નેટવર્ક તૈયાર કરવું, તેના આધારે એપ્લિકેશન તૈયાર કરીને લોકોના ઉપયોગ માટે મૂકવી, તેના દૈનિક સંચાલન દરમ્યાન ઊભા થતા ટેકનિકલ પ્રશ્નોનું નિરાકરણ લાવવું વગેરે સરળ નથી, બલ્કે જટિલ છે. બ્લોકચેઇનનો ઉપયોગ કરતા પહેલાં તેનાં વિવિધ પાસાંનુંવ્યવસ્થિત આયોજન અનિવાર્ય છે જેને માટે નિષ્ણાતોની મદદ લેવી જોઈએ, નહીંતર સમગ્ર પ્રોજેક્ટ ખોરવાઈ જાય અથવા તો નિષ્ફળ પણ નીવડે.બ્લોકચેઇન ટેકનોલૉજીનો ઉપયોગ સફળ નીવડે એ માટે નીચે મુજબના પડકારોને શરૂઆતથી જ ધ્યાનમાં લેવા જોઈએ.
નવી ટેકનોલૉજી અને મર્યાદિત ઉપયોગ: બ્લોકચેઇન નવી ટેકનોલૉજી હોવાને કારણે તેનું પ્રોગ્રામીંગથી શરૂ કરીને ટેકનિકલ સંચાલન વિશે જાણકારી ધરાવનારાઓની સંખ્યા ઓછી છે. ફિનટેક સિવાયનાં ક્ષેત્રોમાં તેનો ઉપયોગ પણ મર્યાદિત છે.
ગોપનીયતા: બ્લોકચેઇનનું અતિ અગત્યનું અંગ એ જાહેર લેજર છે. તેમાં નોંધાયેલા તમામ પ્રકારના ટ્રાન્ઝેકશનને સહુ કોઈ જોઈ શકે છે. તેને કારણે જે બાબતોને ગુપ્ત રાખવાની હોય અથવા તો સહુ કોઈ માટે જાહેર રાખવાની ના હોય તો તે અંગે પ્રશ્નો ઊભા થઈ શકે.
કાર્યદક્ષતા અથવા સાધનોનો અસરકારક ઉપયોગ:માયનીંગ પ્રક્રિયા દરમ્યાન કયા બ્લોકને નવા બ્લોક તરીકે બ્લોકચેઇનની કડીમાં જોડવામાં આવશે તે અંગે અનેક માયનર્સ નૉડ દ્વારા જે ઘનિષ્ઠ કૉમ્પ્યુટેશન પ્રક્રિયાઓ કરવામાં આવે છે.દા.ત. માયનીંગ નૉડ વચ્ચે સંમતિ સાધવા માટે ઉપયોગમાં લેવામાં આવતા પ્રુફ ઑફ વર્ક જેવા આલ્ગોરિધમતેમના અમલદરમ્યાન વિપુલ માત્રામાં વીજળીથી શરૂ કરીને અન્ય સાધનોનો ઉપયોગ કરે છે. આના કારણે સાધનોના કાર્યદક્ષ તથા અસરકારક ઉપયોગ અંગે પ્રશ્નો ઊભા થાય છે.
નિયમનકારી કેન્દ્રીય સંસ્થાઓ:મોટાભાગના ઉદ્યોગ-ધંધાઓ તેમના વ્યવસાય માટે સરકાર તથા તેમના એસોશિયેશન દ્વારા ઘડવામાં આવેલા કાયદા અને નિયમોનું પાલન કરતા હોય છે. દા. ત. ભારતમાં બૅન્કીંગ પદ્ધતિ માટે રીઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા. બીજા શબ્દોમાં કહીએ તો તમામ આર્થિક વ્યવહારો માટે રીઝર્વ બૅન્ક દ્વારા નિયમોનું કેન્દ્રીય ધોરણે પાલન કરવું પડે છે. કોઈ પણ કેન્દ્રીય ધોરણે નિયમન થતા રહેતા વ્યવહારોના અમલમાં સમયનો વિલંબ થવાનો અને પદ્ધતિઓમાં જડતા પણ જોવા મળતી હોય છે. તેને દૂર કરવાના ખ્યાલથી જ બ્લોકચેઇનનો આવિષ્કાર થયો છે, પરંતુ તેને સફળ બનાવવા માટે ઉદ્યોગ-ધંધા માટે વિકેન્દ્રિત પદ્ધતિઓ ઊભી કરવી પડે અને તે માટે સરકાર તેમ જ વિવિધ એસોસિયેશને સાથે મળીને જરૂરી ફેરફાર અથવા નવી વિકેન્દ્રિત પદ્ધતિઓ ઊભી કરવી પડે, જેથી જે તે ક્ષેત્રના વ્યવહારોના અમલ માટે સંમતિ સાધી શકાય.
સ્માર્ટ કૉન્ટ્રાક્ટને સંલગ્ન મર્યાદાઓ:બ્લોકચેઇનનું પ્રૉગ્રામીંગ સ્માર્ટ કૉન્ટ્રાક્ટ આધારિત છે એટલે કે બ્લોકચેઇન નેટવર્કમાં કોઈ પણ વ્યવહાર કે પ્રક્રિયાનું અમલ કરવા માટે સ્માર્ટ કૉન્ટ્રાક્ટના સ્વરૂપે પ્રૉગ્રામ લખીને અમલમાં મૂકવામાં આવે છે. આમ, આ એક સૉફ્ટવેર છે. અન્ય કોઈ પણ સૉફ્ટવેરની માકફ સ્માર્ટ કૉન્ટ્રાક્ટને હૅક કરી શકાય એટલે કે તેને ચીરી શકાય છે અને તેની નબળી કડી શોધીને ન કરવાનું કામ પણ કરી શકાય છે. દા. ત. કોઈ એકના ખાતામાંથી રકમને ઉપાડીને ગેરકાયદેસર રીતે અન્ય કોઈના પણ ખાતામાં જમા કરી દેવી. ખાસ કરીને, ક્રિપ્ટોકરન્સી આધારિત એપ્લિકેશનો માટે આ જોખમ ઊભું રહે છે.
વિકેન્દ્રિત પદ્ધતિ માટેની ટેકનોલૉજી:બ્લોકચેઇન એ વિકેન્દ્રિત પદ્ધતિઓ તૈયાર કરવા માટેની ટેકનોલૉજી છે. વિશ્વના કોઈ પણ ખૂણેથી એકથી વધુ લોકો કોઈ એક ધંધાકીય પ્રક્રિયા જેવી કે એક કંપનીના વિવિધ કર્મચારીઓ અલગ અલગ સ્થળેથી આર્થિક લેવડદેવડના વ્યવહારો કરી બૅન્કના એકાઉન્ટ દ્વારા જમા ઉધાર કરી રહ્યા હોય ત્યારે તેમને સહુને એકસરખી તેમ જ જ્યારે પણ જોઈએ ત્યારે માહિતી મળવી જોઈએ. જુદા જુદા ટાઇમઝોન પરથી કામ કરનારાઓ વચ્ચે સમયનો વિલંબ થવાની પૂરી શક્યતા છે.વિકેન્દ્રિત ડેટા પદ્ધતિ કાં તો યુઝર્સને જ્યારે પણ તેને જરૂર પડે ત્યારે માહિતી આપી શકે અથવા તો તમામ યુઝર્સ વચ્ચે એકસરખા ડેટા કે માહિતી આપી શકે, પરંતુ બંને જરૂરિયાતો એકસાથે સંતોષી શકે નહીં. માયનીંગના સંદર્ભે વાત કરીએ તો, એક રાઉન્ડ દરમ્યાન અલગ અલગ નૉડ દ્વારા તૈયાર થઈ રહેલા બ્લોક પૈકી એક જ બ્લોકને નૉડ વચ્ચેની સંમતિના આધારે તેને કડીમાં જોડવામાં આવે છે પણ બ્લોકને કડીમાં જોડી દીધા પછી પણ અગાઉના રાઉન્ડ દરમ્યાન તૈયાર થયેલા જૂના બ્લોક પર કેટલાક માયનીંગ નૉડ માયનીંગની પ્રક્રિયા ચાલુ રાખે તો ?
ડિજીટલ કે ક્રિપ્ટોકરન્સીમાં બેવડી ચૂકવણી (ડબલ સ્પેન્ડિંગ)નો પ્રશ્ન વ્યાપક છે. ચલણી નાણાંના ઉપયોગમાં આ પ્રશ્ન ઉપસ્થિત નથી થતો, દા.ત. દસ રૂપિયાની નોટનેએક વાર વાપરીને વ્યક્તિ દસ રૂપિયાની જ ચીજવસ્તુ ખરીદી શકે છે. ત્યાર પછી તેની પાસે રહેલી દસ રૂપિયાની નોટ વેચનાર પાસે જતી રહે છે. ક્રિપ્ટોકરન્સીમાં આર્થિક લેવડદેવડ વખતે યુઝર્સને ડિજિટલ ટોકન આપવામાં આવે છે. ડિજિટલ ટોકનનો એક વાર ઉપયોગ થાય એટલે તેની ચકાસણી કરીને તેના આધારે થયેલી લેવડદેવડ પૂરી થયેલી ગણાય. પરંતુ એક જ ડિજિટલ ટોકનનો બે કે તેથી વધુ વાર ખરીદી માટે ઉપયોગ કરવામાં આવે તો ? વિકેન્દ્રિત પદ્ધતિમાં અલગ અલગ સ્થાનેથી થતા રહેતા વ્યવહારોમાં વિલંબ થતો હોય છે અને ત્યારે એકનો એક ડિજિટલ ટોકન એકથી વધુ વાર ઉપયોગમાં લેવાઈ જાય તેવી શક્યતા છે. જો કે ડબલ સ્પેન્ડિંગનો પ્રશ્ન નિવારવા માટે પ્રૂફ ઑફ વર્ક, પ્રૂફ ઑફ સ્ટેક જેવા આલ્ગોરિધમ ઉપલબ્ધ છે. સાયબર હૅકર્સ આ પદ્ધતિમાં રહેલા છીંડાં શોધીને એક જ ડિજિટલ ટોકનનો એકથી વધુ વાર ઉપયોગ કરવાના પ્રયત્નમાં સતત લાગેલા જ હોય છે જે ચિંતાજનક છે !નોંધપાત્ર બાબત એ પણ છે કે બ્લોકચેઇન ટેકનોલૉજીમાં થઈ રહેલા સંશોધન તેમ જ તે ક્ષેત્રમાં ઝંપલાવવા માટેની તત્ત્પરતાને ધ્યાનમાં લેતાં આવનારાં વર્ષોમાં બ્લોકચેઇન આધારિત એપ્લિકેશનનો વિસ્તાર વધતો જશે. માટે જ ગાર્ટનરનું અનુમાન સાચું લાગે છે કે 2030 સુધીમાં બ્લોકચેઇનનું ધંધાકીય મૂલ્ય 3.1 ટ્રિલિયન ડૉલર થઈ જશે.