જેવા છો એવા રહો. ખુદને ગમો એવા બનો.
પરિવર્તન એ સંસારનો નિયમ છે. કુદરતની તમામ કારીગરી સમયાનુસાર બદલવાની છે. તમારી મરજી હોય તો પણ અને તમારી મરજી ના હોય તો પણ. નિયતિમાં બધું નક્કી જ છે. તમે ચાહો તો પણ કંઈ જ કરી શકવાના નથી. કઈ જ બદલી શકવાના નથી. જે પરિસ્થિતિ તમારી સામે છે એને તમારે સહર્ષ સ્વીકારવી જ રહી. નક્કી તમારે કરવાનું છે કે રડીને કે લડીને! રડવું કે લડવું એકેય કાયરની નિશાની નથી. પરંતુ જીવન અને આપણાં વિચારો ઉપર બંનેની ઊંડી અસર ચોક્કસ પડે છે.
લોકો મળશે. સલાહ આપશે. પરંતુ સાથ? સૌથી મોટી અત્યારના સમયમાં જો કોઈ દ્વિધા હોય તો એ છે કે લોકો સલાહ આપે છે સાથ નહિ. આમ કર્યું હોત તો આવું ન થાય. ફલાનું ઢીકનું... પરંતુ શું? જે થઈ ગયું કે એ બદલી શકાશે?
માટે થયા પર અફસોસ ન કરતા આગળ વધવું જોઈએ. પોતાના વિચારોથી. પોતાના મનથી. કોઈ કહે તો પણ કોઈ માટે બદલાવું જોઈએ નહીં. કોઈ માટે પોતાનામાં કરેલો બદલાવ એ પોતાના નૈતિક મૂલ્યોની તોહીન છે. તમે બસ તમને ગમો એવા હોવા જોઈએ. તમને લઈને તમને ખુદને સંતોષ થવો જોઈએ. બાકી ખુલાસા આપવા છતાં લોકોનું તમારા તરફનું વલણ ક્યારેય બદલાવાનું નથી. તમે બદલાય ગયા તો પણ લોકો તમારું મૂલ્યાંકન એમની નજરથી જ કરશે.
મતલબ એવો પણ નથી કે માણસે બદલાવું ન જોઈએ. સમય સમયનું કામ કરે છે અને સમય મુજબ માણસમાં પરિવર્તન આવી જ જાય છે. પરંતુ કોઈના માટે ન બદલાવું જોઈએ. કોઈ તમારો સ્વીકાર કરે તો તમે જેવા છો એવા જ સ્વીકારે. તમારા બદલાવના બદલામાં સ્વીકાર એ એક સોદો કહેવાશે. જે સંબંધની શરૂઆત જ સોદાબાજીથી થઈ હોય એ સંબંધ ક્યારેય મંઝિલ સુધી નથી પહોંચતો.
સવારમાં અરીસામાં ખુદનું મોઢું જોતા ચહેરા ઉપર સ્માઈલ આવી જવી જોઈએ. દિવસની શરૂઆત જો સ્મિતથી થશે તો સૂર્યાસ્ત ચોક્કસ સ્મિત સાથે થશે જ. મનમાં જે આવે એ કરો, મનને ગમે એ કરો, હૃદયને ઠંડક મળે એ કરો એવું કરો. પ્રસન્નતા ફક્ત હૃદયને જવાન નથી રાખતી એ ચહેરાને પણ જવાન રાખે છે. કોઈને પૂછીને નિર્ણય ન લેતા ખુદની વિચારશક્તિ મુજબ નિર્ણય લેવા. બીજાના ઢાચામાં ન ઢળતા ખુદની ઓળખ ખુદના દમ ઉપર ઉભી કરવી.
ટ્વીટ :
ખુદને પ્રેમ કરવાથી જગત આખું સુંદર લાગશે. નજરમાં સુંદરતા હશે તો ખુદ સાથે જગત પણ ગમશે. માટે જેવા છો એવા જ રહી સામેના પાત્રોના ગુણદોષ પણ સ્વીકારો. સંબંધમાં સમજણ હશે તો સંબંધમાંથી મહેક કાયમ આવશે.