• 21 April 2024

    Tirth Shah

    ઉનાળાના દિવસો

    0 6

    ખરા ઉનાળાની મજા હવે નથી રહી..! જેમકે હું તમને કહું તો ખરો ઉનાળો તો પહેલાનો હતો. અત્યારે ઉનાળો છે પણ તેની અસલ મજા નથી રહી.

    મને કાયમ ઉનાળાની ઋતુ ખાસ ગમતી એની પાછળ ઘણાં કારણ રહેતા. ઉનાળાની ઋતુ ગમવાનું મુખ્ય કારણ તો વેકેશન..! જોયું વેકેશન શબ્દ સાંભળતા જ ઘણા ના ચહેરા ઉપર સહેજ સ્મિત રેલાઈ ગયું હશે..! બાકી બીજી રીતે જોવા જઈએ તો ઉનાળો એટલે વર્ણવી ન શકાય તેવી ઋતુ..!

    " ફાગણ મહિનામાં હોળી જાય એટલે વાતાવરણમાં સહેજ ગરમી વધવા માંડે. વાતાવરણ બપોર જતા સુધીમાં ગરમ થતું જાય. ચૈત્રી નવરાત્રી આવે એટલે સમજવા માંડવાનું કે ઉનાળો ધીરે ધીરે આપણી રાહ જોતો આવી રહ્યો છે. ચૈત્રી નવરાત્રીમાં લીમડાના મ્હોરનું પાણી પીવાથી ઘણા ફાયદા થાય છે. જેમકે તાવ ન આવવો અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થવો.

    આપણામાં એવું કહેવાય છે કે... ચૈત્રી નવરાત્રીના ગાળા દરમિયાન અગાસીએ, ધાબે, ખુલ્લી જગ્યામાં ન સૂવું. જેવી ચૈત્રી નવરાત્રી જાય એટલે ધાબા સફાઈ ચાલુ થઈ જાય. જો મધ્યમવર્ગીય પરિવાર હશે તો ચોક્કસ રાત્રે ધાબે જ સૂઈ જશે અને તેની અસલી મજા માણશે..! ચૈત્ર જાય એટલે વૈશાખ આવે અને વૈશાખ એટલે અસલ ગરમીની ભારે ઋતુ...!

    ઉનાળો આવે એટલે જાણે ખાવા પીવામાં લીલા લહેર. ઉનાળામાં તરબૂચ, ટેટી જેવા પાણીદાર ફળો આવે તો સામે ફળોનો રાજા જેની રાહ આતુરતાથી જોવાતી હોય તેમ કેરી આવે..! ટુંકમાં ફળોની ઋતુ માટે તો ઉનાળો બેસ્ટ ગણાય. જોડે કાચી કેરીની ઉપર મીઠું ભભરાવીને ખાવાથી જે દાંતમાં ઝણઝણાટી થાય એની તો કંઇક ઓર જ મજા છે.

    હજુ તો માંડ ઉનાળો બેઠો હોય ત્યાં અથાણાં, છુંદો બનવાના ચાલુ થઈ જાય. જોડે જોડે બટાકાની વેફર, કાતરી એની રમઝટ જામે. હજુ એટલાથી ધરાયા નથી તો સરેવડા (ચોખાના લોટના પાપડ) એ પણ સાથ આપે. રાત પડે એટલે બરફનો ગોળો એની ઉપર નારિયેળની છીણ... શું બાકી જલસો પડી જાય. બરફના ગોળાની સિવાય માવા ડીશ જેમાં સત્તર ચીજો નાખી હોય.

    રાત્રે ઠંડા પવનમાં તારાઓ ગણતા ગણતા ધાબે સૂઈ જવાનું. ઉનાળાની રાત એટલી જ માદક લાગતી. ઉનાળો ભલે કોઈ મોટા તહેવાર લઈને નથી આવતો છતાંય તેની મહેક એટલી જ લાગે છે. હા, ઘણીવાર ઉનાળાની ગરમી અસહ્ય હોય છે. ઉનાળો એટલે રિલેક્સ ઋતુ... શિયાળામાં જામી ગયા હોય તો ઉનાળો ફ્રી કરી દે.

    નોકરી કરતા વ્યક્તિઓ માટે ઉનાળો એટલો ખાસ નહી હોય પણ વિદ્યાર્થી વર્ગ માટે આજે પણ ઉનાળો તેમની પસંદની ઋતુ છે. ઉનાળાના એ દિવસો યાદ કરું છું તો ક્યાંક આંખમાંથી હર્ષના આંસુ સરી પડે છે..! "

    હવે એવા પહેલા જેવા દિવસો નથી અથવા એવા દિવસોને ઉજવવા વાળા પણ હવે નથી. ખરેખર ઉનાળો દરેકના જીવનમાં કાંઈક ખાસ બનીને આવ્યો જ હશે એની હું ખાતરી લઉં છું.


    આભાર

    તીર્થ શાહ.




    Tirth Shah


Your Rating
blank-star-rating
Sorry ! No Reviews found!