કેમ છો બધા? શાળા છોડી થોડોક જ સમય થયો છે અને અહીં ફરીથી શીખવાનું શરૂ થઈ ગયું નહીં? હું અહીં શોપિઝન પરિવારમાં આપ સૌને અંગ્રેજીના ક્લાસમાં સ્વાગત કરું છું.
હું પોતે એક શિક્ષિકા તરીકે ફરજ બજાવું છું. એક સમય હતો કે જ્યારે હું dps અને ખ્યાતિ જેવી સ્કૂલોમાં વિદેશી ભાષાના શિક્ષક તરીકે ફરજ પર હતી. મારા આ બધા જ અનુભવ અને મને શીખવામાં પડેલી અડચણના લીધે મેં તારવેલા કેટલાક મહત્વના મુદ્દાઓને લઈને બને એટલી સરળ ભાષામાં મેં આ પ્રાથમિક અંગ્રેજીનો એક કોર્સ તૈયાર કરેલો છે જે કદાચ આપ સૌ માટે મહત્ત્વનો બની શકે.
તો આજે સૌથી પહેલા આપણે શરૂ કરીએ છીએ કે અંગ્રેજીમાં વાક્ય કેવી રીતે બને છે અને અંગ્રેજીની વોકેબ્યુલરી એટલે કે શબ્દ ભંડોળ કેવી રીતના ભેગું કરવું?
*અંગ્રેજીમાં વાક્ય કેવી રીતે બનાવવા?*
કોઈપણ ભાષામાં શબ્દશઃ ભાષાંતર શક્ય નથી. તેવી જ રીતના ગુજરાતી બોલનાર માણસોએ અંગ્રેજી ભાષામાં પોતાના શબ્દોનું શબ્દશઃ ભાષાંતર કરવું યોગ્ય નથી. આજનો આપણો મુદ્દો ભાષાંતર નથી. આજનો આપણો મુદ્દો છે કેવી રીતે બનાવવા? આ મુદ્દા માટે ઉપરનો મુદ્દો પણ યાદ રાખવો જરૂરી છે. ચાલો વાક્ય બનાવતા શીખીએ એક બે ઉદાહરણથી..
ધારો કે આપણે ગુજરાતીમાં કહીએ છીએ કે હું એક લેખિકા છું.
શરૂઆતમાં જ્યારે તમારે આ વાક્યને અંગ્રેજીમાં બોલવું છે ત્યારે તમને મારી આ પદ્ધતિથી થોડોક વધારે ટાઈમ લાગી શકે એમ છે પરંતુ ભરોસો રાખજો કે આ પદ્ધતિથી મોટા મોટા સંકુલ અને સંયુક્ત વાક્ય પણ ખૂબ સરળતાથી અંગ્રેજીમાં બોલી શકાશે.
સૌથી પહેલા આપણે ગુજરાતીમાં લખાયેલા આ વાક્યને ફરી એક વખત લખી લઈએ.
*હું એક લેખિકા છું.*
હવે આખા વાક્ય ના દરેક શબ્દને આપણે નંબર આપી દઈએ.
*૧. હું*
*૨. એક*
*૩. લેખિકા*
*૪. છું.*
હવે શબ્દે શબ્દનું આપણે ભાષાંતર કરીએ.
હું - I
એક - one /a
લેખિકા- writer
છું.- am
ચાલો હવે ગુજરાતીમાં અપાયેલા ક્રમ પ્રમાણે આપણે નંબર દ્વારા આ વાક્યને પૂર્ણપણે ગોઠવવાની કોશિશ કરીએ.
*સૌથી પહેલાં કરતા મૂકવાનો હોય.
*ત્યાર પછી ક્રિયાપદ આવે.
*પછીથી બાકીના વાકયો લખવાના હોય.
ચાલો હવે જોઈએ કે જો આપણે ઉપરના મુદ્દાઓને ધ્યાનમાં રાખીએ તો આપણે સૌથી પહેલા એક નંબર લખવો પડે.
પછી ચાર નંબર લખવો પડે.
પછી વિશેષણ હોવાથી બે નંબર લખવો પડે.
અને છેલ્લે 3 નંબરનો વારો આવે.
ચાલો આ જ ક્રમમાં આપણે આખું વાક્ય લખીએ.
I am a writer.
રાઇટર એ અંગ્રેજીમાં કોઈ જાતિ દર્શાવતું નથી. તેથી આપણે તેને રાઇટર જ રહેવા દઇશું.
વિશેષણ તરીકે 'a' આવે 'one' નહીં.
જોયું? કેટલું સરળ હતું આ વાક્યને અંગ્રેજીમાં બોલવું?
આપણો આ કલમનો બીજો મુદ્દો છે
*આપણે શબ્દ ભંડોળ કેવી રીતે ભેગું કરવું?*
શબ્દ ભંડોળ ભેગું કરવા માટે અહીં ફક્ત એક નાનકડો સૂચન કરું છું. કોશિશ કરજો કે આપ એના પર અમલ કરી શકો.
*આપને રોજના ૧૦ નવા શબ્દો શોધવાના છે.
જો આપ આજથી ચાલુ કરો છો તો ઉપરના વાક્યના ચાર શબ્દો તમે નવા શોધી ચૂક્યા છો.
*આ 10 નવા શબ્દો ને ક્યાં અને કેવી રીતે વપરાય તે શોધવાનું છે અને એનો ઉપયોગ એ દિવસમાં રાત્રે સૂતા પહેલાં કરવાનો છે.
ખાલી શોધવું અગત્યનું નથી. શોધીને તેને યોગ્ય રીતે વાપરવું પણ તેટલું જ અગત્યનું છે.
ગુજરાતીઓ અંગ્રેજી ભાષાને એક હાઉ સમજે છે. પણ મારો અનુભવે એવું કહે છે કે ગુજરાતી જો મનમાં ધારી લે ને તો અંગ્રેજી તો શું ગમે તે ભાષા શીખી શકે.
બસ આવી જ નાનકડી ટિપ્સ લઈને હું આવતા ગુરુવારે ફરીથી હાજર થઈશ. ત્યાં સુધી મેં આપેલી ટિપ્સ ઉપર કામ કરજો અને મને જણાવજો કે તેનાથી આપ સૌને કેટલો ફાયદો થયો?
એક સૌથી અગત્યની વાત..
અંગ્રેજી શીખવું ખૂબ જરુરી છે. કારણ કે આજના જમાનામાં દરેક કામકાજ માટે અંગ્રેજીનું જ્ઞાન હોવું જરૂરી છે.
પરંતુ અંગ્રેજી એ આપણા બુદ્ધિમત્તાના ગુણ નથી. જો આપણને અંગ્રેજી નથી આવડતું તો એનો મતલબ એ નથી થતો કે આપણે દુનિયાના કોઈપણ માણસ કરતાં પાછળ છીએ.
આ વાત હંમેશા ધ્યાન રાખજો અને મારી આ કોલમ ને હંમેશા વાંચતા રહેજો.
અંગ્રેજો આપને કોઈ પણ પ્રશ્ન છે કે આપ મને કાંઈ પૂછવા માંગો છો તો આપ શોપિઝન ટીમને મેલ કરીને આ પૂછી શકો છો અથવા તો કોમેન્ટમાં લખી ને પૂછી શકો છો.
આપના પ્રતિભાવો અને આપના અનુભવો મને જણાવતા રહેજો. આવતાં ગુરુવારે ફરી મળીશું નવી ટિપ્સ સાથે.. ત્યાં સુધી પૂજાના અંગ્રેજી એટીટ્યુડ ને વાંચતા રહો.
આપ સૌને પૂજાના જય શ્રી કૃષ્ણ.