પોતાની સોચ્ મુજબ લોકો તમારું મૂલ્યાંકન કરશે.
તમે લાખ સારા છો. પરંતુ તમારું વ્યક્તિત્વ તમે જેવું જાહેર કરો છો એવું નહિ જ હોય કે નહીં જ રહે. અહીં બધા પાસે પોતાની અલાયદી સોચ્ છે. લોકો તમે જે છો કે તમે જે બતાવવા માંગો છો એ નહિ પણ એમને જે જોવું છે એ જોશે. મહેનત તમારી હશે છતાં પરિણામ એમના દિમાગથી આવશે. આ સ્વભાવ છે. સ્વાભાવિક છે.
એક કહેવત મુજબ હાથીના દાંત ચાવવાના અલગ અને બતાવવાના અલગ. આ ખોખલી દુનિયામાં આ કહેવત યથાર્થ છે. અહીં દરેક વ્યક્તિ બે વ્યક્તિત્વ ધરાવે છે. બે ધારી તલવાર રાખે છે. કોઈ એવો માણસ મળે કે જે અંદરથી અને બહારથી એક સમાન હોય તો એ આપડા નસીબ.
લોકો તમારા વર્તનને નહિ પરંતુ તમારી ગરજને ઓળખે છે. કામ ખતમ તો આદમી ખતમ. તમારી પાસેથી કામ કઢાવા એ કોઈપણ હદ સુધી જઈ શકે. તમે લાખ સારા છો છતાં પણ તમારું કામ નથી તો તમારાથી કોઈ ફરક પડશે નહિ. સો કામ સારા કર્યા હશે પણ જો એક કામ ખરાબ થશે તો તમારા એ સો કામ પણ ખરાબ થઈ જશે. જે લોકો તમારી પ્રશંસા કરતા થાકતા નથી એ પણ એક કામ ખરાબ થયા પછી નિંદા કરવામાં પાછી પાની નહિ કરે.
કોઈ આપણાં માટે શું વિચારે છે કે શું વિચારશે એનો વિચાર કર્યા વગર જે કરવાનું છે એ દિલથી કરવું જોઈએ. તમે જે કરો છો એ તમારા માટે કરો છો. બીજા માટે નહીં. તમારાથી બીજા કોઈને ફરક પડવાનો નથી. માણસ પોતાની બુદ્ધિ ક્ષમતા મુજબ તમારું આંકન કરશે. તમારું મૂલ્ય આંકશે. આપણે એટલા સસ્તા ન હોવા જોઈએ કે ગમે તે આવી ખરીદી શકે અને એટલા મોંઘા પણ ના હોવા જઈએ કે કોઈ આપણી નજીક પણ ન આવી શકે. વ્યક્તિત્વનો નિખાર તમારા વિચારો છે. તમારો વ્યવહાર છે.
ટ્વીટ:
સમાજ કે કોઈ વ્યક્તિ તમારા માટે શું વિચારશે એ વિચારીને સંકુચિતતા અનુભવવી એ મૂર્ખામી છે. સંકોચ સફળતા કે વ્યવહાર અટકાવી શકે છે.
- jakakanu@gmail.com