• 25 September 2023

    ધ જર્ની વર્લ્ડ

    માસ્ક ફેસ્ટીવલ

    0 36





    સૌપ્રથમ આપણે વાત કરીશું – કાર્નિવાલની. કાર્નિવાલ નામ સાંભળ્યુ એટલે તમારા મનમાં બ્રાઝિલનું રિયો-દી-જેનીરો શહેરની યાદ આવી ગઈ હશે. કાર્નિવાલ એક એવો સાર્વજનિક તહેવાર કે જેની ઉજવણી કરવા લોકો આખા ગામમાં રંગબેરંગી માસ્ક અને કપડાઓ પહેરીને એક પરેડમાં નીકળે છે અને આનંદ-ઉત્સાહથી નાચે છે, ગાય છે, રમતો રમે છે વગેરે. તો ચાલો જાણીએ કે આ કાર્નિવાલની શરૂઆત કઈ રીતે થઈ ? એનો ઈતિહાસ તેમજ શું કામ એને માસ્ક ફેસ્ટીવલ કહેવામાં આવે છે ?


    પરિચય :- પહેલા આપણે કાર્નિવાલ શબ્દનો પરિચય લઈએ. “કાર્નિવાલ” અથવા “કાર્નિવાલે” શબ્દ લેટીન ભાષાનાં “કાર્નિમ લેવરે” અથવા “કાર્નેલેવરીયમ” માંથી લેવામાં આવેલ છે જેનો અર્થ “માંસની વિદાય” અથવા “દૂર કરવું” એવો થાય છે. ખ્રિસ્તી પરંપરા અનુસાર – અહીં ઈસ્ટરનાં 40 દિવસ પહેલાં ખ્રિસ્તિયન લોકો માંસ ખાવાનું છોડી દે છે, જેમ આપણે શ્રાવણ મહિનામાં લસણ-ડૂંગળી છોડી દઈએ છે તેમ. કાર્નિવાલ દર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં મનાવવામાં આવે છે. તે એશ બુધવારના લગભગ બે સપ્તાહ પહેલા શરૂ થાય છે. અને શ્રોવ મંગળવાર સુધી ચાલે છે, જે ‘ફેટ ટ્યુઝ ડે’ તરીકે પણ ઓળખાય છે. ફ્રેંચમાં તેને “માર્ડી ગ્રેસ” અને ઈટલીયનમાં તેને “માર્ટેડી ગ્રાસો” તરીકે ઓળખવામાં આવે છે. કાર્નિવાલ એક એવો તહેવાર છે જેમાં સાર્વજનિક રીતે પરેડ કે સરઘસ કાઢવામાં આવે છે અને તેમાં લોકો રંગબેરંગી માસ્ક, ટોપીઓ પહેરીને વિવિધ વેશભૂષા ધારણ કરીને શામેલ થાય છે. પરેડમાં લોકો હર્ષોલ્લાસથી નાચતા ગાતા આખા ગામમાં ફરતાં. કાર્નિવાલની શરૂઆત ઈટલી દેશનાં વેનિસ શહેરમાંથી થયેલ છે, ત્યારપછીથી યુરોપ, બ્રાઝીલ જેવા દેશોમાં પણ મનાવવામાં આવ્યો હતો. વેનિસનો “કાર્નિવાલ” તહેવાર એ દેશ અને દુનિયામાં મનાવવામાં આવતા તહેવારોમાં સૌથી પ્રાચીન અને પ્રખ્યાત છે.



    ઈતિહાસ :- હવે આપણે વાત કરીશું, કાર્નિવાલની પાછળના ઈતિહાસની.

    કાર્નિવાલની શરૂઆત 1162માં થઈ હતી. જ્યારે વેનિસના લોકોએ એક્વિલીયા (પ્રાચીન રોમન શહેર) પર જીત મેળવી હતી તેની ખુશીમાં વેનિસનાં લોકો રસ્તાઓ પર આવીને નાચવા તેમજ ગાવા માંડ્યા હતા. આ ઘટનાને એક ઉત્સવ તરીકે લેવામાં આવી હતી, જેને આજ સુધી દર વર્ષે મનાવવામાં આવે છે. કાર્નિવાલ મનાવવાનું એક બીજુ કારણ પણ છે – જ્યારે વેનિસની એક્વિલીયા પર જીત મેળવવા પાછળ પિયાઝાસાન માર્કોના 12 આખલા, ડુક્કર અને અમુક કેદીઓ મરાયા હતા તો તેની પાછળ દર વર્ષે લેંટ મહિનાના પવિત્ર ગુરૂવારના રોજ શ્રદ્ધાંજલી આપવામાં આવે છે. આ દિવસે આ બે કારણોસરથી કાર્નિવાલ મનાવવાની શરૂઆત થઈ હતી.


    ત્યારપછીથી તો માસ્ક એ કાર્નિવાલની ઓળખ બની ગઈ હતી. કેમ કે અહીં દરેક લોકોનાં માસ્કમાં વિશેષતા જોવા મળતી હતી. કોઈ એના વ્યવસાય મુજબ તો કોઈક એનાં શોખ અને એની કલા-કારીગરી મુજબ માસ્ક પહેરતા. અહીં વેનેશિયન લોકો 26 ડિસેમ્બરથી કાર્નિવાલનાં અંત સુધી માસ્ક પહેરતા. 18મી સદી સુધીમાં તો વેનિસનો કાર્નિવાલ દેશ વિદેશમાંથી આવતા પર્યટકો માટે મહત્વનું આકર્ષણનું કેંદ્ર બની ગયો હતો. જેણે આખા યુરોપને આકર્ષ્યુ હતુ. આ તહેવાર એ સમયમા લગભગ છ મહિના સુધી ચાલ્યો હતો,અને ત્યારે વેનિસમા સતત છ મહિના સુધી ડાન્સ, મ્યુઝિક, કેસિનો તેમજ અન્ય સેલિબ્રેશનો ચાલ્યા હતા.


    પરંત દુર્ભાગ્યવશ વર્ષ – 1797 માં જ્યારે નેપોલિયને વેનિસ સાથેની કેમ્પો-ફોર્મિયોની ટ્રીટી પર હસ્તાક્ષર કર્યા ત્યારપછીથી કાર્નિવાલનું પતન થવા લાગ્યુ હતુ. વેનિસ હવે ઓસ્ટ્રીયાનો ભાગ બની ગયો હતો માટે ત્યાં કાર્નિવાલ પર પ્રતિબંધ લાગી ગયો હતો. કાર્નિવાલ લગભગ બે સદીઓ સુધી વેનિસમાં બંધ રહ્યો હતો, પરંતુ 1980માં કાર્નિવાલ નવુ જીવનદાન મળ્યું હોય તેમ ફરીથી એજ વિશિષ્ટ પરંપરાઓ સાથે ઉજવવાનો શરૂ થઈ ગયો હતો, જેમાં વેનિસ વિશ્વભરનાં પ્રવાસીઓ માટે કાર્નિવાલનું શ્રેષ્ઠ સ્થળ બની ગયુ હતુ, કાર્નિવાલનું હબ બની ગયુ હતુ. અને છેક આજ સુધી યથાવત્ છે. હવે તો યુરોપ, બ્રાઝીલ વગેરે દેશોમાં પણ કાર્નિવાલ જોરશોરથી મનાવવામાં આવે છે.



    માસ્કની વિશેષતા :- હવે આપણે કાર્નિવાલનું મુખ્ય આકર્ષણ એવા માસ્ક વિશે જાણીશું.


    માસ્ક હંમેશાથી કાર્નિવાલનું મુખ્ય આકર્ષણ રહેલું છે. વેનિસમાં ફેબ્રુઆરી મહિનો હોય ત્યારે ત્યાંની દરેક શેરીઓમાં તમને વિવિધ પ્રકારનાં અતરંગી માસ્ક પહેરેલા લોકો જ જોવા મળશે. ખાસ કરીને સેન્ટ માર્ક સ્ક્વેરમાં મોટી સંખ્યામાં રંગબેરંગી પીછા તેમજ અવનવી જ્વેલરી વાળા માસ્ક પહેરેલા લોકો કાર્નિવાલની શોભા વધારતા જોવા મળશે. માસ્ક પહેરવાનો મુખ્ય હેતુ – ઓળખાણ છુપાવવાનો પણ હોય છે અને પ્રોટેક્ટ કરવાનો પણ હોય છે. 26 ડિસેમ્બરથી લઈને ફેબ્રુઆરીનાં માર્ટેડી ગ્રેસો કે જેને શ્રોવ મંગળવાર કહેવામાં આવે છે ત્યાં સુધી લોકો માસ્ક પહેરે છે. આ સમય દરમિયાન લોકો બધા જ પ્રકારનાં સામાજિક ભેદભાવ ભૂલાવીને અમીર-ગરીબ સાથે મળીને આ તહેવાર મનાવે છે.


    કાર્નિવાલમાં શરૂઆતથી જ માસ્ક પહેરવામાં નહોતા આવતા. માસ્ક પહેરવાની શરૂઆત 13મી સદીથી થઈ હતી. માસ્ક પહેરવાનો મુખ્ય હેતુ કોઈ પણ જાતનું સામાજિક પદ કે ભેદભાવ ભૂલીને આ તહેવાર ઉજવવાનો હતો. માસ્ક પહેરવાથી પહેચાન છુપાવી શકાય છે એટલે કોણ શામેલ થયુ હોય એ ખબર જ ન રહેતી. પહેલા મહિલાઓ માટે કોઈ સાર્વજનિક ઉત્સવમાં શામેલ થવાનું નહોતુ એનુ મુખ્ય કારણ એની સુરક્ષા વગેરે હતુ પરંતુ કાર્નિવાલમાં માસ્ક પહેરવાની સિસ્ટમ આવી ત્યારથી મહિલાઓ પણ હોંશેહોંશે નિઃસંકોચપણે શામેલ થઈ શકતી હતી. પહેલા કાર્નિવાલમાં માસ્ક પહેરવાનુ બહુ ચલણ નહોતુ જેને શોખ હોય તે જ પહેરતા, પરંતુ 10 એપ્રિલ, 1436નાં રોજ માસ્ક બનાવનારા “માસ્કેરરી” લોકોને માસ્ક બનાવવાની ઓફીશ્યલી પરમિશન આપી હતી અને સમાજમાં એક વિશેષ સ્ર્થાન પણ મળ્યુ હતુ. માસ્કનો ગેરઉપયોગ થવાને લીધે માસ્ક પહેલા મંજુર નહોતા.


    શરૂઆતમાં તો કાર્નિવાલમાં સાદા માસ્ક પહેરવામાં આવતા હતા. માસ્ક બનાવવા માટે ચામડું, ચિનાઈ માટી તેમજ કાચનો ઉપયોગ કરીને બનાવવામાં આવતું અને શરૂઆતમાં જનરલી સફેદ રંગનાં માસ્ક જ પહેરાવામાં આવતા. પરંતુ સમય જતા અને લોકોની ક્રિએટીવિટી ઉમેરાતા માસ્ક વિવિધ રંગોનાં તેમજ સોનાનાં પાન, હાથથી રંગેલા અને બનાવેલા પીછાઓ વગેરેથી સજાવેલા લોકો પહેરવા માંડ્યા. અમુક લોકો તો એનાં વ્યવસાય મુજબના માસ્ક પહેરતા જે એના વ્યવસયાને પ્રસ્તુત કરતા અને મહત્વ દર્શાવતા. અહીં માસ્કનો ઉપયોગ ઘણીવાર પ્રતિકાત્મક રીતે અને વ્યવસાયિક કાર્ય માટે થતો હતો. આજનાં આધુનિક સમયમાં મોટાભાગનાં ઈટાલીયન માસ્ક ગેસો, સોનાનાં પાન, રત્નો, કુદરતી પીંછાઓ વગેરેનાં જોવા મળે છે.



    કાર્નિવાલમાં અમુક ખાસ પ્રકારની શૈલીનાં માસ્ક પહેરવામાં આવતા અને હજુ પણ પહેરવામાં જે નીચે મુજબ છે :


    1. બૌટા :- આ કાર્નિવાલનું પરંપરાગત માસ્ક છે. કાર્નિવાલમાં શરૂઆતમાં આ જ પ્રકારનાં માસ્ક પહેરવામાં આવતા. આ માસ્ક સફેદ રંગનું હોય છે, જે આખા ચહેરાને ઢાંકી છે અને તે ત્રણ પટ્ટીઓવાળી કાળા રંગની ટોપી સાથે પહેરવામાં આવે છે.


    2. મોર્ટા:- આ માસ્કની શોધ ફ્રાંસમાં થઈ હતી પરંતુ મહિલાઓ માટે વધુ કમ્ફર્ટેબલ હોવાથી તે ઝડપથી વેનિસની મહિલાઓએ અપનાવ્યું હતુ અને કાર્નિવાલમાં ભાગ લેતી વખતે પણ પહેરતી. આમ તો આડે દિવસે આ માસ્ક મહિલાઓ જ્યારે બહાર કોઈ ફંક્શનમાં જતી ત્યારે ઉપયોગમાં લેતી જે સ્ત્રીનાં મૌનને ખાતરી આપતું. આ માસ્ક મહિલાઓ માટે વધુ આરામદાયક અને સરળ રીતે બાંધી શકાય એમ હોવાથી અત્યારના આધુનિક સમયમાં પોપ્યુલર બન્યુ છે.


    3. વોલ્ટો :- આ માસ્કને “લાર્વા” પણ કહેવામાં આવે છે. આ માસ્કનો દેખાવ ભૂત જેવો હોય છે. આ માસ્ક પહેરવામાં ઘણું આરામદાયક હતુ તેમજ લોકો પહેરેલ માસ્કે પણ ખાઈ-પી શક્તા હતા, નહીતર સામાન્ય રીતે ખાવા-પીવા માટે માસ્ક ચહેરા પરથી ઉતારવુ પડતુ હોય છે પણ આમાં એવું નથી થતુ. આ માસ્ક દેખાવમાં મેલ વર્ઝનમાં હોવાથી પુરૂષો દ્વારા કાળી ટોપી સાથે પહેરવામાં આવતુ.


    4. કોલમ્બીના :- આ માસ્ક કંમેડીયાની અભિનેત્રી “ડેલ’આર્ટ” થી પ્રખ્યાત થયું હતુ. એમની માટે એનાં ચહેરાને ઢાંકતુ હાફ માસ્ક બનાવવામાં આવ્યુ હતુ, પરંતુ આ કોલમ્બીના નામનું આખુ માસ્ક એમને વધારે અનુકૂળ આવ્યુ જે એના ચહેરાને સંપૂર્ણપણે ખુબ જ સુંદર રીતે ઢાંકતુ હતુ અને શોભા પણ વધારતું હતુ. જે એમણે એના અભિનયમાં પણ પહેર્યુ અને લોકોમાં ખુબ જ ઝડપથી પ્રખ્યાત થઈ ગયુ હતુ. અત્યારે તો આ માસ્ક સોના, ચાંદી, ક્રિસ્ટલ (સ્ફટીક) અને સુંદર પીંછાઓ વડે શણગારીને બનાવવામાં આવે છે.


    5. મેડીકો ડેલા પેસ્ટે :- આ માસ્ક પક્ષીનાં ચહેરાનાં આકારનું હોય છે. આ માસ્કની શોધ 17મી સદીમાં ચાર્લ્સ લોર્મ નામનાં ફ્રેંચ ફિઝીશયને લોકોને એરબોર્ન રોગથી બચાવવા માટે થઈ હતી, જે સૌપ્રથમવાર ડોક્ટર્સ દ્વારા પહેરવામાં આવ્યું હતુ. આ માસ્કે લોકોને આ રોગથી બચાવવા માટે ખુબ મહત્વની ભૂમિકા ભજવી હતી, જેનાં માનમાં આજે પણ કાર્નિવાલમાં એક યાદગીરીરૂપે આ માસ્ક પહેરવામાં આવે છે.



    વિશેષ :- હવે આપણે આ તહેવારને લગતી વિશેષ બાબતો જાણીશું.

    • આ તહેવાર 1 મહિનો ચાલે છે. જે 27 જાન્યુઆરીએ (એશ વેડ્ન્સ ડે) શરૂ થાય છે અને ફેબ્રુઆરીના બીજા અઠવાડીયા એટલે કે શ્રોવ મંગળવારના રોજ પૂર્ણ થાય છે.
    • આ ફેસ્ટીવલમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન થાય છે જેમ કે – માસ્ક કોમ્પિટીશન, આઈસ સ્કેટીંગ, માસ્કેરાડ બોલ્સ, બેસ્ટ કોસ્ટુમ્સ વગેરે સાથે સાથે લાઈવ મ્યુઝિક કોન્સર્ટ, સ્ટ્રીટ પર્ફોમન્સ, ડાન્સ શો, ફેશન શો વગેરેનું પણ આયોજન થાય છે.
    • આ ફેસ્ટીવલ હવે વૈશ્વિક કક્ષાએ પહોંચી ગયો છે માટે આ તહેવાર ઈટલીની સાથે સાથે બ્રાઝિલ, સ્પેન, પોર્ટુગલ, ફ્રાંસ, યુ.કે., ઓસ્ટ્રેલિયા, અમેરિકા, ભારતનાં ગોવામાં પણ મનાવવામાં આવે છે.

    તો આ વાત હતી - વેનિસ જેના લીધે જગત આખાયમાં પ્રખ્યાત થયુ, એવાં માસ્ક ફેસ્ટીવલની. આમ તો કાર્નિવાલ બધે જ થાય છે પણ જ્યાંથી તેની શરૂઆત થઈ હોય તેની વાત જ અલગ હોય. વેનિસનાં કાર્નિવાલમાં માસ્ક કેંદ્રસ્થાને હોવાથી તે “માસ્ક ફેસ્ટીવલ” તરીકે વધારે ઓળખાય છે. એક એવો તહેવાર જેમાં થોડાક સમય માટે લોકો પોતાનું સોશિયલ સ્ટેટસ ભૂલીને એકસાથે મળીને આ તહેવારને ઉત્સાહથી ઉજવે છે.




    Vishakha Mothiya


Your Rating
blank-star-rating
Sorry ! No Reviews found!