ક્યારેક, કોઈ સમયે આપણાં દૂર જવાથી જો કોઈનું ભલું થતું હોય અને કોઈને શાંતિ થતી હોય કોઈ બિનજરૂરી કલેશ ઉતપન્ન ન થતો હોય તો દૂર થઈ જવું હિતાવહ છે. લાભકારી છે. વાત જાણે એમ છે કે પોતાની અંદર રહેલા અવગુણ આપણે જાણતા હોઈએ છીએ. એવી જ રીતે કેટલાક સારા ગુણ અને ટેવ પણ આપણી અંદર રહેલી હોય છે. સ્વભાવિક છે કે નજીક ના મિત્રો તથા સ્નેહીઓ પણ એ જાણતા હોય. બધાને આપણી બધી કુટેવોની તકલીફ નથી હોતી. કોઈ એવા હોય છે જે આપણા અવગુણ સામે આંખ આડા કાન કરી આપણાં ગુણને ચાહતા હોય. જે સારું છે એ ગ્રહણ કરવાનું અને જે સારું નથી એને ત્યજવું એ માણસ સ્વભાવમાં સહજ ભાવે સ્વીકાર્ય બની જાય તો કદાચ માણસને સમજવામાં વધુ કંઈ તકલીફ ન પડે. કેટલાય સંબંધો તૂટતા બચી જાય.
ક્યારેક કોઈ માણસ - ખરાબ માણસ - (ખરાબ એટલા માટે કે જે સમાજમાં ખુલ્લી રીતે સ્વીકારી શકાય એવી નથી એ બાબતો એના જીવન સાથે સંકળાયેલી છે.) કોઇ બીજા વ્યક્તિના સંપર્કમાં આવે છે. એ વ્યક્તિ એકદમ શુદ્ધ, સાત્વિક છે. જ્ઞાની છે. સરળ છે. સહજ છે. લાંબો સમય સંબંધની સુવાસ ફેલાયા બાદ એકાએક જ્યારે મિત્રતામાં ઓટ આવે છે કે સંબંધમાં સુકારો આવે છે ત્યારે કોણ જવાબદાર હશે? કોઈપણ સંબંધ લાંબો સમય ટક્યા બાદ વિખુટા પડવાનો સમય આવે ત્યારે એક વાત ચોક્કસ યાદ કરવી જોઈએ કે અત્યારે ખામી દેખાઈ અને એ ખામીને કારણે સંબંધની દોરી તૂટે છે ત્યારે અત્યાર સુધી કેમ? અત્યાર સુધી કોઈ ખામી દેખાઈ જ નહીં? અત્યાર સુધી કેમ સાથે હતા?
ક્યારેક કોઈ ખરાબ કે કુટેવ ભરેલો વ્યક્તિ ખુદ સુધારવા માટે પણ બીજાના સંપર્કમાં રહેતો હોય છે. એનો ઈરાદો સામે વાળાને બગાડવાનો નહિ પણ એના સંસર્ગમાં રહીને સામે વાળાની સારી બાબતો ગ્રહણ કરવાનો હોય છે. પરંતુ આપણે શું કરીએ છીએ? બીજાની વાત સાંભળીને કે સામે વાળાની ખાલી મથરાવટી મેલી હોય તો પણ એને ખરાબ સમજીને અને એથી વધુ તમે તમારી નજર સામે જુઓ છો કે એ સુધરે છે તો પણ એનાથી દૂર જતા રહેતા હોઈએ છીએ. એ જોવું જોઈએ કે સમજવું જોઈએ કે જેને સમાજ ખરાબ કહે છે જેને લોકો ખરાબ કહે છે એ શું આપણાં માટે ખરાબ છે?
એનાથી દૂર જઈને આપણે એને જાણ્યે અજાણ્યે વધુ બગડવા કે નાસીપાસ થવાના કારણભૂત બનતા હોઈએ છીએ. ભૂલને ભૂલી જઈને ભૂલ સુધારવાનો મોકો આપે એ સ્વજન. બાકી દુશ્મનીમાં એક ભૂલ કાફી છે.
ટ્વીટ :
"સંબંધ રાખવો તો દિલથી નિભાવી જાણવો. કેમ કે રાખ્યા પછી તૂટે એ કાચના ટુકડા કરતા પણ વધારે તકલીફ આપે છે."